શુગર સ્ક્રબ કે સૉલ્ટ સ્ક્રબ?

06 December, 2022 04:24 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ત્વચાના મૃત કોષોને દૂર કરીને એક્સફોલિએટ કરતી શુગર સ્ક્રબિંગ અને સૉલ્ટ સ્ક્રબિંગમાં શું તફાવત છે એ સમજી લેશો તો ત્વચા નિખરી ઊઠશે

પ્રતીકાત્મક તસવીર

ત્વચાની સંભાળ માટેનાં ઉત્પાદનોમાં વપરાતાં બે સામાન્ય ઘટકો આલ્ફા હાઇડ્રોક્સી ઍસિડ્સ (AHAs) અને બીટા હાઇડ્રોક્સી ઍસિડ્સ (BHAs) એવાં રાસાયણિક એક્સફોલિઅન્ટ્સ છે જે તમારી ત્વચાના ઉપરના સ્તરમાંથી મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે. શરીર માટે બે મુખ્ય એક્સફોલિએટર સૉલ્ટ અને શુગરમાં આ ઘટકો મળી આવે છે. તેથી સ્કિન સ્ક્રબિંગ માટે એનો બહોળો ઉપયોગ થાય છે. જોકે બન્ને સ્ક્રબિંગમાં શું તફાવત છે એની જાણકારી ન હોવાથી ઘણી વાર ત્વચાને જોઈએ એવો ફાયદો થતો નથી. સૉલ્ટ અને શુગર સ્ક્રબિંગમાંથી શું પસંદ કરવું જોઈએ તેમ જ એ કઈ રીતે કામ કરે છે એ સમજી લેવાથી તમારી ત્વચા નિખરી ઊઠશે.

કેમ જરૂરી?

સ્કિન કૅર રૂટીનમાં સ્ક્રબિંગના રોલ વિશે સમજાવતાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરનાં કન્સલ્ટન્ટ ડર્મેટોલૉજિસ્ટ ઍન્ડ વેનેરિઓલૉજિસ્ટ ડૉ. સોનાલી કોહલી કહે છે, ‘સામાન્ય રીતે દરેક પ્રકારની ત્વચાના બાહ્ય સ્તર પર ૨૮થી ૪૫ દિવસમાં મૃત ત્વચાના કોષો જમા થતા હોવાથી એક મહિનાની એક્સફોલિએશન સાઇકલ હોવી જોઈએ. વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણના કારણે સ્કિન ડિહાઇડ્રેટ થવાની પ્રક્રિયા ઝડપી બનતાં ત્વચા એની કોમળતા અને નરમાશ ગુમાવી રહી છે. તેથી આ સાઇકલમાં ફેરફાર કરવાની જરૂર છે. સ્કિન રીસાઇક્લિંગ પ્રોસેસ માટે સ્ક્રબિંગ ગુડ ચૉઇસ કહી શકાય. સ્ક્રબિંગ માટે ઉત્પાદનો પર આધાર રાખવો કે ઘરગથ્થુ સામગ્રીનો ઉપયોગ કરવો એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે.’ 

કઈ રીતે કામ કરે છે?

બૉડી સ્ક્રબિંગ માટે સામાન્ય રીતે સૉલ્ટનો ઉપયોગ વધુ થાય છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘વિવિધ પ્રકારના ખનિજથી સમૃદ્ધ સૉલ્ટના ડિટૉક્સિફાઇંગ ફાયદાઓ છે. સૉલ્ટેડ સ્ક્રબ બનાવવા માટે એસેન્શિયલ ઑઇલ અથવા કોકોનટ ઑઇલ સાથે સૉલ્ટને મિક્સ કરવામાં આવે છે, જેની ડિટૉક્સિફાઇંગ ઇફેક્ટ વધારે હોય છે. રિલૅક્સેશન અને સ્ટ્રેસ-ફ્રી થવા માટે સ્પામાં જાઓ છો ત્યારે તેઓ સૉલ્ટ સ્ક્રબિંગ કરી આપે છે. જોકે રૅશિસથી બચવા સૉલ્ટ સ્ક્રબિંગ માટે જતાં પહેલાં ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.’

શુગર સ્ક્રબમાં એના નામ પ્રમાણે ખાંડ મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ હોય છે. ત્વચાને પોષણ આપતાં અવાકાડો અને કોકોનટ જેવાં નૅચરલ ઑઇલ અથવા કૉફી સાથે શુગરને મિક્સ કરી સ્ક્રબ બનાવવામાં આવે છે. એમાં ગ્લાયકોલિક ઍસિડનું પ્રમાણ વધુ હોય છે, જે ડ્રાય અને ડીહાઇડ્રેટેડ ત્વચા પર સારી રીતે કામ કરે છે. તડકામાં ટૅન થઈ ગયેલી ત્વચા માટે પણ શુગર સ્ક્રબ બેસ્ટ છે. અમુક પ્રકારની ત્વચા માટે હની બેઝ્ડ સ્ક્રબ સજેસ્ટ કરવામાં આવે છે. સ્ક્રબિંગ માટે ગ્રૅન્યુઅલ્સ સાઇઝ મહત્ત્વની છે. મીઠાના દાણા મોટા અને પ્રકૃતિમાં ઘર્ષક હોવાથી ઘૂંટણ, કોણી અને પગનાં તળિયાંની ત્વચા પર વધુ સારું રિઝલ્ટ આપે છે. સંવેદનશીલ ત્વચાને એક્સફોલિએટ કરવાની સૌથી લોકપ્રિય રીત શુગર સ્ક્રબિંગ છે. ખાંડના દાણા કદમાં નાના હોવાથી ત્વચા માટે કોમળ છે. સ્ક્રબિંગની પ્રોસેસ સર્ક્યુલર મોશનમાં થવી જોઈએ. લૂફાનો ઉપયોગ ન કરવો.’

આ પણ વાંચો : કાયમી મેકઓવર

ફરક શું છે?

તફાવતની વાત કરીએ તો બન્ને અલગ રીતે કામ કરે છે. શુગર સ્ક્રબ સૉફ્ટ અને સૉલ્ટેડ સ્ક્રબ સ્ટ્રૉન્ગ છે. શુગરમાં પ્રાકૃતિક રીતે નરમાશ હોવાથી મૉઇશ્ચરાઇઝિંગનું કામ કરે છે તેમ જ દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય છે. સૉલ્ટેડ સ્ક્રબ એક્સફોલિએટિંગમાં સારું રિઝલ્ટ આપે છે, પરંતુ ચહેરાની સંવેદનશીલ ત્વચા માટે નથી. તમારી ત્વચાના પ્રકાર માટે યોગ્ય સ્ક્રબ પસંદ કરવાની શ્રેષ્ઠ રીત છે ત્વચાની સંવેદનશીલતા અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવું. બહારનાં ઉત્પાદનોની સરખામણીએ હોમમેડ સ્ક્રબ સારાં કહેવાય, કારણ કે એમાં નૅચરલ ગ્રૅન્યુઅલ્સ વાપરવાના છો. જોકે કોઈ પણ સ્ક્રબનો ઉપયોગ ૧૦ દિવસમાં એક જ વાર કરવાની ભલામણ છે. ઍક્સેસિવ યુઝથી સ્કિન ડૅમેજ થઈ શકે છે અથવા ઍલર્જી થવાની સંભાવના છે. સ્કિન રીઍક્શનથી બચવા સમજી-વિચારીને પ્રયોગ કરવો.’

હેર સ્ક્રબિંગ

સ્ક્રબિંગ માત્ર સ્કિન માટે જ નહીં, વાળ માટે પણ ફાયદાકારક છે. સામાન્ય માન્યતા એવી છે કે શૅમ્પૂ કરો એટલે વાળની ગંદકી દૂર થઈ જાય. વાસ્તવમાં ખોપરીની ઉપરની ત્વચાની સ્વચ્છતા માટે સ્કૅલ્પ સ્ક્રબિંગની જરૂર પડે છે. એનાથી ત્વચાને ચોંટેલા ધૂળના રજકણો અને મૃત કોષો સરળતાથી દૂર થાય છે. ડૅન્ડ્રફ જેવી સમસ્યા તમારા વાળને નબળા કરી દે છે. કેટલીક વાર મોંઘાં ઉત્પાદનો પણ અસર કરતાં નથી. સ્કૅલ્પ સ્ક્રબિંગથી ડૅન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. વાળમાં ડ્રાયનેસ વધી જાય ત્યારે સ્ક્રબિંગ કરવાથી હેર ફોલિકલ્સને કુદરતી રીતે તેલ મળવાનું શરૂ થઈ જાય છે. ઘરમેળે હેર સ્ક્રબ બનાવવા માટે એક કપ ઑલિવ ઑઇલ અને એક કપ બ્રાઉન શુગરને સારી રીતે મિક્સ કરી થોડો સમય રહેવા દો. ત્યાર બાદ વાળના મૂળમાં આંગળીનાં ટેરવાંથી મસાજ કરો. શુષ્ક વાળમાં ફરીથી ચમક આવી જશે અને ગ્રોથ પણ સારો થશે.

હોમ રેમેડીઝ

ડૉ. સોનાલી કોહલી

ડિટૉક્સિફાઇંગ સૉલ્ટ સ્ક્રબ : 

સૉલ્ટ સ્ક્રબ બનાવવા માટે અડધો કપ રિફાઇન્ડ મીઠું, ચમચી લીમડાનો પાઉડર, ત્રણ ટીપાં ટી ટ્રી ઑઇલ અને ઑલિવ ઑઇલને મિક્સ કરી તરત જ ઉપયોગમાં લેવું અથવા કાચની ચુસ્ત બરણીમાં સ્ટોર કરીને ચાર દિવસની અંદર વાપરી નાખવું.

હાઇડ્રેટિંગ શુગર સ્ક્રબ :

શુગર સ્ક્રબ બનાવવા માટે અડધો કપ ફાઇન-ગ્રિટ શુગર, એક ચમચી લીલી ચા પાઉડર, ત્રણ ટીપાં એસેન્શિયલ લૅવન્ડર ઑઇલ અને અવાકાડો ઑઇલ મિક્સ કરવું. તરત જ સ્ક્રબનો ઉપયોગ કરો અથવા ચુસ્ત કાચની બરણીમાં સ્ટોર કરી ચાર દિવસમાં અપ્લાય કરવું. 

columnists Varsha Chitaliya beauty tips