ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઈની વચ્ચે મનદુ:ખ થાય ત્યારે એક જ સૂચન મળે

06 January, 2019 11:28 AM IST  |  | Rajani Mehta

ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઈની વચ્ચે મનદુ:ખ થાય ત્યારે એક જ સૂચન મળે

સ્ટેજ શોમાં (ડાબેથી) મનહર ઉધાસ, સાધના સરગમ, નીતિન મુકેશ અને આણંદજીભાઈ

વો જબ યાદ આએ 

કલ્યાણજી-આણંદજીની જોડીએ ફિલ્મોમાં સંગીત સિવાયની બીજી ઘણી બાબતોમાં પોતાનું યોગદાન આપ્યું છે, પણ એ નજરે નથી ચડતું. એનું મુખ્ય કારણ એ કે એ પડદા પાછળની વાતો હોય. જેવી કે એડિટિંગ, ડિરેક્શન અને બીજી ટેãક્નકલ વાતો. એ સિવાય તેમનું સૌથી મહત્વનું યોગદાન શું છે એ જાણવા માટે આ જોડીની ફિલ્મોગ્રાફી પર નજર નાખીએ ત્યારે આપણને ખબર પડે કે સૌથી વધારે નવોદિત સિંગર્સને બ્રેક આપવામાં અથવા તેમની કારકર્દિીને પુશ કરવામાં તેમનો નંબર પહેલો છે. કમલ બારોટ, મનહર ઉધાસ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, અનુરાધા પૌડવાલ, સુનિધિ ચૌહાણ, ઉષા તિમોથી, કાંચન, ઉદિત નારાયણ, અનવર, કુમાર શાનુ, જાવેદઅલી, સપના મુખરજી, પલક મુચ્છલ, આકૃતિ કક્કડ, દિવ્ય પુષ્કર્ણા, મહેશ ગઢવી, સી. આનંદકુમાર અને બીજા અનેક કલાકારોને તેમણે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યાં છે.

આ સિંગર્સને યાદ કરતાં આણંદજીભાઈ કહે છે, ‘સાધના સરગમનું મૂળ નામ હતું સાધના ઘાણેકર, પરંતુ તેની સુરીલી ગાયકીને કારણે કલ્યાણજીભાઈએ તેનું નામ રાખ્યું સાધના સરગમ. આ જ રીતે તેમણે નિધિ ચૌહાણને સુનિધિ ચૌહાણ બનાવી અને ગીતકાર ગુલશન મહેતાને (દેખાવે અને વાણી-વર્તનને કારણે) ગુલશન બાવરા નામ આપ્યું. સાધના સરગમ ખૂબ જ મહેનત કરે. તેનું ક્લાસિકલનું જ્ઞાન સારું હતું. જે પ્રમાણે અમારે ગાયકી જોઈતી હોય એ રિઝલ્ટ માટે ગમેતેટલું રિહર્સલ કરવું પડે તો હસતા મોઢે કરે. ગુરુશિષ્યની પરંપરા તેણે આજ સુધી નિભાવી છે. પ્રસંગોપાત્ત અમારે ત્યાં આવે અને એટલું જ માન આપે.

મનહર ઉધાસ અને તેમના ભાઈ પંકજ ઉધાસ બન્નેને સંગીતનો શોખ. અમારા મ્યુઝિક રૂમ પર આવે. બન્ને ભાઈઓના બનેવી મનુભાઈ ગઢવી અમારા મિત્ર. મનહર ઉધાસની ગાયકી મુકેશ જેવી સીધીસાદી અને મીઠી હતી. સ્વભાવના પણ સરળ. ખૂબ જ લો પ્રોફાઇલ રહે. તેમના અવાજમાં ઘણાં ગીતો રેકૉર્ડ કર્યા. અમારા દરેક

સ્ટેજ-શોમાં અલકા યાજ્ઞિક, સાધના સરગમ, સપના મુખરજી અને મનહર ઉધાસ હોય જ. ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન છે. પંકજ ઉધાસે આ જ કામ ઉદૂર્ ગઝલ માટે કર્યું છે.

મનહર ઉધાસના એક કઝિન બ્રધર છે મહેશ ગઢવી. ફિલ્મ ‘જાંબાઝ’ માટે તેમના સ્વરમાં ત્રણ ગીતો રેકૉર્ડ કર્યા અને એ ખૂબ હિટ થયાં. લંડનમાં રહેતાં મહેશ અને નીતુ ગઢવી, આ પતિ-પત્નીની જોડીએ અનેક સ્ટેજ-શો કર્યા છે.

કાંચન શરૂઆતથી અમારા સ્ટેજ કાર્યક્રમોમાં પર્ફોર્મ કરે. તેનો ટિપિકલ નેઝલ અવાજ ફિરોઝ ખાનને પસંદ હતો. ફિલ્મ ‘કુરબાની’માં તેના સ્વરમાં રેકૉર્ડ કરેલું ‘લૈલા ઓ લૈલા, ઐસી મેં લૈલા’ ખૂબ હિટ થયું હતું.

સપના મુખરજી સાથે અમારી મુલાકાત દિલ્હીના એક શોમાં થઈ. અમને કહે, મારે ફિલ્મોમાં ગાવું છે. અમે કહ્યું કે સ્ટેજ માટે તારો અવાજ સારો છે પણ ફિલ્મો માટે ન ચાલે. તો કહે, મારે મુંબઈ આવવું છે, તમે મને ટ્રેઇનિંગ આપો. અમે તેને સમજાવતાં કહ્યું કે ભલે તે મુંબઈ આવે, પણ પ્લેબૅક સિંગર બનવાની ગૅરન્ટી નથી. તે કહે, ‘વાંધો નહીં, હું રાહ જોઈશ. તે મુંબઈ આવી, મહેનત કરી અને અમે ફિલ્મ ‘જાંબાઝ’માં તેના અવાજમાં ત્રણ ગીતો રેકૉર્ડ કર્યા. આ ગીતો લોકપ્રિય થયાં અને તેનું સપનું પૂરું થયું.

ગુજરાતી ગીતો ગાતા અને ફિલ્મોમાં કોરસ સિંગર તરીકે કામ કરતા સી. આનંદકુમારના અવાજની ક્વૉલિટી સારી હતી. અમે તેના અવાજમાં ફિલ્મ ‘કુરબાની’ના એક ગીત હમ તુમ્હે ચાહતે હૈં ઐસે (ગાયક મનહર ઉધાસ અને કાંચન, ગીતકાર ઇન્દીવર) માટે શરૂઆતની પંક્તિઓ ‘નસીબ ઇન્સાન કા, ચાહત સે હી સંવરતા હૈ’ રેકૉર્ડ કરી. આ ગીત હિટ ગયું. ફિલ્મના સંગીતને પ્લૅટિનમ ડિસ્ક મળી એટલે તે કહે, ‘તમે તો મને પ્લેબૅક સિંગર બનાવી દીધો. આજથી હવે કોરસમાં ગાવાનું બંધ.’ અમે સલાહ આપી, ‘આવી ભૂલ ન કરાય. કોરસમાં ગાતાં-ગાતાં ચાન્સ મળ્યો છે અને ભવિષ્યમાં પણ બીજું કોઈ સાંભળશે તો ચાન્સ મળશે નહીંતર લોકો ભૂલી જશે.’

તેણે અમારી વાત માની. હંમેશાં અમને કહે, ‘તમે મને બચાવી લીધો નહીંતર હું કામ વિનાનો ઘેર બેઠો હોત.’

એક સિંગર હતી. અમારા અને બીજા સંગીતકારો માટે તે ડબિંગ આર્ટિસ્ટ તરીકે અને સ્ટેજ પર પફોર્ર્મ કરતી હતી. એક ડબિંગમાં તેનું રેકૉર્ડિંગ અમને સારું લાગ્યું એટલે અમે એ ફાઇનલ કર્યું અને ફિલ્મ માટે રાખ્યું. આમ તે પ્લેબૅક સિંગરની શ્રેણીમાં આવી ગઈ. થોડા સમય પછી એક ડબિંગ માટે અમે તેને બોલાવી તો તેના ભાઈએ કહ્યું, ‘હવે તો તે પ્લેબૅક સિંગર બની ગઈ છે એટલે હવે કોઈ ડબિંગ નહીં કરે, જો સિંગર તરીકે ગીત રેકૉર્ડ કરવું હશે તો જ આવશે.’ થોડાં વર્ષ પછી અમને મળી તો તેણે પૂછ્યું, આજકાલ તમે મને ડબિંગ માટે બોલાવતા નથી. અમે તેના ભાઈએ જે જવાબ આપ્યો હતો એ કહ્યો. નિરાશ થઈને તે કહે, ‘લગતા હૈ મૈંને બડી ગલતી કી.’ પણ હવે કશું થાય એમ નહોતું.

વર્ષો પહેલાં મારી દીકરી રીટા લંડનથી મુંબઈ આવી હતી. તેની દીકરી પ્રિયા ત્યારે ૯ વર્ષની હતી. અમે વાતો કરતા હતા કે સ્વામીનારાયણનું એક ભજન છે એ સુનિધિ ચૌહાણના અવાજમાં રેકૉર્ડ કરીએ. આ સાંભળી પ્રિયા બોલી, ‘her voice is too m mature to singશ્ આ વાત સાંભળી અમને સૌને નવાઈ લાગી. મેં તેને પૂછ્યું, ‘તારા હિસાબે આ ગીત કોણે ગાવું જોઈએ?’ તો કહે, તમે કહો તો હું ગાઉં. તેને સરખું ગુજરાતી બોલતાં આવડતું નહોતું. ઘરમાં થોડી પ્રૅક્ટિસ કરાવી. પછી સ્ટુડિયોમાં રેકૉર્ડિંગ માટે લઈ ગયા. કાન પર હેડફોન ચડાવી એક પ્રોફેશનલ સિંગરની જેમ તેણે ગાવાનું શરૂ કર્યું. સાથે પૂછતી જાય, એકો કેટલો જોઈએ, રીવર્બ કેમ આવે છે? આવી ટેક્નિકલ વાતો કરે એટલે હું તો વિચારમાં પડી ગયો. મને કહે, ‘આ બધું તો અમને સ્કૂલમાં શીખવાડ્યું છે.’ સિંગરની કૅબિનમાં કન્ડક્ટર તેને સ્ટાર્ટ, સ્ટૉપ અને બીજી સાઇન આપતો હતો. મારી પાસે આવીને કહે, ‘આ મને ડિસ્ટર્બ કરે છે. પ્લીઝ, તેને બેસાડી દોને.’ અને આમ પોતાની મેળે આખું રેકૉર્ડિંગ સરસ રીતે પૂરું કર્યું. મોટી થઈને તેણે વેસ્ટર્ન સૉન્ગ્સ ગાવાનું શરૂ કર્યું. મેં કહ્યું , ‘તારે હિન્દી ગીતો પણ ગાવાં જોઈએ. તો કહે, ‘I am going to disappoint you. I want to sing only for my self.’ આવા કલાકારો જન્મજાત હોય છે. તેમને કશું શીખવાડવાનું હોતું નથી.’

આણંદજીભાઈ પાસેથી આ કિસ્સો સાંભળી મને સંસ્કૃતનું એક સુભાષિત યાદ આવ્યું, પાછલા સાત જન્મોમાં તમે પુણ્ય કર્યું હોય તો આ જન્મે તમને સંગીત મળે.

‘હકીકત એ છે કે જો સંગીતની સમજ તમારામાં ન હોય તો પૂરી જિંદગી તમે ‘સા’ લગાવો તો ન લાગે. આ જન્મે તમે તમારા પૂવર્‍ના સંસ્કારો સમું જે સંગીત તમારા પિંડમાં બંધાયું હોય એને કેવળ મઠારી શકો, શીખી ન શકો. અહીં શંકર મહાદેવને મારી સાથે તેના જીવનનો એક કિસ્સો શૅર કર્યો હતો એ યાદ આવે છે, ‘મારી ઉંમર ત્રણ વર્ષની હશે. મારા મામાના ઘેર કોઇમ્બતુરમાં સૌ બેસીને સંગીતની મજા માણી રહ્યા હતા. મહેફિલ પૂરી થઈ. અચાનક ત્યાં પડેલા હાર્મોનિયમ પર મારી નજર ગઈ અને મેં વગાડવાનું શરૂ કર્યું. અને જે ધૂન વગાડી એ સાંભળી સૌ ચોંકી ગયા. એ ધૂન હતી, ચલ ચલ ચલ મેરે સાથી, ઓ મેરે હાથી. આ પહેલાં મેં કદી હાર્મોનિયમ વગાડ્યું નહોતું. આ પછી મારી સંગીતની તાલીમ શરૂ થઈ.’

આવો જ એક કિસ્સો આણંદજીભાઈ શૅર કરે છે, ‘અમુક સમયે એવું થાય કે એ પ્રસંગ ભુલાય નહીં. એક છોકરો હતો પૂરણ. જુહુ ચોપાટી પર એ ગાતો હતો. તેનો અવાજ અમને પસંદ પડ્યો. તેની પાસે સ્વામીનારાયણનાં ભજનો રેકૉર્ડ કરાવ્યાં. રેકૉર્ડિંગમાં ભૂલ કરે એટલે અમે કહ્યું કે પૂરું ભજન લખી લે. તો કહે, ‘લખતાં નથી આવડતું.’ બીજા પાસે લખાવીને અમે ભજન તેના હાથમાં આપ્યું કે ગાતી વખતે આ વાંચીને ગા એટલે ભૂલ ન થાય. તો કહે, ‘મને વાંચતાં પણ નથી આવડતું.’ છેવટે અમે કહ્યું કે પહેલાં આખું ભજન મોઢે કરી લે પછી રેકૉર્ડિંગ કરીએ. રેકૉર્ડિંગ રોકીને તે ભજન યાદ કરવા બેઠો. ફરી રેકૉર્ડિંગ શરૂ કર્યું. સરસ ગાતો હતો ત્યાં તે ચાલુ રેકૉર્ડિંગમાં બોલ્યો, ‘સાહેબ, બરાબર ગવાય છેને?’ અમે સૌ હસીને લોટપોટ થઈ ગયા. ખૂબ જ ભોળો હતો. જોકે તેના અવાજમાં ખૂબ તાજગી હતી.

મહેશકુમાર પાસે ફીમેલ વૉઇસમાં અમે ફિલ્મ ‘રફુચક્કર’માં ગીતો રેકૉર્ડ કર્યા છે. આ ઉપરાંત અનેક ફિલ્મ કલાકારોના અવાજમાં ગીતો રેકૉર્ડ કર્યાં છે. જેમ કે અશોકકુમાર (કંગન), અમિતાભ બચ્ચન (લાવારિસ, જાદુગર), શત્રુઘ્ન સિંહા (કશ્મકશ), અનિલ કપૂર (ચમેલી કી શાદી), હેમા માલિની (હાથ કી સફાઈ) અને રાજકુમાર (મહાવીરા).’

બહુ ઓછા સંગીતપ્રેમીઓને આ વાતની ખબર છે કે કલ્યાણજી-આણંદજીએ કેટલાય ઊગતા કલાકરોને વિનામૂલ્ય તાલીમ આપી છે. ઉદિત નારાયણ લગભગ ૧૦ વર્ષ સુધી તેમની પાસે શીખવા આવતા. મોટા ભાગે તે ત્યાં જ રહેતા એટલે એક ફૅમિïલી મેમ્બર જેવા થઈ ગયા. ઘરમાં કોઈ મહેમાન આવે એટલે જો નોકર હાજર ન હોય તો તેની સરભરા કરે. સ્વભાવ એટલો નરમ કે કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં.

 

આણંદજીભાઈ પાસે બેસો એટલે એક પછી એક કિસ્સાઓની વણઝાર તેમની સ્મૃતિમાંથી બહાર નીકળે. ‘મોહન સ્ટુડિયોની કૅન્ટીનમાં એક ભાઈ કામ કરે. ફિલ્મોમાં તેને ખૂબ રસ હતો. સૌને મળે અને વાતો કરે. અમને પણ કહે કે મારે ફિલ્મલાઇનમાં આવવું છે. અમે કહ્યું એ માટે તારે ડિરેક્ટરના અસિસ્ટન્ટ બની શરૂઆત પડે. એક દિવસ આવીને કહે, ‘શેઠજીને હાં બોલા હૈ’ એમ કહી શૂટિંગમાં આવવા લાગ્યો. નાનાંમોટાં કામ કરે. એક દિવસ પોતાની ભાષામાં કહે, ‘હમને એક ગાને લિખે હૈ’ એમ કહી અમને પોતે લખેલું ગીત સંભળાવ્યું. અમને કહે કે આ ગીતને ફિલ્મમાં લો. અમે તેની વાત ટાળતા રહ્યા. થોડા દિવસ પછી અચાનક ઘેર આવ્યો અને કહે, ‘મારું ગીત ફિલ્મમાં લેવું જ પડશે નહીં તો હું આપઘાત કરીશ.’ કલ્યાણજીભાઈએ તેનું મન સાચવવા રિધમવાળા સાથે ગીતનું રિહર્સલ કર્યું અને સમજાવ્યો કે હજી આનાથી વધારે સારું લખાય ત્યારે વાત. પેલો તો જીદે ચડ્યો કે ના, તમે મારું ગીત નહીં લો તો હું આપઘાત કરીશ. તેને સમજાવવાના પ્રયત્નો નિષ્ફળ ગયા. તે હતાશ થઈને ત્યાંથી નીકળી ગયો. કલ્યાણજીભાઈને મનમાં શું વિચાર આવ્યો કે તેમણે રિધમ વગાડવાવાળાને કહ્યું, ‘જરા જો તો, આ ક્યાં જાય છેï.’ પેલો તો જઈને ચોપાટી દરિયાકિનારે પાળ પર બેઠો હતો. રિધમિસ્ટે તેને પૂછ્યું, ‘અહીં શું કરે છે?’ તો જવાબ મળ્યો, ‘આ લોકો તો ના પાડે છે, હવે જીવીને શું કરવું છે? બસ, હવે તો દરિયામાં કૂદીને આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’

ત્યાંથી તેને સમજાવીને ઘેર મોકલ્યો. અમને થયું આજે તો વાત પતી ગઈ, પણ ભવિષ્યમાં કંઈ ન કરવાનું કરી બેસે તો શું થાય? તેને રાજી રાખવા અમે એક કામ કર્યુંï. તેની લખેલી જે પંક્તિ હતીï એને મઠારી-સુધારીને ગુલશન બાવરાએ એક ગીત લખ્યું અને અમે એક ફિલ્મ માટે રેકૉર્ડ કર્યું. થોડાં વર્ષો પછી અચાનક અમને મળ્યો. તેની પાસે મોટી ગાડી હતી. અમે પૂછ્યું, ‘હમણાં શું કરે છે?’ તો હાથ જોડી પ્રણામ કરતાં કહે, ‘તમારી દયાથી હવે પ્રોડ્યુસર બની ગયો છું.’

નવા ડિરેક્ટરï, નવા ગીતકાર અને અને નવા સંગીતકાર માટે કલ્યાણજી-આણંદજી બીજા પ્રોડ્યુસરને ભલામણ કરતા. એક વખત એવું બન્યું કે સાઉથનો કોઈ પ્રોડ્યુસર કલ્યાણજીભાઈ પાસે આવ્યો અને પોતાની ફિલ્મના સંગીત માટે આગ્રહ કર્યો. એ માટે બન્ને ભાઈઓને મદ્રાસ રેકૉર્ડિંગ માટે જવું પડે. કલ્યાણજીભાઈને મુંબઈ બહાર જઈને કામ કરવામાં બહુ રસ નહોતો. તેમણે પોતાના અસિસ્ટન્ટ લક્ષ્મીકાન્ત પ્યારેલાલની ભલામણ કરતાં કહ્યું કે આ બન્ને સારું સંગીત આપશે એની હું ગૅરન્ટી આપું છું.

કલ્યાણજી-આણંદજીના સ્વભાવ અને સદ્ભાવની આ વાતો સાંભળીને મનમાં એક પ્રશ્ન ઊભો થાય કે જીવનમાં કેટલા લોકો પોતાના જ બિઝનેસ રાઇવલ (પ્રતિસ્પર્ધી)ને આવો મોકો આપતા હશે? સામાન્ય રીતે લોકો એકમેકનું પત્તું કાપી પોતાને લાભ થાય એવી પેરવી કરતા હોય છે. નવા કલાકારોને ચાન્સ આપીને એસ્ટાબ્લિશ્ડ સિંગરની નારાજગી વહોરી લેવી એ હિંમતનું કામ છે. મારા મનમાં એક પ્રશ્ન થયો એટલે મેં આણંદજીભાઈને પૂછ્યું, ‘આવું કરતા સમયે તમારા મનમાં ક્યાંય ડર કે અસલામતીની ભાવના નહોતી આવી કે ભવિષ્યમાં આપણને તકલીફ પડશે?’

આ પણ વાંચોઃ જ્યારે કિશોરકુમારે સચિનદાની સામે તેમના ગીતની નકલ કરી

તેમનો જવાબ હતો, ‘બાપુજીએ અમને એક વાત કહી હતી કે બને ત્યાં સુધી બીજાનું ભલું કરવું. આમ કરતી વખતે આપણને નુકસાન થશે એનું શું? એ વિચાર મનમાંથી કાઢી નાખવો. આપણા હાથમાંથી કોઈ કામ લઈ જઈ શકે, પરંતુ તકદીરમાં લખેલું કોઈ ન લઈ શકે. આ વાત મનમાં જડબેસલાક બેસી ગઈ એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈનું કામ થતું હોય એમાં મદદ કરીએ. આજ સુધી અમને જે નામ, કામ અને દામ મળ્યાં છે એ આને કારણે મળ્યાં છે. આજે પણ લોકો અમને ભૂલ્યા નથી અને કોઈ ભૂલી ગયું હોય તો એનો અફસોસ પણ નથી. અમે તો બા-બાપુજીએ આપેલા સંસ્કારો પ્રમાણે એક સારા મનુષ્ય બનવાનો પ્રયત્ન કર્યો છે.’

આણંદજીભાઈ આ વાતના અનુસંધાનમાં એક કિસ્સો શૅર કરતાં કહે છે, ‘એન. એન. સિપ્પીની ફિલ્મ ‘કાલીચરણ’ના ડિરેક્ટર સુભાષ ઘઈની આ પહેલી ફિલ્મ હતી. બન્યું એવું કે અમુક કારણોસર સિપ્પી સુભાષ ઘઈથી નારાજ હતા. વાત એટલી વધી ગઈ કે તેમણે સુભાષ ઘઈને ફિલ્મમાંથી પડતા મૂકવાનો નિર્ણય લીધો. અમને આ વાતની તેમણે જાણ કરી ત્યારે પણ તે ખૂબ ગુસ્સામાં હતા. અમે તેમને શાંત પાડ્યા. બન્ને વચે સુલેહ કરાવી. સુભાષ ઘઈએ ફિલ્મ પૂરી કરી અને ફિલ્મ હિટ ગઈ. આમ સુભાષ ઘઈ એસ્ટાબ્લિશ થઈ ગયા. અમે દરેકને સમજાવીએ કે મનદુ:ખ કરીને છૂટા પાડવામાં બન્નેને ઓછુંવત્તું નુકસાન થાય એના કરતાં થોડું લેટ ગો કરીને કામ કરવામાં બન્નેને ફાયદો થવાનો છે.’

આણંદજીભાઈ સાથે મારી વાતો ચાલતી હોય ત્યારે અમુક વિગતો અને નામ તે ભૂલી જાય એટલે શાંતાબહેન તેમની મદદે આવે. તેમની યાદશક્તિ એટલી સતેજ છે કે વિગતવાર આખી ઘટના સમય અને સ્થળ સાથે યાદ હોય. મને કહે, ‘ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઈનું મનદુ:ખ થાય ત્યારે લોકો એક જ સલાહ આપે, તમે આ ભાઈઓ પાસે જાઓ; તમને સાચી સલાહ મળશે. બન્ને પાર્ટીઓને પ્રેમથી સમજાવીને સરખો ન્યાય મળે, કોઈનું અહિત ન થાય એ રીતે મામલો સારી રીતે પતી જાય એવો જ આ ભાઈઓનો પ્રયત્ન હોય.’

columnists