કૉલમ : તમે ૪૭ વર્ષની ઉંમરે દરિયામાં તરવાની ડૅરિંગ કરી શકો?

14 May, 2019 12:11 PM IST  |  | સંજય પંડ્યા - લેડીઝ સ્પેશ્યલ

કૉલમ : તમે ૪૭ વર્ષની ઉંમરે દરિયામાં તરવાની ડૅરિંગ કરી શકો?

સીમા વોરા

લેડીઝ સ્પેશ્યલ

‘નાલાસોપારા પાસેના કળંબ દરિયાકિનારાથી થોડે દૂર દરિયામાં તરતી વખતે મને બે ડૉલ્ફિન જોવા મળી! હા, દરિયામાં તરતાં ક્યારેક નાના દરિયાઈ જીવ કે જેલીફિશના કરડવાના બનાવ બને, પણ ઍડવેન્ચર કરો તો એવી માનસિક તૈયારી રાખવી પડે!’

એકાવન વર્ષે પણ એકદમ ફીટ જણાતાં સીમા વોરા સસ્મિત કહે છે. સીમા વોરા વ્યવસાયે તો ઇન્ટીરિયર ડિઝાઇનર છે પણ તેમણે એક એવી રમત માટે પોતાની જાતને કેળવી છે જે તેમને શારીરિક રીતે તો ફિટ રાખે જ છે, પણ સાથે સાથે આત્મસંતોષ, અવૉર્ડની વણજાર અને પ્રસિદ્ધિ પણ મેળવી આપે છે.

ચારેક વર્ષ અગાઉ એક મૅગેઝિનમાં એક ગુજરાતી મહિલાનો ઇન્ટરવ્યુ છપાયો હતો. એ મહિલાએ ગેટવે ઑફ ઇન્ડિયાથી અલીબાગની તરણસ્પર્ધામાં ભાગ લીધો હતો અને પારિતોષિક પણ જીત્યું હતું. સીમાબહેને એ લેખથી અહોભાવની લાગણી અનુભવી. તેમણે એ વાતનો ઉલ્લેખ તેમના જીવનસાથી જિતેન્દ્રભાઈ પાસે કર્યો. જિતેન્દ્રભાઈએ સાહજિકતાથી કહ્યું, ‘એમાં શું છે? વેન ધેર ઇઝ અ વિલ, ધેર ઇઝ અ વે!’

સીમાબહેનની ખ્વાહિશ હતી કે ક્યારેક દરિયામાં પણ તરવા જવું. આપણે ઇચ્છા કરીએ એ આપણે મેળવી જ શકીએ એવા જિતેન્દ્રભાઈના શબ્દો સીમાબહેન માટે પ્રેરક સાબિત થયા. એ જ અરસામાં જિતેન્દ્રભાઈના મિત્રે નેવીની તરણસ્પર્ધાની માહિતી જિતેન્દ્રભાઈને આપી અને તેમણે સીમાબહેનને પૂછ્યા વગર તેમનું ફૉર્મ પણ ભરી દીધું.

સ્પર્ધાને ચાર દિવસ જ બાકી હતા. પર્સનલ કોચની મદદ લઈ સીમાબહેને ઉત્તનના દરિયામાં તરવાની પ્રૅક્ટિસ શરૂ કરી. બોટનો માલિક, ક્લીનર અને સ્વિમિંગ કોચ ડીઝલ એન્જિનવાળી બોટમાં હોય અને થોડે દૂર સીમાબહેન તરતાં રહે. અફાટ દરિયાનાં જળની વચ્ચોવચ દિશાભાન પણ ન રહે એટલે દૂર રહેલી બોટ નેવિગેશન કરતી રહે. સવારના પોણાઅગિયારે તેમણે તરવાનું શરૂ કર્યું અને સાડાત્રણ કલાક સુધી કોચે તેમને સ્વિમિંગ કરાવ્યું. સ્પર્ધાના અંતર કરતાં બમણું અંતર, અંદાજે બારેક કિલોમીટર જેટલું, પ્રથમ જ દિવસે સીમાબહેને તરીને કાપ્યું. દરિયામાં ભરતી વખતે વધુ સમય તરવું શક્ય હોય છે જ્યારે ઓટ વખતે અંતર ઓછું કપાય છે. ખારવાઓને ભરતી-ઓટનો સમય સહજ રીતે જાણ હોય એટલે દરિયામાં તરવાની પ્રૅક્ટિસનો સમય એ રીતે ગોઠવાય. સ્વિમિંગ પૂલમાં સવા-દોઢ કલાક તો સહજતાથી સીમાબહેન તરી લેતાં, પણ દરિયામાં તરવાનો એ પહેલો અનુભવ! માત્ર ત્રણ દિવસની પ્રૅક્ટિસ પછી રવિવારે નેવીની સ્પર્ધા હતી. સીમાબહેને છ કિલોમીટર જેટલું અંતર એક કલાક વીસ મિનિટમાં પૂર્ણ કર્યું અને સ્પર્ધામાં ક્વૉલિફાય થયાં. બીજા વર્ષની દરિયાઈ તરણસ્પર્ધામાં એ જ અંતર ત્રણ મિનિટ ઓછા સમયમાં પૂરું કર્યું. હાલમાં ફેબ્રુઆરી મહિનામાં ગેટવે ઑફ ઇન્ડિયાથી લાઇટ હાઉસ સુધીનું પાંચ કિલોમીટરનું અંતર તેમણે તરીને પૂર્ણ કર્યું. આ સ્પર્ધામાં ૩૦૪ પ્રતિસ્પર્ધીઓમાંથી ૨૭૫ સ્પર્ધકોએ તરીને અંતર પૂરું કર્યું જેમાં સીમાબહેન ચોથા નંબરે હતાં.

સીમાબહેન એક ગ્રુપનાં સભ્ય છે જેઓ શુક્ર કે શનિવારે ખાર દાંડા, ઉત્તન, ઉરણ કે નાલાસોપારાના દરિયામાં તરવા જાય છે. રોજ સ્વિમિંગ પૂલમાં દોઢથી બે કલાક તરવું એ તેમનો નિત્યક્રમ છે. તાજેતરની સ્વિમિંગ પૂલની ઇન્ટરક્લબ સ્પર્ધાઓમાં તેમને બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મળ્યા છે.

‘સ્વિમિંગ પૂલના મીઠા પાણીમાં તરવું અને દરિયાના ખારા પાણીમાં તરવું એ બેમાં ફેર છે. દરિયાના પાણીમાં ચામડી ઝડપથી ખરાબ થાય, જોકે એના ઉપાય પણ છે.’ એમ જણાવીને સીમાબહેન કહે છે, ‘વળી અગાઉ તો મુંબઈના દરિયામાં તરીએ ત્યારે ફિશી સ્મેલ આવે, ડીઝલ-પેટ્રોલની વાસ પણ આવે. જોકે

હાલમાં દરિયામાં પ્રદૂષણ ઓછું થયું છે, એ સારી વાત છે.’ ગોવાના દરિયામાં તરવાનો અનુભવ કેવો રહ્યો? એ પ્રશ્નના ઉત્તરમાં સીમાબહેન કહે છે, ‘માલવણ અને ગોવાના દરિયાનું પાણી વધુ ચોખ્ખું હોય છે. મુંબઈનો ઔદ્યોગિક કચરો દરિયામાં ન ઠલવાય તો આપણા દરિયા અને બીચ વધુ સારા થઈ શકે. દરિયાનું પાણી ચોખ્ખું હશે તો વધુ લોકો દરિયામાં તરવાની પ્રવૃત્તિ તરફ આકર્ષાશે. દરિયાનું પાણી ચોખ્ખું ન હોય તો તર્યા બાદ બે દિવસ ખાવાનુંય ન ભાવે એવું બને! દરિયાઈ પાણીથી મારી ચામડી ખરાબ ન થાય એ માટે હું કૉપરેલ તેલની માલિશ કરું છું.’

સીમાબહેન સ્વિમિંગ પૂલના તળિયે જઈ એક્વા યોગ (પાણીને તળિયે યોગાસન) પણ કરે છે. એકાદ મિનિટ માટે શ્વાસ રોકી તળિયે જઈ શીર્ષાસન, પદ્માસન જેવાં આસન કરે પછી બહાર આવી શ્વાસ લે અને ફરી તળિયે જઈ આસન કરે. આવાં આસન જાણકાર વ્યક્તિની સૂચના અને દેખરેખ હેઠળ જ કરવાં જોઈએ એવું સીમાબહેન ભારપૂર્વક જણાવે છે.

આ પણ વાંચો : આ બહેનને ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રત્યેનો પ્રેમ જુઓ ક્યાં લઈ ગયો

આજની ઘણી મહિલાઓ લગ્ન બાદ સંસારની જંજાળમાં ફસાઈને પોતાના શોખ કે સાહસને તિલાંજલિ આપતી હોય છે. તેમના માટે સીમાબહેન સંદેશ આપે છે કે ઉંમરને બાધારૂપ બનવા ન દો! ૬૩ વર્ષનાં સન્નારી પણ દરિયામાં તરે છે અને ૮૦ વર્ષનાં આન્ટી પણ સ્વિમિંગ પૂલમાં રોજ તરવા આવે છે. સીમાબહેન કહે છે, ‘દરિયામાં તરનારે વધુ પાણી પીતા રહી શરીરની પાણીની જરૂરિયાત પૂરી કરવી જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ. ખાસ તો બહેનોએ પોતાના શોખ, પોતાની આકાંક્ષાઓને ધરબી દેવાને બદલે કેટલીક સાહસિક રમતો કે પછી બીજી મનગમતી પ્રવૃત્તિમાં રસ કેળવી જીવન ધબકતું રાખવું જોઈએ.’

columnists