કચ્છનું વહાલસોયું વાગડ

25 June, 2019 12:54 PM IST  |  મુંબઈ | કિશોર વ્યાસ

કચ્છનું વહાલસોયું વાગડ

વાગડનું મૂળ નામ તો વચ્છા દેશ હતું. વાગડ પર વિરાટ રાજાનું રાજ હતું. પાંડવોનો ગુપ્તવાસ વિરાટ રાજાના રાજ્યમાં હતો. કહેવાય છે કે વાગડનું ગેડી રાજ્ય એ જ પાંડવોના ગુપ્તવાસનું સ્થળ! ગેડીમાં જમીન ખોદતાં ત્યાં કોઈ મોટું શહેર દટાયેલું હોય એવાં ચિહ્નો જોવાં મળ્યાં હતાં. મંદિરોના ઘુમ્મટ પણ દટાયેલા હતા. ગેડીના દરબારગઢમાં પણ એવું જ જોવા મળે છે. અહીં શમીનું એક વૃક્ષ છે, જેના પર પાંડવોએ પોતાનાં હથિયાર છુપાવીને રાખ્યાં હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. મહારાઓ શ્રી ખેંગારજી પહેલાના અમલ દરમ્યાન કચ્છનો વિસ્તાર ખૂબ વધી ગયો હતો. આખો મચ્છુ કાંઠો, ઉત્તરમાં રણ ઉપરાંત રાયમા બજાર સુધીનો સિંધનો પ્રદેશ કે જેમાં આખું પારકર આવી જતું હતું એ તથા વાગડ અને વાગડના રણની પેલી પાર ચોરાડ સુધીનો તમામ ભાગ કચ્છ રાજ્યના તાબામાં હતો.

એ જ વાગડમાં રવેચીમાં મા આશાપુરાનું જાગતું મંદિર અને એ જ ભૂમિ પર માતાજી મોમાયમાનાં બેસણાં છે. રવેચી માતાનું મંદિર ૧૮૭૮માં સામબાઈ માતાએ ૨૬ હજાર કોરી (કચ્છી ચલણ )ના ખર્ચે બંધાવ્યું છે. આ મંદિરમાં વાઘેલા રાજા અર્જુનદેવનો શિલાલેખ છે. વાયકા એવી છે કે નવ શિખરો અને ઘુમ્મટો સાથેનું મૂળ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું. લોકોમાં એવી પણ માન્યતા છે કે રવેચી મંદિરની આસપાસનાં ચારથી પાંચ ગાઉંના વિસ્તારમાં શિયાળુ પવન વાતો નથી! જ્યાં જામ ઓઢો અને હોથલે ગાંધવર્‍ લગ્ન કર્યાં હતાં એ રાપરના સઈ ગામથી થોડે દૂર આવેલા હોથલપરા ડુંગર છે, એ ડુંગરમાં આવેલા હોથલના ભોંયરામાં હોથલની મૂર્તિ બેસાડવામાં આવી છે અને લોકો તેને દેવી તરીકે પૂજે છે. એવી માન્યતા છે કે પુત્રપ્રાપ્તિ માટે હોથલની માનતા માનવામાં આવે છે. પુત્રનો જન્મ થતાં હોથલ દેવીના મંદિરમાં એક ઘોડિયું લોકો મૂકે છે. જે ચકાસર તળાવ પર ઓઢો અને હોથલ મળ્યાં હતાં એ ચકાસર ગામ મીટર ગેજ ટ્રેનમાં અમદાવાદ તરફ જતા વચ્ચે આવે છે. ઓઢો જ્યારે હોથલને શોધતો ત્યાં આવ્યો હતો ત્યારે હોથલ એ તળાવમાં સ્નાન કરી રહી હતી, એ દૃશ્ય જોઈને ઓઢો આર્યચકિત થઈ ગયો હતો અને કવિ દુલેરાય કારાણી લખે છે એક દુહો એ જગ પ્રચલિત બની ગયો છે...

ચડી ચકાસર પાર હલો હોથલ કે ન્યારીંઊ,

વિછાય વિઠી આય વાર, પાણી મથે પદમણી

લોકગીતોમાં અવિસ્મૃત સ્થાન ધરાવતો કચ્છનો આ વાગડ પ્રદેશ, ધાર્મિક માહાત્મય સાથેનાં દેવસ્થાનો, ઢોલી અને આહીરાણીઓના પાળિયા, અખાડા અને હડપ્પાનાં અવશેષો પોતાની છાતીએ અંકિત કરી પથરાયેલો છે. ભચાઉ, રાપર અને ખડીર મહાલના વિસ્તારો સંયુક્ત રીતે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે. કચ્છનું પ્રવેશદ્વાર ગણાતો વાગડ અનોખી બોલી, નોખી સંસ્કૃતિ અને રહેણીકરણીથી કચ્છમાં અલગ તરી આવતો કચ્છનો એક વહાલો અને વિશિક્ટ વિસ્તાર છે.

હવે તો જેમ તરસનું ધોરણ પણ પહેલાં જેવું નથી રહ્યું એમ વરસનું ધોરણ પણ નથી રહ્યું. અગાઉ તો જો વરસાદનો પ્રારંભ વાગડથી થાય તો એ શુકન ગણાતું અને વરસ સારું જવાની આશા બંધાતી. એ સિવાય તો કડકડતી ઠંડી, બાળી નાખે એવા બપોર; ખેર, બેર, બોર, આવળ  બાવળના રક્ષણ છતાં, રણની ઊડીને આંખે ભરાતી અને ખટકતી ઝીણી રેત એટલે વાગડ!

વાગડની એક બાજુએ કચ્છના અફાટ મોટા રણની કાંધીએ એકલ માતાનું મંદિર છે. રણની વ્યાપક ખારાશ હોવા છતાં મંદિરના વિસ્તારમાં પીવા મળતું પાણી સાકરથી અદકેરી મીઠાશ ધરાવે છે. વગાડના ઓસવાળ સમાજમાં એકલ માતાનું મહkવ વધારે છે.

વાગડ વિસ્તારનું કંથકોટ એ ગુજરાતના ઇતિહાસમાં સ્થાન ધરાવે છે. કંથકોટના ડુંગર પર દાદા કંથડનાથનાં બેસણાં છે. મૂળરાજ સોલંકી અને મોહંમદ ગઝનીના આક્રમણ વખતે ભીમદેવ સોલંકીએ કંથકોટમાં આશ્રય લીધો હતો. સાતમી સદીમાં કંથકોટની ટેકરી ઉપર મજબૂત કિલ્લો બનાવી કાઠીઓએ પોતાની રાજધાની સ્થાપી હતી. અહી આવેલું સૂર્ય મંદિર કાઠીઓની સંસ્કૃતિનું પ્રતીક છે. આ મંદિરની સૂર્યપ્રતિમા જેવી પ્રતિમા સમગ્ર ભારતમાં જોવા નથી મળતી.                    

કચ્છના બ્રિટિશ પૉલિટિકલ રેસિડેન્ટ તરીકે પહેલી વાર નિયુક્ત થયેલા કૅપ્ટન મેક્મર્ડોની કબર પણ અહી આવેલી છે. એ પ્રતિભાવંત અંગ્રેજે કચ્છી ભાષા અને કચ્છની પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓને રાજદૂત તરીકે માંડવી મોકલવામાં આવ્યા હતા. માંડવી ગયા પછી સાધુ વેશે તેઓ થોડો સમય અંજાર પણ રોકાયા હતા. લોકો સાથે તેઓ એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે સૌ તેમને ભૂરિયા બાવા તરીકે જ ઓળખતા થઈ ગયા હતા. એ સમયે વાગડમાં સિંધના થરપારકર બાજુથી લૂંટારાઓના ધાડા આવતા અને લંૂટ ચલાવતા એથી ૧૮૨૦માં તેમણે નાના રણની કાંધીએ વરણદાદાના મંદિર પાસે પોતાનો પડાવ નાખ્યો હતો જ્યાં તેમનું અચાનક અવસાન થયું હતું.

કબરાઉં ગામ પાસે આવેલા ગરીબદાસજી ઉદાસીન નર્વિાણ આશ્રમની સ્થાપના ગુરુનાનકના શિષ્ય ચંદબાબાએ કરી છે. એ પરંપરામાં ગરીબદાસજી નામના સંત થઈ ગયા તેમણે આ સ્થળે સત્સંગની ધૂણી ધખાવી હતી. અહીં સિખ ધર્મના સ્થાનક ઉપરાંત શિવમંદિર અને ઝાફરઝંડા પીરની દરગાહ પણ આવેલી છે જેના કારણે એ સ્થળ ત્રિ-ધર્મ સંગમસ્થાન બની ગયું છે.

વાગડના જ્યાં પાદ પ્રક્ષાલન થાય છે એ જંગીનો દરિયો, જંગી એક વખત એવું બંદર હતું કે ત્યાંથી મોરબી રાજ્યનો વ્યાપાર-વ્યવસાય ચાલતો હતો. જંગી ગામમાં કચ્છના સંત મેકણદાદા થોડો સમય રહ્યા હતા, તેમનો પાળિયો આજે પણ મોજૂદ છે. રાપર શહેરમાં આવેલું રવિભાણ સંપ્રદાયનું દરિયાસ્થાન આજે પણ ભાણસાહેબ, રવિસાહેબ અને મોરારસાહેબની આધ્યાત્મિક ફોરમ ફેલાવે છે. ભાણસાહેબના પુત્ર ખીમસાહેબ વરુણદેવનો અવતાર ગણાય છે. તેમણે ૧૮૦૦ની સદીમાં દરિયાલાલ દેવની અખંડ જ્યોત અને મંદિરની સ્થાપના કરી હતી. એ ઉપરાંત ત્યાં રામ-લક્ષ્મણ અને સીતાજીનાં મંદિરો અને શિવાલયો પણ આવેલાં છે.

આ પણ વાંચો : બીજા વિશ્વ યુદ્ધમાં લડાઈ લડનાર વાગડના કચ્છી સૈનિકની કથા

બેલા ગામના બિલેશ્વર મહાદેવના મંદિર પાસે ત્રણ પવિત્ર કુંડ આવેલા છે. પહેલા કુંડમાં પુરુષો અને બીજામાં મહિલાઓ પવિત્ર સ્નાન કરે છે, જ્યારે ત્રીજા કુંડના પાણીનો ઉપયોગ માત્ર મહાદેવના અભિષેક માટે જ કરવામાં આવે છે. કહેવાય છે કે ગમે એવા દુષ્કાળમાં પણ આ કુંડનું પાણી અખૂટ રહે છે. લાકડિયા ગામે આવેલો લાકડિયા પીરનો ઊંચો અને પહોળો મિનારો સેંકડો વર્ષ પહેલાં જાડેજા રાજાએ બંધાવેલો છે તો વરનેશ્વર મહાદેવનું જ્યાં મંદિર આવેલું છે ત્યાંના કૂવામાં અખૂટ અને મીઠું પાણી મળી રહે છે. ખડીર અને ધોળાવીરાનું પુરાતkવની દૃષ્ટિએ અનેક ગણું મહkવ છે એટલે જ કારાણી બાપાએ લખ્યું હશે કે :

વંકી વાગડની ભૂમિ, જ્યાં નૈસર્ગિક કળા છલકાય,

પથ્થર પણ વીરત્વ પુકારે, મસ્તક જ્યાં સસ્તા તોળાય.

(કવિ અને પત્રકાર)

columnists kutch