Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : ચલો મૂકોને, જવા દો ને હવે

કૉલમ : ચલો મૂકોને, જવા દો ને હવે

16 April, 2019 11:30 AM IST |
પ્રતિમા પંડ્યા

કૉલમ : ચલો મૂકોને, જવા દો ને હવે

મીનાક્ષી, મહેશ, નાયશા, અજય

મીનાક્ષી, મહેશ, નાયશા, અજય


લેડીઝ સ્પેશ્યલ

સ્ત્રી એટલે સંવેદનશીલતા, લાગણી અને સહનશીલતાનું સોનેરી સંગમ. આધુનિક સમયમાં દરેક મહિલાઓ આ જ ઘાટની છે એવું ન કહી શકાય. સમય પ્રમાણે મહિલાઓ નવેસરથી ઘડાઈ છે અને બદલાઈ છે. બેશક, મૂળ પ્રકૃતિ મુજબ મહદ્ અંશે તે પોતાના મૂળભૂત ગુણોને જાળવી શકી છે. એટલે જ કદાચ ઘરની બહાર નીકળી જવાબદારીભર્યાં કાર્ય સંભાળતી સ્ત્રીઓના જીવનમાં પણ સંવેદનશીલતા, પ્રેમ, સ્નેહ, હૂંફ જેવા શબ્દો તેમની ડિક્શનેરીમાં પ્રથમ પાને છે. મુંબઈ જેવા શહેરની સ્ત્રી હોય કે લડાખનાં ગામોમાં દુકાનો સંભાળતી સ્થાનિક મહિલાઓ હોય, આ વાત સૌને લાગુ પડે છે. સંવેદનશીલ હોવાને કારણે શું લેટ ગો કરવાની એમની બિહેવિયરલ પૅટર્ન સનાતન છે? શું ઉદારતા એ તેમની લાક્ષણિકતા છે? ચાલો જોઈએ કે સમાજના વિવિધ સ્તરમાંથી કેવા પ્રતિભાવ સાંપડે છે.



સુખની ચાવી


મહિલા આન્ત્રપ્રેન્યોર સાથે કામ કરતી થાણેની સંસ્થા ઊર્જા‍નાં સ્થાપક તથા ફૅશન ડિઝાઇનર એવાં મીનાક્ષી કકરાણિયા કહે છે, ‘એ વાત સો ટકા સાચી છે કે મહિલાઓ પુરુષ કરતાં વધુ ઉદાર હોય છે, વધુ સેન્સિબલ હોય છે અને સ્નેહભાવ એમના માટે સહજ હોય છે. નાનપણથી જ છોકરીઓનો ઉછેર એવી રીતે થયો છે કે લેટ ગો કરવાનું એ આપોઆપ શીખી જાય છે. ઘરનું કાર્ય ભાઈ ન કરે, પણ અમારે કરવું જ પડે. એટલે અમારી જનરેશન જે આજે ફિફ્ટી પ્લસ છે તેમનો ઉછેર જ એવો થયો છે કે લેટ ગો કરવું સહજ હતું. બીજું, સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે અનકન્ડિશનલ લવ સ્વાભાવિક રીતે જન્મે છે. માતા બન્યા પછી પણ એણે સંતાનો માટે લેટ ગો કરવાનું જ છે. માતા ગૃહિણી હોય કે કરીઅરની ટોચ પર હોય, સંતાનો માટે તો એ ઉત્તમ માતા જ સાબિત થાય છે. સ્ત્રી એકસાથે વિવિધ રોલ સરસ રીતે ભજવી જાણે છે, જે આપણે આપણી આજુબાજુ જોઈ શકીએ છીએ. કામવાળી બાઈ, તેનો પતિ દારૂ પીને આવતો હોય, તેને મારતો હોય તો પણ ચલાવી લે છે. તેનો પતિ પત્ની માટે આ હદે લેટ ગો નથી કરતો!’

ત્રણ-ચાર દાયકા પહેલાંની પરિસ્થિતિ તો વર્ણવી, પણ શું આજે પણ એ જ હાલ છે? સ્મિત કરતાં મીનાક્ષીબહેન કહે છે, ‘આજે પરિસ્થિતિ થોડી બદલાઈ છે. ભણતરના કારણે, સ્ત્રી બહારની જવાબદારી લેતી થઈ એનાથી અને સમાજના બદલાતા પ્રવાહની અસરથી સ્ત્રીમાં પણ બદલાવ આવ્યો છે. સ્ત્રીના હાથમાં સત્તા આવી હોય ત્યારે તે વધુ લેટ ગો નથી કરતી એવું જણાય છે. જોકે લેટ ગો કરી શકે એ સુખી રહી શકે છે, બાકી તો તમે તમારા જીવનમાં તોફાન નોતરો છો, એ જ આખી વાતનો સાર છે.’


ગળથૂથીનો ગુણ

‘હા, પુરુષની સરખામણીએ મહિલાઓ વધુ ઉદાર હોય છે એ વાત સાચી છે, કારણ કે ક્યારેય કોઈ વ્યક્તિને મદદરૂપ થવાની વાત આવે છે ત્યારે મહિલાઓ તરત તૈયાર થઈ જાય છે.’ કંઈક આવા શબ્દોમાં વાતની શરૂઆત કરતાં બૅન્કર મહેશ અઢિયા કહે છે, ‘સ્ત્રી જેને મદદ કરી રહી છે તે ભવિષ્યમાં તેને મદદરૂપ થશે કે નહીં તેનો પણ વિચાર તે કરતી નથી. જ્યારે પુરુષો ભવિષ્યમાં તે પોતાને ઉપયોગી થશે કે કેમ તે વિશે વિચાર કરીને જ કોઈને મદદ કરવા આગળ આવે છે. રોજની જિંદગીમાં પણ આવું ઘણી વાર બનતું જોયું છે. હું પોતે બૅન્કમાં નોકરી કરું છું, બૅન્કના સ્ટાફની વાત કરું તો મહિલાઓ વધુ બાંધછોડ સાથે કામ કરતી હોય છે. માત્ર બૅન્કમાં જ નહીં, દરેક ઑફિસોમાં આવું જ હોય છે. સમાજની લગભગ દરેક સ્ત્રી માટે કહી શકાય કે મહિલાઓ પુરુષો કરતાં હંમેશાં વધારે ઉદાર હોય છે. નાનપણની વાત કરીએ તો પણ મોટી અથવા નાની બહેન ચૉકલેટ કે બીજી કોઈ પણ પ્રકારની ખાવાની વસ્તુ ભાઈ સાથે વહેંચીને જ ખાય છે એટલે ઉદારતાનો ગુણ મહિલાઓને ગળથૂથીમાંથી જ મળ્યો હોય એવું જોવા મળે છે.’

સાવ એવું નથી

સ્ત્રી જેવી બાંધછોડ પુરુષો કરી શકે છે? કાંદિવલીમાં રહેતી અને વર્કિંગ વુમન નાયશા નથવાણીને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રશ્ન સાંભળી તે ખડખડાટ હસી પડે છે અને કહે છે. ‘હું લેટ ગો નથી કરતી! આજની સ્ત્રી ભણી છે, જૉબ કરતી થઈ છે એટલે એના સ્વતંત્ર વિચારો હોય, પણ જેમ સ્ત્રીમાં બદલાવ આવ્યો છે એમ પુરુષમાં પણ બદલાવ આવ્યો છે. મારા પતિ જીમિત ઘરના કામમાં એટલા હેલ્પફુલ છે કે ફક્ત આપણે જ ઘરનું કામ કરતાં હોઈએ એ પરિસ્થિતિ નથી રહી. આજે જેન્ટ્સ ઘરનાં કામ કરવામાં ઉત્સાહથી જોડાય છે એટલે વાઇફને પણ સારું લાગે. એટલે લેટ ગો કરવાની જરૂર પડે તો બન્ને તરફથી થાય છે. એમાંય મને લાગે છે, પુરુષો વધુ લેટ ગો કરે છે. આજુબાજુ યંગ કપલ્સ જોઉં છું તો એમના કેસમાંય એવું જોવા મળે છે. પહેલાં એવું થતું કે સ્ત્રી બહાર જતી તો પુરુષને શક થતો, પણ હવે પુરુષ સમજે છે કે સ્ત્રી પોતાના પગ પર ઊભી રહે એ બન્ને માટે સારું છે. ન્યુક્લિયર ફૅમિલી વધી છે, સ્ત્રીઓ વધુ ભણતી થઈ છે એવા કિસ્સામાં સ્ત્રી ડોમિનેટ વધુ કરે છે અને પુરુષો વાતાવરણ ડહોળાય નહીં એમ વિચારીને થોડું જતું કરે છે.’

નાછૂટકે લેટ ગો કરે

મીરા રોડના વર્કિંગ પ્રોફેશનલ અજય સૈની નાયશાની વાત સાથે સહમત થાય છે. આપણે આ વાતને જનરલાઇઝ ન કરી શકીએ એમ જણાવીને તેઓ કહે છે, ‘પુરુષ હોય કે સ્ત્રી, વ્યક્તિ તરીકે એની આંતરિક સમજ અને આંતરિક સજાગતા કે સજ્જતા એનો બહારના જગત સાથેનો વ્યવહાર નક્કી કરે છે. આપણી સમાજવ્યવસ્થા જ એવી રહી છે કે સ્ત્રીઓ પર કોઈક દબાવ રહ્યો છે. એટલે લેટ ગોની ભાવનાની જે વાત કરીએ છીએ એ તેમના પર લાદી દેવામાં આવી છે. મારી દૃષ્ટિએ સામાજિક જીવનમાં મોટા ભાગના કિસ્સાઓમાં પુરુષ જતું કરે છે કે ભૂલી જાય છે, પણ સ્ત્રી જૂનામાં જૂની વાતને પણ ભૂલી શકતી નથી. કોઈએ તેનું અપમાન કર્યું હોય તો તે લાંબા સમય સુધી તેને યાદ રાખે છે. ‘લેટ ગો’નો એક અર્થ આપણે કોઈને ક્ષમા આપવી એ લઈએ તો એ બહુ ઊંચી અવસ્થા છે. એ લાંબી યાત્રા છે અને એમાં વ્યક્તિ સિલેક્ટિવ ન રહી શકે કે હું આને માફ કરી દઉં છું અને આને હું ક્યારેય માફ નહીં કરું! એટલે લેટ ગો થતું પણ હોય તો એ પરિસ્થિતિ સાથેનું કૉમ્પ્રોમાઇઝ છે! સ્ત્રી હોય કે પુરુષ જો કમાન્ડિંગ પોઝિશન પર હશે તો લેટ ગો ઓછું જ જોવા મળે છે. કેટલાક કિસ્સામાં પત્ની જો ડોમિનેટ કરતી હોય તો ગૃહસ્થી વ્યવસ્થિત ચાલતી રહે એ માટે પુરુષ પણ લેટ ગો કરતો હોય છે. મારા વિશાળ સ્ટાફને પણ ઑબ્ઝર્વ કરું છું તો પુરુષ કે સ્ત્રી તરીકે એમની લેટ ગો કરવાની ભાવનાને વિભાજિત કરવાને બદલે મને લાગે છે કે વ્યક્તિગત ઉછેર અને વ્યક્તિગત ટેમ્પરામેન્ટ બહુ મોટો ભાગ ભજવે છે.

આ પણ વાંચો : ફૂટ માસ્ક રાખશે પગના તળિયાને સ્વચ્છ અને સુંદર

મહિલાઓમાં રાઇટ બ્રેઇન વધારે ઍક્ટિવ હોય છે

છેલ્લાં પાંત્રીસ વર્ષથી પ્રૅક્ટિસ કરતા જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ગિરીશ પટેલ સ્ત્રીઓના સ્વભાવ વિશે વાત કરતાં કહે છે, ‘મહિલાઓ વધારે ઇમોશનલ હોય છે. માણસના મગજમાં કેટલીક સર્કિટ હોય છે જે ઇમોશન્સ કે લાગણીઓ સાથે સંકળાયેલી છે. મહિલાઓમાં એ વિશેષ હોય છે. મહિલાઓમાં રાઇટ બ્રેઇન વધારે ઍક્ટિવ હોય, જે ઇમોશન્સ સાથે સંકળાયેલું છે. એ ઉપરાંત ઇન્ટ્યુશન્સ પણ એમને વધારે હોય. આ કારણે મહિલાઓ વધારે ઉદાર હોય છે. બદલાયેલા સમાજ સાથે અભ્યાસ અને ઉછેર બહેતર થતાં સ્ત્રીઓ રૅશનલ બની છે, પરંતુ એ પછીયે ઇમોશનલ તો રહેવાની જ, એટલે મોટા ભાગે ઉદારતા, સહિષ્ણુતા વગેરે ગુણો મહિલાઓમાં વધુ પ્રમાણમાં જ દેખાય એ સ્વાભાવિક છે. જોકે અમુક કિસ્સાઓમાં આ બાબત અપવાદરૂપે અલગ હોઈ શકે.’ - ડૉ. ગિરીશ પટેલ (સાઇકિયાટ્રિસ્ટ)

સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે અનકન્ડિશનલ લવ સ્વાભાવિક રીતે જન્મે છે. માતા બન્યા પછી પણ એણે સંતાનો માટે લેટ ગો કરવાનું જ છે. - મીનાક્ષી કકરાણિયા, ફૅશન ડિઝાઇનર

સ્ત્રી જેને મદદ કરી રહી છે તે ભવિષ્યમાં તેને મદદરૂપ થશે કે નહીં તેનો પણ વિચાર તે કરતી નથી. ઉદારતાનો ગુણ મહિલાઓને ગળથૂથીમાંથી જ મળ્યો હોય એવું જોવા મળે છે - મહેશ અઢિયા, બૅન્કર

સ્ત્રીઓ વધુ ભણતી થઈ છે એવા કિસ્સામાં સ્ત્રી ડોમિનેટ વધુ કરે છે અને પુરુષો વાતાવરણ ડહોળાય નહીં એમ વિચારીને થોડું જતું કરે છે - નાયશા નથવાણી, વર્કિંગ વુમન

સામાજિક જીવનમાં મોટા ભાગના કિસ્સાઓમાં પુરુષ જતું કરે છે કે ભૂલી જાય છે, પણ સ્ત્રી જૂનામાં જૂની વાતને પણ ભૂલી શકતી નથી. - અજય સૈની, વર્કિંગ પ્રોફેશનલ

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 11:30 AM IST | | પ્રતિમા પંડ્યા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK