માતૃત્વ એટલે ફુલસ્ટૉપ?

13 August, 2019 02:58 PM IST  |  મુંબઈ ડેસ્ક | વર્ષા ચિતલિયા

માતૃત્વ એટલે ફુલસ્ટૉપ?

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશ્યલ

બે વર્ષ પહેલાં મૅટરનિટી બેનિફિટ સંબંધિત ભારતે આવકારદાયક કાયદો ઘડ્યો હતો. નવા અમેન્ડમેન્ટમાં મૅટરનિટી લીવની મર્યાદા ૧૨ અઠવાડિયાંથી વધારી ૨૪ અઠવાડિયાં કરવામાં આવી છે. વિશ્વના અન્ય દેશની સરખામણીએ ભારતે વર્કિંગ મહિલાઓને મોટી રાહત આપી હોવાનું એ વખતે ચર્ચાતું હતું, પરંતુ એની ધારી અસર દેખાતી નથી. આ બિલ પસાર થવાથી મહિલાઓને લાભ થયો નથી એવું થોડા સમય પહેલાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.
જેનપૅક્ટ સેન્ટર ફૉર વિમેન્સ લીડરશિપના રિપોર્ટ અનુસાર ઉપરોક્ત બિલ પસાર થયા બાદ પોસ્ટ મૅટરનિટી ડ્રૉપ આઉટ રેટ ઇન વર્ક ફોર્સમાં વધારો થયો છે. દેશની ઇકૉનૉમીમાં બાવીસ ટકાનો ફાળો ધરાવતી મહિલાઓને આપણા દેશમાં વર્ક ફ્રૉમ હોમ અથવા ફ્લેક્સિબલ ટાઇમિંગ જેવી સુવિધા પ્રાપ્ત નથી. પરિણામે મૅટરનિટી લીવ બાદ ફરીથી કામ શરૂ કરનારી ૪૮ ટકા મહિલાઓ ચાર મહિનાની અંદર જૉબ છોડી દે છે એવું તારણ નીકળ્યું છે એટલું જ નહીં, પચાસ ટકા મહિલાઓ ત્રીસ વર્ષની ઉંમર પાર કરતાં પહેલાં કરીઅર પર ફુલસ્ટૉપ મૂકી દે છે એવું પણ બહાર આવ્યું છે. આ રિપોર્ટ સંદર્ભે મહિલાઓના અભિપ્રાય જાણીએ.
મૅટરનિટી બેનિફિટનું જે બિલ પસાર થયું છે એ દરેક વર્કિંગ મહિલાને લાગુ પડતું નથી એવો અભિપ્રાય આપતાં લોઅર પરેલનાં અકાઉન્ટન્ટ જિજ્ઞા મોહિતે સંગોઈ કહે છે, ‘આપણા દેશમાં સરકારી નોકરી, પ્રાઇવેટ કંપની અને કૉર્પોરેટ કંપની એમ બધે જ મહિલાઓની સ્થિતિ જુદી છે. ગવર્નમેન્ટ જૅબમાં તમને મૅટરનિટી લીવ તો મળે જ છે, રજાઓ પણ ખૂબ હોય તેથી પાછા ફર્યા બાદ બહુ વાંધો આવતો નથી. કૉર્પોરેટ કંપનીઓ નિયમ પ્રમાણે ચાલે છે અને તેમની પાસે કામ કરવા એક્સ્ટ્રા સ્ટાફ હોય છે. તેઓ ઘરેથી કામ કરવાની પરવાનગી પણ આપે છે, જ્યારે પ્રાઇવેટ અથવા સાવ જ નાની કંપનીમાં કામ કરતી મહિલાઓને નોકરી છોડવાનો વારો આવે છે. ચાલુ પગારે શેઠિયાઓ કંઈ આટલી લાંબી રજા ન આપે. કદાચ કોઈ આપવાનું વિચારે તો તેને પ્રેગ્નન્ટ મહિલાનું કામ કરવા બીજી મહિલાને રોકવી પડે અને તેને પણ પગાર ચૂકવવો પડે. એક કામ માટે બે મહિલાઓને પગાર આપવાનું પોસાય નહીં તેથી આવા કાયદાનો લાભ મળતો નથી. ફ્લેક્સિબલ ટાઇમિંગ જેવું કશું હોતું નથી. પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધુ છે એટલે જ મોટા ભાગની મહિલાઓને ત્રીસ વર્ષની આસપાસ નોકરી પડતી મૂકી ઘરે બેસવું પડે છે.’ 

મૅટરનિટી બેનિફિટ બિલ અમારા ફીલ્ડમાં તો ઍપ્લિકેબલ નથી એવો મત વ્યક્ત કરતાં થાણેનાં ઍન્કર પૂજા શાહ કહે છે, ‘ગ્લૅમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી મહિલાઓ પાસે બે જ વિકલ્પ હોય છે. કાં તો માતૃત્વનો આનંદ માણો, કાં તમારા પૅશનનું
ગળું દાબી દો. આ ફીલ્ડમાં કોઈ એમ નથી કહેવાનું કે તમે આરામ કરો, અમે શો સંભાળી લઈશું. પ્રેગ્નન્સીના શરૂઆતના ચાર મહિના ચાલી જાય, પરંતુ એક વાર પેટ દેખાવા લાગે પછી મોટી હીલ્સવાળાં સૅન્ડલ પહેરીને સ્ટેજ પર ઍન્કરિંગ કરવા ઊભાં ન રહી શકો. કૉર્પોરેટ કંપનીમાં કામ કરતી મહિલાઓ નવ મહિનાનું પેટ લઈને ઑફિસમાં જઈ શકે છે, જ્યારે અમારી કરીઅર કમ્પ્લીટલી ખતમ થઈ જાય. એટલે જ અમે બેબી માટે તૈયાર નથી. ધારો કે તમે બહુ પૉપ્યુલર ઍન્કર હો તોય બે વર્ષનો બ્રેક લેવો પડે. ત્યાર બાદ ચાન્સ મળશે કે નહીં, લોકો તમને સ્વીકારશે કે નહીં એની ગૅરન્ટી નથી. મોટી-મોટી અભિનેત્રીઓને પણ ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે છે. એક વાર આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ તમને નવથી પાંચની જૉબ ફાવે નહીં. એ પણ ઘરે બેસવાનું કારણ બને છે. ઉપરોક્ત રિસર્ચ પ્રમાણે નાની વયમાં કરીઅર પર ફુલસ્ટૉપ મૂકનારી ઘણી મહિલાઓ આવા ફીલ્ડ સાથે સંકળાયેલી હશે.’
વર્ક ફ્રૉમ હોમ મળતું નથી એના કારણે મહિલાઓને જૉબ છોડી દેવી પડે છે એ વાત સાથે સહમત થતાં કાંદિવલીનાં સ્નેહા વ્યાસ કહે છે, ‘મારી ડિલિવરીને છ મહિના થયા છે. આઠમો મહિનો ચાલતો હતો ત્યાં સુધી મેં ઑફિસમાં જઈને કામ કર્યું હતું અને છેલ્લા મહિનામાં કંપનીએ મને વર્ક ફ્રૉમ હોમ આપ્યું હતું. કંપનીએ થોડો ટાઇમ ઍડ્જસ્ટ કરી આપ્યું, ત્યાર બાદ મારો કૉન્ટ્રૅક્ટ જ ખતમ કરી નાખ્યો. બહુ જાયન્ટ કંપની હોય તો મૅટરનિટી બેનિફિટ મળે અને ફરીથી જૉઇન કર્યા બાદ વીકમાં એકાદ દિવસ ઘરે બેસીને કામ કરવાની પરવાનગી આપે, બાકી નાની-મોટી કંપની નથી આપતી. તેમનું માનવું છે કે વર્ક ફ્રૉમ હોમ આપવાથી પ્રોડક્ટિવિટી પર અસર પડે છે. બીજું એ કે મુંબઈમાં ચાઇલ્ડ કૅર અને ટ્રાવેલિંગનો પ્રશ્ન બહુ વિકટ છે. આવાં અનેક કારણોસર મહિલાઓએ માતા બન્યા બાદ કરીઅરને ભૂલવી પડે છે. મારી ઘણી ફ્રેન્ડ્સે ફરીથી જૉબ જૉઇન કરી જોઈ, પરંતુ ફાવ્યું નહીં એટલે છોડી દીધું. મારો દીકરો એક વર્ષનો થાય પછી હું રી-સ્ટાર્ટ કરવા માગું છું. જોકે પ્રમોશન મળવું મુશ્કેલ છે. લાંબા બ્રેક બાદ જ્યારે તમે ફરીથી જોડાઓ છો ત્યારે તમારે એ જ સૅલરીમાં કામ કરવાની ફરજ પડે છે જે તમને કરીઅરમાં બીજા કરતાં પાંચેક વર્ષ પાછળ ધકેલી દે છે.’
દેશની ઇકૉનૉમીને પુશઅપ મળે એવા હેતુથી ઘણી કંપનીઓએ હવે યંગ મધરને રિક્રૂટ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે - રાધા મુલાની ઠાકોર
આપણા દેશમાં શ્રેષ્ઠ મૅટરનિટી બેનફિટ અમેન્ડમેન્ટ હોવા છતાં એનું રિફ્લેક્શન દેખાતું નથી, કારણ કે એની સાથે જે બીજા કાયદા લાવવા જોઈએ એ નથી એમ જણાવતાં એક કંપનીના રિક્રૂટમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલાં અસોસિએટ્સ પાટર્નર રાધા મુલાની ઠાકોર કહે છે, ‘મહિલાઓને પ્રોત્સાહિત કરવા આવો કાયદો બનાવી તો દીધો પણ ચાઇલ્ડ કૅર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફ્લેક્સિબિલિટીને લગતા નિયમો નથી બનાવ્યા તેથી એની અસર દેખાતી નથી. આજે ન્યુક્લિયર ફૅમિલી વધતાં જાય છે. છ મહિનાની લીવ બાદ પાછાં ફરવાનું કહો તો સંતાનને રાખવું ક્યાં? છ મહિનાનું બાળક નાનું જ કહેવાય. કરીઅર ઓરિએન્ટેડ વુમન પણ કંઈ માતા મટી નથી જતી. તેને સંતાનની ચિંતા હોય એટલે જૉબ છોડી દે. મેટ્રો સિટીની વેલ એજ્યુકેટેડ અને ટૅલન્ટેડ યંગ મધર કરીઅરને દાવ પર લગાવી ઘરમાં બેસી રહે એ દેશની ઇકૉનૉમી માટે સારું ન કહેવાય એ વાત હવે સમજાવા લાગી છે. આવી મધરને ફરીથી રિક્રૂટ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઘણી બધી લાર્જ કંપનીઓ માત્ર આવી મધરને જ રિક્રૂટ કરે છે. અરે, પાંચ વર્ષના બ્રેક બાદ પણ તેમને સારી તક આપવામાં આવી રહી છે. મૅનેજમેન્ટ લેવલ પર જે રીતે એફર્ટ કરવામાં આવી રહ્યા છે એ જોતાં આવનારા સમયમાં તેમના માટે રી-સ્ટાર્ટના દરવાજા ચોક્કસ ખૂલી જશે.’

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

નવ મહિનાના ગર્ભ સાથે ઑફિસમાં કામ કરી શકાય, હાઇ હીલ્સ સાથે સ્ટેજ પર ઊભા ન રહી શકાય. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મૅટરનિટી બેનિફિટ જેવા કાયદા ઍપ્લિકેબલ નથી એથી નાની વયે જ કરીઅર ખતમ થઈ જાય છે - પૂજા શાહ

મોટા ભાગની કંપનીઓનું માનવું છે કે વર્ક ફ્રૉમ હોમ આપવાથી પ્રોડક્ટિવિટી પર અસર પડે છે. થોડો વખત ઍડ્જસ્ટ કરે પછી કૉન્ટ્રૅક્ટ ખતમ કરી નાખે. તેથી માતા બન્યા બાદ પાછાં ફરવું બહુ મુશ્કેલ છે - સ્નેહા વ્યાસ

આપણા દેશમાં સરકારી કંપની, કૉર્પોરેટ કંપની અને પ્રાઇવેટ નોકરીના નિયમો જુદા છે. મૅટરનિટી બેનિફિટના લાભ દરેક વર્કિંગ મહિલાને એકસરખા મળતા નથી, પરિણામે અનેક મહિલાઓએ ત્રીસ વર્ષની ઉંમરની આસપાસ નોકરી છોડી દેવી પડે છે - જિજ્ઞા મોહિતે સંગોઈ

Varsha Chitaliya columnists