કમાલના કુમકી હાથીઓ

25 May, 2025 01:57 PM IST  |  Amaravati | Aashutosh Desai

જંગલી અને માતેલા હાથીઓને કાબૂમાં લાવવા માટે ખાસ ટ્રેઇન્ડ ‘કુમકી’ હાથીઓની જ મદદ લેવામાં આવે છે

કુમકી હાથીઓ

દક્ષિણનાં રાજ્યોમાં જ્યાં માણસ અને હાથીઓ વચ્ચે જંગ છેડાઈ જાય છે ત્યારે જંગલી અને માતેલા હાથીઓને કાબૂમાં લાવવા માટે ખાસ ટ્રેઇન્ડ ‘કુમકી’ હાથીઓની જ મદદ લેવામાં આવે છે. આ એવા હાથીઓ છે જે સમજુ, સંવેદનશીલ, રેસ્ક્યુ માટે જરૂરી સ્કિલ્સ શીખી ચૂકેલા અને લીડરશિપ ક્વૉલિટીવાળા હોય છે. ત્રણ વર્ષના સઘન પ્રશિક્ષણ બાદ હાથીને કુમકીની ઉપાધિ મળે છે. તાજેતરમાં કર્ણાટક સરકારે ચાર કુમકી હાથીઓ આંધ્ર પ્રદેશને આપ્યા છે ત્યારે જાણીએ એક સામાન્ય હાથીની કુમકીની પદવી સુધીની સફર શું હોય છે

હમણાં ગયા અઠવાડિયે જ દક્ષિણ ભારતથી સમાચાર આવ્યા કે કર્ણાટક રાજ્યએ ચાર કુમકી હાથીઓ એના પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશને સુપરત કર્યા. હાથીઓ વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ આ આગળ કુમકી નામનું વિશેષણ લાગ્યું એટલે અનેક લોકોના મનમાં પ્રશ્ન થયો કે હાથીઓ તો ઠીક છે પણ આ કુમકી એટલે વળી શું? તો સૌથી પહેલાં એ જાણી લઈએ કે ‘કુમકી’નો અર્થ શું થાય.

‘કુમકી’ વાસ્તવમાં એક પર્શિયન શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ કરીએ તો સહાયતા કરવાવાળું અથવા સહાયક એવો થઈ શકે. અર્થમાં જ એની વ્યાખ્યા, ભાવ અને લાગણી બધું જ છે એ પ્રમાણે સાવ સાદી ભાષામાં કહીએ તો એમ કહી શકાય કે કુમકી હાથીઓ મતલબ સહાયતા કરવાવાળા અથવા સહાયક હાથીઓ પરંતુ આટલું જાણીને જો મનમાં એવી સમજ ઊપજે કે અચ્છા માનવીઓને સહાયતા કરવાવાળા હાથીઓ! તો એમ કહેવું પડે કે આપણી આ સમજ અધૂરી છે. વાસ્તવમાં કેટલીક ચોક્કસ લાયકાત અને કાબેલિયત મેળવી ચૂકેલા કુમકી હાથીઓ માત્ર માનવીઓને જ સહાય નથી કરતા પરંતુ એ એવી જબરદસ્ત અને પરોપકારી પર્સનાલિટી છે કે એ માનવીઓને, પ્રકૃતિને એટલે કે જંગલ અને વૃક્ષોને તથા બીજાં પ્રાણીઓને એમાંય ખાસ કરીને બીજા હાથીઓને ખૂબ મદદરૂપ સાબિત થતા હોય છે. એમ કહીએ તો ચાલે કે આવા હાથીઓએ પોતાનું આખું જીવન જ આવા પરોપકારના કામને અર્પી દીધું હોય છે. યસ, હવે આ વાત કંઈક વધુ જિજ્ઞાસા જગાવી રહી છે, ખરુંને? તો ચાલો આજે મળીએ કુમકી હાથીઓને.

ગયા અઠવાડિયે કર્ણાટક રાજ્યે ચાર કુમકી હાથીઓ આંધ્ર પ્રદેશને સુપરત કર્યા હતા.

વાત કંઈક એવી છે કે ગયા અઠવાડિયાના બુધવારે કર્ણાટક સરકાર દ્વારા રાજ્યના વિધાનસભા ઍડ્મિનિસ્ટ્રેટિવ કૉમ્પ્લેક્સમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના જ ભાગરૂપે કર્ણાટક સરકારે આંધ્રપ્રદેશ રાજ્યને ચાર પ્રશિક્ષિત કુમકી હાથીઓ પણ આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમના અંતે સરકાર દ્વારા ચાર કુમકી હાથીઓ અને એના મહાવતની ભેટ આંધ્ર પ્રદેશને મળી જેને કારણે આંધ્ર પ્રદેશમાં પણ હવે માનવીઓ અને હાથીઓ વચ્ચેનો સંઘર્ષ નહીંવત્ થઈ જશે એમ કહી શકાય.

કુમકી હાથીઓ

વાસ્તવમાં કુમકી એ હાથીની કોઈ પ્રજાતિ કે હાથીઓના સ્થળનું નામ નથી પરંતુ હાથીને મળતી એક ઉપાધિ છે એમ કહો તો ચાલે. આ કુમકી હાથીઓ વાસ્તવમાં માનવીઓ અને હાથીઓ વચ્ચે અનેક વાર થતા સીધા સંઘર્ષ સમયે મદદે આવતા સૈનિકો છે એમ કહો તો પણ ચાલે. આપણે જાણીએ છીએ કે વિકાસના નામે હવે આપણે દરેક જગ્યાએથી જંગલો એટલી નિર્દયતાપૂર્વક અને ઝડપથી કાપવા માંડ્યાં છે કે જંગલી પ્રાણીઓને રહેવા માટેની જગ્યા દિવસે-દિવસે સંકડાતી જાય છે. એવા સંજોગોમાં અનેક વાર એવા કિસ્સા બનતા હોય છે કે કોઈ એકાદ હાથી અથવા હાથીઓનું આખુંય ઝુંડ માનવ વસ્તી તરફ આવી ચડે. હવે આમ તો હાથી મૂલતઃ સ્વભાવે અત્યંત સમજુ અને પારિવારિક હોય છે. કોઈનેય વગર કારણે નુકસાન પહોંચાડવાની એમની ક્યારેય મનશા હોતી નથી પરંતુ આપણે નગુણા માનવીઓ એમની જ જગ્યા પચાવી પાડી હોવા છતાં જો ક્યારેક એ આપણી વસ્તીમાં આવી ચડે તો આપણે એમને ભગાડવાના અથવા નુકસાન પહોંચાડવાના શક્ય એટલા બધા જ પ્રયત્નો કરતા હોઈએ છીએ. કુમકી હાથીઓ આવા વખતે જબરદસ્ત સૂઝબૂઝ સાથે કામ લેતા હોય છે. માનવી અને જંગલી હાથીઓ વચ્ચેનો આવો સીધો સંઘર્ષ ટાળી એ સિફતપૂર્વક જંગલી હાથીઓને જંગલ તરફ વાળી દેતા હોય છે. જો કોઈ હાથી ભૂલમાં પણ ખેતરમાં ઘૂસી આવ્યો હોય અને ખેતીના પાકને નુકસાન કરી રહ્યો હોય તો એવા સંજોગોમાં પણ કુમકી હાથી એને ફરી જંગલ સુધી મૂકી આવવામાં કે ખેતરથી દૂર હટાવવામાં મદદ કરતા હોય છે.

કુમકી હાથીઓ ભલે સ્વભાવે શાંત  હોય, પરંતુ જરૂર પડ્યે શરીરબળ વાપરીને સામેવાળાને નાથી શકે એવી તાકાત પણ કેળવવી પડે છે.

અચ્છા, એવું પણ નથી કે આટલા એક કામ માત્રથી જ એ કુમકી હાથી કહેવાય છે. આ સિવાય જંગલી હાથીઓને કાબૂમાં લેવા માટે કોઈક હાથી કાદવમાં કે જંગલમાં કે બીજી કોઈ પણ જગ્યાએ ફસાયો હોય તો એને બચાવવામાં, બહાર કાઢવામાં, રેસ્ક્યુ કરવામાં પણ આવા હાથીઓ સ્વયંસેવક તરીકે કામમાં આવે છે. એ સિવાય કુદરતી હોનારત કે માનવ સર્જિત હોનારતમાં માનવીઓને બચાવવા માટે પણ આ હાથીઓ કોઈ સોલ્જરની જેમ કામમાં આવતા હોય છે.           

ટૂંકમાં જંગલી હાથીઓની ગતિવિધિઓને નિયંત્રિત કરવાથી લઈને વન્યજીવોનું સંરક્ષણ કરવું, ખેતપેદાશોનું રક્ષણ કરવું, માનવ વસ્તી સાથે હાથીઓનો સીધો સંઘર્ષ ટાળવો જેવાં અનેક કામ આવા હાથીઓ કરતા હોય છે. બીજા હાથીઓ કરતાં આ હાથીઓ અલગ છે. માનવને સહાયભૂત થતા હોય એવા બીજા હાથીઓ પણ હોય છે જેમાં માલ વહન કરવાથી લઈને ભારી સામાન એકથી બીજી જગ્યાએ ખસેડવા અને મંદિરમાં પૂજા કરી શકાય કે ધાર્મિક વિધિઓમાં કામમાં આવે એ માટે પણ હાથીઓને આપણે કેળવતા જ હોઈએ છીએ. પરંતુ કુમકી હાથીઓ આ બધાથી વિશેષ છે.

હાથી, ટ્રેઇનિંગ અને કુમકીની ઓળખ

કોઈ એક સામાન્ય હાથીને ચોક્કસ પ્રકારની ટ્રેઇનિંગ દ્વારા કેળવવામાં આવે અને એ દરમિયાન થતી કેટલીક પરીક્ષાઓ હાથી પાસ કરે પછી જ એને કુમકીની ઉપાધિ મળતી હોય છે.

માનવીય સ્પર્શ, ચહેરાના હાવભાવની સાથે જ સામી વ્યક્તિની બહાર દેખાતી અને ન દેખાતી ભીતરી સંવેદનાઓને ખૂબ સારી રીતે અનુભવી અને સમજી શકતું આ પ્રાણી ખરા અર્થમાં તો માનવીનો ખૂબ સંવેદનશીલ મિત્ર છે. કોઈ પણ સામાન્ય હાથીને જ્યારે સૌથી પહેલાં કુમકી બનાવવા માટે લાવવામાં આવે છે ત્યારે એને બેભાન કરી લઈ આવીને એક લાકડાના વાડા કે કોઠાર જેવી બનાવેલી જગ્યામાં રખાય છે. કોઈ પણ સ્વતંત્ર જીવને બંદી બનાવવામાં આવે તો એ એને નથી ગમતું. એ જ રીતે સ્વાભાવિક છે કે જ્યારે શરૂઆતમાં હાથીને આવા લાકડાના વાડામાં બંધ કરી દેવામાં આવે તો એ પણ ગુસ્સો કરે અથવા ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરે. આ બધી જ બાબતની તકેદારી રાખી એ હાથી જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી એને પેલા લાકડાના વાડામાં રાખવામાં આવે છે. આ શરૂઆતના સમયમાં હાથી અનેક વાર સંઘર્ષ કરે છે કે એ આ વાડામાંથી ભાગી છૂટે. એ સમયે બે મહાવતોને એની જવાબદારી સોંપાય છે. બન્ને મહાવતો ધીરે-ધીરે એ જંગલી હાથીને શાંત પાડે છે અને ત્યાર બાદ શરૂ થાય છે એનું પ્રશિક્ષણ. શરૂઆતના દિવસોમાં એને કેટલીક સામાન્ય આજ્ઞાઓ કઈ રીતે સમજવી અને એને અનુસરવી એ વિશેનું પ્રશિક્ષણ અપાય છે. જેમ કે ઊભો હોય તો બેસવાનું, સામે પડ્યું હોય એ લાકડું સૂંઢ વડે ઉઠાવવાનું, ખાવાનું સામે પડ્યું હોય છતાં મહાવત કહે નહીં ત્યાં સુધી એ નહીં ખાવાનું. માથું હલાવવાનું જેવા કેટલાક સામાન્ય આદેશો વિશે એને શીખવવામાં આવે છે. આવી પ્રવૃત્તિ દ્વારા મહાવત એ નવા પ્રાણી સાથે પોતાનો સબંધ બાંધે છે. ધીરે-ધીરે એ હાથી અને મહાવત એકબીજાને એટલા ઓળખતા થઈ જાય છે કે બન્ને એકબીજા માટે પોતાની આખી જિંદગી આપી દેવા માટે તૈયાર થવા માંડે છે.

આ પ્રશિક્ષણ દરમિયાન જેમ-જેમ હાથીને મહાવતની એક-એક વાત કે આજ્ઞા સમજાવા માંડે અને એ અનુસરવા માંડે તેમ-તેમ મહાવત એને ઇનામ તરીકે શેરડી કે  ગોળ ખાવા માટે આપતો હોય છે. આટલી બેઝિક ટ્રેઇનિંગ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મહાવત અને હાથી વચ્ચેનો સબંધ થોડે ઘણે બંધાઈ ચૂક્યો હોય છે. ત્યાર બાદ એ હાથીને પેલા લાકડાના વાડામાંથી બહાર કાઢવામાં આવે છે. બસ, આ તબક્કા પછી શરૂ થાય છે એનું વિશેષ પ્રશિક્ષણ જેમાં એ હાથીના સ્વભાવને શાંત કરવામાં આવે છે. એને વધુ સંવેદનશીલતા અને સમજ સાથે કામ લેવાનું શીખવવામાં આવે છે જેમાં કેટલાંક ટ્યુટોરિયલ્સ પણ હોય છે. જેમ કે કોઈક માણસ કાદવના એક ખાડામાં ફસાયો છે તો એને બચાવવો. ક્યારેક કોઈક હાથીને લઈ આવી એને બચાવવો કે ધીરે-ધીરે એની સાથે રહી કોઈ એક ચોક્કસ સ્થળ સુધી એને હંકારી જવો. આ દરેક બાબતનું પ્રશિક્ષણ એ જ મહાવત એને આપે છે જે એની સાથે પહેલા દિવસથી સાથે રહ્યો હોય. ટૂંકમાં એ હાથી માટે કંઈક એવો માહોલ અને સમજ ઊભી કરવામાં આવે છે કે આ મહાવત એનો સૌથી ઘનિષ્ઠ મિત્ર કે અંગત સંબંધી છે.

કલીમ નામના કુમકી હાથીએ માણસો અને જંગલી હાથીઓ વચ્ચેના ઘર્ષણના ૯૯ સફળ ઑપરેશનો પાર કર્યા હતા અને ૬૦ વર્ષની ઉંમરે તે રિટાયર થયો હતો. કલીમ અને તેના મહાવત મણિ પ્રેમ, વફાદારી અને દોસ્તીની મિસાલ ગણાતા હતા. 

આ આખીય પ્રશિક્ષણની પ્રક્રિયા એક ડૉક્ટર અને વન વિભાગના અધિકારીઓને સાથે રાખી કરવામાં આવે છે. પેલા લાકડાના વાડામાંથી બહાર લાવ્યા બાદ એ તબક્કો આવે છે જ્યારે એ હાથીને બીજા હાથીઓ સાથે પણ મળાવવામાં આવે છે જેને કારણે એ હાથીમાં બીજા જંગલી હાથીઓને જોઈને ડરવાનું નથી પરંતુ એણે એમને કન્ટ્રોલ કરવાના છે એ સમજ કેળવાય છે. આ રીતના જરૂરી પાઠ શીખી લીધા બાદ એના ઘનિષ્ઠ મિત્ર એવા મહાવત સાથે એ હાથીને ફરી જંગલમાં લઈ જવામાં આવે છે જ્યાં એ બીજા હાથીઓ અને અન્ય વન્યજીવો હોય તો એમની પણ ગતિવિધિઓનું નિરીક્ષણ કરતા અને એમને તારવતાં શીખે છે. એણે સામે કઈ રીતે વર્તવું અને શું કરવું એ વિશેનું પ્રશિક્ષણ મેળવે છે. આ બધા જ પાઠોના અંતે તેણે ઇનામ તરીકે શેરડી, ગોળ અને કેળા જેવાં અનેક પ્રલોભનો કે ઇનામો મળતાં હોય છે. આટલા પાયાના પ્રશિક્ષણ બાદ એ હાથીને કુમકી પહેલાંના ચરણની ઉપાધિ મળે છે. પરંતુ હજી એણે પૂર્ણતઃ કુમકી હાથી બનવાનું બાકી છે.

આખરી તબક્કો સોલો ટ્રિપ

સ્વભાવે શાંત, ઠરેલ અને આત્યંતિક પરિસ્થિતિમાં પણ સાચા નિર્ણયો લેવાની ટ્રેઇનિંગ એને હમણાં સુધી મળી ચૂકી છે. પરંતુ આ બધી જ ટ્રેઇનિંગ પોતાનો મહાવત સાથે હોય એ દરમિયાનની મળી છે. તો એ હાથી એકલો હોય ત્યારે શું? આ માટે ભણતર-ગણતરનો એક છેલ્લો પાઠ હજી એ હાથીએ શીખવાનો બાકી હોય છે. જે એને મળે છે જંગલમાં એકલા વિહાર કરીને. કુમકી હાથી બનવાનો છેલ્લો તબક્કો એટલે આ સોલો ટ્રિપ. હાથીને એકલાને (એના મહાવત વિના) જંગલમાં છોડવામાં આવે છે. આ સમય દરમિયાન એના પર વૉચ ગોઠવી એની પ્રવૃત્તિ અને નિર્ણયોનું અવલોકન કરવામાં આવે છે. તેને સ્વતંત્ર છોડી દેવામાં આવે એ પછી પણ એને મહાવતે શીખવેલું એ યાદ રાખીને એ મુજબ વર્તે  ત્યારે સમજી શકાય કે સંવેદનશીલતા અને તાલીમના પાઠો એની ગાંઠે બંધાઈ ચૂક્યા છે. લાંબા પ્રશિક્ષણ અને સોલો ટ્રિપની પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયા પછી એક હાથી જે ગઈ કાલ સુધી સામાન્ય હાથી હતો એ કુમકી હાથી તરીકેની ઉપાધિ મેળવે છે.

કુમકી હાથી કોણ હોય છે?

સ્વભાવે શાંત, સમજુ અને આત્યંતિક પરિસ્થિતિઓમાં પણ સુપેરે પોતાની જવાબદારી સમજતું એક અત્યંત સંવેદનશીલ છતાં સમજુ, ઋજુ સ્વભાવનું પ્રાણી એટલે કુમકી હાથી. જંગલી હાથીઓને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વિના તેમને માનવ વસ્તીથી દૂર કરી ફરી જંગલ તરફ દોરી જવા, ખેતરોને નુકસાન પહોંચાડતા હાથીઓને જો માનવી કોઈ નુકસાન પહોંચાડવા માગે તો તેમને રોકવાથી લઈને જંગલમાં કે ક્યાંક બીજે ફસાયેલા હાથી સહિતના બીજા પ્રાણીને મદદ કરવા સુધીનાં અનેક કામ જે હાથી કરે છે એ કુમકી હાથી છે.

સામાન્ય રીતે એક કુમકી હાથી પોતાની જિંદગીનાં ૬૦ વર્ષ ‘કુમકી હાથી’ તરીકે માનવ, પ્રકૃતિ અને બીજા વન્ય જીવો માટે પોતાની સેવા આપતો હોય છે. ૬૦ વર્ષ બાદ એ હાથી પોતાની સેવામાંથી નિવૃત્ત થતો હોય છે અને ક્યારેક પર્યટકો માટે તો ક્યારેક જંગલમાં સ્વતંત્ર પોતાની બાકીની જિંદગી આરામના દિવસો સાથે વિતાવતો હોય છે.      

કુમકીનું કાર્યક્ષેત્ર

ધારો કે કોઈ ખેતરમાં કે કોઈક માનવ વસ્તીવાળા મહોલ્લામાં જંગલી હાથીઓનું એક ટોળું આવી ચડ્યું તો કુમકી હાથીઓ પોતાની ગર્જના અને વર્તન દ્વારા એ હાથીઓને ધીરે-ધીરે ફરી જંગલ તરફ લઈ જાય છે. આ સિવાય કોઈ હાથી જો ખેતરમાં પ્રવેશી ગયો હોય અને એ ખેતરનો માલિક એને કંઈ ઈજા પહોંચાડે એ પહેલાં આ કુમકી હાથી ત્યાં પહોંચીને પોતાની સેવા આપી એ હાથીને ખેતરમાંથી બહાર કાઢી ફરી જંગલ તરફ રવાના કરે છે. આ સિવાય પોતાની જ પ્રજાતિની સેવામાં પણ આવા હાથીઓ આવતા હોય છે. કોઈ ઘાયલ હાથીને બચાવવો, ઊભા થવામાં તકલીફ થતી હોય એવા નવજાત શિશુ હાથીને મદદ કરવી, કાદવ કે દલદલમાં ફસાયેલા હાથી સહિતના બીજા કોઈ પણ પ્રાણીને મદદ કરવી કે બેભાન થઈ ગયેલા જંગલી હાથીને મદદ પહોંચાડવા સુધીની ક્રિટિકલ હેલ્પ પણ આ હાથી કરી શકે છે.

ક્યાં છે ભારતનું સૌથી મોટું પ્રશિક્ષણ કેન્દ્ર?

મુથન્ગા કૅમ્પ. કેરળના વાયનાડમાં કુમકી હાથીઓને ટ્રેઇન કરવા માટેનું એક સૌથી મોટું કેન્દ્ર છે મુથન્ગા! આ કેન્દ્ર ડેવલપ થયું એ પહેલાં હાથીઓને (કેરલા સહિતના હાથીઓને) તામિલનાડુના મુદુમલાઈ લઈ જવામાં આવતા હતા પરંતુ હવે કેરલામાં હાથીઓના પ્રશિક્ષણ હેતુ સૌથી મોટું ટ્રેઇનિંગ સેન્ટર ખોલવામાં આવ્યું છે જે વાયનાડમાં છે. પ્રાથમિક શિક્ષણના માઇલસ્ટોન ગણાવવા હોય તો મુદુમલાઈની પાઠશાળામાં કોની સુરેન્દ્રમ, કોડાનાડ નીલકંદન અને સૂર્યા નામના ત્રણ કુમકી હાથીને ગણાવવા પડે. આ ત્રણેય હાથીઓ પોતાની માસ્ટર્સ ડિગ્રી કેરલાના કેન્દ્રમાં મેળવે એ પહેલાં એમની ટ્રેઇનિંગ તામિલનાડુના મુદુમલાઈમાં જ થઈ હતી. ત્રણ મહિના અને ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ! આ ત્રણેય હાથીઓને પ્રશિક્ષિત કરવામાં આટલો સમય અને ખર્ચ ભલે થયો હોય, પણ ત્યાર બાદ આ ત્રણેય કુમકીઓએ મેળવેલી સિદ્ધિ આ ખર્ચથી ક્યાંય વિશેષ છે.

કુમકીની યશોગાથા

સૌથી પહેલી સિદ્ધિ તો એ જ હતી કે આ ત્રણેય હાથીઓને કારણે જ કેરલાનું વાયનાડ ટ્રેઇનિંગ સેન્ટર શરૂ થઈ શક્યું. આ સિવાય પણ તેમની સિદ્ધિ અનેક છે. જેમ કે અરિકોમ્બન નામનો એક હાથી જેને ચોખા ખૂબ જ પસંદ હતા એ અવારનવાર માનવ વસ્તી નજીક જઈ ચોખાનાં ખેતરોમાં ઉત્પાત મચાવી દેતો હતો. એને પકડવામાં વિક્રમ અને સૂર્યા નામના બે કુમકી હાથીઓ મદદે આવ્યા અને આખરે અરિકોમ્બનને પકડવામાં આવ્યો એટલું જ નહીં, એને દૂર જંગલમાં છોડવામાં પણ આ બન્ને કુમકીએ જ મદદ કરી.            

આ સિવાય કર્ણાટકની એક નાનકી ભર ચોમાસામાં લાકડા વીણવા જંગલમાં ગઈ હતી. પરંતુ કલાકો સુધી પાછી ન આવતાં મા-બાપે વન વિભાગના અધિકારીઓને જાણ કરી ત્યારે કોંની સુરેન્દ્રમ અને કોડાનાડ નીલકંદન જ એ કુમકી હાથી હતા જેમણે આખાય જંગલમાં શોધખોળ ચલાવી અને ત્યાર બાદ દલદલમાં ફસાઈ પડેલી એ નાનકીને ત્યાંથી બહાર કાઢી સુરક્ષિત ફરી તેના ઘરે લઈ આવ્યા હતા.

સામાન્ય હાથીને કુમકી બનાવવા માટે લગભગ ૩ વર્ષનો સમય લાગે છે. આ સમય દરમ્યાન તેઓ બે જ મહાવત સાથે ટ્રેઇન થાય છે. આમાં તાલીમ ભલે સખત હોય છે, પરંતુ એમાં અમાનવીયતા નથી હોતી.

માનવી શું કરે છે?

જ્યારે કોઈ પ્રાણી વળતરની કોઈ પણ અપેક્ષા વિના પોતાનું આખુંય જીવન સમર્પિત કરી દે ત્યારે માનવીની પણ ફરજ બને છે કે એનો પ્રત્યુત્તર એ જ રીતે આપે. એક સામાન્ય હાથીના કુમકી બનવાની સફરમાં આવતા દરેક પાઠ અને દરેક પરીક્ષા દરમિયાન જે મહાવત એની સાથે રહે છે, એ મહાવત પોતાની આખીય જિંદગી એ એક જ હાથી પરત્વે આપી દેતો હોય છે. એક હાથી કુમકી તરીકે પોતાની જિંદગીનાં ૬૦ વર્ષ આપે છે તો સામે એક મહાવત પણ આખીયે જિંદગી એ જ એક હાથી સાથે રહે છે. કહેવાય છે કે કુમકી માત્ર અને માત્ર પોતાના મહાવતની જ વાત માને છે અને એને અનુસરે છે. એ જ નિયમના આધારે મહાવત પણ પોતાની મહાવત તરીકેની આખીયે જિંદગી તે એક જ કુમકી હાથી સાથે વિતાવે છે. ટૂંકમાં કહીએ તો માનવ અને પ્રાણી બન્ને એકબીજાને સમર્પિત હોય છે. અને તો જ આવો અનોખો મેળ સધાય અને અવિશ્વસનીય કામ થઈ શકે એવું નથી લાગતું?

જીવન શું છે અને શું હોવું જોઈએ એ વિશે શીખવા માટે મોંઘેરી ફી ચૂકવી-ચૂકવીને આપણે માનવી નર્સરી સમયથી પ્રયત્નશીલ રહીએ છીએ. પરંતુ શું એક કુમકી અને એક મહાવત જેટલો સમર્પણ ભાવ હજી આજે આટલી ટ્રેઇનિંગ પછી પણ કોઈ વ્યક્તિ પ્રત્યે પણ આપણે કેળવી શક્યા છીએ ખરા? જવાબ અમને નહીં આપો તો ચાલશે. સવાલ પોતાની જાતને જ કરો અને જવાબ પણ પોતાની જાતને જ આપજો.

wildlife andhra pradesh national news news columnists gujarati mid-day south india karnataka