કૉલમ : ગેમ્સનું મહિલાઓમાં પણ વધી રહેલું આકર્ષણ ક્યાં પહોંચશે?

18 April, 2019 10:57 AM IST  |  | દર્શિની વશી

કૉલમ : ગેમ્સનું મહિલાઓમાં પણ વધી રહેલું આકર્ષણ ક્યાં પહોંચશે?

ગેમ એડિક્શન

લેડીઝ સ્પેશ્યલ

ભારતની મોબાઇલ ગેમ માર્કેટ ૨૦૨૦ સુધીમાં ૧.૧ અબજ ડૉલરને આંબી જશે એવો અંદાજ છે, જે પાછળનું મુખ્ય કારણ પબજી પણ છે. મોબાઇલ ગેમ વપરાશકારોની સંખ્યામાં ૩૦થી ૪૦ ટકા જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે, જેની અંદર ૩૦ ટકા જેટલી વર્કિંગ વુમન છે, જ્યારે બાકીના ટીનએજ સ્ટુડન્ટ્સ અને હાઉસવાઇફ છે.

‘અરે મને જલદીથી કવર કર...’ ‘નીચે પડેલી ગન ઉપાડીને મને પાસ કર...’ આવાં વાક્યો આજે ટ્રેનમાં, ગાર્ડનમાં, રેસ્ટોરાંમાં, મોલમાં તો શું ઘરની અંદર પણ સંભળાવા લાગ્યાં છે. યસ, તમે સમજી ગયા હશો આપણે પબજી ની વાત કરી રહ્યા છીએ. એક નશા જેવો બની ગયેલી ઑનલાઇન ગેમ પબજીએ આજે લોકોને એવું તે ઘેલું લગાડ્યું છે કે ન પૂછો વાત. આજે આ નશો માત્ર યંગસ્ટર્સ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ લેડીઝમાં પણ તેનો નશો ભરપૂર ચઢેલો છે. જ્યારે આ અને આવી અન્ય ગેમ આપણી પર્સનલ લાઇફને અફેક્ટ કરવાની શરૂ કરી દે ત્યારે તેનો નશો ઉતારવો જરૂરી બની જાય છે. આ દિશામાં કેટલીક મહિલાઓ અને નિષ્ણાંતો સાથે વાત કરીએ.

માંડ માંડ બચી

‘પબજી એક ઍડિક્ટિવ ગેમ છે, જેની જાળમાં ફસાતા-ફસાતા બચી ગઈ છું’ એમ બોરીવલીમાં રહેતી સ્ટુડન્ટ ઝીલ દેસાઈનું કહેવું છે. વાતને વિગતવારે જણાવતાં તે કહે છે, ‘પબજી માટે લોકોમાં જોવા મળેલા ક્રેઝથી અંજાઈને મેં પણ આ ગેમ મોબાઇલમાં ડાઉનલોડ કરી હતી. ખરેખર આ ગેમ એટલી બધી ઍડિક્ટિવ છે કે મને મોબાઇલ મૂકવાનું મન નહોતું થતું. એટલે સુધી કે એક્ઝામના આગલા દિવસે પણ મેં આ ગેમ રમવાનું છોડ્યું નહોતું. જોકે, એક્ઝામની અગાઉ તૈયારી કરી લીધેલી હોવાથી હું પાસ તો થઈ ગઈ પણ ધાર્યા મુજબનું પરિણામ ન આવતા બાદમાં મને ગેમ રમવાનો બહુ અફસોસ થયો હતો. મારાં માતા-પિતા વર્કિંગ છે એટલે તેમને ખબર નહોતી, પરંતુ જ્યારે બન્નેને આ વાતની ખબર પડી ત્યારે ઘણો ઠપકો પડ્યો હતો અને આ ગેમ મેં અનઇન્સ્ટૉલ કરી દીધી હતી, કેમ કે આ ગેમ તમારું મગજ ખરાબ કરી શકે તેવી છે. ઊંઘમાં પણ તમને આ જ ગેમની ક્લિપ દેખાતી રહે છે.’

બધું ભૂલી જવાય

સ્ટુડન્ટ્સ જ નહીં, પરંતુ નોકરિયાત મહિલાઓને પણ પબજી રમવાનું ગમે છે. ફાર્મા કંપનીમાં કામ કરતી ધરણી જોશી કહે છે, ‘આજે હું કોઈક વાર ગેમ રમી લઉં છું, પરંતુ અગાઉ આ ગેમ ઘણી રમી ચૂકી છું. હું જ નહીં, પરંતુ મારા હસબન્ડ પણ આ ગેમના ખૂબ જ શોખીન છે, પરંતુ મેં જ્યારે અનુભવ્યું કે મારો ૧૦ વર્ષનો છોકરો પણ આ ગેમ રમવા માંડ્યો છે કે તરત મેં આ ગેમ રમવાનું સ્ટૉપ કરી દીધું હતું. આજે કોઈક વાર મન થઈ જાય તો ફ્રેશ થવા માટે રમું છું, બાકી હવે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારું માનવું છે કે આવા પ્રકારની ગેમ તમારામાં રહેલા ગુસ્સાને બહાર લાવે છે, એટલું જ નહીં, તમારામાં હિંસક ભાવ પણ વધારે છે, જે ખોટું છે. એવું પણ થતું હતું કે હું ઘણી વાર ઑફિસેથી આવીને સીધી પબજી રમવા બેસી જતી હતી, જેને લીધે હું મારા સંતાન અને હસબન્ડને ઓછો ટાઇમ આપી શકતી હતી. મારી પર્સનલ લાઇફ વધુ ડિસ્ટર્બ થાય એ પહેલાં મેં ગેમ બંધ કરી દેવાનો નિર્ણય લઈ લીધો હતો. આવા પ્રકારની ગેમ તમને વિશ્વથી દૂર ધકેલી દે છે. ગેમ અને તેમાં તમારી સાથે રમતા લોકો જ તમારું વિશ્વ બની જતા હોય છે. મારું જ ઉદાહરણ આપું તો થોડાં વર્ષ પહેલાં પબજીની જેમ ટેમ્પલ રન પણ ઘણી ફેમસ ગેમ થઈ હતી જેની હું હાર્ડકોર ફેન હતી. એક વખત અમારા ઘરે ગણપતિ લાવ્યા હતા. દર્શન કરવા માટે મહેમાન ઘરે આવ્યા હતા, પરંતુ હું ગેમ રમવામાં એટલી બધી બિઝી થઈ ગઈ હતી કે તેમની તરફ ધ્યાન જ નહોતી આપી શકી.’

આ પણ વાંચો : કૉલમ : ચલો મૂકોને, જવા દો ને હવે

મનોચિકિત્સક શું કહે છે?

ઍડિક્ટિવ ગેમ રમનારા લોકોના મગજમાં પણ ઊંડી અસર કરી જતી હોય છે અને અહીં સુધી વૈવાહિક જીવનની નાવને પણ હચમચાવી મૂકે છે, જેને લીધે હવે સાઇકિયાટ્રિસ્ટ પાસે આવા પ્રકારના કેસ વધી રહ્યા છે. મોબાઇલ ગેમ પારિવારિક સંબંધોને કઈ રીતે અફેક્ટ કરે છે તે બાબતે સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પરેશ ત્રિવેદી કહે છે, ‘અમારી પાસે એવા પણ કેસ આવે છે જે કહે છે કે મારી વાઇફ મને સમય નથી આપતી. હું ઑફિસેથી ઘરે આવું ત્યારે મોબાઇલ લઈને જ બેઠેલી હોય છે. તો કેટલીક મહિલાઓ એવી ફરિયાદો પણ લઈને આવે છે કે મારા પતિ હંમેશાં મને ટોકે છે કે તું આખો દિવસ મોબાઇલ ગેમમાં માથું કેમ મારીને બેઠેલી હોય છે. છોકરા ઉપર ધ્યાન નથી આપતી. આવી સમસ્યા હવે દરેક ઘરમાં જોવા મળે છે. અહીં સુધી સંબંધો ડિસ્ટર્બ થવાના કેસ પણ વધી રહ્યા છે. મોબાઇલ ગેમમાં પહેલાં બાળકો ઍક્ટિવ રહેતાં હતાં, હવે દરેક ઉંમરના લોકોને રમવામાં મજા પડી રહી છે. અહીં સુધી હવે મહિલાઓ પણ વિશેષ રસ લેવા માંડી છે, પરંતુ એના લીધે કેટલાક કેસમાં બાળકોની સાથેનું અને પતિ સાથેનું તેમનું બોન્ડિગ ઘટી ગયું છે. પહેલાં ડાઇનિંગ ટેબલ પર કે લિવિંગ રૂમમાં પરિવાર સાથે બેસીને અમુક પળો માણતા હતા, પરંતુ આજે બધાના હાથમાં મોબાઇલ જ હોય છે. માતા-પિતાને જોઈને બાળકોમાં પણ મોબાઇલ ગેમનું ખેંચાણ વધી ગયું છે, જેને લીધે તેઓની સક્રિયતા પણ ઘટી ગઈ છે. યગંસ્ટર છોકરીઓમાં આવી ઍક્શન ગેમ રમવા પાછળનું એક સાઇકોલૉજિકલ કારણ એવું પણ બહાર આવ્યું છે કે તેમને તેમના પુરુષમિત્રો અને પરિવારના સભ્યો પાસેથી વારંવાર એવું સાંભળવા મળતું હોય છે કે તું છોકરી છે, તારાથી આવું નહીં થાય. છોકરીએ તો માત્ર રસોડું જ સંભાળવાનું હોય... વગેરે વાક્યો પણ તેમના મગજમાં ઘર કરી જાય છે અને પોતાની જાતને સાબિત કરવા માટે તેઓ આવા પ્રકારની ઍક્શન ગેમ રમવા પ્રેરાય છે.’

columnists