Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : નૉર્મલ ડિલિવરી માટે આયુર્વેદિક ગ્રંથોમાં કેવા-કેવા ઉપાયો છે?

કૉલમ : નૉર્મલ ડિલિવરી માટે આયુર્વેદિક ગ્રંથોમાં કેવા-કેવા ઉપાયો છે?

25 April, 2019 11:39 AM IST |

કૉલમ : નૉર્મલ ડિલિવરી માટે આયુર્વેદિક ગ્રંથોમાં કેવા-કેવા ઉપાયો છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લેડીઝ સ્પેશ્યલ

આપણી પ્રાચીન પરંપરામાં વૈદ્યરાજો નાડી જોઈને પણ સ્ત્રી ગર્ભવતી છે કે નહીં તે નક્કી કરી શકતા હતા. રાજવૈદ્ય રસિકલાલ પારેખ જેવા વિદ્વાનો માટે એમ કહેવાય છે કે તેઓ આ બાબતમાં અનેરો વારસો ધરાવતા હતા. એક વખત એક ગામમાં એક વૃક્ષ નીચે કોઈએ લઘુનીતિ એટલે કે મૂત્રવિસર્જન કરેલું. રસિકભાઈ વૈદ્યરાજે તે મૂત્ર જોઈને કહ્યું કે આ એક સ્ત્રીનું મૂત્ર છે જેને ડાયાબિટીઝ થયો છે અને આઠ મહિનાનો ગર્ભ છે. સાથે રહેલી વ્યક્તિએ કહ્યું કે તમે કઈ રીતે આ વાત જાણી? ત્યારે તેમણે તરત કહ્યું કે મૂત્રની આજુબાજુમાં લાલ કીડી, કાળી કીડી કે મકોડા આવે તેના પરથી ખ્યાલ આવે કે આ પ્રમેહ જે છે એ મધુપ્રમેહ છે. આ મૂત્રની આસપાસ લાલ કીડી હોવાથી તેમાંથી સાકર પસાર થાય છે તે નક્કી થયું. ભીની માટીમાં આ બહેને પગ મૂક્યા હતા તે આડા મૂક્યા હતા તેના પરથી ખ્યાલ આવે છે કે તે ગર્ભવતી છે. અને જમીનમાં જે પ્રમાણે પગ ખૂંપેલા હતા, તેની છાપ હતી તેના પરથી તેને આઠ મહિનાનો ગર્ભ છે તે ખ્યાલ આવે છે. પાછાં ફરતી વખતે બાજુની ઝૂંપડીમાંથી એક ગર્ભવતી બહેન બહાર નીકળ્યાં અને તેમને પૂછ્યું તો આઠ મહિનાનો ગર્ભ હતો અને તેઓએ જ વૃક્ષ નીચે લઘુનીતિ કરી હતી અને તેઓને ડાયાબિટીઝ પણ હતો.



બોરીવલીના આયુર્વેદના વિદ્વાન યુવા ડૉ. અભય શાહ ગર્ભસંસ્કરણ વિષય પર કામ કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘ગર્ભસંસ્કરણની તાલીમ બાદ અવતરેલાં બાળકો અત્યંત મેધાવી, ચપળ અને કુશળ હોય છે. ૯ મહિનામાં ગણવાનાં અલગ-અલગ સ્તોત્રો, મંત્રો, આહાર, ચાણક્યની રાજનીતિના સંસ્કૃત fલોકો, સુડોકુ, બુદ્ધિચાતુર્યની પઝલ્સ વગેરે ગર્ભવતી બહેનો પાસે કરાવીને ખૂબ સારું પરિણામ મળ્યું છે.’


નૉર્મલ ડિલિવરી

ગર્ભવતી સ્ત્રીના ગર્ભને કુદરતી રીતે બહાર આવવા દેવામાં આવે તો તે બાળકની ઇમ્યુનિટી પાવરફુલ રહે છે. એક જાણીતુ દૃષ્ટાંત છે: એક નાનું પંખી ઈંડામાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યું હતું અને ઈંડાના ઉપરના કોચલાના કડક ભાગને તે પંખી તોડવાની કોશિશ કરી રહ્યું હતું. એક ભાઈને દયા આવી અને કોઈ સાધન વડે તેમણે ઉપરનું કોચલું તોડી નાંખ્યું, પરંતુ તે પંખી જ્યારે મોટું થયું ત્યારે તેણે ઊડવાની શક્તિ ગુમાવી દીધી હતી, કેમ કે કુદરતી રીતે પંખી બહાર આવ્યું હોત તો તેની પાંખના જોરે તેણે આ કોચલું તોડ્યું હોત તો ઊડવાની શક્તિ અકબંધ રહી હોત. તેમ બાળકને પણ કુદરતી રીતે જ જન્મ લેવાનો હોય તો તે બાળકો વિશિષ્ટ રીતે તંદુરસ્ત હોય છે.


પુણેના વૈદ્યરાજ હર્ડીકર દાદા જણાવતા કે ગર્ભવતી સ્ત્રીઓને વેણ ઊપડે ત્યારે દર્ભના ઘાસનું મૂળ નાભિની નીચે સ્પર્શ કર્યા વગર ઍન્ટિ-ક્લૉકવાઇઝ એટલે કે અવળા અવર્તથી ફેરવવામાં આવે તો ઑપરેશન વગર સહેલાઈથી ડિલિવરી થઈ જતી હોય છે. અધેડાના વૃક્ષનું મૂળ પણ અંબોડામાં ખોસી દેવાથી નફૂર્થ્મલ ડિલિવરી થાય છે. જોકે ડિલિવરી થયા બાદ તરત જ માથામાંથી તે મૂળ દૂર કરી દેવું જોઈએ. પોતાના જ વાળની લટ મધ્યમાં એટલે કે વચલી આંગળીમાં બાંધીને ઉપરના તાળવામાં ઘસવાથી પણ સિઝેરિયનના જોખમમાંથી બહાર આવી શકાય છે.

અમદાવાદના જાણીતા વૈદ્યરાજ દેવેન્દ્રભાઈ દ્વિવેદીએ ખૂબ ઊંડું રિસર્ચ કરીને પ્રસૂતાએ શું ખાવું-પીવું તેમ જ જીવનનિર્વાહ કેવી રીતે કરવો અને સુતિકા કર્મ એટલે કે પ્રસૂતિ પછી શું ધ્યાન રાખવું તેનું વિશદ્ ચિંતન કરેલું છે.

સગર્ભા સ્ત્રીએ શું ન કરવું?

સગર્ભા સ્ત્રીએ મૈથુન કરવું નહીં, બહુ મહેનત કરવી નહી, ભાર ઊંચકવો નહિ, ભારે (વજનદાર) પહેરવું-ઓઢવું નહીં, ઊંઘવાને વખતે જાગવું નહિ, જાગવાને વખતે ઊંઘવુ નહિ. કઠણ જગ્યા ઉપર કે કઠણ બેઠક ઉપર બેસવું નહિ, અધૂકડા બેસવું નહિ, શોક કરવો નહિ, ક્રોધ કરવો નહિ, બીવું નહિ, મનનો ઉદ્ધેગ કરવો નહિ, તેર વેગોને અને અભાવાને રોકવા નહિ, ઉપવાસ કરવો નહિ, મુસાફરી કરવી નહિ, તીક્ષ્ણ, ગરમ ભારે વિષ્ટંભી ભોજન ખાવું પીવુ નહિ; રાતું વસ્ર પહેરવું નહિ, ખાડા કોતરોમાં અને કૂવામાં જોવું નહિ, દારૂ પીવો નહિ, માંસ ખાવું નહિ, ચત્તાં સૂવું નહિ, જેને અનેક સુવાવડો આવી ગઈ હોય અથવા જે સુવાવડ કરવામાં (સુવાવડીની સારવાર કરવામાં) કુશળ હોય એવી સ્ત્રીઓ જે આહારવિહાર ન ઇચ્છતી હોય તે આહારવિહાર છોડી દેવા અને આઠમો મહિનો બેસે ત્યારથી નસ ખોલાવીને લોહી કઢાવવું નહિ, વમન વિરેચનરૂપી શોધન કરવું નહિ, બસ્તિ લેવી નહિ. ઉપર જે બધું કરવાની મના કરી છે તે કરવાથી કાચો (અધૂરો) ગર્ભ નીકળી જાય, કૂખમાં ગર્ભ સુકાઈ જાય કે મરી જાય.

સગર્ભા સ્ત્રીના રોગો મુલાયમ (સુંવાળા), સહેલાઈથી લઈ શકાય એવાં અને ભાવે એવાં તથા જલદ ન હોય એવાં ઔષધ વડે મટાડવા. ગર્ભવતી મહિલાના તાવમાં એક ઉપવાસ કરવો અને મગનું પાણી આપવું તથા મહાસુદર્શન ચૂર્ણની ફાંટ આપવી, મોસંબી જેવા પચવામાં ભારે પદાર્થ આપવા નહિ. ગર્ભવતિ મહિલાને માલિશ, શેક, વિરેચન, વમન તથા પંચકર્મ ક્યારે કરવું નહિ. કબજિયાત હોય તો કાળી દ્રાક્ષ, આમળા, અવિપત્તિકર ચૂર્ણ જેવાં નિર્દોષ દ્રવ્યો લેવાં.

ગર્ભવતીએ પેટ ભરીને ખાવું નહિ

એક ભાગ જળ, બે ભાગ રાંધેલો ખોરાક અને એક ભાગ પવનની આવજા માટે બાકી રાખવો. આ પ્રમાણે હોજરીમાં ખોરાક લેવો અને કંઈ પણ પદાર્થ ખાવાની ઇચ્છા થાય તો ઘરે બનાવીને મનગમતા રસવાળું ભોજન કરવું. બહારનું ભોજન કે ચાર રસ્તા પર કે હોટેલનું ભોજન ન કરવું.

માતાને મગનું ઓસામણ પંચકર્મ કરશે, જૂના મગને ૧૪ ગણા પાણીમાં બાફી ક્રસ કરી વઘારીને, મસાલો નાખી પાતળું ઓસામણ, તેને મુન્દ્રમંડ કહે છે. ઘાટા પ્રવાહીને મુગ્ધાયુષ કહે છે. આ મગના આયુષમાં આમળાનું છીણ અને દાડમનો રસ નાખી પીવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ઉપરાંત મૂળાને પાણીમાં બાફી નિચોવી લેવા. પછી તેલ કે ઘીમાં તે પાણી ગરમ કરી વઘાર કરેલો મૂળાનો આયુષ મસાલા નાખીને પીવાથી સ્ત્રીના બધા રોગનો નાશ કરનાર છે.

પ્રસવ પછી સુવાદાણાનો પ્રયોગ

જેમ કહેવત છે કે તારી માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો લડવા આવી જા એ સૂચવે છે કે, સુવાવડ પછી સવાશેર સૂંઠ ખાવી જોઈએ. જેમ સુવાવડમાં સૂંઠ ઉપયોગી છે તેમ સુવાવડી અને સુવાને ખૂબ જ સંબંધ છે. પ્રસવ પછી મૂઠીભર સુવા ઘીમાં શેકી પછી ખૂબ પાણીમાં ઉકાળી તેમાં ગોળ અને ઘી નાખીને તે ગ્લાસ ભરીને પાઈ દેવું. દસ દિવસ આ સુવાનું પાણી પાવાથી ધાવણ ખૂબ વધારશે તેમ જ શરીરનો બગાડ પણ ધોઈ નાખી ગર્ભાશયને સાફ કરશે. કેટલીક બહેનો સૂંઠ-ઘી-ગોળ સાથે કે ટોપરાના છીણ સાથે પણ સુવા ખવડાવે છે અને અડાયા છાણનો ખાટલા નીચે અંગારા મૂકી પ્રસૂતા સ્ત્રીને સેક આપવો. આ શેક અત્યંત જરૂરી છે.

ધાવણની શુદ્ધિનો ઉપાય

(૧) લુખા અન્નથી, શરીર ફૂલી જવાથી ધાવણ થોડું આવે અથવા ન આવે, ભારે ચીકણું આવે કે છૂટથી ના આવે તેમાં સૂંઠનો પાઉડર ૫ ગ્રામ સવારે-સાંજે આપવો જોઈએ.

(૨) યોનિશૂળમાં સૂંઠની ભૂકી એરંડિયામાં હલાવી લેપ કરવો.

(૩) અડધી ચમચી સૂંઠનૂં ચૂર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોષો મટે છે અને ગર્ભાશય મજબૂત બને છે.

(૪) સૂંઠ, વજ, હરડે, દેવદાર અને નાગરમોથનો ઉકાળો બનાવી તેમાં સિંધાલૂણ ઉમેરીને પીવાથી દૂષિત થયેલું ધાવણ શુદ્ધ થાય છે.

(૫) સૂંઠ, પરવર પાનનો રસ અને લીંડીપીપર ચપટી નાખી તેનું સેવન કરવાથી દુષ્ટ ધાવણ શુદ્ધ થશે.

ધાવણ વધારવા માટે

(અ) પંચવલ્કલ ક્વાથનો ઉકાળો બનાવી તેમાં જવખાર અને ગાયનું દૂધ નાખીને ઉકાળવું. આ દૂધની સાથે ભાત ખાવાથી ધાવણ વધશે.

(બ) સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુખાવો મટે છે. - અતુલકુમાર વ્રજલાલ શાહ

ગર્ભવતીનો આહાર

૧ : ધાન્યમાં ચોખા, મગ, કળથી

૨ : શાકમાં પરવર, કારેલા, તાંદળજો, મેથી, સુવા, મેથી તથા કળથીનું શાક

૩ : સાંજના સમયે થેગનું ભૈડકું

૪ : મગની ફોતરાવાળી દાળ અને ચોખાની ખીચડી

૫ : બધા જ મસાલા પ્રમાણસર

૬ : પ્રસવ પછી બાર દિવસ દૂધ-ઘીની શરૂઆત કરવી.

આ પણ વાંચો : કૉલમ : ગેમ્સનું મહિલાઓમાં પણ વધી રહેલું આકર્ષણ ક્યાં પહોંચશે?

૭ : સૂંઠ ગંઠોડાની રાબ પ્રથમ દિવસથી શરૂ કરી દેવી.

૮ : પાણી ઉકાળીને ઠંડું કરેલુ પીવું.

૯ : સવારમાં સૂંઠ ૨.૫ ગ્રામ, સુવા મેથી ૨.૫ ગ્રામ, મેથી ૫ ગ્રામ અને ગંઠોડા ૫ ગ્રામ ૫૦૦ મીલી પાણીમાં ઉકાળી અડધું બાળીને ગાળીને પીવું.

૧૦ : રાબડીમાં સૂંઠ, મરી, લીંડીપીપર, ગંઠોડા, લવિંગ, જાયફળ, જાવિંત્રી, એલચીનો ભૂકો નાખીને અપાય.

૧૧ : ગર્ભવતી મહિલાએ હીમોગ્લોબિન, આયર્ન અને કૅલ્શિયમની કમી માટે કાળી ખજૂર, ખારેક, અંજીર, જળદાળું, મુનક્કા દ્રાક્ષ જેવા પદાર્થ ખાવા જોઈએ. ઉપરોક્ત પદાર્થ શીતવીર્ય છે માટે ગરમ પડતા નથી. વળી મુનક્કા દ્રાક્ષને ખાવાથી આવનાર બાળક ગૌરવર્ણનું થાય છે. ઉપરોક્ત તમામ પદાર્થ ત્વચાનો વર્ણ સુધારનાર છે.

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 11:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK