આ ચિત્રકારનાં ચિત્રો દુબઈ કઈ રીતે પહોંચ્યાં?

19 October, 2021 04:19 PM IST  |  Mumbai | Varsha Chitaliya

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં મુલુંડનાં ગૃહિણી નિશા ગાલાએ ઇન્ડિયન ફોક આર્ટમાં એવું સુંદર કામ કર્યું છે કે તેમની કલાકૃતિઓને આવતા વર્ષે દુબઈમાં યોજાનારા આર્ટ એક્ઝિબિશન માટે પણ પસંદ કરવામાં આવી છે

સામાન્ય ગૃહિણી મટીને ચિત્રકાર બની ગયા બાદ તેઓ દિવસના ચાર કલાક પેઇન્ટિંગ પાછળ વિતાવવા લાગ્યાં

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં મુલુંડનાં ગૃહિણી નિશા ગાલાએ ઇન્ડિયન ફોક આર્ટમાં એવું સુંદર કામ કર્યું છે કે તેમની કલાકૃતિઓને આવતા વર્ષે દુબઈમાં યોજાનારા આર્ટ એક્ઝિબિશન માટે પણ પસંદ કરવામાં આવી છે અને તેમનાં પેઇન્ટિંગ્સથી આકર્ષાઈને દેશ-વિદેશના લોકો આ કળા શીખવા તેમનો સંપર્ક કરે છે

ઇન્ડિયન ફોક આર્ટમાં રુચિ ધરાવતાં મુલુંડ-વેસ્ટમાં રહેતાં કચ્છી વીસા ઓસવાળ સમાજનાં ૪૪ વર્ષનાં નિશા ગાલાએ ઇન્ટરનેટના માધ્યમથી ચિત્રકળાના ક્લાસ કર્યા બાદ તેમના જીવનમાં એવો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો કે આજે તેઓ દુબઈસ્થિત આર્ટ ઍકૅડેમીના સ્ટુડન્ટ્સને ભારતની સદીઓ જૂની ચિત્રકળા શીખવે છે. એટલું જ નહીં, નવરાત્રિ દરમિયાન તેમણે બનાવેલાં નવદુર્ગા અને દશાવતાર પેઇન્ટિંગ્સને જોઈને અચંબામાં પડી ગયેલી અમેરિકાની એક સંસ્થાએ પણ તેમનો કૉન્ટૅક્ટ કર્યો છે. એવું તે શું બન્યું કે માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં તેઓ સામાન્ય ગૃહિણીમાંથી આર્ટિસ્ટ અને હવે આર્ટ-ટીચર બની ગયાં? ચાલો જાણીએ.

છ પ્રકારની કળા

હાઉસવાઇફ ક્યારેય નવરી પડતી નથી, પરંતુ કોવિડ દરમિયાન હસબન્ડ અને ટીનેજ દીકરો ઘરકામમાં મદદ કરાવતા હતા તેથી થોડો સમય મળી રહેતો. સમય પસાર કરવા લોકોને આર્ટવર્ક કરતા જોઈને મને પણ નવું શીખવાની ઇચ્છા થઈ. દોઢેક વર્ષ પહેલાંની વાત યાદ કરતાં નિશાબહને કહે છે, ‘ડ્રૉઇંગમાં પહેલેથી રુચિ હતી. ગ્રામીણ વિસ્તારનાં કાચાં મકાનો પર સુંદર ચિત્રો દોરેલાં જોયાં હતાં ત્યારથી વારલી પેઇન્ટિંગનું જબરું આકર્ષણ હતું.

ભારતીય ચિત્રકળા જૂની પરંપરાઓ સાથે કનેક્ટેડ છે. મને ઇતિહાસ જાણવાની પણ મજા પડે. એક વાર ઇન્ટરનેટ પર સર્ચ કરતી હતી ત્યારે દુબઈમાં રહેતાં ભારતીય મહિલા ઇન્ડિયન ફોક આર્ટ શીખવે છે એવી જાહેરાત પર નજર પડી. હસબન્ડે સપોર્ટ કરતાં ઑનલાઇન ક્લાસિસ જૉઇન કર્યા. અહીં જુદા-જુદા ઘણા કોર્સ ઑફર કરવામાં આવ્યા હતા.

મધુબની, વારલી, ગોન્ડ, પિછવાઈ, પટચિત્ર અને કલમકારી એમ વારાફરતી છ પ્રકારનાં ચિત્રો દોરવાની ​કળા શીખી. ઇન્ડિયન ફોક આર્ટમાં ગેરુ, ચોખાનો લોટ, છાણાં વગેરેનો ઉપયોગ કરીને દીવાલ પર ચિત્રો દોરવામાં આવે છે; પણ આપણે રેડીમેડ કલર વાપરવા પડે. ઍક્રેલિક કલર્સ વડે હું કૅન્વસ, ફૅબ્રિક, વુડનબોર્ડ અને પેપર પર વિવિધ પ્રકારનાં ચિત્રો બનાવું છું.’

ટર્નિંગ પૉઇન્ટ

કલાકારને કોઈ સીમાડા નથી નડતા એ કહેવત નિશાબહનેના કેસમાં અક્ષરશ: સાચી પડી છે. સામાન્ય ગૃહિણી મટીને ચિત્રકાર બની ગયા બાદ તેઓ દિવસના ચાર કલાક પેઇન્ટિંગ પાછળ વિતાવવા લાગ્યાં. પોતાનાં દોરેલાં ચિત્રોને તેઓ સોશ્યલ મીડિયા પેજ પર શૅર પણ કરતાં. ઇન્ટરનેટને કારણે લાઇફમાં વધુ એક ટર્નિંગ પૉઇન્ટ આવ્યો એમ જણાવતાં તેઓ કહે છે, ‘હું તો અમસ્તા જ પોસ્ટ કરતી હતી. લોકોની લાઇક અને કમેન્ટ્સથી પ્રોત્સાહન મળે.

જેમની પાસે હું ચિત્રકળા શીખી હતી તેઓ પણ ચિત્રો જોઈને અચંબામાં પડી ગયાં. તેમણે મને વિદ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું. આમ સફરની શરૂઆત થઈ. મેં શૅર કરેલાં ચિત્રો ​હજારો કિલોમીટર દૂર રહેતા લોકોને આકર્ષશે એવું તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. અમેરિકાની એક આર્ટ ઍકૅડેમીએ પણ મારો કૉન્ટૅક્ટ કર્યો છે. જોકે હજી ઘણી મજલ કાપવાની છે. અત્યારે તો પૅશન અને સ્મૉલ સ્ટાર્ટઅપનું જે કૉમ્બિનેશન બન્યું છે એનો આનંદ ઉઠાવી રહી છું.’

સાંસ્કૃતિક વારસો

પરંપરાગત ચિત્રકળા મનગમતો વિષય છે એટલે જેમ-જેમ ઊંડી ઊતરતી ગઈ એમ-એમ ઇન્ટરેસ્ટ વધતો ગયો. પોતાને ચિત્રો દોરતાં આવડી ગયાં કે બીજાને ચિત્રો દોરતાં શીખવી દીધું એટલે પૂરું એવું મારે નહોતું કરવું. આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવો છે. દિલની વાત કરતાં નિશાબહેન કહે છે, ‘વારલી પેઇન્ટિંગ આદિવાસી પ્રજાએ વિકસાવેલી બેનમૂન કળા છે. તેમના પરિવારમાં લગ્નનો પ્રસંગ આવે ત્યારે કન્યા પોતાના હાથે ઘરની દીવાલો પર ચિત્રો દોરે છે. મધુબનીનો ઇતિહાસ પણ સદીઓ જૂનો છે. ભગવાન રામ અને સીતાજીનાં લગ્ન સાથે જોડાયેલી આ પરંપરાગત ચિત્રકારી મને અંગત રીતે ખૂબ પસંદ છે. ઇન્ડિયન ફોક આર્ટમાં આવી તો અઢળક કથાઓ અને પ્રથાઓ છે. સ્ટુડન્ટ્સને આર્ટ શીખવતાં પહેલાં હું આ કથા વિશે જણાવું છું. જર્મની, અમેરિકા અને દુબઈમાં રહેતા વિદ્યાર્થીઓને પરંપરાગત ચિત્રો બનાવતા જોઈને આપણા દેશની કળા પ્રત્યે આદર વધી જાય છે અને મારું શીખવેલું સાર્થક થયું હોવાનું અનુભવું છું. સમય જો સાથ આપે તો ભવિષ્યમાં ઑફલાઇન ક્લાસિસ ખોલવાની પણ ઇચ્છા છે.’

મુંબઈ ટુ દુબઈ

ત્રણ ફીટ બાય ચાર ફીટનું નવદુર્ગા પેઇન્ટિંગ બનાવતાં નિશાબહેનને દસ દિવસ લાગ્યા હતા. પાંચ ફીટ બાય ત્રણ ફીટના વારલી પેઇન્ટિંગ માટે સામાન્ય રીતે વીસ દિવસ લાગે છે. તેમના કલેક્શનમાં સૌથી વધુ મધુબની સ્ટાઇલનાં પેઇન્ટિંગ્સ છે. દુબઈસ્થિત આર્ટ ઍકૅડેમીને તેમનાં ચિત્રોમાં રસ પડતાં સિલેક્ટેડ કલેક્શનને જાન્યુઆરીમાં યોજાનારા એક્ઝિબિશનમાં મૂકવા માટે મગાવી લીધાં છે.

columnists Varsha Chitaliya