જતન વૃક્ષોનું

23 July, 2019 10:59 AM IST  |  મુંબઈ ડેસ્ક | અર્પણા શિરીષ - લેડીઝ સ્પેશ્યલ

જતન વૃક્ષોનું

રેની વ્યાસ અને ડૉ. ઉષા દેસાઇ

થોડાક સમય પહેલા મેક્સિકોમાં ‘મૅરી અ ટ્રી’ સેરેમની હેઠળ પર્યાવરણપ્રેમી સ્ત્રીઓએ રીતસર વૃક્ષો સાથે પરંપરાગત રીતે લગ્ન કર્યાં હતાં. આપણા મુંબઈમાં પણ ઘણી એવી મહિલાઓ છે જે પર્યાવરણ પ્રત્યે ખૂબ સજાગ છે. પોતાનામાં જાગેલો પર્યાવરણપ્રેમ લોકો સુધી પહોંચાડવા માટે સ્ત્રીઓ શું કરી રહી છે એ જાણીએ

લેડીઝ સ્પેશયલ

થોડા સમય પહેલાં મેક્સિકોમાં એક સામૂહિક વિવાહમાં ભાગ લેનાર બધી દુલ્હનો પર્યાવરણ-ઍક્ટિવિસ્ટ હતી અને તેમના દુલ્હાઓ બીજું કોઈ નહીં, વૃક્ષો હતાં. મેક્સિકોમાં ગેરકાયદે વૃક્ષ કાપીને બાંધકામ કરવાનું કામ ખૂબ જોરમાં ચાલે છે. આ જ આ બાબતે લોકોનું ધ્યાન દોરવા માટે મેક્સિકોની ટ્રી ઍક્ટિવિસ્ટ મહિલાઓએ ઝાડ સાથે લગ્ન કર્યાં હતાં. એક સ્ત્રી ઍક્ટિવિસ્ટે આવું કરવાનું કારણ જણાવતાં કહ્યું કે આ રીતે વૃક્ષ સાથે હું કમિટેડ રહીશ અને ફક્ત વૃક્ષની જ નહીં, સંપૂર્ણ કુદરતની રખેવાળી કરીશ. ‘મૅરી અ ટ્રી’ સેરેમની હેઠળ આ પર્યાવરણપ્રેમી સ્ત્રીઓએ રીતસર વૃક્ષો સાથે પરંપરાગત રીતે લગ્ન કર્યાં હતાં. આ તો વાત થઈ મેક્સિકોની, પણ આપણા મુંબઈમાં પણ ઘણી એવી મહિલાઓ છે જે પર્યાવરણ પ્રત્યે ખૂબ સજાગ છે. ચાલો મળીએ એવી જ કેટલીક સ્ત્રીઓને જેઓ આવનારી પેઢી માટે પૃથ્વી રહેવાલાયક રહે એ માટે આજે વૃક્ષોનું તેમ જ પર્યાવરણનું જતન કરવાના પ્રયત્ન કરી રહી છે અને લોકોને પણ એવું કરતાં શીખવી રહી છે.

વૃક્ષોના લાઇવ જીપીઆરએસ તરીકે ઓળખવા આવે છે આ બહેનોને - રેની વ્યાસ અને ડૉ. ઉષા દેસાઈ
જો તમને કોઈ વૃક્ષ વિશે જાણકારી જોઈતી હોય કે એ વૃક્ષ ક્યાં મળે છે એ જાણવું હોય તો એની જીવતી-જાગતી ડિક્શનરી એટલે ૬૩ વર્ષનાં રેની વ્યાસ અને ૮૦ વર્ષનાં ડૉક્ટર ઉષા દેસાઈ. વૃક્ષ વિશેની જાણકારી મેળવવાનો એટલોબધો શોખ કે હવે લોકો તેમને વૃક્ષોના લાઇવ જીપીઆરએસ તરીકે ઓળખવા લાગ્યા છે. મૂળ પંજાબી અને કેશોદના ગુજરાતી બ્રાહ્મણને પરણેલાં રેની વ્યાસે જ્યારે ઉંમરની ગોલ્ડન જ્યુબિલી ઊજવી ત્યારે તેમણે પોતાના વૃક્ષો માટેના પ્રેમને લીધે બિઝનેસનો બધો કારોબાર પતિને સોંપીને ગાર્ડનિંગનો કોર્સ કર્યો અને ત્યાર બાદ બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીમાં બોટનીનો કોર્સ કરવાની શરૂઆત કરી.

બીજી બાજુ મુંબઈની એક હૉસ્પિટલમાંથી નિવૃત્ત થયેલાં ડૉક્ટર ઉષા દેસાઈને પણ રિટાયરમેન્ટ બાદ પ્રૅક્ટિસ છોડીને બીજું કંઈક કરવું હતું અને તેમણે બોટની તેમ જ કીટકશાસ્ત્રમાં રસ લેવાનું શરૂ કર્યું. જ્યાં વૃક્ષોને લગતા જ એક કાર્યક્રમમાં ડૉક્ટર ઉષાની ભેટ રેની વ્યાસ સાથે થઈ. બેઠક બાદ તેમણે સાથે મળીને ‘ફીલ્ડ બોટની’નો કોર્સ કર્યો. તેઓ જે શીખી રહ્યાં હતાં એ વૃક્ષોને જાણવાનું તેમનું કુતૂહલ તેમને મુંબઈની આસપાસનાં જંગલ અને બાગમાં લઈ ગયું. પહેલી વાર ૨૦૧૦માં તેમણે ચારથી પાંચ લોકોને સાથે લઈ જઈએ ‘ટ્રી ઍપ્રીશિયેશન વૉક’ નામથી વનભ્રમણ શરૂ કર્યું. હજી સુધી તેઓ મહિનામાં એક ટ્રી ઍપ્રીશિયેશન વૉક કરે છે. ફરક ફક્ત એટલો જ છે કે હવે તેમની આ વૉકમાં તેમની સાથે ૭૦થી ૮૦ જેટલા લોકો જોડાય છે. આ વૉકનો અર્થ સમજાવતાં રેની વ્યાસ જણાવે છે, ‘વૃક્ષો સાથે તેમની કનેક્ટિવિટી ઘટી ગઈ છે અને એને જ ફરી જોડવા માટે ઍપ્રીશિયેશન વૉક કરીએ છીએ. વૃક્ષો પાછળની કથા, એનો અર્થ, એનાં અનેક નામ, એ શું આપે છે, એના વિવિધ ભાગો વિશેની જાણકારી વગેરે લોકો સુધી પહોંચાડવામાં આવે છે. દરેક વૃક્ષની કહાની એક ઐતિહાસિક કથા સાથે જોડીને કહેવામાં આવે છે જેથી લોકોને યાદ રહે.’

તેમનું કહેવું છે કે આ જ્ઞાન શૅર કરવું જરૂરી છે જેથી વધુ ને વધુ લોકો વૃક્ષો પ્રત્યે સજાગ બને અને એને પ્રેમ કરે, ઍપ્રીશિયેટ કરે. વરસાદ હોય કે તડકો, આ વૉક એક વાર પ્લાન થયા પછી કૅન્સલ થતી નથી. ૠતુ પ્રમાણે થીમ
જુદી-જુદી રાખવામાં આવે છે. જેમ કે જો ઘાસની થીમ હોય તો એમાં ઘાસના જુદા-જુદા પ્રકાર જ લોકોને જાણવા મળશે. એક જૂથને જ્યારે તેઓ આ વૉક પર લઈ જાય એ પહેલાં બન્ને બહેનપણીઓ જઈને એ જંગલ અથવા બગીચાનો અભ્યાસ કરે છે અને એવાં વૃક્ષોની પસંદગી કરે છે જે થીમ પ્રમાણે બંધ બેસતાં હોય અને ત્યાર બાદ એ વિશે જાણકારી મેળવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે તેમની 100 વૉક પૂર્ણ કરી અને હવે આ મહિને સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ૧૦૪મી ટ્રી ઍપ્રીશિયેશન વૉક સિલોન્ડા ટ્રેઇલ ખાતે લીધી હતી. તેમની વૉકમાં તેમની સાથે સામાન્ય માણસો જ નહીં, બોટનીના ટીચર અને સ્ટુડન્ટ્સ પણ જોડાય છે.

ચાલો વૃક્ષો વાવીએ : ફાલ્ગુની શાહ
કહેવાય છે કે ‘વૃક્ષ પર પ્રેમિકાનું નામ લખવાને બદલે તેના નામનું એક વૃક્ષ વાવી દો.’ જો તમારી પણ આવી કોઈ ઇચ્છા હોય તો એ પૂરી થઈ શકે છે. સાંતાક્રુઝની ફાઇનૅન્શિયલ પ્લાનર ફાલ્ગુની શાહ લોકોની વૃક્ષો વાવવાની ઇચ્છાઓ પૂરી કરે છે. તેઓ કહે છે, ‘કપાયેલાં વૃક્ષો જોવાનું કોઈને ન ગમે અને દરેક વ્યક્તિને દિલના કોઈ ખૂણે વૃક્ષો માટે કાળજી જરૂર હોય છે અને એની સાથે જ થાય છે વૃક્ષ વાવવાની ઇચ્છા, પણ લોકો આગળ આવીને કંઈ કરવા નથી માગતા.’
આવા જ લોકો માટે તેમણે ‘વિશ અ ટ્રી’ નામની સંસ્થા શરૂ કરી છે.

ફાલ્ગુની શાહ અને તેમના પતિ સમીરે આશરે દસેક વર્ષ પહેલાં કર્જતમાં એક ફાર્મ લીધું હતું. ફાર્મ લીધા બાદ તેમણે શરૂઆતનાં વર્ષોમાં એ ફાર્મ પર ધ્યાન ન આપ્યું. તેઓ જ્યારે બીજી વાર ફાર્મ પર ગયાં ત્યારે ત્યાંનાં બધાં જ વૃક્ષો સ્થાનિક આદિવાસીઓએ બળતણ માટે કાપી નાખ્યાં હતાં. એ જોઈને તેમને ખૂબ દુઃખ થયું. તેમણે વિચાર્યું કે આ વિશે કંઈક કરવું જોઈએ અને તેમણે આ ફાર્મમાં શાકભાજી અને ફળ ઉગાડવાની શરૂઆત કરી. ધીમે-ધીમે ફળ અને શાકભાજી ઊગવા લાગ્યાં અને ફાલ્ગુનીનો વૃક્ષપ્રેમ વધતો ગયો. જોકે આજુબાજુમાં બંગલા બાંધવા માટે લોકો વૃક્ષો કાપવા માટે તૈયાર જ હતા. એ સિવાય સ્થાનિક આદિવાસીઓ પણ બળતણ માટે વૃક્ષોને કાપતા અને ત્યારે ફાલ્ગુનીએ નક્કી કરી લીધું કે આ માટે કંઈક તો કરવું જ છે અને આ રીતે અસ્તિત્વમાં આવ્યું ‘વિશ અ ટ્રી’ ફાઉન્ડેશન.

જો તમને કોઈ વૃક્ષ વાવવાની ઇચ્છા હોય તો આ સંસ્થા તમારી ઇચ્છા પૂરી કરે છે. આ સંસ્થા તમારા વતી એક વૃક્ષ વાવે છે, એટલું જ નહીં, એ વૃક્ષોને જાળવે પણ છે. આમાં તમને મળશે એક ઈ-સર્ટિફિકેટ જેમાં તમારું વૃક્ષ કયું છે, એ ક્યાં છે, અને કઈ તારીખે ઉગાડવામાં આવ્યું એ લખેલું હશે. ભવિષ્યમાં જો તમારે તમારા વૃક્ષને મળવા જવું હોય કે જોવા જવું હોય તો એની અરેન્જમેન્ટ પણ ફાલ્ગુનીબહેન કરે છે. તેમનું કહેવું છે કે વૃક્ષોને પ્રેમ કરો, એની સાથે વાત કરો તો એ સારાં પાંગરે છે.

ફાલ્ગુની અને તેની સંસ્થાએ તેમના ફાર્મહાઉસના આજુબાજુનાં આદિવાસી ગામડાંઓમાં વૃક્ષો વિશે પ્રેમ જગાડવા માટે ત્યાંની કેટલીક સ્કૂલોમાં વૃક્ષારોપણના પ્રોગ્રામ કર્યા છે જેથી બાળકો વૃક્ષો વિશે સજાગ બને અને તેમના પેરન્ટ્સને સમજાવે. ફાલ્ગુનીનું કહેવું છે, ‘હવે તો લોકો પોતાના બૉસનો બર્થ-ડે હોય તો તેમના વતી પણ ચાર કે પાંચ વૃક્ષો વાવવાનું મારી સંસ્થાને કહે છે અને અમે નર્સરીમાંથી રોપ લઈને એક સારી જગ્યા શોધીને આ વૃક્ષ વાવીએ છીએ. ત્યાર બાદ તેઓ વૃક્ષની જાણકારી રૂપનું સર્ટિફિકેટ બૉસને ગિફ્ટ આપે છે. આ જ રીતે લગ્ન કે બર્થ-ડે જેવા મહત્ત્વના માઇલસ્ટોનની યાદગીરીરૂપે લોકો વૃક્ષો વાવતા થયા છે. મારો વૃક્ષો માટેનો પ્રેમ લોકો સુધી આ રીતે પહોંચે છે અને લોકો પણ પોતાના વૃક્ષપ્રેમને હકીકતમાં બદલાવી શકે છે એ જોઈને ખૂબ આનંદ થાય છે.’
ફાલ્ગુનીનું ધ્યેય દર વર્ષે ૧૦૦૦ કે એનાથીય વધુ વૃક્ષો વાવવાનું છે.

ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઇલની ઝુંબેશ : મીરા શાહ
મુલુંડમાં રહેતાં ફિઝિયોથેરપિસ્ટ મીરા શાહ ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઇલમાં માને છે. ફક્ત પોતે જ નહીં, તેમણે તેમના સંપૂર્ણ પરિવારને આવી લાઇફસ્ટાઈલ વિશે સજાગ બનાવ્યા છે. જો મીરાને એમ લાગે કે તેની કોઈ પણ ખરીદી કે કામથી પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું છે તો તે એવું નથી કરતી. થોડાં વર્ષો પહેલાં જ્યારે આપણી બીએમસી સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ માટે ખૂબ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચે છે એવી એક જાહેરખબર ન્યુઝપેપરમાં મીરાએ વાંચી. ત્યાર બાદ તેમણે નક્કી કર્યું કે મારે ઝીરો વેસ્ટ બેઇઝ લાઇફ જીવવી છે. તેને આવું કરવાની પ્રેરણા તેના પપ્પા પાસેથી મળી છે. મીરાના પપ્પા વિલે પાર્લેમાં તેમની ટેરેસ પર ગાર્ડનમાં ઘરે જ બનાવેલું ખાતર નાખે છે. આ ખાતર તેઓ રોજબરોજના કચરામાંથી બનાવે છે અને એમાંથી પ્રેરણા લઈને મીરાને થયું કે મારે પણ આ જ કરવું છે અને તેમના નિર્ણયને તેનાં સાસુ-સસરા અને પતિ નીરવે પણ વધાવ્યો. ઘરમાંથી જમા થતા બધા ભીના કચરાને મીરા અને તેનો પરિવાર એક બાસ્કેટમાં ભેગો કરે છે અને પછી એને જાળવીને એમાંથી જે ખાતર તૈયાર થાય છે એ છોડવાઓમાં નાખે છે.

આ વિશે જણાવતાં મીરા કહે છે, ‘ઘરે કોઈ પણ ખુલ્લી બાસ્કેટ અથવા માટીના વાસણમાં રોજનો કચરો જમા કરી તએમાંથી ખાતર બનાવી શકાય છે. ખાતર પૂરી રીતે બનતાં મહિનાઓ લાગે છે માટે દરરોજ એને અડધો કલાક માટે ખુલ્લો કરી દઉં છું જેથી એમાંથી દુર્ગંધ નથી પ્રસરતી. અને આ રીતે કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય છે. આ સિવાય મારા ઘરમાં કાચ, મેટલના ટુકડા કે રબર જેવી બધી ચીજો ફેંકવાને બદલે રદીવાળાને અપાય છે. એ સિવાય કોઈ પણ વસ્તુ જો એવું લાગે કે જરૂરી નથી તો એ નવી નથી ખરીદવામાં આવતી.’

આટલું જ નહીં, મીરા જો સૅલોંમાં હેર કટ કરાવવા જાય તો પોતાના વાળ પણ ઘરે પાછા લઈ આવે છે જેથી તે ખાતરના કન્ટેનરમાં નાખી શકે. એ સિવાય કાપેલા નખ, કાગળ, ઘરમાં દરરોજ ઝાડુ મારીને નીકળતી ધૂળ એ બધું જ કમ્પોઝિંગ બીનમાં જમા થઈ ખાતર બને છે. મીરા ફેસબુક પર ‘ઝીરો વેસ્ટ ઇન્ડિયા’ નામના ગ્રુપની મેમ્બર છે જેમાં તે પ્રકૃતિમાં કચરો ઓછામાં ઓછો થાય એના નવા-નવા રસ્તા શીખતી રહે છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

આ પ્રકારની લાઇફસ્ટાઇલના ફાયદા અનેક છે એવું સમજાવતાં મીરા કહે છે, ‘હંમેશાં નવાં કપડાં પહેરવાં, નવું-નવું ખરીદવું એ બધા પાછળ જે સોશ્યલ ઑકવર્ડનેસ હોય છે એને લીધે આપણે ઘરમાં બિનજરૂરી ચીજોનો સંગ્રહ કરતા જઈએ છીએ. પહેલાં હું ક્લિનિકમાં બેસ્ટ કપડાં પહેરીને જવું એવો આગ્રહ રાખતી, પણ હવે વાપરેલાં કપડાં કે કોઈનાં પહેરેલાં સારી કન્ડિશનવાળાં કપડાં પહેરવામાં પણ જરાય નથી સંકોચાતી અને માટે જ છેલ્લા એક વર્ષથી મેં નવાં કપડાં નથી ખરીદ્યાં. મારી આ લાઇફસ્ટાઇલ વિષે હવે મારા નજીકના લોકો પણ જાણે છે. મારી એક કઝીન છે જે પોતાનાં કોઈ કપડાં ન પહેરવાની હોય તો સૌથી પહેલાં મને કહે છે. મારી આ વાત મારા પરિવારના લોકોએ પણ અપનાવી છે અને છેલ્લા એક વર્ષથી અમારા ઘરમાં કોઈએ શૉપિંગ કર્યું નથી. અમારી પાસે કાર છે, પણ અત્યારે હું અને મારા હસબન્ડ મોટા ભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ છીએ. હોટેલમાં જમવા જઈએ તો વધેલું ફૂડ ઘરે લાવવા માટે કે પાર્સલ લેવા જઈએ તો સ્ટીલના ડબા ઘરેથી લઈ જઈએ છીએ. હવે તો હોટેલવાળાઓને પણ અમારી આ ટેવની ખબર પડી ગઈ છે. પિરિયડ દરમ્યાન વપરાતાં સૅનિટરી પૅડ ડિકમ્પોઝ થતાં વર્ષોનાં વર્ષ નીકળી જાય છે અને એને લીધે પર્યાવરણને નુકસાન થાય છે. માટે મેં હવે રીયુઝ કરી શકાય એ મૅન્સ્ટ્રુઅલ કપ વાપરવાનું શરૂ કર્યું છે.’

columnists