તમારું પ્લાનિંગ જ્યારે ફેલ જાય ત્યારે ભગવાનના પ્લાનિંગ પર ભરોસો રાખો

18 April, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામે ચાલીને શોધવા જઉં ત્યારે કામ મળે નહીં અને મેં હાથમાં કામ લઈ લીધું હોય ત્યારે ‌ડ્રીમ કહેવાય એવા-એવા રોલ મને ઑફર થાય. 

પ્રતીકાત્મક તસવીર

સોમવારે રાતે મેં નેટફ્લ‌િક્સ પર ‘અમર સિંહ ચમક‌ીલા’ જોઈ. નવા નાટકનાં રિહર્સલ્સ ચાલે છે એટલે ફિલ્મ જોવાનું બહુ મોડું ચાલુ કર્યું હતું. જોકે ફિલ્મે મારી ઊંઘ એવી તે ઉડાડી મૂકી. શું અદ્ભુત ફિલ્મ, શું ઇમ્ત‌િયાઝ અલીનું ડિરેક્શન, શું ઍક્ટ‌િંગ. સુપર્બ. મજા પડી ગઈ. જોકે સાચું કહું તો હું ફિલ્મ જોઈને થોડો ડિસ્ટર્બ થયો. થયું કે આપણને ક્યારે આવા રોલ ઑફર થશે? ક્યારે આપણને સંતોષ થાય એ સ્તરનું પર્ફોર્મ કરવા મળશે? એવું પણ મનમાં શરૂ થયું કે શું ક્યારેય લાઇફમાં આવો ચાન્સ નહીં મળે? શું આમ જ આપણે સ્ટ્રગલ કરતા રહેવાનું? અફકોર્સ, કામની સ્ટ્રગલ નથી. ગુજરાતી નાટકો મારાં ચાલે જ છે અને એમાંથી મસ્ત ઇન્કમ થાય છે; પણ પેલો જે આપણી અંદરનો કીડો હોયને... બેસ્ટ કામ કરવાનો, યાદગાર કામ કરવાનો એને ક્યાંક ને ક્યાંક એવું થયા કરે છે કે કરવા જેવું ઘણુંબધું કામ છે પણ એ આપણા સુધી પહોંચતું નથી.

અગાઉ પણ જ્યારે એવું મનમાં થયું છે ત્યારે મેં નાટકોમાંથી બ્રેક લઈને છ-આઠ મહિના સારા રોલ માટે ટ્રાય કરી છે. જોકે એવું બને કે એ છ-આઠ મહિના એમ જ પસાર થઈ જાય અને આપણે ઇચ્છતા હોઈએ એવું કામ મળે નહીં. કંટાળીને પછી હું ફરી નાટક તરફ પાછો આવું અને જેવો નાટક શરૂ કરું કે તરત એવા-એવા રોલ ઑફર થવાની શરૂઆત થાય, પણ નાટકોના શો લાઇનસર ગોઠવાયેલા હોય એટલે એ કામ જતું કરવું પડે. બહુ વાર મારી સાથે આવું થયું છે. સામે ચાલીને શોધવા જઉં ત્યારે કામ મળે નહીં અને મેં હાથમાં કામ લઈ લીધું હોય ત્યારે ‌ડ્રીમ કહેવાય એવા-એવા રોલ મને ઑફર થાય. 

આવું મારી સાથે જ થાય છે એવું નથી. આવું તમારી સાથે પણ થતું હશે, પણ મારી સાથે વારંવાર બનતી આવી ઘટનાઓ પછી હવે મને સમજાયું છે કે જ્યારે તમારા પ્લાન કામ ન કરે કે ફેલ થાય ત્યારે ભગવાનના પ્લાનિંગ પર ભરોસો કરવો. ગુજરાતી ફિલ્મો બહુ બનતી ત્યારે મને સતત થતું કે મને કેમ કોઈ સારા રોલ ઑફર નથી થતા? એવું કહું તો ચાલે કે મેં વર્ષો રાહ જોઈ અને એ પછી મને ‘બુશર્ટ ટીશર્ટ’ ઑફર થઈ અને હું ભગવાનના પ્લાનિંગને માની ગયો. ભગવાન ક્યારેય તમને નિરાશ નથી કરતા. તે ક્યારેય તમારાં સપનાં તોડતાં નથી. તે બધું પ્લાનિંગ મુજબ કરે છે, પણ એ માટે તમારે બસ તેના પર વિશ્વાસ રાખવાનો. હું અત્યારે એ જ કરું છું. બને કે તેના પ્લાનિંગમાં એવું હશે કે થોડા સમય પછી મારે ‘અમર સિંહ ચમકીલા’ જેવી ફિલ્મ કરવી અને એટલે તે મને અત્યારે રાહ જોવડાવતા હોય.

ગૉડ નોઝ.

અહેવાલ: કમલેશ ઓઝા

columnists life and style