મુલતાની માટીમાં છુપાયેલું છે સુંદરતાનું રહસ્ય

08 August, 2019 11:42 AM IST  |  મુંબઈ ડેસ્ક | વર્ષા ચિતલિયા - લેડીઝ સ્પેશ્યલ

મુલતાની માટીમાં છુપાયેલું છે સુંદરતાનું રહસ્ય

મુલતાની માટી

લેડિઝ સ્પેશ્યલ

મુલતાની માટીના નામથી લગભગ તમામ મહિલાઓ વાકેફ હશે જ. ચહેરા અને વાળના સૌંદર્ય માટે પ્રાચીન કાળથી મહિલાઓ એનો ઉપયોગ કરતી આવી છે. હવે તો માર્કેટમાં જુદી-જુદી બ્યુટી પ્રોડક્ટ્સ આવી ગઈ છે તેમ છતાં સૌંદર્ય માટે કુદરતે બક્ષેલી મુલતાની માટીનો મહિમા ઓછો થયો નથી એનાં ઘણાં કારણો છે. આ કોઈ સામાન્ય માટી નથી, એની ગણના ઔષધિમાં પણ થાય છે. માત્ર સૌંદર્ય માટે જ નહીં, ચર્મરોગ અને ત્વચાને લગતી અનેક સમસ્યામાં મુલતાની માટી રામબાણ ઇલાજ છે. અંગ્રેજીમાં ફુલર્સ અર્થ તરીકે ઓળખાતા આ પ્રાકૃતિક ખજાનાના ગુણધર્મો, હેલ્થ બેનિફિટ તેમ જ આડઅસર વિશે વાત કરીએ.

ક્યાં મળે છે?
મૂળ પાકિસ્તાનમાં આવેલા મુલતાન ક્ષેત્રમાં નરમ પથ્થર સ્વરૂપે મળી આવતી પીળી, ચીકણી માટી મુલતાની માટી તરીકે ઓળખાય છે. મૅગ્નેશિયમ, કૅલ્શ્યિમ, આયર્ન સિલિકા, કેલ્સાઇટ અને ડોલોમાઇટ જેવાં ખનિજ તત્ત્વોથી ભરપૂર આ માટીમાં ગજબની શક્તિ છે. પાકિસ્તાન ઉપરાંત ભારતના રાજસ્થાનમાં આવેલા સોજત, કોટા અને બિકાનેરમાં પણ મોટા પ્રમાણમાં મુલતાની માટી મળી આવે છે. કહેવાય છે કે માનવીનું શરીર જે પાંચ તત્ત્વોથી બનેલું છે એમાં એક છે માટી. એટલે જ ત્વચાના શુદ્ધિકરણમાં આ માટી ચમત્કારિક સાબિત થઈ છે. અધિક માત્રામાં તેલ અને પાણીને શોષવાની ક્ષમતા ધરાવવાનો ગુણ હોવાને કારણે ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવવા સદીઓથી મહિલાઓ એનો પ્રયોગ કરતી આવી છે. માર્કેટમાં સહેલાઈથી ઉપલબ્ધ મુલતાની માટી એના ગુણધર્મોના કારણે આજે પણ એટલી જ પૉપ્યુલર છે. કૉસ્મેટિક વર્લ્ડ ઉપરાંત મેડિસિન અને વુલ ઇન્ડસ્ટ્રીમાં પણ એનો ઉપયોગ થાય છે. પર્યાવરણની સુરક્ષા માટે ઇન્ડસ્ટ્રિયલ ઑઇલના રીજનરેશનમાં પણ મુલતાની માટીનો બહોળો ઉપયોગ થાય છે.

ત્વચાની સુંદરતા
અગાઉના સમયમાં ત્વચાના ટેક્સચરને સુધારવા મહિલાઓ મુલતાની માટીનો લેપ લગાવતી હતી. અનેક દેશોમાં આ માટી વાઇટનિંગ ક્લે તરીકે ઓળખાય છે. એમાંથી બનાવેલો લેપ ત્વચાને કુદરતી રીતે ઠંડક પ્રદાન કરે છે. સૂર્યનાં કિરણોથી ત્વચાને સુરક્ષિત રાખવા મુલતાની માટીમાંથી બનાવવામાં આવેલાં સૌંદર્યપ્રસાધનો વાપરવાં જોઈએ એવું શોધી કાઢવામાં આવ્યું છે. મુલતાની માટી પ્રાકૃતિક સ્ક્રબ અને એક્સફોલિએટરનું કામ કરે છે. ચહેરા પર લગાવવાથી ખીલથી છુટકારો મળે છે અને ડાઘ-ધબ્બા દૂર થાય છે. ત્વચામાંથી ઉત્પન્ન થતા અતિરિક્ત તેલને શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. મુલતાની માટી બેસ્ટ ક્લેન્ઝિંગ પ્રોડક્ટ છે. એના ઉપયોગથી ડેડ સ્કિન દૂર થાય છે.

ચહેરાને મુલાયમ, યુવાન અને હાઇડ્રેટેડ રાખવા છેલ્લા થોડા દાયકાથી ફેશ્યલ કરાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. ફેશ્યલ મસાજ અને સ્ટીમિંગ બાદ ખૂલી ગયેલાં છિદ્રોને એના મૂળ સ્વરૂપમાં લાવવા મુલતાની માટીમાંથી બનાવવામાં આવેલા ફેસપૅકનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. કૉસ્મેટિક વર્લ્ડમાં મુલતાની માટીની ઉપયોગિતા વિશે વાત કરતાં નેચરોપૅથ સરલા વોરા કહે છે, ‘મુલતાની માટીમાંથી બનાવેલા ફેસમાસ્ક ત્વચાને તાજગી બક્ષે છે અને સ્કિનને ટાઇટ રાખવાનું કામ કરે છે. મોટા ભાગના ફેસપૅકમાં મુલતાની માટીનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ એક સારું સ્ક્રબ છે. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર એક મિનિટ ઘસો. બ્લૅક હેડ્સ અને વાઇટ હેડ્સ દૂર થઈ જશે. એના ફેસપૅકથી સનબર્ન, પિગ્મેન્ટેશન, ઍક્ને વગેરેમાં પણ ખૂબ ફાયદો થાય છે.’

હેરકૅર
મોટા ભાગની મહિલાઓ મુલતાની માટીનો ઉપયોગ ત્વચાને નિખારવા માટે જ કરતી હોય છે. જોકે હવે તો મુલતાની માટીમાંથી બનાવવામાં આવેલા હેરપૅક પણ પૉપ્યુલર બન્યા છે. આવા હેરપૅક વાળમાંથી વધારાનું તેલ શોષી લે છે. એથી એનો વપરાશ વધ્યો છે. અનેક મહિલાઓ મુલતાની માટીમાં આમળાનાે રસ ભેળવી વાળમાં લગાવે છે. માત્ર ત્વચાના સૌંદર્યમાં જ નહીં, વાળની સુંદરતામાં પણ મુલતાની માટી એટલી જ ઉપયોગી છે એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘મુલતાની માટી શૅમ્પૂ અને કન્ડિશનર બન્નેનું કામ કરે છે. અનેક મહિલાઓ વાળ ધોવા માટે શૅમ્પૂના વિકલ્પ તરીકે મુલતાની માટી વાપરે છે. માથું ધોતાં પહેલાં એને હેરપૅકની જેમ લગાવી ધોવાથી વાળ સ્વચ્છ થાય છે તેમ જ સુંવાળા અને મુલાયમ બને છે. ખનિજ તત્ત્વોમાંથી વાળને પોષણ મળે છે જે કન્ડિશનરની ગરજ સારે છે. વાળના મૂળમાં મુલતાની માટી લગાવવાથી રક્તનો સંચાર થાય છે અને વાળ ઝડપથી વધે છે. નિયમિત પ્રયોગ કરવાથી ડૅન્ડ્રફથી છુટકારો મળે છે. ધૂળ અને પ્રદૂષણના લીધે વાળની નીચેની ત્વચામાં જમા થયેલી ગંદકીને દૂર કરવા મુલતાની માટી શ્રેષ્ઠ ઉપચાર છે.’

હેલ્થ બેનિફિટ
ઍન્ટિસેપ્ટિકનો ગુણ ધરાવતી મુલતાની માટી શરીરના હાનિકારક બૅક્ટેરિયાને મારવાનું અને બૉડી ડિટૉક્સનું કામ પણ કરે છે. સ્ક્રિન ઇરિટેશનમાં સારવાર તરીકે એનો ઉપયોગ કરી શકાય. નેચરોપથીની દૃષ્ટિએ બૉડી ડિટૉક્સિફિકેશન માટે માટી જરૂરી છે. માત્ર ચહેરા પર જ નહીં, એને આખા શરીરે લગાવવી જોઈએ. એમાં હાનિકારક બૅક્ટેરિયાને મારવાની ક્ષમતા છે. એક્ઝિમા, થકાવટ અને માથાના દુખાવામાં મુલતાની માટીનો પ્રયોગ કરવાથી લાભ થાય છે. સ્વાસ્થ્ય માટે મુલતાની માટી કઈ રીતે ઉપયોગી નીવડી શકે છે એ સંદર્ભે વધુ વાત કરતાં સરલા વોરા કહે છે, ‘મુલતાની માટી ખનિજ પદાર્થોથી ભરપૂર ઔષધિય માટી છે તેથી નેચરોપેથીની મડ થેરપી અને અન્ય ઉપચારોમાં એનો મહત્તમ ઉપયોગ થાય છે. ત્વચા સંબંધિત અનેક રોગમાં મુલતાની માટી અને બન્ટોનાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. માટીમાં દહીં, મધ, લીંબુનાં ટીપાં અને તેલ ઉમેરી લેપ બનાવી ત્વચા પર લગાવવાથી વિવિધ પ્રકારના વિકાર દૂર કરી શકાય છે.’

સાઇડ ઇફેક્ટ
મુલતાની માટી લગાવવાથી આમ તો કોઈ આડઅસર થતી નથી, પરંતુ એનો અતિશય ઉપયોગ ટાળવો જોઈએ એવી ભલામણ કરતાં સરલા વોરા કહે છે, ‘મુલતાની માટીને ચહેરા કે વાળમાં પંદરથી વીસ મિનિટ જ લગાવવી જોઈએ. ઘણી મહિલાઓ સાવ સુકાઈને કડક થઈ જાય ત્યાં સુધી એને લગાવીને રાખે છે. આ રીત ખોટી છે. મુલતાની માટીને લાંબા સમય સુધી લગાવીને રાખવાથી ત્વચા શુષ્ક બને છે અને વાળ બેજાન થઈ જાય છે. આ માટીના વિવિધ ફાયદા હોવાથી નિયમિતરૂપે વાપરવી જોઈએ, પરંતુ રોજ-રોજ વાપરવાથી વિપરીત અસર થઈ શકે છે. ત્વચા અને વાળના પ્રકારને તપાસી જરૂરિયાત અનુસાર આઠ-દસ દિવસે ઉપયોગમાં લઈ શકાય.’

ઘણી મહિલાઓને માટી ખાવાની ટેવ હોય છે. ઘરમાં મુલતાની માટી પડી હોય તો તેમને ખાવાની ઇચ્છા થઈ જાય છે. આ એક પ્રકારનો ઇટિંગ ડિસૉર્ડર છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની બીમારી ધરાવતી મહિલાઓ બૅક્ટેરિયા અને જીવજંતુયુક્ત માટીનું સેવન કરતી હોય છે એની સરખામણીએ મુલતાની માટી ઓછી નુકસાનકારક છે. જોકે કોઈ પણ પ્રકારની માટી ખાવાથી કિડની સ્ટોનની સંભાવના વધી જાય છે તેથી માટી ખાવાથી બચવું જોઈએ. સદીઓથી સૌંદર્ય સંબંધિત ઉપચારોમાં અગત્ય ધરાવતી મુલતાની માટી વાપરવામાં સરળ, સહેલાઈથી ઉપલબ્ધ અને સસ્તી છે એ જ એની ખાસિયત છે.

આટલું ધ્યાન રાખો
મુલતાની માટી આમ તો સસ્તી અને દેખાવમાં સાધારણ છે તેમ છતાં બનાવટી પ્રોડક્ટ ખરીદવાથી બચવા એના રંગ પર ખાસ ધ્યાન આપો. પીળો રંગ હોય એવી માટી જ લેવી

મુલતાની માટીમાં પાણીને શોષી લેવાનો ગુણ છે તેથી એને ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરીને રાખવી જોઈએ નહીંતર પાણીના કારણે નરમ પડી ખરાબ
થઈ જશે

આ પણ વાંચો : Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

ફેસપૅકને ફ્રિજમાં રાખવા હોય તો ઍરટાઇટ કન્ટેનરમાં રાખવા.
- દૂધ અથવા દહીં ભેળવી બનાવવામાં આવેલા પૅકને રાખી ન મૂકવા

મુલતાની માટી નૅચરલ પ્રોડક્ટ છે તેથી એની કોઈ એક્સપાયરી ડેટ નથી, પરંતુ એમાંથી બનાવેલા ફેસપૅક અને હેરપૅકમાં અન્ય પદાર્થો ઉમેરવામાં આવ્યા હોવાથી એક્સપાયરી ડેટ ચેક કરી વાપરવા

Varsha Chitaliya columnists