કન્સ્ટ્રક્શનના બાદશાહનું ‘મુઘલ-એ-આઝમ’

09 July, 2022 12:01 PM IST  |  Mumbai | Raj Goswami

મહાલક્ષ્મીમાં ફેમસ સિને સ્ટુડિયોના બાંધકામના બદલામાં કે. આસિફે ‘મુઘલે-એ-આઝમ’ની સ્ક્રિપ્ટ શાપુરજી પાસે ગીરવી મૂકી હતી

‘મુઘલ-એ-આઝમ’નું પોસ્ટર

ફિલ્મના મૂળ નિર્માતા શિરાઝ હકીમે પાકિસ્તાન જતાં પહેલાં કે. આસિફને એક સૂચન કર્યું હતું કે ‘મુઘલ-એ-આઝમ’નું તોતિંગ બજેટ જો કોઈ કાઢી શકે એમ હોય તો એ છે બિલ્ડર શાપુરજી પાલનજી મિસ્ત્રી. એનું એક કારણ હતું. મહાલક્ષ્મીમાં ફેમસ સિને સ્ટુડિયો આ હકીમની માલિકીનો હતો અને એનું બાંધકામ કર્યું હતું શાપુરજીએ. સ્ટુડિયોના બાંધકામના બદલામાં તેમણે ‘મુઘલે-એ-આઝમ’ની સ્ક્રિપ્ટ શાપુરજી પાસે ગીરવી મૂકી હતી

મુંબઈમાં રહેતા (અને બહારથી અવરજવર કરતા) લોકો બ્રેબર્ન સ્ટેડિયમ, તાજ મહલ હોટેલ, ઑબેરૉય હોટેલ, મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા, એચએસબીસી બૅન્ક અને મફતલાલ સેન્ટરથી પરિચિત હશે. તેમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે મુંબઈનાં આ સીમાચિહ્‍નરૂપ બિલ્ડિંગો પાલનજી શાપુરજી મિસ્ત્રી નામના કન્સ્ટ્રક્શન ક્ષેત્રના પારસી ઉદ્યોગપતિએ બનાવ્યાં હતાં. ગઈ ૨૭ જૂનની વહેલી સવારે ૯૩ વર્ષની ઉંમરે પાલનજીનું મુંબઈમાં અવસાન થયું ત્યારે દેશના સૌથી મૂલ્યવાન ખાનગી સાહસ તરીકે તેમના શાપુરજી પાલનજી ગ્રુપની કિંમત ૨.૫ બિલ્યન ડૉલર હતી. તેઓ આયરિશ સ્ત્રીને પરણ્યા હતા અને આયરિશ નાગરિકત્વ સ્વીકાર્યું હતું એટલે તેમના અવસાન સમયે તેઓ સૌથી ધનાઢ્ય આયરિશ હતા. 

ગિરગાંવ ચોપાટી પર આજે તમે જે ફરસબંધી (ફુટપાથ) જુઓ છો એ ૧૦૦ વર્ષ પહેલાં પાલનજી મિસ્ત્રીના પિતા શાપુરજીનો સૌથી પહેલો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હતો. ૨૦૧૨માં તેમની કંપનીએ ગુજરાતના દરિયાકિનારે કોડીનારમાં ડીપ વૉટર પોર્ટ બાંધવા માટે ઝંપલાવ્યું હતું. ચોપાટીથી કોડીનાર સુધીની મિસ્ત્રી-પરિવારની યાત્રા, ગુલામ ભારતની આઝાદ ભારત તરીકેની યાત્રા સાથે કદમ મિલાવતી આવે છે. 

પાલનજીની કંપનીએ દેશ-વિદેશમાં અનેક શાનદાર બાંધકામ કર્યાં છે અને તેમની ગૌરવગાથાઓ પણ ખૂબ છે, પરંતુ એ બધામાં તેમનું એક ‘બાંધકામ’ અનોખું તરી આવે એવું છે અને એ છે ‘મુઘલ-એ-આઝમ’ ફિલ્મનું નિર્માણ. જી હા, પાલનજીના પિતા શાપુરજી મિસ્ત્રીએ બાંધકામના તેમના વ્યસ્ત ધંધામાંથી સમય (અને પૈસા) કાઢીને એક વાર ફિલ્મનિર્માણમાં પણ હાથ અજમાવ્યો હતો. એમાં ‘મુઘલ-એ-આઝમ’ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. તેમને ફિલ્મના ધંધાની કોઈ સૂઝ નહોતી (યુવાન પાલનજીએ તો ના પણ પાડી હતી) છતાં તેમણે કે. આસિફના આ મેગ્નમ ઓપસ માટે ૧.૫ કરોડ રૂપિયા (એ જમાનાના ફિલ્મ બજેટ પ્રમાણે આ રકમ દસ ઘણી વધુ હતી) રોક્યા હતા. એ જુગાર સાચો સાબિત થયો. એકલા ૧૯૬૦માં જ ‘મુઘલ-એ-આઝમ’નું બૉક્સ-ઑફિસ કલેક્શન અંદાજે પાંચ કરોડની આસપાસ રહ્યું હતું. 

સલીમ-અનારકલીની આ પ્રેમકથા શરૂઆતથી જ મનહૂસ સાબિત થઈ હતી. સૈયદ ઇમ્તિયાઝ અલી તાજ નામના લાહોરના ઉર્દૂ નાટ્યકારે ૧૯૨૨માં અનારકલી નામની ગુલામ છોકરી અને રાજકુમાર સલીમના પ્રેમસંબંધ પર ‘અનારકલી’ નામનું નાટક લખ્યું હતું (આ તેમના ‘કહકશાં’ નામના ઉર્દૂ સામયિકમાં હિન્દીના મશહૂર કહાનીકાર મુનશી પ્રેમચંદ પણ ઉર્દૂ વાર્તાઓ લખતા હતા). 

મૂળ શર્ફ-ઉન-નિસ્સા નામની આ છોકરી ઈરાનના વણજારાઓની ટોળકીમાં લાહોર આવી હતી. મુઘલ બાદશાહ અકબરે તેનું અપ્રતિમ સૌંદર્ય જોઈને તેનું નામ ‘અનારકલી’ (દાડમની કળી) પાડ્યું હતું. એવું કહેવાય છે કે અકબરનો ત્રીજો પુત્ર સલીમ (જે પછીથી જહાંગીર નામે મુઘલ સામ્રાજ્યનો વારસ બન્યો હતો) અનારકલીથી આકર્ષાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે જહાંગીરની આત્મકથા ‘તુઝ્‍‍ક-ઈ-જહાંગીરી’માં એ સમયના ઇતિહાસકારોના લખાણમાં અનારકલીનો કોઈ ઉલ્લેખ નથી. એને કારણે ઘણા ઇતિહાસકારો અનારકલીના અસ્તિત્વને લઈને પણ પ્રશ્નો ઉઠાવે છે. શક્ય છે કે અકબરના ખોફને લઈને તેનું નામ લેવાયું ન હોય. લાહોરમાં જહાંગીરે બંધાવી હોવાનું મનાતી અનારકલીની મઝાર આજે પણ છે. 

એક વાત તો છે કે સલીમ-અનારકલીની પ્રેમકથા સદીઓથી દંતકથાનો વિષય રહી છે. ઉર્દૂમાં એના પર પહેલું લોકપ્રિય નાટક ૧૯૨૨માં ઇમ્તિયાઝ અલી તાજની કલમમાંથી આવ્યું હતું. ૧૯૩૦માં સંભવત: તેમણે એના પરથી નવલકથા લખી હતી. તાજના એ પ્લૉટ પરથી એક નાટક મંચસ્થ થયું હતું. ભારતની પહેલી બોલતી ફિલ્મના સર્જક ખાન બહાદુર અરદેશર ઈરાનીએ ૧૯૨૮માં આ વાર્તા પરથી ‘અનારકલી’ નામની મૂંગી ફિલ્મ બનાવી હતી. ૧૯૩૫માં તેમણે એને સાઉન્ડ સાથે ફરી પાછી બનાવી હતી. 

૪૦ના દસકામાં શિરાઝ અલી હકીમ નામના એક નિર્માતા અને એક યુવાન નિર્દેશક નામે કરીમુદ્દીન આસિફ ઉર્ફે કે. આસિફને એના પરથી નવી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમને એનું નામ ‘મુઘલ-એ-આઝમ’ રાખવું હતું. ફિલ્મની પટકથા અને સંવાદ લખવા માટે તેમણે ચાર ઉર્દૂ લેખકોને રોક્યા હતા ઃ ઝીનત અમાનના પિતા અમાનુલ્લાહ ખાન, વજાહત મિર્ઝા, કમાલ અમરોહી અને અહેસાન જાફરી. એનું સંગીત અનિલ વિશ્વાસ આપવાના હતા. 

ફિલ્મમાં અકબર તરીકે ચંદ્રમોહન, સલીમ તરીકે ડી. કે. સપ્રુ અને અનારકલી તરીકે નર્ગિસનું નામ નક્કી થયું હતું. ચંદ્રમોહન ૩૦-૪૦ના દાયકાનો મોટો ખલનાયક હતો. તેણે સોહરાબ મોદીની ‘પુકાર’માં જહાંગીરની ભૂમિકા કરી હતી. માંજરી આંખવાળો દયા કિશન સપ્રુ જે પછીથી જજની ભૂમિકામાં લોકપ્રિય થયો હતો અને ત્યારે ચરિત્ર ભૂમિકા કરતો હતો. સલીમના રાજપૂત મિત્ર દુર્જન સિંહની ભૂમિકા હિમાલયવાલા નામનો એક નવોદિત ઍક્ટર કરવાનો હતો. 

૧૯૪૫માં ‘ફિલ્મ ઇન્ડિયા’ નામના સામયિકમાં ‘મુઘલ-એ-આઝમ’ની જાહેરાત થઈ હતી. ૧૯૪૬ના એના અંકોમાં ફિલ્મનું શૂટિંગ જારી હોવાના સમાચાર આવ્યા હતા. ભારતમાં ત્યારે વિભાજનને લઈને માહોલ ગરમ હતો. અકબર સલીમ-અનારકલીના પ્રેમમાં વિલન બને કે ન બને, વિભાજન વિલન બન્યું. ફિલ્મના ફાઇનૅન્સર શિરાઝ હકીમ અને ઍક્ટર હિમાલયવાલાએ નક્કી કર્યું કે તેઓ પાકિસ્તાન જઈને તેમનું નસીબ અજમાવશે. બાકી હોય એમ મુખ્ય ઍક્ટર ચંદ્રમોહનનું અવસાન થયું. કે. આસિફને ફિલ્મ શૂટ કરવાનો ૧૦ ટ્રક ભરાય એટલો કાચો માલ માથે પડ્યો. 
પાકિસ્તાન જતાં પહેલાં શિરાઝ હકીમે કે. આસિફને એક સૂચન કર્યું કે ‘મુઘલ-એ-આઝમ’નું તોતિંગ બજેટ જો કોઈ કાઢી શકે એમ હોય તો એ બિલ્ડર શાપુરજી પાલનજી મિસ્ત્રી છે. એનું એક કારણ હતું કે મહાલક્ષ્મીમાં ફેમસ સિને સ્ટુડિયો આ હકીમની માલિકીનો હતો અને એનું બાંધકામ કર્યું હતું શાપુરજીએ. 

હકીમે પાકિસ્તાન જતાં પહેલાં ફેમસ સ્ટુડિયોના બાંધકામના બદલામાં ‘મુઘલે-એ-આઝમ’ની સ્ક્રિપ્ટ શાપુરજી પાસે ગીરવી મૂકી હતી. ફિલ્મની બે રીલ બની ચૂકી હતી. શાપુરજીને ફિલ્મમાં કોઈ રસ નહોતો, પણ (‘પાકીઝા’વાળા) કમાલ અમરોહી જેઓ ‘મુઘલ-એ-આઝમ’માં એક સ્ક્રિપ્ટ લેખક હતા તેમણે આ ફિલ્મ બનાવવામાં રસ બતાવ્યો. એ જ વર્ષોમાં નંદલાલ જશવંતલાલ નામના બીજા એક નિર્દેશકે બીના રાય અને પ્રદીપકુમારને લઈને ઘણી સફળ નીવડેલી ‘અનારકલી’ ફિલ્મ બનાવી હતી. એના પરથી શાપુરજીને કે. આસિફ કેવા પ્રકારની ઐતિહાસિક ફિલ્મ બનાવવા માગે છે એનો ખ્યાલ આવ્યો. 

શાપુરજીને ફિલ્મો સાથે સીધી લેવા-દેવા નહોતી, પણ તેઓ કળાના રસિયા હતા અને ફિલ્મો પણ ખૂબ જોતા હતા. તેમના કળાપ્રેમની સાબિતી તેમના રિયલ એસ્ટેટના આર્કિટેક્ચરમાં જોવા મળતી હતી. ખાસ તો આ ફિલ્મ મુઘલ બાદશાહ અકબર પર હતી, સલીમ-અનારકલીની પ્રેમકથા તો એની પેટા-વાર્તા હતી. આર્કિટેક્ચરના રસિયા શાપુરજીને ફિલ્મમાં એવી જ ભવ્યતા દેખાઈ હતી. શાપુરજી અને આસિફ વચ્ચે કોઈ સમાનતા નહોતી. કદાચ હકીમે બન્ને વચ્ચે નિર્માતા-નિર્દેશક તરીકેની જુગલબંધી કરાવી હશે. 

૧૯૫૧માં શાપુરજીએ ‘મુઘલે-એ-આઝમ’ના ફાઇનૅન્સર બનવાનું નક્કી કર્યું. એ માટે તેમણે ૧.૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું. કે. આસિફે હવે નવેસરથી ફિલ્મ શરૂ કરી. સૌથી મોટો ફેરફાર ફિલ્મના કલાકારોને લઈને હતો. જૂનાં કલાકારોમાંથી માત્ર દુર્ગા ખોટે જ જોધાબાઈ તરીકે ચાલુ રહ્યાં. અકબરની ભૂમિકામાં પૃથ્વીરાજ કપૂર આવ્યા, સલીમ તરીકે દિલીપકુમારની પસંદગી થઈ અને અનારકલી માટે મધુબાલા પર કળશ ઢોળાયો. 

દિલીપકુમાર શરૂઆતમાં સલીમની ભૂમિકા માટે બહુ ઉત્સાહી નહોતા. એ વખતે યુસુફભાઈ બહુ મોટા સ્ટાર હતા અને તેમને દ્વિધા હતી કે ફિલ્મમાં સલીમ ઘણો નબળો બતાવ્યો છે અને એ તેમના ચાહકોને પસંદ નહીં પડે. તેમને એવું પણ લાગ્યું હતું કે અસલી ટક્કર અકબર અને અનારકલી વચ્ચે છે. વધારામાં, સલીમ પર એક પણ ગીત ફિલ્માવાનું નહોતું. ત્રીજું, ‘નયા દૌર’ વખતનો ફિયાસ્કો અને રોમૅન્ટિક ટકરાવને કારણે મધુબાલા સાથે તેમના અબોલા ચાલતા હતા. 

દિલીપકુમારે ફિલ્મ કરવાની ના પાડી દીધી. જોકે કે. આસિફને સલીમ તરીકે દિલીપકુમાર જ જોઈતા હતા. તેમણે તેમની બધી શંકાઓ દૂર કરી. ખાસ તો પ્રિન્સ સલીમને તેઓ કેવી રીતે પડદા પર પેશ કરવા માગે છે એ સમજાવ્યું. એ સમજાવટ અને આસિફ સાથેની દોસ્તી (આસિફની પત્ની સિતારાદેવી દિલીપકુમારને રાખડી બાંધતી હતી)ને કારણે દિલીપકુમારે છેવટે હા પાડી. એ વાત સાચી હતી કે દિલીપકુમારની ત્યારે જે ઇમેજ હતી એના કરતાં સલીમની ભૂમિકા એકદમ વિપરીત હતી, પરંતુ દિલીપકુમારે એ ભૂમિકાને જીવી બતાવી હતી. ખાસ કરીને સલીમના પાત્રમાં તેમનો સંયમ અને ઉર્દૂ ઉચ્ચારોની સુંદરતા મોહક હતી. ફિલ્મ હતી ‘મુઘલ-એ-આઝમ’ અકબર પર, પણ રિલીઝ થયા પછી ગુણગાન દિલીપ-મધુબાલાનાં ગવાયાં. કે. આસિફના આત્મવિશ્વાસની એ સાબિતી હતી. 

તેમનો આત્મવિશ્વાસ ફિલ્મના સ્કેલને લઈને હતો. ઇતિહાસમાં મુઘલ સામ્રાજ્યનો જે દબદબો હતો એને ધ્યાનમાં રાખીને કે. આસિફે એક એવી ફિલ્મની કલ્પના કરી હતી જે તેના કલાકારોથી લઈને કારીગરો, સંગીતથી લઈને સેટ્સ અને સંવાદથી લઈને સમય (૩ કલાક અને ૩૦ મિનિટ) બધાં જ ક્ષેત્રોમાં ભવ્ય હોય. શાપુરજીએ આપેલું બજેટ દસ ગણું વધુ હતું, એટલું જ નહીં, ફિલ્મને પૂરી થતાં દસ વર્ષ લાગ્યાં હતાં. 

એ ફિલ્મના યુદ્ધનાં દૃશ્યોમાં ૨૦૦૦ ઊંટ, ૪૦૦૦ ઘોડા અને સૈનિકો તરીકે ૮૦૦૦ એક્સ્ટ્રા કલાકારોનો ઉપયોગ થયો હતો. એમાં શીશ મહલનો સેટ ઊભો કરતાં બે વર્ષ લાગ્યાં હતાં અને એના કાચ બેલ્જિયમથી આયાત કરવામાં આવ્યા હતા. કે. આસિફનું ઝનૂન એવું હતું કે તેમણે ૩૦ લાખ ફુટ નેગેટિવ શૂટ કરી હતી, જેને એડિટ કરીને સાડાત્રણ કલાકની ફિલ્મ બનાવવામાં આવી હતી. 
૧૯૬૦ની પાંચમી ઑગસ્ટે એ રિલીઝ થઈ ત્યારે એણે બૉક્સ-ઑફિસ પર રેકૉર્ડબ્રેક કમાણી કરી હતી. આસિફે એને પ્રતિ ટેરેટરી ૧,૦૦,૦૦૦ રૂપિયામાં વેચી હતી, જે રેકૉર્ડ હતો. ૧૫ મહિના સુધી એ સૌથી વધુ કમાણીવાળી ફિલ્મ સાબિત થઈ હતી. ‘મુઘલ-એ-આઝમ’ પહેલી બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મ હતી, જેને રંગીન બનાવીને ૨૦૦૪માં ફરી રિલીઝ કરવામાં આવી હતી. આ વખતે શાપુરજીના પૌત્ર શાપુર મિસ્ત્રીએ એમાં ૭ કરોડ રૂપિયા રોક્યા હતા. આ રંગીન ફિલ્મ પણ સફળ રહી હતી. ૨૦૧૬માં શાપુરજી ગ્રુપે ફિલ્મને નાટ્યસ્વરૂપે પણ બનાવી હતી, જેનું નિર્દેશન ફિરોઝ અબ્બાસ ખાને કર્યું હતું.

‘મુઘલ-એ-આઝમ’ ક્યારેય અમારા માટે બિઝનેસ નહોતી, એ શુદ્ધ રૂપે કળા અને સંસ્કૃતિ માટેનો પ્રેમ હતો એમ શાપુરજી પાલનજી મિસ્ત્રી ગ્રુપે ત્યારે કહ્યું હતું.  

શાપુરજી મને દીકરા જેવો ગણતા હતા

હું શાપુરજી મિસ્ત્રી અને પાલનજી મિસ્ત્રીને સારી રીતે જાણતો હતો. હું તેમના ઘરે જતો હતો અને પરિવારની સ્ત્રીઓ જે રીતે ચાની સાથે પર્સિયન વ્યંજન પીરસતી હતી એ જોઈને મને પેશાવરની યાદ આવતી હતી, જ્યારે અમારા ઘરમાં ટેબલ પર ભાવતું ખાવાનું ગોઠવાતું હતું. એ બહુ સારા અને શાલીન લોકો હતા. હું ‘મુઘલ-એ-આઝમ’ વખતથી તેમને ઓળખતો હતો. શાપુરજીએ મારી પાસેથી ‘ગંગા-જમુના’ની વાત સાંભળી હતી. તેમને વાર્તા ગમી હતી. મારા ભાઈ નાસિરને હું બાગી બનું એવા પાત્રમાં શંકા હતી. મેં થોડો વિચાર કર્યો હતો અને શાપુરજીને વાર્તામાં વિશ્વાસ હતો એટલે હું આગળ વધ્યો. મેં શાપુરજીને કહ્યું કે ફિલ્મના શૂટ માટે મારે ઉત્તર ભારતના અંતરિયાળ વિસ્તારોમાં જવાનું છે. શાપુરજીએ હું આરામથી ફરી શકું એની ગોઠવણ કરી આપી હતી. તેઓ મને દીકરા જેવો માનતા હતા. તેઓ તેમના દીકરા અને સ્ટાફને મારું ઉદાહરણ આપીને કહેતા કે જુઓ થાક્યા વગર કેવી રીતે કામ થાય. તેમનેય ક્યારેક થતું કે હું ઍક્ટિંગના જટિલ અને અસાધારણ વ્યવસાયને કેવી રીતે જીરવી શકું છું.

દિલીપકુમાર તેમની આત્મકથા ‘ધ સબસ્ટન્સ ઍન્ડ ધ શેડો’માં.

columnists raj goswami