સ્ત્રી બુઢ્ઢી થઈ ગઈ એવું કહેવાય છે, પુરુષો માટે આવું કેમ નથી?

09 April, 2019 12:29 PM IST  |  | પલ્લવી આચાર્ય

સ્ત્રી બુઢ્ઢી થઈ ગઈ એવું કહેવાય છે, પુરુષો માટે આવું કેમ નથી?

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશ્યલ

મથુરાનાં સંસદસભ્ય અને પીઢ અભિનેત્રી હેમા માલિનીનું એક સ્ટેટમેન્ટ છે, જે બૉલીવુડમાં ઍક્ટિંગ કરતી મહિલાઓની સિચુએશન સાથે મેળ ખાય છે. હેમા માલિનીનું કહેવું છે કે બૉલીવુડમાં તેમની એજની સ્ત્રીઓ સાથે ફિલ્મ બનાવવા કોઈ તૈયાર જ નથી. બાકી આખી ફિલ્મનો ભાર પોતાના ખભે લઈ લેવાની ક્ષમતા આ સ્ત્રીઓમાં છે જ. (ગણીગાંઠી ફિલ્મોની અહીં વાત નથી.) ગંભીરતાથી વિચારીએ તો તેમની વાત ઘણાબધા સવાલો ઊભા કરે છે. એજ વધવાની સાથે અને એમાંય ત્રીસી વટાવ્યા પછી અભિનેત્રી કુશળ હોય તો પણ મુખ્ય પાત્ર તરીકેનો રોલ ભાગ્યે જ મળે છે. એવું કેમ? એક તરફ બૉલીવુડમાં જ્યાં ૫૦ પ્લસના હીરોની ફિલ્મો ધૂમ મચાવી રહી છે ને હિરોઇનો ત્રીસીમાં જ ફેંકાઈ જાય છે! કેટલાંક હીરો અને હિરોઇનોની ફિલ્મો કરોડોની ક્લબમાં એન્ટર થાય ત્યારે પણ બૉલીવુડમાં એની બધી ક્રેડિટ હીરોને જ મળે છે, ભલે પછી એમાં હિરોઇનનો રોલ ગમેતેટલો દમદાર કેમ ના હોય! ફિલ્મમાં હિરોઇનનું કામ શ્રેષ્ઠ હોય તો પણ ચર્ચા હીરોના સિક્સ પૅક ઍબ્સની અને તેની ઍક્શનની જ થાય છે. અહીં બધી જ રીતે હિરોઇનોને અલગ એટલે કે સરખામણીમાં ઊતરતી ટ્રીટ કરવામાં આવે છે, જેમ કે કેટલાક અપવાદોને બાદ કરતાં ફિલ્મમાં હિરોઇનની પણ અદેભુત ટૅલન્ટ હોવા છતાં હીરો કરતાં સરખામણીમાં ઓછું મહેનતાણું મળે છે. સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, જૉન અબ્રાહમ, સૈફ અલી ખાન વગેરે ફિલ્મોમાં હજુ લીડ રોલ કરી રહ્યા છે. આવું હિરોઇનો બાબતે છે? ૯૦ના દાયકામાં આમિર ખાન અને જુહી ચાવલાની જોડી હિટ હતી. આમિરને કૉલેજ-બોયનો રોલ મળ્યો - થ્રી ઇડિયટ્સમાં, પરંતુ જુહી ચાવલા ક્યાં છે? ડાબર હેર ઑઇલ અને ડિટર્જન્ટની જાહેરાતમાં! સલમાન હજુ હીરો છે, પણ કાજોલ ક્યાં છે? ઇવન પ્રીતિ ઝિન્ટા, શિલ્પા શેટ્ટી પણ ક્યાં છે? હિરોઇનોએ ૩૦ વટાવ્યાં નથી કે ફિલ્મોમાં બહેન અને મમ્મીના રોલ ઑફર થવા લાગે છે, એટલું જ નહીં, એક સમયની ધકધક ગર્લ માધુરી દીક્ષિત અને ડ્રીમગર્લ હેમા માલિની જેવી ગ્લેમરસ અભિનેત્રીઓને પણ હવે ફિલ્મોના રડ્યાખડ્યા રોલ છોડીને ટેલિવિઝનના હૉસ્ટ બનીને રહી જવું પડે છે.

યુવાન અને નવા ચહેરા બૉલીવુડમાં આવ્યા હોવા છતાં ૫૦ પ્લસ હીરો ચાલી રહ્યા છે તો એ જ બૉલીવુડમાં ન્યુ કમર સામે ૩૦ની હિરોઇનનું ટકવું પણ મુશ્કેલ બની જાય છે. રણવીર સિંહ, સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન વગેરે સુપરસ્ટાર લિસ્ટમાં છે. આવું હિરોઇનો માટે છે? શા માટે અહીં મહિલાઓની ઉંમરને ધ્યાનમાં લેવાય છે? હિરોઇનોની કારકિર્દી ત્રીસીમાં ખતમ કેમ થઈ જાય છે? ફિલ્મો જ નહીં, અન્યત્ર પણ પુરુષ સાથીદાર જેટલું જ કામ કરતી હોવા છતાં મહિલાઓને તેમના જેટલું મહેનતાણું નથી ચૂકવાતું. શા માટે સ્ત્રીઓ જલદી ઘરડી થઈ જાય છે? સ્ત્રીઓને સમાજ રૂપાળી પૂતળી તરીકે જ જુએ છે?

ઉંમર થઈ જાય એટલે મમ્મીનો જ રોલ મળે એ ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ છે

બૉલીવુડમાં આમ જ ચાલી રહ્યું છે અને મોટા ભાગની અભિનેત્રીઓએ તે એક્સેપ્ટ પણ કરી લીધું છે કે ઇન્ડસ્ટ્રીનો આ ટ્રેન્ડ જ છે. વયસ્ક સ્ત્રીઓ કરી શકે એવા લીડ રોલવળી કોઈ કહાનીઓ લખાતી નથી. અગાઉ પણ છોકરીઓ બહુ બહુ તો ૩૦ સુધી જ ચાલતી હતી. અને લગ્ન કરી લે પછી તો ચાલે જ નહીં. તમારો દેખાવ સારો હોય ત્યાં સુધી જ અહીં તમે ચાલી શકો, કારણ કે જોવાવાળાને પણ તમારો દેખાવ કન્વિન્સિંગ હોવો જોઈએ ને!

ઉંમર થઈ જાય એટલે મમ્મીનો જ રોલ મળે એ ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ છે અને મને નથી લાગતું કે હજુ આગામી ૨૦ વર્ષ સુધી એમાં કોઈ બદલાવ આવે. જોકે પહેલાં કરતાં અત્યારે ઘણો બદલાવ આવ્યો છે. અગાઉ લગ્ન કરી લીધાં પછી કોઈ છોકરીને ફિલ્મમાં લેવામાં જ નહોતી આવતી, પણ હવે તેઓ આવે છે. ઐfવર્યા, કરીના, દીપિકા અને અનુષ્કા ચાલે છે જ. - અરુણા ઈરાની (પીઢ અભિનેત્રી)

સ્ત્રી ઘરડી થતી નથી, તેને ગણાવી દેવાય છે 

સ્ત્રીઓ ઘરડી બનતી નથી, તેમને બનાવી દેવાય છે. સ્ત્રીઓ સાથે આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. અગાઉના સમયમાં સ્ત્રીઓને માત્ર તેમની શારીરિક ફળદ્રુપતાના માપદંડથી જ જોવાતી હતી, સ્ત્રીનું સગર્ભા બનવાનું સામર્થ્ય જ મહત્વનું ગણાતું હતું. ઉંમર વધતાં ગાય વસૂકી જાય એમ ૪૫ પછી સ્ત્રી ગર્ભધારણ ના કરી શકે તેથી પુરુષો અને સમાજ તેને ઘરડી માનતા હતા. આમ થવાનું કારણ બાયોલૉજિકલ છે. પુરુષોનું આવું નથી. તેમની ફળદ્રુપતા ૬૦ કે એથી વધુ વર્ષો ટકેલી હોય છે. અગાઉ સમાજ વધુ ખેતીપ્રધાન હતો, ખેતીના કામમાં બાળકોની વધુ જરૂર હતી. આમ એ સમયે બાળકોની સંખ્યા વધુ હતી, એટલું જ નહીં, બાળકો પુરુષોનો મોભો ગણાતાં. જેટલાં વધુ બાળકો એટલો પુરુષનો મોભો વધુ. સ્ત્રી ગર્ભધારણ ના કરી શકે એમ હોય ત્યારે પુરુષોને તે આકર્ષક ના લાગતી. પુરુષ ૫૫નો થાય ને માથે ટાલ પડી જાય, પેટ આગળ આવી ગયું હોય તો પણ તે પોતાની જાતને રંગીલો મોરલો ગણે છે, તેને યુવાન છોકરીઓ ગમે, ૫૦ની યુવતી ના ગમે. પુરુષોની આ માનસિકતા હતી, જે હજુ પણ ચાલતી આવી છે, એ બદલાતાં સમય લાગશે. જોકે ગામડાની અને શહેરની યુવતીઓમાં ફરક છે. ગામડાંઓમાં ૪૫ની વયની સ્ત્રી ડોશી બની જાય છે, જ્યારે શહેરમાં ૫૦, ૫૫ની સ્ત્રી પણ આકર્ષક લાગતી હોય છે. - સોનલ શુક્લ (સમાજસેવિકા)

બુદ્ધિ ને અનુભવના ફીલ્ડમાં આ સાચું નથી

બાયોલૉજિકલી જોઈએ તો ફિઝિકલી સ્ત્રીઓ જલદી મૅચ્યોર થઈ જાય છે. ગ્લૅમર વર્લ્ડમાં એ સાચું છે કે સ્ત્રીઓ જલદી ઓલ્ડ થઈ જાય છે એનું કારણ પણ છે. છોકરીઓ મૅચ્યોર જલદી થઈ જતી હોય છે અને ૧૪ કે ૧૫ વર્ષે અહીં કામ કરવા લાગે છે. પુરુષો મોડા મૅચ્યોર થાય છે એટલે અહીં તેમની કરીઅર સ્ત્રીઓની સરખામણીમાં શિફ્ટ થાય છે. સિલ્વર સ્ક્રીન પર કે જ્યાં બ્યુટીની જરૂર છે ત્યાં એ સાચું છે, પણ બધે એવું જરાય નથી. જ્યાં બુદ્ધિ અને અનુભવનો વિષય છે ત્યાં એની એજને કે એની બ્યુટીને જરા પણ નથી જોવામાં આવતી. કોઈ કંપનીની ચૅરપર્સન હોય તો કોઈ નથી જોતું કે તે મોટી વયની છે કે સુંદર છે કે નહીં. ત્યાં બ્યુટીની જરૂર જ નથી. ચંદા કોચરની એજ કોઈએ ક્યારેય પૂછી છે?

જ્યાં અનુભવની અને બુદ્ધિની જરૂર છે ત્યાં સ્ત્રીઓની વય સાથે કોઈ લેવાદેવા નથી. ફક્ત ગ્લૅમર વર્લ્ડમાં જ એવું છે કે તેની વય જોવામાં આવે છે અને આ ફીલ્ડમાં આવું હોવાનાં કારણો છે. - મિહિર ભુતા (લેખક-દિગ્દર્શક)

સિલ્વર સ્ક્રીન પર સ્ત્રીની ટૅલન્ટ નહીં, શરીર જ ચાલે છે

આ બાબત દૃઢપણે બૉક્સ ઑફિસની માગ છે. બૉલીવુડમાં એજ વધે પછી હિરોઇનોને લીડ રોલ નથી મળતા, હા, એજ મુજબ મમ્મી કે બહેનના રોલ મળે અને આમ થવાનું કારણ એ છે કે ઑડિયન્સ યંગ હિરોઇનને જ જોવા માગે છે. પ્રેક્ષકો સ્ત્રીને હંમેશાં યુવાન જ જોવા માગે છે, યુવાન ના હોય એવી એજેડ સ્ત્રી સ્ક્રીન પર પણ તેમને જોવી નથી ગમતી. ૩૦ પછી અહીં સ્ત્રીઓની શેલ્ફ લાઇફ ખતમ થઈ જાય છે. મર્દોની શેલ્ફ લાઇફ ઘણી લાંબી હોય છે. -  સુહાસિની મૂલે (પીઢ અભિનેત્રી)

આ પણ વાંચો : ક્યાં સુધી સહન કરશો આ પીડા?

થોડી વધુ એજ થાય એટલે સ્ત્રીઓને લીડ રોલ નથી મળતા, કારણ કે ફિલ્મ બનાવનારા પર બજેટ અને બૉક્સ ઑફિસ બન્નેનું પ્રેશર હોય છે. જોકે વેબ સિરીઝ અને નેટક્લિફ જેવા પ્લૅટફૉર્મ પર બૉક્સ ઑફિસનો બોજ નહીં હોવાથી અને બજેટ પણ ફિલ્મો જેટલું મોટું નહીં હોવાથી એજેડ હિરોઇનોને અહીં કામ મળી જાય છે. આ હાલત માત્ર બૉલીવુડમાં જ નહીં હૉલીવુડમાં પણ છે. ટોમ ક્રુઝ આ વયમાં હીરો બની શકે છે અને તેની હીરોઇન્સ ૨૦, ૨૨ કે ૨૫ની વયની હોય છે.

columnists