મહિલાઓને મજાક કરવાની મનાઈ છે!

27 June, 2019 02:00 PM IST  |  | લેડીઝ સ્પેશયલ - વર્ષા ચિતલિયા

મહિલાઓને મજાક કરવાની મનાઈ છે!

ગીતાંજલિ સકસેના

વિશ્વ ઘણું આગળ નીકળી ગયું છે અને મહિલાઓને દરેક ક્ષેત્રે આગળ વધવાની તક મળે છે, પરંતુ આજે પણ મહિલાઓ દ્વારા કરવામાં આવતી મજાકને કૉર્પોરેટ વર્લ્ડમાં નૉર્મલ બિહેવિયર તરીકે લેવામાં આવતી નથી. પુરુષોનો મજાકિયો સ્વભાવ અથવા કામકાજ દરમ્યાન ફ્લર્ટિંગની ટેવને તેમનો નેચર સમજીને સરળતાથી સ્વીકારી લેવામાં આવે છે જ્યારે સ્ત્રીઓ ખુલ્લા દિલે કોઈ વાત અથવા રમૂજ કરે તો એને વાત ફેરવી નાખવા માટે કરેલી ઍક્શન અથવા કામમાં હસ્તક્ષેપ તરીકે જોવામાં આવે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઑફ ઍરિઝોના અને યુનિવર્સિટી ઑફ બોલ્ડરે કૉર્પોરેટ વર્લ્ડમાં સ્ત્રી અને પુરુષોની હ્યુમર સંદર્ભે કેટલાંક રિસર્ચ કર્યાં હતાં. આ રિસર્ચ અનુસાર વર્કપ્લેસ પર પ્રેઝન્ટેશન અથવા કામકાજ દરમ્યાન જો કોઈ મહિલા કર્મચારી રમૂજ અથવા કમેન્ટ્સ કરે તો એને ડિસ્ટ્રપ્ટિવ ઍક્શન તરીકે જોવામાં આવે છે. મહિલાઓની મજાક-મસ્તીનો ઊંધો અર્થ પણ લેવામાં આવે છે, જ્યારે આવી હરકત પુરુષો કરે તો એને ખૂબ જ હળવાશથી લેવામાં આવે છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ સંદર્ભે વર્કિંગ મહિલાઓ અને પ્રોફેશનલ કાઉન્સેલર સાથે વાત કરીએ...

આપણે ત્યાં પુરુષની રમૂજને લાઇટલી લેવામાં આવે છે અને મહિલાઓના અમુક પ્રકારના વર્તનને જોવાનો નઝરિયો જુદો હોય છે એ સાચું પણ કૉર્પોરેટ કલ્ચરમાં તો ધું જોવા મળે છે. ઉપરોક્ત વાત સાથે હું સંપૂર્ણપણે સહમત નથી એવો પ્રત્યુત્તર આપતાં રિલેશનશિપ કાઉન્સેલર ગીતાજંલિ સકસેના કહે છે, ‘કૉર્પોરેટ વર્લ્ડમાં મજાક-મસ્તીની વાતમાં ઍડ્વાન્ટેજ મહિલાઓ લે છે. મેં જોયું છે કે પોતાના ટાર્ગેટ પૂરા કરવા મહિલાઓ જોક્સ અને કમેન્ટ્સ પાસ કરી સામેથી પહેલ કરે છે. પોતાના પુરુષ સહકર્મચારી સાથે મોડે સુધી વૉટ્સઍપ પર ઓપનલી વાત કરે છે. આ એવું વર્લ્ડ છે જ્યાં પુરુષો મજાકમાં પણ બાઉન્ડરી ક્રૉસ કરતાં ડરે છે. તેમને પોતાની ઇમેજ ખરડાવાનો અને જૉબ જવાનો ભય લાગે છે તેથી તેઓ આવી બાબતોથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. બીજું એ કે કૉર્પોરેટ વર્લ્ડ પાર્ટી કલ્ચર છે. પાર્ટીમાં ક્લોઝ થાઓ, સાથે ડ્રિન્ક લઈને મસ્તીના મૂડમાં આવી જાઓ તો પુરુષ આગળ વધવાનો જ. ત્યાર બાદ તમે પીછેહઠ કરો તો ગણગણાટ થાય એમાં કંઈ નવાઈ નથી. બહુ ઓછા કેસમાં એવું બને છે જ્યાં મહિલાઓએ મસ્તીને વધારવાની જગ્યાએ એના પર પૂર્ણવિરામ મૂકવા ટર્નઆઉટ કર્યું હોય. જોકે ફાયરિંગ તો બન્નેને મળે છે.’

બહારની દુનિયામાં આજે પણ આ બાબત પુરુષોને છૂટછાટ મળી રહે છે એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘આજે મહિલાઓને સ્વતંત્રતા જોઈએ છે. તેઓ ઘણીબધી છૂટછાટ લેતી થઈ છે જેથી પુરુષમાં એક ડગલું આગળ વધવાની હિંમત આવી જાય છે. અહીં મહિલાનો રમૂજી સ્વભાવ સ્વીકાર્ય નથી. જો એવું કરવા જાય તો તેની ગણના બોલ્ડમાં થવા લાગે છે. આપણા સમાજમાં પુરુષ બોલ્ડ હોય તો ચાલે પણ મહિલાનું આવું વર્તન ન ચાલે એ માનસિકતા નીચલા સ્તરે છે, હાઈ લેવલ પર નથી. ઘણા કેસમાં એવું બને છે કે યંગ વુમન આવતાં-જતાં મજાકમાં પુરુષ સહકર્મચારીને પીઠ પર ધબ્બો મારે છે અથવા ખભા પર હાથ રાખીને બેસે છે. આવા કેસમાં તે પરણેલી છે કે અપરિણીત એના પર પણ કેટલીક બાબતો નિર્ભર કરે છે. પરિણીત મહિલાઓ આવી મજાક કરતાં તો કરી બેસે છે, પણ પછી તેને પલટવું પડે છે નહીંતર બીજી સમસ્યાઓ ઊભી થાય છે. જુદા-જુદા કિસ્સાઓ જોતાં મારું માનવું છે કે ફરી જવા જેવી સ્થિતિ વ્યક્તિગત વર્તણૂક અને નક્કી કરેલી મર્યાદા ઓળંગ્યા બાદ જ ઊભી થાય છે. કોઈ પણ મહિલાએ કામકાજના સ્થળે આવી અથડામણથી બચવા રેખા ખેંચવી જોઈએ.’

મજાકમાં પણ કોઈ ટાર્ગેટ કરે એનું ધ્યાન રાખે છે મહિલાઓ

પુરુષના મજાકિયા સ્વભાવને લોકો સહેલાઈથી સ્વીકારે લે છે એ વાત સાચી છે એવો અભિપ્રાય આપતાં કૉર્પોરેટ કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવતાં ભાવિકા જંજારકિયા કહે છે, ‘કમેન્ટ્સ અને મજાકની વાત છે તો હું કહીશ કે મહિલાઓ જ્યાં સુધી સારી રીતે ઓળખાણ ન થાય ત્યાં સુધી આવું જોખમ ઉઠાવતી નથી. લોકો સમક્ષ મજાક બનવું પડે કે કોઈ તેને ટાર્ગેટ કરે એવું વર્તન કરતાં પહેલાં તે સો વાર વિચાર કરશે. કૉર્પોરેટ કલ્ચરમાં જજમેન્ટ કરવાવાળા ઓછા હોય છે તો પણ ક્યારેક લાગણીશીલ સ્વભાવ હોવાના કારણે મહિલાઓને ખરાબ લાગી જાય છે અથવા તેણે સમયસૂચકતા વાપરીને પલટવાર કરવો પડે છે. પુરુષો એવું વિચારી શકે છે કે આ પલટી ગઈ, હમણાં સુધી તો મસ્તી કરતી હતી. પહેલાં ખૂલીને વાત કરવા આવે અને પછી પોતે જ સ્ટૉપ થઈ ગઈ. આવું સાંભળવા મળે તો પણ તે આગળ વધતી નથી. મહિલાઓ ત્યારે પલટી મારે છે જ્યારે સામેવાળો મજાકમાં પોતાની હદ વટાવી જાય છે. આમારું સામાન્ય ઑબ્ઝર્વેશન છે અને મને લાગે છે કે આ વાત મધ્યમ એજના લોકોને વધુ લાગુ પડે છે. આજની જનરેશનને ખાસ ફરક પડતો નથી. અમારી પેઢી ઓપન માઇન્ડેડ છે તો સામે ફોકસ્ડ પણ છે. વર્ક પ્લેસ પર અમારી પાસે એટલો સમય હોતો નથી. બીજું, હસી-મજાક અને મનગમતી ભાષામાં વાત કરવા માટે અમારી પાસે બહાર ફ્રેન્ડ્સ છે જ, ઑફિસમાં આ બધું કરવાની જરૂર નથી.’

મહિલા કે પુરુસિક્કાની બે બાજુ હોય છે

મજાક-મજાકમાંથી વાતને ફેરવી તોળવા જેવું કલ્ચર માત્ર ઑફિસમાં જ હોય એવું નથી, આઉટસાઇડ વર્લ્ડમાં પણ હોય છે તેમ છતાં વર્કપ્લેસ પર આ વાત ઑફિસના કલ્ચર અને મૅનેજમેન્ટ પર ડિપેન્ડ કરે છે એવો મત વ્યક્ત કરતાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતાં વિભૂતિ વેલાણી કહે છે, ‘વિમેન એમ્પાવરમેન્ટના જમાનામાં આવું થતું નથી. આજે કોઈને પોતાની લાઇફ ડિફિકલ્ટ કરવામાં રસ નથી. હવે તો સિનિયર લેવલ પર લગભગ બધે જ યંગસ્ટર્સ છે અને તેમની વિચારધારા એકદમ ક્લિયર છે. વચ્ચે બોલવાની કે ફેરવી તોળવાની વાત પર હું એટલું જ કહીશ કે સિક્કાની બે બાજુ હોય છે, આ વાત જેન્ડર બાયસ નથી. મહિલા હોય કે પુરુષ, બન્નેમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારે કઈ વાત પર પલટી ખાઈ જાય એ કહી ન શકાય. અમારી કંપનીમાં લગભગ બન્નેની સંખ્યા સરખી જ છે અને કોઈ પોતાની બૉર્ડર ક્રૉસ કરતું નથી. કોઈક વાર એવું બનેય ખરું કે મજાકમાં કરેલી વાત આગળ વધી જાય, પરંતુ મૅનેજમેન્ટને ઈ-મેઇલ જશે એવા ડરથી વ્યક્તિ પોતે જ કહી દે કે પ્લીઝ ડોન્ટ માઇન્ડ, ખોટું ન લગાડતા, આ મજાક હતી. મહિલાની મજાકથી એનું વધુ પુલિંગ થયું હોય કે તેણે કરેલી કમેન્ટ્સની ઉપરના લેવલની મજાક સામેવાળાએ કરી હોય એવા કિસ્સા બહુ ઓછા બને છે. આજકાલ બધી જ કંપનીમાં ડિસિપ્લિનને લઈને કેટલાક નિયમો બનાવેલા હોય છે, એને તોડવાની હિંમત કોઈ કરતું નથી. મને આવો કોઈ અનુભવ થયો નથી, પણ મારું અંગતપણે માનવું છે કે મહિલાઓ જો વધારે ઓપનઅપ થાય તો ઈઝીલી અવેલેબલ છે એવી છાપ પડે છે ખરી. આવી ઇમેજ પડે તો પુલિંગ થઈ શકે.

આ પણ વાંચો : મોબાઇલ-વૉટ્સએપના ઉપયોગ વિશેના ક્લાસ ભરવા છે તમારે?

કૉર્પોરેટ વર્લ્ડમાં મજાક-મસ્તીની વાતમાં ઍડ્વાન્ટેજ મહિલાઓ લે છે. મેં જોયું છે કે પોતાના ટાર્ગેટ પૂરા કરવા મહિલાઓ જોક્સ અને કમેન્ટ્સ પાસ કરી સામેથી પહેલ કરે છે. પોતાના પુરુષ સહકર્મચારી સાથે મોડે સુધી વૉટ્સઍપ પર ઓપનલી વાત કરે છે

- ગીતાંજલિ સકસેના, રિલેશનશિપ કાઉન્સેલર

Varsha Chitaliya columnists