દમ મારો દમ : જાતને પૂછતા રહો કે તમારા સંતાન વિશે તમે કેટલા માહિતગાર છો

14 October, 2021 08:34 AM IST  |  Mumbai | Manoj Joshi

બહેતર છે કે નાનપ, શરમ અને છૂટની કોઈ આડશમાં ઊભા રહ્યા વિના સંતાનો વિશે જાણકારી રાખવાનું શરૂ કરો અને તમારા-તેમના ભવિષ્યને સિક્યૉર કરો.

પ્રતીકાત્મક તસવીર

આમ તો આ વાત કહેવી કે પૂછવી એ જ શરમજનક ઘટના કહેવાય, પરંતુ એક હકીકત એ પણ છે કે આજે મોટા ભાગના પેરન્ટ્સ પોતાનાં સંતાનો વિશે ઓછામાં ઓછી માહિતી ધરાવતા હોય છે. ઓછામાં ઓછી માહિતી ધરાવે છે અને ઓછામાં ઓછી પૃચ્છા કરે છે. નહીં પૂછીને તે એવું માને છે કે પછી મન મનાવે છે કે બાળકોને એટલી આઝાદી તો મળવી જ જોઈએ. વાત અહીં સ્વતંત્રતા છીનવીને તેમને પરતંત્રતા આપવાની નહીં પણ વાત છે એ સંતાન પર નજર અને જાણકારી રાખવાની. ગમે તેટલું મોટું થઈ ગયું હોય પણ બાળક એ કહેવાય તો બાળક જ અને બાળક પર નજર રાખવી એ દરેક મા-બાપની ફરજ છે.
આઝાદી અને સ્વતંત્રતાની નવી પરિભાષા બહુ ખોટી અને ખરાબ છે. પૂછવાથી કે પછી ઇન્ક્વાયરી કરવાથી સંતાનોને જો એવું લાગે કે તેમની આઝાદી છીનવાઈ રહી છે તો તમારે ચેતવું પડશે. તમારે સમજવું પડશે કે તમારાં બાળકો ખોટી સ્કૂલમાં ભણીને આવી ગયાં છે અને જો સ્કૂલ સાચી હતી તો તમે તેમને સંસ્કારની સાચી પરિભાષા સમજાવી નથી. પૃચ્છા કોઈ હિસાબે ખોટી કે ખરાબ ન હોઈ શકે અને તપાસ ક્યારેય ગેરવાજબી કે અનૈતિક ન હોઈ શકે. આજે મોટા ભાગનાં સંતાનોને કંઈ પૂછવામાં આવે તો તેમને માઠું લાગી જાય છે. એવું લાગે છે કે મા-બાપ તેમને હજી પણ ઘોડિયાઘરની જેમ ટ્રીટ કરે છે; પણ તેમણે સમજવું જોઈશે કે એ પરીક્ષા તેમણે આજે જ નહીં, જિંદગીભર પાસ કરવાની રહેશે અને એ પાસ કરતાં રહેશે ત્યાં સુધી તેમના પરનો વિશ્વાસ અકબંધ રહેશે.
નવી જનરેશન અને જૂની જનરેશને એકમેક પર વિશ્વાસ રાખવાનો છે અને એ વિશ્વાસ રાખવા માટે એકબીજા પરની શ્રદ્ધા સતત જીતતા રહેવાની છે. જો ક્યાંય પણ સંતાન વિશે તમને કશી ખબર ન હોય તો આજે જ, અત્યારે જ પહેલું કામ એ કરજો કે તેને પાસે બેસાડજો અને બધું પૂછજો. જૉબ કરતા સંતાનની સૅલેરી શું છે એની પણ તમને ખબર હોવી જોઈએ અને કૉલેજ જતાં સંતાનોના ફ્રેન્ડ્સ કોણ છે એના વિશે પણ તમને ખબર હોવી જોઈએ. તમારે સમજવું પડશે, જાણવું અને જોવું પડશે કે એ કોની સોબતમાં છે અને એ પણ જોવું પડશે કે એ સોબતની તેના પર કેવી અસર થઈ રહી છે. ઘણા મિત્રો કહે છે કે આર્યન ખાનવાળી ઘટનાને મીડિયા વધુપડતું ખેંચી રહ્યું છે, પણ હું કહીશ કે બહુ સારું છે કે એ ખેંચાઈ રહ્યું છે. આ ઘટના પરથી અનુભવ લેવાનો છે અને આ ઘટના પરથી સૌકોઈએ સમજવાનું છે કે જે કંઈ ચાલી રહ્યું છે એ દિશામાં આપણાં સંતાનો તો નથીને. કબૂલ કે તમે એવું વિચારતા રહો કે આપણાં બાળકો એવાં ન હોય; પણ યાદ રાખજો, કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે અને એ પાતળી ભેદરેખા જ તમને અને તમારાં સંતાનોને જોખમમાં મૂકી શકે છે. બહેતર છે કે નાનપ, શરમ અને છૂટની કોઈ આડશમાં ઊભા રહ્યા વિના સંતાનો વિશે જાણકારી રાખવાનું શરૂ કરો અને તમારા-તેમના ભવિષ્યને સિક્યૉર કરો.

manoj joshi columnists