ચુકાદો સુપ્રીમ કોર્ટનો : ક્યારેય ભૂલવું નહીં, સત્ય સદીઓ પછી પણ બહાર આવતું હોય છે

28 June, 2022 11:44 AM IST  |  Mumbai | Manoj Joshi

સુપ્રીમ કોર્ટમાં જાતજાતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા અને એ ગંજાવર કેસને કારણે દુખદ એવી આ ઘટના જીવતી જ રહી.

પ્રતીકાત્મક તસવીર

વાત કરીએ છીએ ગોધરા ટ્રેન-કાંડ પછી ગુજરાતમાં થયેલાં રમખાણોની. એ મુદ્દે બે દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે બહુ સરસ ટકોર કરી કહ્યું, ગુજરાતમાં એ ઘટના જીવતી રાખવાનું કામ કેટલાક લોકો વર્ષોથી કરતા આવે છે, એ બંધ કરવામાં આવે અને એવું કામ જેણે પણ કર્યું છે તેની સામે ઍક્શન લેવામાં આવે.
ગોધરા ટ્રેન-કાંડ પછી ગુજરાતમાં થયેલાં રમખાણો આજે ગુજરાતની પ્રજા ભૂલી ગઈ છે, પણ ગુજરાતના કેટલાક લોકો એવા છે જેઓ હજી પણ એ ગમખ્વાર ઘટનામાં કેરોસીન નાખવાનું કામ કરી રહ્યા છે. નામ નથી લેવાં એ મહાનુભાવોનાં, પણ આપ સૌ જાણો છો કે આપણે કોની વાત કરીએ છીએ અને શું કામ કરીએ છીએ. એ જૂથે સતત મીડિયાથી માંડીને કોર્ટમાં જઈ-જઈને એક જ કામ કર્યું છે કે એ રમખાણો માટે જવાબદાર છે એવા નરેન્દ્ર મોદી સામે ઍક્શન લો. તમારી જાણ ખાતર, ગુજરાત રમખાણોની ઇન્ક્વાયરી માટે દેશમાં અલગ-અલગ સાત એજન્સીઓએ કામ કર્યું તો આઠ કમિટી બની, જેણે એ રમખાણોના મૂળમાં જવાનું કાર્ય કર્યું. સુપ્રીમ કોર્ટમાં જાતજાતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા અને એ ગંજાવર કેસને કારણે દુખદ એવી આ ઘટના જીવતી જ રહી.
તમે જુઓ તો ખરા, બે દસકા પૂરા થઈ ગયા છે આ આખી વાતને, અને આ બે દસકા દરમ્યાન ઘડવામાં આવેલી કમિટીથી માંડીને એજન્સી અને અલગ-અલગ કોર્ટ દ્વારા સૌકોઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તો પણ આ જ કાંડ, આ જ કામ અને આ જ નીતિ! હદ છે અને આ હદ હવે તો સુપ્રીમ કોર્ટને પણ લાગવા માંડી છે. ગુજરાત રમખાણોને કેટલાક લોકોએ રાજકારણનું પગથિયું બનાવી દીધું અને પોતાના હિતના રોટલા શેકવાનું કામ કર્યું. શરમની વાત એ છે કે એ કામ કરવામાં એ લોકો એ પણ ભૂલી ગયા કે વેદનાને ચીરવાની ન હોય, વેદનામાંથી લોહી વારંવાર ન કાઢવાનું હોય કે પછી ઘા ખોતર્યા ન કરવાનો હોય; પણ ના, એવું થતું રહ્યું અને એ કાર્યએ માત્ર અને માત્ર પીડિતોને જ નહીં, એ ઘટના જેણે અનુભવી પણ નથી એ સૌને દુખી કરવાનું કામ કર્યા કર્યું.
ગુજરાત બીજેપી અને અનેક નેતાઓએ આ વિષચક્ર વચ્ચેથી સતત પસાર થવું પડ્યું. ગોધરા-કાંડને રમકડું બનાવીને રાખનારાઓના હાથે પણ તેમણે પિલાવું પડ્યું અને એ ઘટના પછી થયેલાં રમખાણોના સંચામાં પણ તેમણે પિસાવું પડ્યું. સુપ્રીમ કોર્ટે આદેશ આપીને વધુ એક વાર પુરવાર કર્યું કે સત્ય એક જ હોય અને એ એક જ રહે. સત્યને સમય સાથે પણ કોઈ નિસબત નથી. જો તમે એને અટકાવવાનો, છુપાવવાનો પ્રયાસ કરો તો પણ એ બહાર આવે જ. સદીઓ પછી પણ સત્ય બહાર આવ્યું જ છે. અયોધ્યા મંદિરથી માંડીને દેશભરમાં પથરાયેલી અનેક મસ્જિદ સાથેનું સત્ય જુઓને, સદીઓ પછી બહાર આવ્યું જને. બસ, એવી જ રીતે હવે ગુજરાતનાં રમખાણોનું પણ સત્ય બહાર આવ્યું છે. કહેવાનું માત્ર એટલું જ કે એ સત્યને હવે સત્ય તરીકે સ્વીકારજો અને આગળ વધજો, કારણ કે ઇતિહાસનાં એ પન્નાંઓમાં પીડા સિવાય બીજું કશું નથી.

columnists manoj joshi