Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મોબાઇલ-વૉટ્સએપના ઉપયોગ વિશેના ક્લાસ ભરવા છે તમારે?

મોબાઇલ-વૉટ્સએપના ઉપયોગ વિશેના ક્લાસ ભરવા છે તમારે?

27 June, 2019 01:58 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

મોબાઇલ-વૉટ્સએપના ઉપયોગ વિશેના ક્લાસ ભરવા છે તમારે?

વૉટ્સએપ

વૉટ્સએપ


વૉટ્સએપ પર મેસેજ કરવાના, ફૉર્વર્ડ કરવાના, સૂચના મૂકવાના ક્લાસ. મોબાઇલ પર કોની સાથે ક્યારે અને કઈ રીતે વાત કરાય એ સમજવાના ક્લાસ. મોબાઇલ સાઇલન્ટ પર કે વાઇબ્રેશન પર અથવા બંધ ક્યારે કરાય એવી બારીક સમજ આપવાના ક્લાસ. ભલે તમને નવાઈ લાગે, પરંતુ ટૂંક સમયમાં આવા પ્રકારના ક્લાસ શરૂ કરવા પડે એવી શક્યતા વધી રહી છે. આવા ક્લાસ શરૂ કરવા માટેનાં કારણ, સ્કોપ અને વિકાસની શક્યતા જાણી લેવી જોઈએ.

અત્યારે તો ટીવી પર નિયમિત રિયલિટી શો જોઈને તેમ જ ફિલ્મોની ડિમાન્ડ ધ્યાનમાં રાખીને, અેનો પ્રચાર-પ્રસાર, અેની લોકપ્રિયતાનાં ફળ જોઈને નાનાં-મોટાં શહેરોમાં ડાન્સ, સિન્ગિંગ,કુકિંગ, કરાટે, માર્શલ આર્ટ્સ, યોગ, પેઇન્ટિંગ્સ, સ્કેટિંગ, સ્વિમિંગ, ઇંગ્લિશ સ્પીકિંગ કે પબ્લિક સ્પીકિંગ વગેરે જેવા નવા-નવા ક્લાસ ખૂલતા રહ્યા છે અને ઘણા તો વર્ષોથી ધૂમ ચાલે પણ છે. આમ તો આ બધા ક્લાસનું મહત્ત્વ છે, પણ હમણાં-હમણાં મોબાઇલ-વૉટ્સએપના વપરાશ માટેના ક્લાસની ડિમાન્ડ નીકળવાની શક્યતા વધી છે. લોકો પોતે આવા ક્લાસમાં જોડાવા ફી નહીં ભરે તો કેટલીક સમાજસેવક હસ્તીઓ-સંસ્થાઓ આવા ક્લાસ ફ્રીમાં ચલાવશે એવું પણ બને.

વિચાર કરો છો ખરા?

વાત એમ છે કે વૉટ્સએપ ફ્રી હોવાથી અને સરળ હોવાથી બધાને જ અેનો ભરપૂર ઉપયોગ કરતા રહેવાનું મન થયા વિના રહેતું નથી. સવારની શરૂઆત વૉટ્સએપ દર્શનથી થાય અને રાતે વૉટ્સએપ જોઈને જ સૂઈ શકાય. એકેક જણના વૉટ્સએપ પર લાસ્ટ સીન જોવામાં આવે તો મોડી રાતનો સમય મહત્તમ મળશે. બાય ધ વે, ગુડ ન્યુઝ એ છે કે વૉટ્સએપને કારણે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ઓછા થઈ ગયા છે, કારણ કે વાતો જ ઓછી થઈ ગઈ છે. ખેર, આપણે ક્લાસની વાત કરતા હતા. આ ક્લાસનો પહેલો સવાલ એ છે કે તમે વૉટ્સએપ પર કોઈ પોસ્ટ મૂકો ત્યારે અને એ પોસ્ટ બીજાને મોકલો અથવા તમને આવેલી કોઈ પોસ્ટ ફૉર્વર્ડ કરો ત્યારે વિચારો છો ખરા કે એનો શું અર્થ છે? સામેવાળી વ્યક્તિને એ પોસ્ટ ગમશે, નહીં ગમે, તેને માટે એ જાણવું જરૂરી છે કે નહીં વગેરે બાબત તમે પોતે જ નક્કી કરી નાખો છો? શું આને પણ અન્યના ઘરમાં કીધા વિના ઘૂસી જવા જેવું, અન્યને માનસિક ત્રાસ આપ્યા જેવું કે વૉટ્સએપ પ્રદૂષણ ફેલાવવા જેવું ન કહી શકાય? જરા વિચારો. કમ સે કમ આમ કરતી વખતે જે-તે વ્યક્તિને પૂછી તો લો કે હું તમને વૉટ્સએપ મોકલી શકું? તમને મારા ગ્રુપમાં સામેલ કરી શકું?



ફૉર્વર્ડિયા સમાજસેવકો


બીજી સૌથી મહત્ત્વની વાત. શું તમે વૉટ્સએપ પર તમને મળેલા મેસેજને ફૉર્વર્ડ કરતી વખતે વિચારો છો ખરા કે એ મેસેજ સાચો, બોગસ, ગેરમાર્ગે દોરતો, ફેક છે કે પછી જેવો આવ્યો, તમને ગમ્યો એટલે તમે બનાવેલા આખા ગામને ફૉર્વર્ડ કરી દેવાનો? આ એક વૉટ્સએપ ભક્તોની ભયંકર ખરાબ આદત છે, કોઈ પણ પ્રકારની ચકાસણી વિના મેસેજ ફૉર્વર્ડ કરી દે. જાણે ફૉર્વર્ડની સંખ્યા ઊંચી હોય તેમને એ માટે જબ્બર ઇનામ મળવાનાં હોય.

અડધી રાતે મોબાઇલમાં ગરબડ થવાની છે, વાઇરસ આવવાના છે તો રાતે મોબાઇલ અમુક સમય બંધ રાખજો, આ મેસેજ ગૂગલ કે નાસા તરફથી આવેલો છે એવું પણ લખ્યું હોય. વડા પ્રધાને ચૂંટણીની જીતની ખુશીમાં લોકોને ચોક્કસ રકમ સુધી મોબાઇલ રીચાર્જ કરવાની ફ્રી સુવિધા જાહેર કરી છે, તેથી બધા અેનો લાભ લેજો. ફલાણી વ્યક્તિની કિડની દાન માટે ઉપલબ્ધ છે, અમુક નોકરીઓ તૈયાર છે, અમુક સંસ્થાઓ શૈક્ષણિક સહાય કરે છે, સંપર્ક કરો! વગેરે જેવા અનેક વૉટ્સએપ છાશવારે ફરતા રહે છે, જે મોટે ભાગે બોગસ હોય છે. પરંતુ દયાળુ-માયાળુ માણસો જાણે સમાજસેવાનું મહાન કાર્ય કરતા હોય તેમ આવા મેસેજ ફૉર્વર્ડ કર્યા વિના રહી શકતા નથી. અંધશ્રદ્ધાવાળા પોસ્ટકાર્ડની જેમ દસ જણને ફૉર્વર્ડ કરવાથી લાભ થશે એવા મેસેજ પણ કૉમન થવા લાગ્યા છે. હવે તમે જ કહો, આવું બધું ફૉર્વર્ડ કરતા–કરાવતા, વાંચતા અને પોતે વાંચીને બીજાને માથે પણ મારતા લોકોએ ક્લાસ ભરવાની જરૂર ખરી કે નહીં? ગુડ મૉર્નિંગ મેસેજ, ભગવાનના ફોટાે, વિડિયો, ગુડ નાઇટ મેસેજનું પ્રમાણ પણ ઘણું ઊંચું! માન ન માન મૈં તેરા મહેમાનની જેમ આવા મેસેજ ફૉર્વર્ડ કરવામાં જાણે પોતે નિઃસ્વાર્થ ભાવે લોકસેવા કરતા હોય એવો ભાવ લઈને ફરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. શું આ વિષયમાં થોડું સમજી-વિચારીને પોસ્ટ મૂકવાનું અને ફૉર્વર્ડ કરવાનું યોગ્ય લાગતું નથી?

મોબાઇલને માથાનો દુખાવો ન બનાવો


વૉટ્સએપનું દૂષણ તો ભયાનક હદે ઘૂસી જ ગયું છે. પરંતુ મોબાઇલ પર ત્રાટકવાનું પણ લોકો ઓછું કરતા નથી. કોઈને પણ કોઈ પણ સમયે મોબાઇલ કરવાની લોકોને એવી આદત લાગી ગઈ છે કે સામે કોણ છે, પોતાને શું કામ છે, કયો સમય છે વગેરે બાબત ગૌણ બની જાય છે. ખરેખર તો મોબાઇલ કરતાં પહેલાં સામેની વ્યક્તિને મેસેજ મોકલીને પૂછવું જોઈએ કે શું આપણે આ સમયે વાત કરી શકીએ? ઇઝ ઇટ અ રાઇટ ટાઇમ ટુ ટૉક? વૉટ ટાઇમ વી કૅન ટૉક? વૉટ ઇઝ યૉર કમ્ફર્ટેબલ ટાઇમ ફૉર ટૉક? આવા મેસજ મોકલાયા ન હોય તો કમ સે કમ મોબાઇલ લગાડ્યા બાદ તો પૂછો કે શું હાલ આપણે વાત કરી શકીએ? કે પછી કરું? કેટલા વાગ્યે કરું? ટેલી માર્કેટિંગવાળાને આપણાથી આમ ન કહેવાય. બાકી આપણામાં એક સમજુ નાગરિક તરીકે આટલી એટિકેટ તો
હોવી જોઈએ.

આ પણ વાંચો : નાટકની સર્જનગાથાઃ પ્રસવની પીડાનો અનુભવ

મોબાઇલ પર વાત કરવાના ક્લાસ

શું તમે ચાલુ કાર્યક્રમમાં, સભામાં, મીટિંગ, રસ્તામાં, બસમાં કે ટ્રેનમાં લોકોને મોબાઇલ પર વાત કરતા જોયા છે? તમે પણ એવું કરો છો? મોબાઇલ વિશે આટલું જ પૂછતાં તમારી સામે અનેક દૃશ્યો આવી ગયાં હશે. જોકે હવે સુધરે અે બીજા, એ ભારતીય નહીં! ઘણા લોકો બોલતા પણ એ રીતે હોય જાણે ઝઘડો કરતા હોય અથવા આપણા કાનમાં પ્રદૂષણ ફેલાવવાનો તેમને કૉન્ટ્રૅક્ટ પ્રાપ્ત થયો હોય. મોબાઇલ પર તેમની ઑફિસની, ઘરની, લેણદારો કે દેણદારોની, વિવાદની, વેપારની વાતો આપણે સાંભળવી જ પડે એ રીતે તેમનો વાણીવિલાસ જાહેરમાં ચાલે રાખે. આપણે તેની આસપાસ બેઠાં એટલે
તેનું બધું જ ફ્રસ્ટ્રેશન કમ્પલ્સરી સાંભળવાનું આવે.

વાત નાની, પણ મેસેજ મોટો

આમ તો આ બધી સાદી સ્વ-શિસ્તની નાની-નાની વાતો છે, પરંતુ સમજીએ તો બહુ મહત્ત્વની અને મોટી છે. તમામ માણસો ઇરાદાપૂર્વક આવું કરતા હોય છે એ કહેવું પણ વાજબી નથી, પરંતુ માણસ તરીકે આપણે આટલી નાની વાત તો સમજવી જોઈએ કે આપણે કારણે અન્ય કોઈને તકલીફ તો નથી પડતીને? આપણે જાણતાં-અજાણતાં કોઈની સાથે ગેરવાજબી કે અન્યાયી વ્યવહાર તો નથી કરતાને? આટલું વિચારી લઈએ અને આપણે આવું કરતા હોઈએ તો પોતાને સુધારી લઈએ. આપણી નાનીસરખી જાગૃતિ સમગ્ર સમાજના સ્વભાવ અને સંસ્કારનું પ્રતિબિંબ બનીને ઘણીબધી સમસ્યાઓને ઊગતી ડામી શકે છે અથવા હળવી કરીને સુલઝાવી શકે છે. વાત નાની છે, પણ મેસેજ મોટો છે મિત્રો! છેલ્લાં કેટલાંક વરસોથી આપણને સ્વચ્છતા માટે શીખવવામાં આવી રહ્યું છે, પ્રદૂષણ ન ફેલાવવા માટે સમજાવાઈ રહ્યું છે, પાણીનો સમજીને વપરાશ કરવાની અરજ કરાય છે. સિગારેટ અને દારૂ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ છતાં આપણને ચેતવવા પડે છે, આ બધું સહજ હોવું જોઈએ. શું હવે આપણને મોબાઇલ-સોશ્યલ મી‌ડ‌િયા-વૉટ્સઅૅપ વગેરેના વપરાશ માટે પણ શિસ્ત શીખવવી પડશે?

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 01:58 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK