અભાવથી શરૂ કરેલી જિંદગી જ્યારે તમને લીડર બનવા તરફ દોરી જાય

22 April, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૦ વર્ષની મારી કારકિર્દીમાં ૨૦૦થી ૨૫૦ જેટલાં નાટકો નિર્માણ કર્યાં એ જ એક રેકૉર્ડ ગણાય.

કૌસ્તુભ ત્રિવેદીની તસવીર

અભાવથી શરૂ કરેલી જિંદગી જીતવાનો સ્વભાવ બની જાય છે અને અભાવને કારણે જ અભિનય છોડીને નિર્માતા બનવાની હોડમાં ઊતર્યો એ ઈશ્વરીય સંકેત ગણી શકાય. અભાવમાં જીવતાં આવડી જાય એ જ લક્ઝરી બની જાય. તમે તમારા કામને પ્રેમ નહીં કરો તો બીજા કરશે. તમારા કલાકારને તમે પ્રેમ નહીં કરો તો બીજા નિર્માતા કરશે. તમે રંગભૂમિની કાચી પ્રયોગશાળામાં તૈયાર થશો તો કદાચ ડિસિપ્લિન શીખશો, પણ અભાવમાં તૈયાર થશો તો લીડર બનશો. 

મારા નસીબે રંગભૂમિના દરેક કલાકાર, દિગ્દર્શક, નિર્માતા સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું; પછી એ પરેશ રાવલ હોય, સિદ્ધાર્થ રાંદેરિયા હોય, ટીકુ તલસાણિયા હોય કે સંજય ગોરડિયા હોય. રંગભૂમિના મોટામાં મોટા કલાકારો સાથે અને નાનામાં નાના કલાકારો સાથે પણ કામ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. આ રીતે દિગ્ગજ દિગ્દર્શકો જેવા કે કાંતિ મડિયા, કમલેશ મોતા, સિદ્ધાર્થ રાંદેરિયા, પરેશ રાવલ, વિપુલ મહેતા, સંજય ગોરડિયા જેવા અનેક દિગ્દર્શકો સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું; તો નિર્માતા તરીકે રાજેન્દ્ર બુટાલા, કિરણ સંપટ વગેરે અનેક સાથે નાટકોનું નિર્માણ કર્યું. આ રીતે રંગભૂમિ સાથે જોડાવાનું અને લીડર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 

૪૦ વર્ષની મારી કારકિર્દીમાં ૨૦૦થી ૨૫૦ જેટલાં નાટકો નિર્માણ કર્યાં એ જ એક રેકૉર્ડ ગણાય. લગભગ ૩૫,૦૦૦થી વધુ શો કર્યા છે. નાટકમાં ઘર્ષણ હોય તો જ લોકો એમાં ઇન્વૉલ્વ થાય છે. લોકોને સમજણ પડે એવાં નાટકો આપવાં અને રજૂ કરવાં એ સફળતાની ચાવી છે. ત્યાર પછી મેં અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરી અને પહેલું નાટક કર્યું ગિરેશ દેસાઈ - ભાઉસાહેબનું ‘પર સ્ત્રી જેને માત રે’. ત્યાર બાદ જાણીતા લેખક દામુ સાંગાણી લિખિત નાટક ‘રમકડા વર’ પરથી બનેલું ‘સસરો વેચવો છે’ એવું નાટક આવ્યું જેમાં મુખ્ય ભૂમિકા હું કરતો હતો. આમાં કલ્પના દીવાન જેવાં દિગ્ગજ અભિનેત્રી સાથે કામ કરવાનો મોકો મળ્યો. કલ્પનાબહેન પોતે એક ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય. તેમની સાથે અનેક નાટકો કર્યાં. કલ્પનાબહેને સમજાવ્યું કે જે પણ પાત્ર ભજવો એની કલ્પના કરો અને પછી જ એને રિયલિટીમાં ઉતારી શકાય. મેં પોતે પણ જૂની રંગભૂમિના નાટકમાં કામ કર્યું હતું. નાટકનું નામ હતું ‘સળગતો સંસાર’ અને એના દિગ્દર્શક હતા જૂની રંગભૂમિના જાણીતા લેખક પ્રભુલાલ દ્વિવેદીના પુત્ર વિનયકાન્ત દ્વિવેદી. નાટકનું દિગ્દર્શન તેમણે કર્યું હતું.

જૂની રંગભૂમિનાં નાટકો કરતાં-કરતાં તમને નાટકની રિધમ અને છપ્પા (૬ લાઇનનો સંવાદ) બોલવાની ટ્રેઇનિંગ મળે છે. એ નાટક સફળ થયા પછી મેં અનેક નાટકો ક્રમશઃ મૉડર્ન રંગભૂમિનાં કર્યાં.

columnists life and style Gujarati Drama Gujarati Natak