ફૂટ માસ્ક રાખશે પગના તળિયાને સ્વચ્છ અને સુંદર

11 April, 2019 10:45 AM IST  |  | વર્ષા ચિતલિયા

ફૂટ માસ્ક રાખશે પગના તળિયાને સ્વચ્છ અને સુંદર

ફુટ માસ્ક

લેડીઝ સ્પેશ્યલ

સુંદરતાની વાત આવે ત્યારે સામાન્ય રીતે ચહેરા અને વાળને જ પ્રાધાન્ય આપતી મહિલાઓને ફૂટ માસ્ક શબ્દ થોડો લક્ઝુરિયસ લાગશે, પરંતુ પગની કાળજી માટે મહિલાઓમાં વધી રહેલી સભાનતાના કારણે આ પ્રોડક્ટ લેટેસ્ટ બ્યુટી ટ્રેન્ડ બની છે. ઉનાળામાં પગની સુંદરતાની અવગણના કરી જ ન શકાય, કારણ કે આ સીઝનમાં તમે સૅન્ડલ્સ અને ફ્લિપ પહેરવાનું વધુ પસંદ કરો છો. આ પ્રકારનાં પગરખાંમાં પગ ઉઘાડા રહે છે તેથી એની એક્સ્ટ્રા કૅર લેવી પડે છે.

જરા કલ્પના કરો કે તમે પાર્ટી માટે સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો છે, ટ્રેન્ડી હેરકટ કરાવ્યા છે, સુંદર મેક-અપ કર્યો છે, હાઈ હિલ્સનાં સૅન્ડલ પહેર્યા છે, પણ પગનાં તળિયાંમાં ક્રેક હોય અથવા તડકામાં ટૅન થઈ ગયેલા પગ પર કોઈની નજર પડે તો કેવું દેખાય? આકર્ષક પર્સનાલિટી માટે હેડ ટૂ ટો બધું જ વ્યવસ્થિત હોવું જોઈએ એવો આગ્રહ રાખવો ખોટો નથી. આજે આપણે પગને નરમ અને મુલાયમ રાખતા ફૂટ માસ્ક વિશે વાત કરીએ.

શું છે ફૂટ માસ્ક?

જેલ અને રબરની જેમ પગના તળિયામાં ચોંટી જતાં ફૂટ માસ્કને પિલિંગ માસ્ક પણ કહેવાય છે. આ માસ્ક ફેશ્યલ મસાજ બાદ ચહેરા પર લગાવવામાં આવતા મોલ્ડિંગ માસ્ક જેવા જ હોય છે. સ્ટ્રોબૅરી, કોલોન, લેમન, ઍપલ, ચૉકલેટ, એલોવિરા, લવન્ડર એમ વિવિધ ફ્લેવરમાં મળતાં ફૂટ માસ્ક એકસાથે અનેક કામ કરી શકે છે. પગના તળિયાની હાર્ડ સ્કિનને મોરાઇઝિંગ કરવાની સાથે ક્રેક હિલ્સમાં પણ ફૂટ માસ્કથી ફાયદો થાય છે. પેડિક્યૉર બાદ પગનાં તળિયાંમાં લગાવવાથી આખા દિવસની થકાવટ દૂર થઈ જાય છે. માસ્ક તમારા પગની સ્કિનને એક્સફોલિયેટ કરે છે. બ્યુટી એક્સપર્ટ અને ઉત્પાદકોનો દાવો છે કે બેબી ફૂટ માસ્કને નિયમિતપણે વાપરવામાં આવે તો તમારા પગ નાના બાળકના પગ જેવા સૉફ્ટ થઈ જાય છે. મહિલાઓએ સેલ્ફ કૅર માટે બેબી માસ્કનો ઉપયોગ કરવો જોઈએ એવું તેમનું કહેવું છે. લગભગ દરેક મહિલાના પગની સાઇઝમાં ફિટ બેસી જાય એવા માસ્ક બ્યુટી સેન્ટરોમાં સહેલાઈથી મળી રહે છે.

ફૂટ માસ્ક વિશે વધુ માહિતી આપતાં ઘાટકોપરનાં બ્યુટી એક્સપર્ટ દીપ્તિ ચૌહાણ કહે છે, ‘ફૂટ માસ્ક બ્યુટી અને હેલ્થ એમ બે પ્રકારના આવે છે. બ્યુટી માસ્ક સામાન્ય રીતે પેડિક્યૉર બાદ કરવામાં આવે છે. એનાથી ડેડ સ્કિન દૂર થઈ જાય છે. પગનાં તળિયાંમાં સ્ક્રબિંગ અને મસાજ કર્યા બાદ માસ્ક ચોંટાડવો. સુકાઈ ગયા બાદ ખેંચીને કાઢી નાખવું. માસ્કથી પગ ચોખ્ખો થઈ જાય છે. ઠંડક લાગતાં રિલૅક્સ ફીલ થાય છે. ઉનાળામાં ટેનિંગના કારણે પગ કાળા પડી ગયા હોય તો એને ડી-ટૅન કરવા પહેલાં ઉપરના ભાગમાં બ્લીચ કરી લેવું. આપણે ત્યાં બ્યુટી પ્રોસ્પેક્ટ્સથી જોવા જઈએ તો ફૂટ માસ્કનો વપરાશ ઓછો છે એનું કારણ છે કૉસ્ટ. ફૂટ માસ્ક સાથે પેડિક્યૉર કરાવવા જાઓ તો અંદાજે એક હજાર રૂપિયા થાય. સામાન્ય મહિલાઓ પગનાં તળિયાં પાછળ આટલો બધો ખર્ચ કરતી નથી. કેટલીક મહિલાઓ ફેસ્ટિવલ સીઝનમાં અથવા ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે કરાવે છે. પગનાં તળિયાંની મુલાયમતા જાળવી રાખવા જો તમે નિયમિતપણે પેડિક્યૉર કરાવતા હો તો બે-ત્રણ મહિને એક વાર ફૂટ માસ્ક માટે ખર્ચ કરી શકાય.’

હેલ્થ બેનિફિટ

વાસ્તવમાં હેલ્થ બેનિફિટના કારણે ફૂટ માસ્કની પૉપ્યુલારિટી વધી છે એવો અભિપ્રાય આપતાં દીપ્તિ કહે છે, ‘આપણા પગની નર્વ્સને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. વિવિધ રોગમાં માસ્ક વડે સારવાર કરવામાં આવે છે. આવા માસ્ક બૉડીના ટૉક્સિનને ખેંચી, નેગેટિવ એનર્જીને દૂર કરે છે. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને વજન ઉતારવામાં ફાયદો થાય એવા માસ્ક પણ મળે છે. હેલ્થ માટેના માસ્ક પૅડ જેવા જાડા હોય છે. રાતે સૂતાં પહેલાં પગનાં તળિયાંમાં એને ચોંટાડી મોજાં પહેરી લેવાં. સવારે જોશો તો માસ્કનો રંગ બદલાયેલો દેખાશે. આવા માસ્ક યુનિસેક્સ હોય છે. અઠવાડિયામાં એક વાર એમ છ મહિના સુધી માસ્ક લગાવવાથી ઘણા લોકોને લાભ થયો હોવાનું જાણવા મળ્યું છે. લગભગ ૧૨૦૦ રૂપિયાની કિંમતના આ માસ્ક સહેલાઈથી માર્કેટમાં ઉપલબ્ધ છે અને એની કોઈ જ આડઅસર થતી નથી.’

આ પણ વાંચો : ક્યાં સુધી સહન કરશો આ પીડા?

ફૂટ સ્પા

પગની પ્રૉપર કૅર કરવી હોય તો માત્ર માસ્ક પર આધાર ન રાખતાં ફૂટ સ્પા પણ કરાવવું જોઈએ એમ જણાવતાં દીપ્તિ કહે છે, ‘ફૂટ સ્પામાં મશીનનો ઉપયોગ થાય છે. બજારમાં ફૂટ આકારની રેડી કિટ મળે છે. એની અંદર મસાજર હોય છે. પગને ક્લિનજિંગ કરી પાણીમાં પગ બોળો એટલે મસાજર એનું કામ શરૂ કરી દે. રોલર દ્વારા તમારા પગમાં આપમેળે મસાજ થવા લાગે. રિલૅક્સ અને રિજુવિનેટ માટે એમાં અરોમા ઑઇલ ઍડ કરવામાં આવે છે. સ્ટીમના કારણે તળિયાં સ્વચ્છ થઈ જાય છે અને પગને આરામ મળે છે. ઘણા લોકો ફિશ સ્પા પણ કરાવે છે. ફિશ ડેડ સ્કિનને ખાઈ જાય છે. જોકે મારું અંગતપણે માનવું છે કે હાઇજેનિકની દૃષ્ટિએ મૉલ્સમાં ઑફર કરવામાં આવતા ફિશ સ્પાને અવૉઇડ કરવું જોઈએ. પૉઇન્ટ દબાવવાની થોડી ટેક્નિક ખબર હોય તો ફૂટ સ્પા જાતે પણ કરી શકાય. સૌથી પહેલાં પગમાં બ્લીચ અને મસાજ કરો. ખાંડ અને મધ ભેળવીને સ્ક્રબિંગ કરી શકાય. મસાજ માટે બદામનું તેલ શ્રેષ્ઠ છે. ત્યાર બાદ એક વાસણમાં ગરમ પાણી લઈ એમાં આખું મીઠું નાખી પગને દસથી પંદર મિનિટ પાણીમાં બોળી રાખો. મીઠામાં પગ બોળવાથી શરીરમાં ઠંડક લાગશે. ત્યાર બાદ પૉઇન્ટ દબાવી રિલૅક્સ થઈ જાઓ. બજારમાં મળતા વિવિધ રંગના મીઠાનો ઉપયોગ પણ કરી શકાય.’

Varsha Chitaliya columnists