અવ્યક્ત જેનાથી વ્યક્ત થયા તે મનુ કોની પૂજા કરતા? કૃષ્ણ કોની પૂજા કરતા?

26 February, 2023 02:34 PM IST  |  Mumbai | Kana Bantwa

મહાભારતમાં છેક છેલ્લે શાંતિપર્વમાં શ્રીકૃષ્ણની દૈનિક પ્રવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારત કે હરિવંશ કે ભાગવતમાં શ્રીકૃષ્ણની રોજિંદી પ્રવૃત્તિ વિશે વિશદ માહિતી નથી.

કૃષ્ણ કોની પૂજા કરતા?

મહાભારતમાં છેક છેલ્લે શાંતિપર્વમાં શ્રીકૃષ્ણની દૈનિક પ્રવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારત કે હરિવંશ કે ભાગવતમાં શ્રીકૃષ્ણની રોજિંદી પ્રવૃત્તિ વિશે વિશદ માહિતી નથી. મહાભારતમાં કહેવાયું છે કે શ્રીકૃષ્ણએ સવારે ઊઠીને સ્નાનાદિ નિત્યકર્મ પતાવ્યા બાદ જાપ કર્યા, ધ્યાન ધર્યું અને પછી બ્રાહ્મણોને દક્ષિણા આપીને પોતાનો દિવસ શરૂ કર્યો. આ સિવાય પણ મહાભારતમાં શ્રીકૃષ્ણએ સવારે જાપ કર્યાનો ઉલ્લેખ છે. પ્રશ્ન એ છે કે સ્વયં ઈશ્વર શ્રીકૃષ્ણ પોતે કોની પૂજા કરતા, કોના જાપ કરતા, કોનું ધ્યાન ધરતા. મહાભારતમાં જ ઘણી વખત શ્રીકૃષ્ણએ શિવની પૂજા કરી હોવાનું, શિવને પ્રસન્ન કરવા માટેનું તપ કર્યું હોવાનું કહેવાયું છે. એ બાબતો કદાચ શૈવ પંથ અને વૈષ્ણવ પંથનું વેર મિટાવવાના ઉદ્દેશથી ક્ષેપક તરીકે ઉમેરવામાં આવી હોય એવી પણ સંભાવના તો છે જ, પણ સામાન્ય રીતે કૃષ્ણ કોની ઉપાસના કરતા? કૃષ્ણએ જે રીતે ભગવદ્ગીતામાં નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની પ્રશંસા કરી છે એના પરથી સ્પષ્ટ થાય કે તેઓ પરબ્રહ્મની ઉપાસના કરતા અને પરબ્રહ્મના વ્યક્તરૂપ ૐનો જાપ કરતા. ભગવદ્ગીતામાં નવમા અધ્યાયમાં ૧૭મા શ્લોકમાં કૃષ્ણએ કહ્યું છે કે ઓમકાર હું જ છું. અર્થાત્ ઓમકાર એ જ પરબ્રહ્મ છે.

 કૃષ્ણની વાતનું અનુસંધાન ગયા અઠવાડિયે ચાલુ કરેલી પેલી મૌલાના મદનીના બફાટ સાથે જોડાય છે. એ ધર્માંધે એવો પ્રશ્ન કર્યો હતો જેના દ્વારા મનુષ્યની ઉત્પત્તિ થઈ એ મનુ કોની પૂજા કરતા હતા? અને પછી એ મદનીભાઈએ પોતે જ જવાબ આપ્યો કે ‘મનુ ઓમની પૂજા કરતા હતા. મનુ અને આદમ એક જ છે, ઓમ અને અલ્લાહ એક જ છે.’ મદનીનો ઇશારો એવો હતો કે ઓમની પૂજા એ અલ્લાહની જ પૂજા કહેવાય. મનુ બ્રહ્માના પુત્ર છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન થયું છે એવું હિન્દુ દર્શનમાં કહેવાયું છે એ મદનીએ વાંચ્યું નથી. મનુ પહેલાં પણ હિન્દુ દર્શનમાં જેને પરબ્રહ્મ કહેવામાં આવે છે તેની પૂજા થતી હતી. દેવતાઓ પણ પરબ્રહ્મને પૂજતા હતા. આ પરબ્રહ્મનો ઉલ્લેખ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં લખાયેલા વેદોમાં તેમના તમામ ગુણો સાથે દર્શાવાયેલો છે. ક્યાં માત્ર ૧૪૦૦ વર્ષ જૂનો એનો ઇસ્લામ ધર્મ અને ક્યાં હજારો વર્ષ જૂનો સનાતન ધર્મ. ૧૪૦૦ વર્ષ પહેલાં મોહમ્મદ પયગંબરે ઇસ્લામની સ્થાપના કરી એ બાબતે તો મદની પણ ઇનકાર કરી શકે નહીં અને ઇસ્લામની સ્થાપના પહેલાં જે ધર્મને પયગંબરના પૂર્વજો પાળતા હતા એ બૂતપરસ્ત હતો. મક્કામાં સેંકડો મંદિરો હતાં અને પયગંબરે એ મંદિરો મિટાવ્યાં હતાં. જે અબ્રાહમિક ધર્મ, જેમાંથી ઇસ્લામનો ફાંટો અલગ પડ્યો એ મૂર્તિપૂજક ધર્મ સનાતન ધર્મનો એક ભાગ હતો એવો દાવો કરવામાં આવે તો એ પણ થઈ શકે. સનાતન ધર્મના દસેક હજાર વર્ષ જૂના તો દસ્તાવેજી પુરાવા મળી આવે છે. ઇસ્લામના દસ્તાવેજી પુરાવા ૧૪૦૦ વર્ષથી વધુ જૂના નથી.

 મદનીનું બયાન બે કોમ વચ્ચે ભાઈચારો પેદા કરવા માટેનું હોત તો પણ ચલાવી લેવા યોગ્ય ન ગણાત, પણ અહીં તો તેમનો ઉદ્દેશ પોતાના ધર્મની સર્વોપરિતા સિદ્ધ કરવાનો હતો. તેનું કહેવું હતું કે ‘ઓમ નિર્ગુણ છે, નિરાકાર છે, હવા જેવો છે, સર્વત્ર વ્યાપ્ત છે, અલ્લાહને પણ એવા જ કહેવાયા છે.’ ભાઈ મદની, પરબ્રહ્મને નિર્ગુણ, નિરાકાર અવ્યક્ત, અચિંત્ય તરીકે ઓળખવાનું તો ૧૦,૦૦૦ વર્ષ જૂના વેદોમાં પણ છે, ઉપનિષદોમાં છે અને સનાતન ધર્મના સૌથી આધુનિક ગણાતાં પુસ્તકો-પુરાણોમાં પણ છે. પરમેશ્વરને અનાદિ, અજન્મા, અદ્વિતીય, અવિનાશી, અવ્યક્ત માનનાર ધર્મને ઇસ્લામ સાથે જોડી દેવા એ કુતર્ક છે.
 મદનીએ જે ૐ અને પ્રણવની વાત કરી છે એ તો વેદના સમયથી જ પરબ્રહ્મ પરમાત્માનું વ્યક્ત રૂપ ગણાતું હતું. વેદના મંત્રોના ઉચ્ચારણ પહેલાં અને પછી ઓમ બોલવાની પ્રથા હતી, એટલું જ નહીં, ૐ એ મંત્રોનો એક ભાગ જ હતો. ઉપનિષદોમાં ૐને વ્યાખ્યાયિત કરવાનું શ્રેષ્ઠ કામ થયું છે. ૐનું એક આખું ઉપનિષદ છે પ્રણવોપનિષદ. આ ઉપનિષદમાં ૐને પરબ્રહ્મને અક્ષરાભિવ્યક્તિ કહેવામાં આવ્યો છે. ‘ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ યદુક્તં બ્રહ્મવાદિભિ:’ બ્રહ્મને જાણનારાઓએ ૐને જ બ્રહ્મ કહ્યા છે. આ ઉપનિષદના અંતમાં કહેવાયું છે કે જયારે સાધકનું મન સંપૂર્ણપણે શાંત થઈ જાય છે ત્યારે કાંસાના ઘંટના ઘંટારવ જેવો ૐનો નિનાદ સંભળાય છે. ૐ એ બ્રહ્માંડનો મૂળ ધ્વનિ છે. વિજ્ઞાને હમણાં શોધી કાઢ્યું છે કે બ્રહ્માંડમાં ૐના નાદ જેવો અવાજ સતત સંભળાતો રહે છે. નાસા દ્વારા એ અવાજ રેકૉર્ડ પણ કરવામાં આવ્યો છે. કઠોપનિષદમાં નચિકેતા જ્યારે યમરાજને પરબ્રહ્મનું રહસ્ય પૂછે છે ત્યારે ધર્મદેવ તેને કહે છે, આ ૐ અક્ષર જ બ્રહ્મ છે અને એ જ સર્વોત્તમ છે. એને જાણી લે એ બધું જાણી લે છે. એ જ પરમાત્માનું ધ્યાન ધરવા માટેનો શ્રેષ્ઠ આધાર છે. ‘આલંબનમ્ પરમમ્.’ (કઠોપનિષદ 2-16/17) પ્રશ્નોપનિષદ પણ ૐ દ્વારા જ પરમેશ્વરનું ધ્યાન ધરવાનું સૂચવે છે. છાંદાગ્ય ઉપનિષદમાં કહેવાયું છે કે ‘ૐ ઇત્યેત અક્ષર:’ અર્થાત્ ઓમ ક્ષરરહિત, અવિનાશી અને નિત્ય છે. આ ઉપનિષદમાં જ કહેવાયું છે કે ૐનો ઉચ્ચાર કરતાં જે શરીર ત્યાગે છે તેની પરમગતિ થાય છે. આ જ વિધાન શ્રીમદ ભાગવતમાં પણ કહેવાયું છે. તૈતરીય ઉપનિષદમાં તો ૐને જ બ્રહ્મ, સંપૂર્ણ જગત અને જગતની અનુકૃતિ પણ કહેવામાં આવ્યા છે. ૐની વિવેચનાથી હિન્દુ શાસ્ત્રો ભરેલાં પડ્યાં છે.
માત્ર હિન્દુ ધર્મ જ નહીં, હિન્દુ ધર્મમાંથી નીકળેલા ધર્મો બૌદ્ધ, જૈન, સિખ વગેરેમાં પણ ઓમને અનન્ય મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ નાનકે કહ્યું છે કે એક ઓમકાર સતનામ. જૈન ધર્મમાં પણ ઓમકાર દૈનિક પ્રાર્થનાનું મહત્ત્વનું અંગ છે. બૌદ્ધ ધર્મમાં ‘ઓમ મણિ પદ્‍મે હમ’ મંત્રનું અત્યંત મહત્ત્વ છે. ૐનો પ્રસાર કરવામાં બૌદ્ધ ધર્મનો પણ ખૂબ મોટો ફાળો છે. બૌદ્ધ ધર્મ જપાનમાં પણ ૐને લઈ ગયો, હવે ૐ ત્યાં એક જપાની શબ્દ બની ગયો છે.
 કબીરનું એક ભજન છે, ‘રામ નિરંજન ન્યારા રે, અંજન સકલ પસારા રે, અંજન ઉત્પત્તિ ઓમકારા.’ 
કબીરનો કહેવાનો અર્થ એ છે કે પરબ્રહ્મ તો અવ્યક્ત છે, પણ એને વ્યક્ત કરવા માટે ઓમનો ઉપયોગ થયો અને એટલે અવ્યક્ત પરબ્રહ્મને પહેલું અંજન, જોઈ શકવાનું સાધન, વ્યક્ત કરવાનું પરિમાણ મળ્યું. ૐ પછી જ સઘળી સૃષ્ટિ વ્યક્ત સ્વરૂપમાં આવી એવું કબીર આ ભજનમાં કહે છે. કબીર તો નિર્ગુણના ઉપાસક હતા એટલે તેમને ૐ પ્રત્યે વધુ પક્ષપાત હોય એ સ્વાભાવિક છે. તેમણે લખ્યું છે કે ‘ઓ ઓંકાર આદિ મેં જાના, લિખિ ઓં મિટે તાહી ન માના, ઓ ઓંકાર લિખે જો કોઈ, સોઈ લિખિ મિટણાન હોઈ.’
 ઇસ્લામ ખૂબ જ નવો ધર્મ છે એ વાત સ્વીકારવાને બદલે મદની જેવા એને જ્યારે પુરાતન ગણાવવા માટે કોશિશ કરે છે ત્યારે વરવા લાગે છે. આ અર્શદ મદનીએ જે બકવાસ કર્યો એ પહેલાં તેના કાકા મેહમૂદ મદનીએ એવું કહ્યું હતું કે ઇસ્લામની શરૂઆત ભારતમાં થઈ હતી અને ઇસ્લામ જગતનો સૌથી જૂનો ધર્મ છે. મદની હિન્દુ ધર્મના પ્રવર્તક મનુ વિશે બફાટ કરી શકે એ જ હિન્દુ ધર્મની સહિષ્ણુતા છે અને આ સહિષ્ણુતાને લીધે જ બાબરની પાછળ ભારતમાં પ્રવેશેલા ઇસ્લામને અહીં વિકસવાની તક મળી. મદની તો અહીં અટકી ગયા, પણ એવાય કેટલાક છે જે વેદમાં અલ્લાહનો ઉલ્લેખ હોવાના દાવા કરે છે. અગાઉ અંગ્રેજોએ પણ હિન્દુ 
ધર્મના દેવતાઓ વગેરે સાથે ખ્રિસ્તી ધર્મને જોડવા પ્રયત્ન કર્યા હતા, પણ જૂઠને પગ નથી હોતા.

columnists gujarati mid-day kana bantwa