બિન બોલે બાતેં તુમસે કરેં

22 May, 2022 04:32 PM IST  |  Mumbai | Kana Bantwa

માણસને પારખવા વાઇબ્સને પકડો : શબ્દો છેતરી શકે, વાઇબ્રેશન નહીં

બિન બોલે બાતેં તુમસે કરેં

તમે જ્યારે કોઈ વ્યક્તિને પ્રથમ વખત મળો છો ત્યારે ઘણી વાર તમે કહો છો કે તેનાં વાઇબ્રેશન્સ મને બરાબર લાગ્યાં કે બરાબર ન લાગ્યાં. ક્યારેક કોઈ માણસ તમારી પાસે આવે ત્યારે એના શબ્દોથી વિપરિત ફીલિંગ તમને આવે. ક્યારેક તમને કોઈની હાજરી કારણ વગર ખટકે. ક્યારેક કોઈ વ્યક્તિની હાજરીમાં તમને અકળામણ થાય. ક્યારેક કોઈની હાજરીથી તમને સારું લાગે, તમે ખીલી ઊઠો. ક્યારેક કોઈ વ્યક્તિ સાથે ભલે ખાસ કશો સંબંધ ન હોય તો પણ તેની હાજરી થોડી વધુ લંબાય એવું તમે મહેસૂસ કરો. શા માટે આવું થાય છે? આ કમાલ વાઇબ્રેશનની છે. તમને જાણ્યે કે અજાણ્યે સામેની વ્યક્તિના વાઇબ્સ મહેસૂસ થતા રહે છે. ખરેખર તો આપણે એ મૂળ ભાષા જ ભૂલી ગયા છીએ.
શબ્દોથી પર તરંગો
મોટા ભાગે આપણે શબ્દોથી માણસને પારખતા હોઈએ છીએ. વાણીના આધારે તે શું કહી રહ્યો છે એના પરથી માણસનો ક્યાસ કાઢતા હોઈએ છીએ. જોકે શબ્દો બહુ છેતરામણી ચીજ છે. શબ્દો કરતાં વધુ છેતરપિંડી કરનાર દુનિયામાં કશું જ નથી. માણસે ભાષા શોધી પછી એનો સૌથી વધુ ઉપયોગ પોતાના મનના ભાવ છુપાવવા માટે, પોતે જે નથી એ દર્શાવવા માટે, પોતાનો હેતુ છુપાવવા માટે, પોતાની વાસ્તવિક છાપ કરતાં અલગ જ છબિ ઊભી કરવા માટે કરે છે. ભાષા ભાવ વ્યક્ત કરવાનું સાધન હોવી જોઈએ એને બદલે છુપાવવાનું સાધન બનીને રહી ગઈ છે. પતિ જ્યારે પત્નીને આઇ લવ યુ કહે ત્યારે હંમેશાં એનો અર્થ હું તને પ્રેમ કરું છું એવો થતો નથી અથવા તે જ્યારે આવું કહી રહ્યો હોય ત્યારે તેના મનમાં પ્રેમ ઊભરાઈ રહ્યો જ હોય એવું નથી. કોઇ મહિલા જ્યારે પાડોશણ સાથે હસીને વાત કરતી હોય, તેનાં વખાણ કરતી હોય ત્યારે તેના શબ્દોની પાછળ મનમાં તો સાવ અલગ જ ભાવ હોય. કર્મચારી જ્યારે બૉસને મસકા મારતાં કહે કે તમારા જેવું મૅનેજમેન્ટ તો બીજા કોઈને ન આવડે ત્યારે તેના મનમાં તો બૉસ માટે અલગ જ શબ્દો રમતા હોય. એ શબ્દો શું હોય એ તમને ખબર છે. શબ્દો પર વિશ્વાસ રાખવો એટલે હાથે કરીને વિશ્વાસઘાતનો ભોગ બનવાનું આયોજન કરી લેવા જેવું થયું. માણસ પાસે શબ્દો નહોતા ત્યારે તે સંબંધોમાં છેતરાતો નહોતો, શબ્દો આવ્યા પછી છેતરાવા માંડ્યો. પ્રાણીઓ શિકાર માટે કદાચ વ્યૂહરચના ઘડતાં હશે, શિકારને ભુલાવામાં નાખતાં હશે; પણ પોતાનાને છેતરતાં નથી, કારણ કે એમની પાસે શબ્દ નથી.
અનુભૂતિનું વર્ણન અશક્ય
શબ્દોથી જેટલું કહેવામાં આવે છે એ તો મર્યાદામાં બંધાયેલું હોય છે. વાણીની, ભાષાની પોતાની સીમાઓ છે. જ્યારે અમર્યાદને નિરૂપવું હોય, વર્ણવવું હોય ત્યારે શબ્દો નિરર્થક બની જાય છે. એટલે જ જે અવર્ણનીય છે એનું વર્ણન માણસ સદીઓથી કરતો આવ્યો હોવા છતાં હજી એને આલેખવાના પ્રયાસો ચાલતા જ રહે છે. પ્રેમ વિશે માણસે કરોડો કવિતાઓ રચી, નાટકો લખ્યાં, ફિલ્મો બનાવી, વાર્તાઓ લખી. મહાકાવ્યો અને મહાગ્રંથોનાં હજારો પાનાંઓ લખાયા પછી હજી પણ પ્રેમ વિશે લખાતું જ રહે છે અને એ ગમે પણ છે, કારણ કે પ્રેમ વિશે બધું જ કહેવાઈ ગયું નથી. એના વિશે કહેવાનું હજી ઘણું બાકી છે. ખરેખર તો ઘણું નહીં, મોટા ભાગનું કહેવાનું બાકી જ છે. તમે કરેલી પ્રેમની અનુભૂતિને પૂર્ણપણે વર્ણવી શકે, કશું જ કહેવાનું બાકી ન રહે એ રીતે વર્ણન કરી શકે એવી કોઈ કવિતા કે કોઈ નિબંધ કે નાટક કે ડાયલૉગ તમને ક્યારેય મળ્યાં છે ખરાં? ન જ મળ્યાં હોય. ઈશ્વર વિશે જગતમાં સૌથી વધુ લખાયું છે. કોઈ એવી માનવસંસ્કૃતિ નથી જેમાં ઈશ્વર વિશે ગ્રંથો ન લખાયા હોય. છતાં ઈશ્વરના નાનકડા અંશ સિવાય એ ગ્રંથો કશું વર્ણવી શક્યા નથી. અનુભૂતિના ક્ષેત્રમાં શબ્દો વામણા પુરવાર થાય છે.
મનની ભાષામાં વાઇબ્સ
શબ્દો સિવાય પણ માણસને પારખવા માટેની ભાષા છે મનની ભાષા. એને ભાષા કહેવી યોગ્ય નથી, પણ અહીંયે શબ્દોની મર્યાદા નડે છે. એ જે છે એને કહેવા માટે નજીકનો શબ્દ ભાષા છે એટલે એનો ઉપયોગ કરવો પડે છે. મનની ભાષામાં વાઇબ્સ મહત્ત્વના છે. માણસના મનમાં જે ચાલતું હોય એ વાઇબ્રેશન્સથી સતત વ્યક્ત થતું રહેતું હોય છે. એની કોઈ નિશ્ચિત ભાષા નથી એટલે કોઈ માણસ માટે સામેની વ્યક્તિ એવું વિચારતી હોય કે આ ઠગ છે તો વાઇબ્રેશન્સ તે ઠગ શબ્દ સંભાળવી શકે નહીં, પણ એવો ભાવ તમારા સુધી પહોંચાડી શકે. આપણે શબ્દોની ભાષા શોધીને આ અદ્ભુત ભાષાને ભૂલી ગયા. એનો બહુ જ ઓછો, નહીંવત્ જ ઉપયોગ કરીએ છે અને એ પણ અજાણતાં જ. ક્યારેય તમે સામેની વ્યક્તિના વાઇબ્સ અનુભવવાનો પ્રયત્ન કર્યો છે? ક્યારેય તમે શબ્દોથી પર જઈને શબ્દાતીત સાંભળ્યું છે ખરું? આ કોઈ આધ્યાત્મિક અનુભવ નથી. આ શુદ્ધ માનસિક અનુભવ છે. એના માટે કોઈ સિદ્ધિની જરૂર નથી. બસ, જે વિસ્મૃત થઈ ગયું છે એને પુનઃ યાદ કરવાની જ જરૂર છે. ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે, સ્મૃતિમ લબ્ધવા. માત્ર સ્મૃતિ થવાની જ જરૂર છે. ઉપયોગ નહીં થવાને કારણે એ ક્ષીણ થઈ ગઈ છે. ઉપયોગ કરવા માંડશો એટલે એ તરત ખીલી ઊઠશે. 
વાઇબ્સ જૂઠા ન હોય
તમારી ઑફિસમાં કોઈ સાથી કર્મચારી કે ક્લાયન્ટ જ્યારે વાત કરે ત્યારે તેના શબ્દો ઉપરાંત તેના વાઇબ્સ અનુભવવાનો પ્રયત્ન કરજો. શબ્દોમાં જૂઠ હોઈ શકે, વાઇબ્સમાં નહીં હોય. તમને તેના ખરા ઉદ્દેશની ખબર પડી જશે. ઘણી વાર એવું પણ બનશે કે કોઈ માણસ તમને કશુંક કહેવા માગતો હશે, પણ એ યોગ્ય રીતે વ્યક્ત કરી શકતો નહીં હોય. તેનાં વાઇબ્રેશન્સ તે જે કહેવા માગે છે એ સચોટ રીતે કહી દેતાં હશે. તમે માત્ર શબ્દોની એક જ ચૅનલ સાંભળવાનું બંધ કરીને વાઇબ્સને પણ ઝીલવાનું ચાલુ કરશો તો ક્યારેય છેતરાશો નહીં, ક્યારેય થાપ ખાશો નહીં. વ્યવસાયના સ્થળે આવો લાભ તો સામાન્ય છે. વાઇબ્સને સમજવાનો ખરો ફાયદો અંગત સંબંધોમાં થશે. શબ્દો મોટા ભાગે ગેરસમજ પેદા કરતા હોય છે. શબ્દો સ્પષ્ટતાને બદલે ગૂંચવણ વધારી દઈ શકે. સંબંધોમાં સામેની વ્યક્તિનો ભાવ સમજાવો વધુ જરૂરી હોય, તેના દિલની વાત સમજવી આવશ્યક હોય. ત્યાં શબ્દો કરતાં ફીલિંગ્સને પ્રાધાન્ય આપવું પડે. કોઈ તમારું પોતાનું હોય તેની વાત બોલ્યા વગર સમજી જવી જોઈએ અને તેને જવાબ પણ બોલ્યા વગર જ મળી જવો જોઈએ. બિન બોલે બાતેં તુમસે કરેં. પોતાના હોય તેઓ મોટા ભાગે બોલતા નથી. તેઓ અપેક્ષા રાખે છે કે તમે વગર બોલ્યે સમજી જાઓ. જે સંબંધ અનુભૂતિના છે એ બધામાં તો તમારે સામેની વ્યક્તિના દિલને જ સાંભળવું પડે. તો જ તેના ભાવને સાચી અને સારી રીતે પકડી શકશો. અંગત સંબંધોમાં પણ તમને કોઈ છેતરતું હશે, મૂરખ બનાવતું હશે તો તે પણ તમે વાઇબ્સના આધારે જાણી શકશો. છેતરપિંડી પણ જાહેર જિંદગીમાં ઓછી, અંગત રિલેશનમાં વધુ થતી હોય છે. વાઇબ પકડશો તો એનાથી બચી જશો. એ બધું દેખાશે જે અત્યાર સુધી નહોતું દેખાતું. જાણે નવી આંખો આવી હોય, આંખ સામેનાં પડળ દૂર થઈ ગયાં હોય, મોતિયો ઊતરી ગયો હોય એવું અનુભવાશે. દુનિયાને એક અલગ દૃષ્ટિથી જોવાનો લહાવો મળશે. તમારામાં સ્પષ્ટતા આવશે, ક્લિયર થઈ જશો. અને જે માણસ સ્પષ્ટ છે તે સફળ થાય છે, સુખી થાય છે, શાંતિ પામે છે.

columnists kana bantwa