લગ્ન પછી પ્રત્યેક સ્ત્રીને પુછાતો યુનિવર્સલ પ્રશ્ન: ગુડ ન્યુઝ ક્યારે આપ

30 April, 2019 10:34 AM IST  |  | અર્પણા શિરીષ - લેડીઝ સ્પેશ્યલ

લગ્ન પછી પ્રત્યેક સ્ત્રીને પુછાતો યુનિવર્સલ પ્રશ્ન: ગુડ ન્યુઝ ક્યારે આપ

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશ્યલ

તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં એક પત્રકારે હજુ ચાર પાંચ મહિના પહેલાં જ પરણેલી દીપિકા પાદુકોણને પૂછી લીધું, કે હવે ગુડ ન્યુઝ ક્યારે આપે છે? જે સાંભળીને દીપિકા પાદુકોણ થોડી અસ્વસ્થ થઈ ગઈ અને તેણે જવાબ આપી દીધો કે ‘આ રીતે નવપરિણીતોને આવા પ્રશ્નો પૂછવું એ અન્યાય છે. બાળક જ્યારે થવાનું છે ત્યારે થશે એ માટે સોસાયટી આ રીતે પ્રેશર આપવાનું બંધ કરશે ત્યારે આપણે ખરા અર્થમાં જમાના પ્રમાણે બદલાયા એવું કહી શકાશે.’

સવાલ ફક્ત દીપીકાનો જ નથી. આ પહેલાં પણ ટેનિસસ્ટાર સાનિયા મર્ઝિાને એક જાણીતા પત્રકારે લાઇવ ઇન્ટરવ્યુ વખતે હવે તું મમ્મી બનીને સેટલ ક્યારે થવા માગે છે? એવો પ્રશ્ન પૂછ્યો હતો અને ત્યારે પણ સાનિયાએ જવાબ આપી સામેવાળાનું મોઢું બંધ કરી દીધું હતું. તેણે કહ્યું હતું કે મેં માતૃત્વ પહેલાં મારી કરીઅરને ટૉપ પર પહોંચાડવાનું પસંદ કર્યું એનો શું તમને અફસોસ છે?

અહીં કોઇ મલ્ટિનૅશનલ બૅન્કની ઑફિસર હોય કે પછી ઍક્ટ્રેસ કે પછી કરીઅર-ઑરિયેન્ટેડ સામાન્ય યુવતીઓ અને ગૃહિણીઓ, જ્યાં સુધી લગ્ન ના થયાં હોય ત્યાં સુધી સતત સોસાયટી, હવે લગ્ન કરીને સેટલ ક્યારે જવું છે? એવો પ્રશ્ન પૂછે છે અને એક વાર લગ્ન થઈ ગયાં એટલે પછી સૌથી મોટો પ્રશ્ન દરેકના મોઢા પર હોય છે, કે હવે ગુડ ન્યુઝ ક્યારે આપે છે? ખરેખર આ ઘરઘરની કહાણી છે? કેટલીક સામાન્ય મહિલાઓને આ વિશે પુછ્યું તો શું જાણવા મળ્યું એ વિશે વાત કરીએ.

શરમજનક પ્રશ્ન

બોરીવલીમાં રહેતી ૨૬ વર્ષની અંકિતા પરમાર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. ખૂબ જ વૅલિડ પૉઇન્ટ રજુ કરવાની સાથે તે કહે છે, ‘આપણા કલ્ચરમાં જ્યાં જાહેરમાં એકબીજાનો હાથ પકડવો પણ કેટલીક વાર ગુનો ગણાય છે, ત્યારે ફૅમિલી ગેટ-ટુગેધરમાં મોટાઓની સામે પણ આવા ગુડ ન્યુઝવાળા પ્રશ્નો પૂછી લેવામાં આવે છે, જે ખોટું અને શરમજનક પણ છે. મને એવું લાગે છે કે દરેક વસ્તુ સ્ટેપ-બાય-સ્ટેપ થવી જોઈએ, જે રીતે સ્કૂલમાંથી ડાયરેક્ટ ગ્રૅજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી શકાતી નથી એ જ રીતે જ્યાં સુધી એક પતિ-પત્ની તરીકે તમે એકબીજાની સાથે અનુકૂળ ન થાવ ત્યાં સુધી બાળકનો વિચાર કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હંમેશાં એવો જ વિચાર હોય છે કે આપણને જે નથી મળ્યું એનાથી પણ વધુ આપણા બાળકને આપી શકાય અને જ્યારે એટલી કાબેલિયત આવે ત્યાર પછી જ બાળકનો વિચાર કરવો છે.’

સલાહ હોય, પ્રેશર નહીં

ગોરાઈમાં રહેતા જીએસટી અને ઇન્કમ ટૅક્સ સ્પેશ્યલિસ્ટ ૩૦ વર્ષના મયૂર ઠક્કર અને ફોરમનાં લગ્નને પાંચ મહિના થયા છે અને અત્યારથી જ ફૅમિલીમાં કોઈએ ને કોઈએ તેમને ગુડ ન્યુઝ વિશે પૂછવાનું શરૂ કરી દીધું છે. તેઓ કહે છે, ‘પેરન્ટ્સનાં પણ દાદા-દાદી બનવાનાં સપનાં હોય છે, એમાં કંઈ ખોટું નથી, પણ જ્યાં સુધી માનસિક અને નાણાકીય તૈયારી ના હોય ત્યાં સુધી બાળકને દુનિયામાં લાવવું એ ભૂલ જેવું જ છે. આ સિવાય અરેન્જ મૅરેજમાં પતિ-પત્ની એકબીજાને સમજે એ સૌથી વધુ જરૂરી છે. એકબીજાને ઓળખ્યા બાદ જ્યારે આખી લાઇફ સાથે વિતાવી શકો છો એવું લાગે, પછી જ એક નવા જીવનને અસ્તિત્વમાં લાવવાનું રિસ્ક લેવું જોઈએ. એ સિવાય આજે મુંબઈની સ્ટ્રેસફુલ લાઇફમાં નવો-નવો બિઝનેસ હોય ત્યારે ધ્યાન બિઝનેસમાંથી હટાવીને બીજા કોઈ વિષય તરફ લઈ જવું એના માટે મન તૈયાર નથી હોતું. અહીં ફાઇનૅન્સ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે આજના સમયમાં બાળકને મોટું કરવું. એને સારું ભણતર આપવું - આ બધા માટે નાણાકીય રીતે તૈયારી હોવી જોઈએ. આ સિવાય હું માનું છું કે લગ્ન થાય ત્યાં સુધી તમે પોતે એક બાળક જેવા છો અને લગ્ન થયા પછી પતિ-પત્ની બનશો. પતિ-પત્નીના હોદ્દા પરથી ડાયરેક્ટ પેરન્ટ્સના હોદ્દા પર આવી જવું આસાન નથી. માટે જ હું માનું છું કે મોટાઓ જ્યારે બાળકનો વિષય કાઢે ત્યારે, એ એક જ સલાહ તરીકે આવે તો સારું પડે છે. બાકી દબાણ તો ના જ હોવું જોઈએ.’

મૅચ્યોર તો થવા દો

આ જ દિશામાં મલાડમાં રહેતું એક દંપતિ વધુ મહkવના મુદ્દા તરફ ધ્યાન દોરે છે. કંપની સેક્રેટરી અને એલ.એલ.બી.નો અભ્યાસ કરી ચૂકેલી સિદ્ધિ અને નિકુંજ સંચલાનાં પ્રેમલગ્ન છે. તેમનાં લગ્નને આ મહિને એક વર્ષ પૂર્ણ થશે. ગુડ ન્યુઝ વિશેના દબાણનું પૂછતાં તે કહે છે, ‘મારી નજીકની ફૅમિલી ખૂબ સમજુ છે અને આ વિશે કોઈ દબાણ નથી કરતા, પણ જ્યારે ગામમાં કે ફૅમિલી ગેટ-ટુગેધરમાં હોઈએ ત્યારે કોઈ ને કોઈ આ પ્રશ્ન પૂછી લે છે, પણ ગુસ્સે થવાને બદલે અમે ટાળીએ છીએ. મને લાગે છે કે હજી મારામાં ઘણું બાળપણ છે અને મને જ મૅચ્યોર થવાની જરૂર છે એવામાં એક બાળકની જિમ્મેદારી લેવા માટે અમે હજી તૈયાર નથી. લગ્ન પછી તરત જ બાળક એ કન્સર્ન ન હોવું જોઈએ. આ નિર્ણય પૂરી રીતે પતિ-પત્નીનો હોવો જોઈએ કે ક્યારે તેઓ બાળક માટે માનસિક રીતે તૈયાર છે. આ દિશામાં સમાજના લોકો થોડાક જાગશે એવી આશા છે.’

પ્રાયોરિટી અલગ હોય

વિક્રોલીમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સંકેત ગાલા અને એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતી મિત્તલ ગાલાનાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે. જોકે હજી તેમનો બાળકને આ દુનિયામાં લાવવાનો કોઈ વિચાર નથી. આ કરીઅર-ઓરિયેન્ટેડ કપલ માને છે કે આજના સમયમાં બન્ને પાર્ટનર્સ વર્કિંગ હોય એ ખૂબ જરૂરી છે અને એવામાં જ્યારે કરીઅર પિક પર હોય ત્યારે બાળકની જવાબદારી ઉપાડવી એ આસાન નથી. સંકેત કહે છે, ‘મને બાળક માટે ફૅમિલીએ પૂછ્યું નથી. તેઓ જાણે છે કે હું આ બાબતે નિર્ણય કરી ચૂક્યો છું. જોકે મારી ઉંમરના મિત્રો જ્યારે મળે અને જો તેમનાં લગ્ન થઈને બાળક થઈ ગયું હોય તો તેઓ મને પૂછે છે કે હજી કેટલો સમય લગાડીશ? હવે તો યોગ્ય ઉંમર છે. એ સિવાય પછી લેટ ના કરાય, કૉમ્પ્લિકેશન્સ થાય, એવી સલાહો પણ આપે છે. જોકે અમે બન્ને પતિ-પત્ની અમારા નિર્ણય લેવામાં સક્ષમ છીએ. અહીં ક્યારેય પણ કોઈના દબાણ હેઠળ કે કોઈની ઇચ્છા માટે એક નવી લાઇફને જન્મ આપવો એ નિર્ણય ક્યારેક ખોટો પણ ઠરી શકે છે. એ ઉપરાંત અત્યારની ફાસ્ટ જનરેશનમાં મારી વાઇફની પણ પોતાની સ્વતંત્રતા છે. તેનું પણ કૅરીઅર પણ પિક પર છે ત્યારે હું નહીં ચાહું કે બાળકને લીધે એમાં કોઈ રોકટોક આવે.’

દબાણને લીધે પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લીકેશન પણ આવી શકે

૩૫થી ૩૮ની ઉંમર સુધી પહોંચેલી સ્ત્રીઓ માટે જો કોઈ બાળક માટેની સલાહ આપતું હોય તો એમાં પૂરી રીતે કંઈ ખોટું નથી. દરેક સમયે માય બૉડી માય વે એ રીતે બોલીને નથી ચાલતું. દરેક વસ્તુનો સમય હોય છે, અને એક ઉંમર વટાવ્યા પછી પ્રેગ્નન્સીમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે. એટલે જો ડીલે કરવી હોય તો એ માટે મેન્ટલી સ્ટ્રૉન્ગ હોવું જરૂરી છે.

આ પણ વાંચો : કૉલમ : નૉર્મલ ડિલિવરી માટે આયુર્વેદિક ગ્રંથોમાં કેવા-કેવા ઉપાયો છે?

મારી પાસે ઘણાં કપલ આવતાં હોય છે, જેમને ફૅમિલી દ્વારા બાળક માટે પ્રેશર આપવામાં આવતંલ હોય, પણ તેઓ પોતે જ આ માટે તૈયાર નથી હોતાં. અહીં જો સ્ત્રીને હસબન્ડનો સપોર્ટ હોય તો સારું, નહીં તો સ્ત્રીની હાલત કફોડી બને છે. અને આવામાં કરેલી પ્રેગ્નન્સીમાં અનેક કૉમ્પ્લિકેશન્સ આવે છે. સ્ત્રી પોતે જ જો હેલ્ધી અને ખુશ નહીં હોય તો તે હેલ્ધી બાળકને જન્મ કઈ રીતે આપશે? અને ફક્ત સ્ત્રીઓ પર જ નહીં, આવા દબાણની અસર પુરુષો પર પણ થાય છે. પુરુષોના સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પર અસર પડે છે. તેઓ કહે છે, ફૅમિલી પ્લાનિંગ એ ફક્ત પ્રેગ્નેન્સી રોકવા માટેની પ્રોસીજર નથી. અહીં અમે કપલને બાળક ક્યારે દુનિયામાં લાવવું, એનો નિર્ણય લેવામાં પણ મદદ કરીએ છીએ. ટૂંકમાં વહેલું પણ નહીં અને ખૂબ મોડું પણ નહીં એમ જ્યારે બન્ને પાર્ટનર શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય ત્યારે જ બાળકનો વિચાર કરવો. - ડૉ. મુકેશ અગ્રવાલ, ગાયનેકોલોજિસ્ટ અને આઇવીએફ એક્સપર્ટ

columnists