કચ્છીઓ માટે અભેદ કવચ મા આશાપુરા

17 September, 2019 02:42 PM IST  |  મુંબઈ | લાખેણો કચ્છ - કિશોર વ્યાસ

કચ્છીઓ માટે અભેદ કવચ મા આશાપુરા

મા આશાપુરા

શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવ અને મહાવીરની ઉપાસનાથી અને ભક્તિથી ચિત્તશુદ્ધિ થાય છે. ભાદરવામાં દુંદાળાદેવ ગણપતિની ભક્તિથી બુદ્ધિ શુદ્ધ થાય છે. આમ ચિત્ત શુદ્ધ હોય તો બુદ્ધિ શુદ્ધ થાય. શુદ્ધ ચિત્ત, શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ શક્તિ દ્વારા જીવન ધન્ય બને છે અને એટલા માટે જ આપણા ઋષિ-મુનિઓએ તહેવારો અને પર્વોની ગોઠવણીમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આનંદ અને તાજગીનો સમન્વય ગોઠવ્યો હોય એવું લાગે છે. શ્રાવણ, ભાદરવો અને હવે આસો માસ મા અંબાની ઉપાસનાને અર્પણ કર્યો છે. મા અંબા એટલે પ્રેમ, વાત્સલ્ય, ઉદારતા, કરુણા અને સુંદરતાનું શીતળ ઝરણું! માતાજીના શુદ્ધ અને પાવન સ્મરણથી જીવન-શક્તિ સા‌ત્ત્વ‌િક બને છે અને એ માટેનું પર્વ છે નવરાત્રિ. મા જગદંબાનું જ સ્વરૂપ એટલે કચ્છનાં કુળદેવી મા જગદંબા આશાપુરા.

આશાપુરા માતાજીનો ઉલ્લેખ પુરાણમાં પણ જોવા મળે છે. પુરાણમાં તેમને ‘પિપલાશાપુરી’ તરીકે ઓળખવામાં આવ્યાં છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ સાથે તેમનાં બહેન કૃષ્ણા અને મા આશાપુરા પણ પીપળામાં વાસ કરે છે. હવે તો ભારતભરમાં ઘણાં સ્થળોએ ભક્તોએ મા આશાપુરાનાં સ્થાનક બંધાવ્યાં છે. કચ્છના માતાના મઢને જો તેમની મુખ્ય શક્તિપીઠ ગણીએ તો પણ કચ્છની ધરા ઉપરાંત દક્ષિણમાં બૅન્ગલોર શહેરમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના જૈનોએ મા આશાપુરાનું અદ્ભુત મંદિર સંકુલ ઊભું કર્યું છે. તો ગુજરાતનાં પીપળગાંવ, ધ્રોળ, કાલાવાડનું ખરેડી, રાજકોટ, મોરબી, ગોંડલ જેવાં સૌરાષ્ટ્રનાં શહેરો, ચરોતર હોય કે પછી રાજસ્થાન હોય, ઠેરઠેર મા આશાપુરાનાં બેસણાં જોવા મળે છે. તેમના પ્રાદુર્ભાવની વાતો પછી જાણીશું. સૌની આશા પૂરી કરનાર આઇનું સાચું પ્રાગટ્ય તો દરેક ભક્તના હૃદયમાં છે, પણ મા આશાપુરાએ સ્વયં સહજાનંદ મહારાજને વડતાલમાં આશાપુરાનું મંદિર બાંધવાની પ્રેરણા આપી અને એ પ્રમાણે વડતાલમાં પણ માતાજીનું મંદિર બન્યું છે.

 જે શક્તિનું નામ જ આશાપુરા હોય તે સૌની આશા પૂર્ણ કરે જ! દર વર્ષે લાખો માતાભક્તો શ્રદ્ધા અને વિશ્વાસના સહારે અનેક કષ્ટ વેઠીને માતાજીનાં ચરણોમાં શિશ ઝૂકાવવા પગપાળા અને સાઇકલ પર હજ્જારો કિલોમીટરનો પ્રવાસ કરીને પહોંચે છે. પગપાળા અને સાઇકલયાત્રા મોટા ભાગે સમૂહમાં કરવામાં આવે છે. બે યાત્રાળુઓથી વર્ષો પહેલાં શરૂઆત કરાવનાર હિન્દમાતા-દાદર, મુંબઈના શ્રી આશાપુરા યુવા ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતી સાઇકલયાત્રા ૧૦૦નો આંક વટાવી ગઈ છે.

લોઅર પરેલનું આઇ શ્રી આશાપુરા યુવા મંડળ હોય કે થાણેનું અંબાજી ગ્રુપ, પુણેનું જય શ્રી આશાપુરા ટ્રસ્ટ તેમ જ વસઈ, નાલાસોપારા અને વિરારની ક્ષત્રિય રાજપૂત સમાજ સંસ્થા હોય આ બધી સંસ્થાના ભક્તો આશાપુરા માના દર્શન માટે રવાના થાય છે.. મુંબઈના મરોલથી ટાઇગર ગ્રુપ અને મુલુંડથી આશાપુરા મંડળ પણ આવી યાત્રાઓ યોજે છે.   

આ તો સાઇકલયાત્રીઓની હાથવગી માહિતી અહીં રજૂ કરી, પણ અન્ય કેટલાય માઈભક્તો પોતાની રીતે સમૂહમાં મા આશાપુરાનાં દર્શને જવા નીકળે છે, જેમને ઠેર-ઠેર લાગેલા સેવા કૅમ્પની સેવાનો લાભ મળે છે. એ સેવા એટલે સાઇકલ ચલાવીને પગની પિંડીએ વળેલા ગોટલાને માલિશ કરી ફરી શક્તિ પૂરી પાડવી, યાત્રીઓને ફળાહાર કરાવવો કે જમાડવા, તેમને જરૂરી બધી જ શુશ્રૂષા પૂરી પાડવી વગેરે સેવા દરેક કૅમ્પના સ્વયંસેવકો કરતા હોય છે. કચ્છના રણ પરના સૂરજબારી પુલ પાસે તો પદયાત્રીઓનાં ધાડાં ને ધાડાં જોવા મળે છે. તેમનામાં કેટલાય ખુલ્લા પગે યાત્રા કરતા હોવાથી પગમાં છાલા પડી જાય છે. તેમના પગે પાટા-પિંડી પણ એ કૅમ્પના સ્વયંસેવકો કરતા જોવા મળે છે. પોતાનાં વાહનોથી દૂર-દૂરથી ભક્તો માતાના મઢ પહોંચે છે. સાઇકલયાત્રીઓ મોટા ભાગે ૧૦૦૦થી વધુ કિલોમીટરનું અંતર કાપીને પ્રથમ કે દ્વિતીય નવરાત્રિએ માતાના મઢ પહોંચે છે. જ્યારે પદયાત્રીઓનાં આગમન દરરોજ થાય છે અને પાછળ રહી જનારા ભક્તો સપ્તમીની રાતે માના સ્થાનકે યોજાનારા પૂર્ણાહુતિના હવન સુધી પહોંચવાનું ધ્યેય રાખતા હોય છે. સામાન્ય પ્રવાહ તો રોજ ચાલુ જ રહેતો હોય છે. આસોનાં નોરતાં શરૂ થાય એટલે કચ્છ જતાં ટ્રેન કે બસમાં ઊભા રહેવાની જગ્યા પણ જેમને મળે તે ભાગ્યશાળી ગણાય!

એ બધાના મુખમાંથી એક જ ગીત નીકળે છે...

‘દેવચંદ બંધાવે માનાં દેવળો,

ખટ માસે મા પ્રગટ્યાં આપોઆપ રે,

કચ્છ દેશનાં દેવી,

આશરો રે માગું,

આશાપુરા આઇનો

વંદન વંદન આશાપુરા આઇને..”

આ ગરબો કચ્છના માંડવી તાલુકાના મેરાઉ ગામે હજી થોડાં વર્ષો પહેલાં જ એક ક્ષત્રિય સંત થઈ ગયા તેમણે રચ્યો હતો એ માતાજીના પરમ ભક્ત હતા ચંદુભા જાડેજા અને તેમણે કચ્છની કુળદેવી મા આશાપુરાનાં ઘણાં ભજન, ગરબા, ગીતો અને છંદોની રચના કરી છે. તેમના અલખના ઓટલે એમના જ મુખેથી માના ગરબા સાંભળવા એ અલૌકિક લહાવો હતો. મા આશાપુરાના પ્રાગટ્યની કથા તેમણે એક આખા ગરબામાં વર્ણવી છે. આમ તો જાડેજાવંશમાં કુળદેવી ગણાતાં જગદંબા ભવાનીના એ સ્વરૂપને આશાપુરાના નામથી ઓળખવામાં આવે છે. કચ્છમાં રહેતા કે બહાર વસતા કોઈ પણ જ્ઞાતિના લોકોને જેટલો તેમની ધરતી સાથે પ્રેમ એટલો જ આઇ આશાપુરા પ્રત્યે શ્રદ્ધાનો ભાવ! એથી જ આઇ આશાપુરા માત્ર જાડેજાવંશના જ નહીં, પરંતુ ‘કચ્છનાં કુળદેવી’ તરીકે પૂજાય છે. છેલ્લાં ૫૦૦ વર્ષથી કચ્છનો રાજવી પરિવાર પણ અહીં માતાજીની આરાધના કરવા પધારે છે. નવરાત્રિના દિવસોમાં ઠેર-ઠેરથી દરેક જ્ઞાતિના લોકો મા આશાપુરાનાં દર્શને દોડી જાય છે. એમાં પણ જે વર્ષે વરસાદ શ્રીકાર થયો હોય ત્યારે તો લોકો મન મૂકીને કચ્છ દોડી જાય છે અને ગાય છે...

‘શિલા મેં પ્રગતિ હૈ મૈયા,

યહ અચરજ હૈ ભારી,

આશાપુરા કે આંગન આવે,

દેખો અવનિ સારી...’

બધી જ્ઞાતિના લોકો માતાજીને પૂજે છે એમ લખું છું ત્યારે મારી સ્મૃતિમાં એક વાત આવે છે કે આજે પણ માતાજીના મંદિરમાં ૪૦૦ કિલોના વજનવાળો જે ઘંટ મોજૂદ છે એ સિંધના મીર ગુલામશાહ કલોરા તરફથી માતાજીના ચરણે ધરવામાં આવ્યો છે અને એ સિંધ અને કચ્છમાં વ્યાપેલી ધાર્મિક ઐક્યતાનું પ્રતીક છે.

આ પણ વાંચો : મેઘ મહેરે ઝાંઝવાં ડૂબ્યાં રણસાગરમાં

ભક્ત ચંદુભાએ પ્રાગટ્યની કથા લખી છે એમ કચ્છના કવિ માધવ જોષી ‘અશ્ક’એ બહાર પાડેલા પુસ્તક ‘જય આશાપુરા’માં પણ માતાજીના પ્રાગટ્ય પર પ્રકાશ પાડ્યો છે. શાસ્ત્રોના પ્રમાણ સાથે પ્રાગટ્યની કથા આપણે આવતા મંગળવારે કરીશું. એ ઉપરાંત કચ્છનાં શક્તિમંદિરોની ભક્તિ પણ કરીશું.   

columnists