Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > જ્યારે કિશોરકુમારે સચિનદાની સામે તેમના ગીતની નકલ કરી

જ્યારે કિશોરકુમારે સચિનદાની સામે તેમના ગીતની નકલ કરી

11 June, 2017 09:52 AM IST |

જ્યારે કિશોરકુમારે સચિનદાની સામે તેમના ગીતની નકલ કરી

જ્યારે કિશોરકુમારે સચિનદાની સામે તેમના ગીતની નકલ કરી




વો જબ યાદ આએ - રજની મહેતા





અમીન સાયાનીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કિશોરકુમાર સચિનદા સાથેની તેમની યાદોને વાગોળતાં લાગણીવશ થઈને કહે છે:

એ વાત સાચી છે કે હું સચિનદાની ખૂબ જ નજીક હતો. એ પણ હકીકત છે કે આ પ્રેમને કારણે આ સુરીલા સંબંધ વિશે મેં ભાગ્યે જ કોઈને એના વિશે વિસ્તારથી વાત કરી છે. જોકે આજે મારે તમને ઘણું કહેવું છે.



૩૧ ઑક્ટોબરનો એ દિવસ, એ ઘડી હું કદી નહીં ભૂલી શકું. સચિનદા સૂતા હતા અને હું તેમની પાસે બેસીને તેમનાં અંતિમ દર્શન કરી રહ્યો હતો. જેમણે મને સંગીત પણ આપ્યું અને પ્રેમ પણ આપ્યો તે આજે હંમેશ માટે ચૂપ થઈ ગયા હતા. તે ખામોશ હતા, પણ મને એવું જ લાગતું હતું કે તેમનો અવાજ મને કંઈ કહી રહ્યો છે. મને યાદ દેવડાવે છે એ દરેક ક્ષણની જે અમે સાથે ગાળી છે, શરૂઆતથી અંત સુધી.

ક્યારથી શરૂ થયો અમારો આ સાથ? હા, યાદ આવે છે. તેમની સાથે મારી પહેલી મુલાકાત તેમના કંઠથી થઈ. કૉલેજના દિવસોમાં મને કેવળ બે જ ગાયક કલાકારોની રેકૉર્ડ ખરીદવાનો શોખ હતો. એક હતા કે. એલ. સૈગલ અને બીજા એસ. ડી. બર્મન. પેલું ગીત છેને? (ગાઈને સંભળાવે છે.)

ધીરે સે જાના બગિયન મેં રે ભંવરા

ધીરે સે જાના બગિયન મેં

અને એક બંગાળી ગીત છે:

(ગાતા-ગાતા)

એ બંધુ રોંગીલા રોંગીલા રે

આમરે સાણિયલ બંધુ કોઈ કોઈ ગેલા રે

એ બંધુ રોંગીલા રોંગીલા રોંગીલા રે

આ બન્ને ગીતો હું સ્કૂલ અને કૉલેજમાં સ્ટેજ પરથી ગાતો હતો અને મને ઇનામ મળતાં હતાં. પછી હું મુંબઈ આવ્યો. એ દિવસોમાં મારા મોટા ભાઈ દાદામુનિ એટલે કે તમારા અશોકકુમાર મોટા સ્ટાર બની ગયા હતા.

મેં તેમને કહ્યું, ‘દાદામુનિ, તુમ તો ફિલ્મી દુનિયા મેં સબકુછ કર સકતે હો. મારું એક કામ કરી આપોને?’

તો તેમણે કહ્યું, ‘કયું કામ?’

તરત મેં જવાબ આપ્યો, ‘મારે સચિન દેવ બર્મનને મળવું છે.’

‘બસ, આટલી જ વાત છે? હું તો તેમને સારી રીતે જાણું છું. મારી ફિલ્મમાં તેઓ સંગીત આપે છે. ચાલ, આપણે તેમના ઘરે જઈએ.’ અશોકકુમારે જવાબ આપ્યો.

અને અમે પહોંચ્યા તેમના ઘરે. તેમને મળ્યો એટલે હું તો રાજીનો રેડ થઈ ગયો. બહુ જ નિરાળા લાગ્યા મને તે. ધોતી, કુરતા, બન્ને હાથમાં કલાઈઓ પર ચમેલીના ગજરા અને મોંમાં તમાકુવાળું પાન ચાવતા તે હાર્મોનિયમ વગાડી

રહ્યા હતા. તેમની પાસે બેઠેલો હતો એક નટખટ છોકરો. ચશ્માં પહેરીને તબલાં વગાડતું તે બાળક જાણો છો કોણ હતું? તમારો આર. ડી. બર્મન અને અમારો લાડકો પંચમ.

થોડા સમય પછી દાદામુનિએ સચિનદા સાથે મારી ઓળખાણ કરાવતાં કહ્યું, ‘આ મારો ભાઈ છે જે થોડું-થોડું ગાય છે.’

એટલે તે બંગાળી લહેજામાં બોલ્યા, ‘તુમ્હારા ભાઈ, કા નામ હૈ તુમ્હારા?’

મૈંને કહા, ‘કિશોર.’

વો બોલે, ‘કિશોર? ઝરા ગાઓ તો.’

એટલે મેં તેમનું એક ગીત ગાયું જે બંગાળીમાં એ સમયે ખૂબ જ લોકપ્રિય હતું.

(અને પછી સચિનદાની નકલ કરતા કિશોરકુમાર ગાય છે.)

કૌન નગરિયા જાના રે, બંસીવાલે

કૌન નગરિયા જાના રે

સાંભળીને તે હસવા લાગ્યા અને કહે, ‘વન્ડરફુલ, વન્ડરફુલ; યે તો હમારા કૉપી કરતા હૈ દાદામુનિ. એકા આવાઝ બહુત અચ્છા, ખૂબ ભાલો ગાન કરે. આમિ ઓકે નિય ચાન્સ દેબો.’

બસ, પછી પૂછવાનું શું?

હું તો વિચારી જ નહોતો શકતો કે સચિનદા મારી પાસે ગવડાવશે. હું તો આ વાતથી ગોળગપ્પો થઈ ગયો.

પહેલી વાર સચિનદાએ મારી પાસે ફિલ્મ ‘આઠ દિન’માં ગીત ગવડાવ્યું.

આખું ગીત નહોતું. બે-ત્રણ પંક્તિ હતી. એ ગીત હતું:

બાંકા સિપૈયા ઘર જઈ હો

તેમના માટે મેં આખું ગીત ફિલ્મ ‘બહાર’માં ગાયું એ ગીત હતું:

કુસૂર આપકા, હુઝૂર આપકા

મેરા નામ લીજિએ, ન મેરે બાપ કા

પરંતુ આ ગીત મેં મુંબઈમાં નહીં મદ્રાસમાં ગાયું હતું. ત્યાં તેમણે મને તેમના જ રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. એ સમયે મને ખબર પડી કે સંગીત જ તેમનું જીવન હતું. હાલતા, ચાલતા, ઊઠતા, બેસતા તેમની દરેક વાતમાં સંગીત હતું. તેમનું દરેક કામ સુરીલું હતું.

€ € €

સચિનદાની વાતો કરતા કિશોરકુમારની વાણીમાં આંસુ અને મુસ્કાન વચ્ચે તેમનો સચિનદા પ્રત્યેનો સ્નેહ છલકાતો હતો. તેમની ગાયકીને, તેમની સંગીત-કારકિર્દીને સચિનદાએ એક નવો આયામ આપ્યો એ હકીકત આપણે સૌ જાણીએ છીએ. શરૂઆતમાં કિશોરકુમાર કે. એલ. સૈગલના અવાજથી એટલા પ્રભાવિત કે જાણે-અજાણે તેમની કૉપી કરતા હોય એમ લાગતું. સચિનદાએ તેમને એટલી સમજણ આપી કે ભલે તું તેમના અવાજની કૉપી કર, પણ સ્ટાઇલ તો તારી જ હોવી જોઈએ.

એ જ ઇન્ટરવ્યુમાં કિશોરકુમાર સચિનદાની વાત કરતાં આગળ કહે છે, ‘સચિનદા મને હંમેશાં કહેતા કે દેખ કિશોર, યૂં ગા, ઐસા ગા, ફીલ કરકે ગા, એક્સ્પ્રેશન કે સાથ ગા; ઝ્યાદા તાન મારને સે કુછ નહીં હોતા; સીધા ગાએગા તો પબ્લિક કો અચ્છા લગેગા, Vામઝા ક્યા? ઔર ફિર મેરે જીવન કા વો દૌર શુરૂ હુઆ જિસકા સંબંધ ન સર્ફિ સચિનદા સે થા બલ્કી દેવ આનંદ કી અદાકારી સે ભી થા.’

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2017 09:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK