ગુજરાતી વાર્તાઓનો ખજાનો છે આ વૉટ્સઍપ વાર્તાકારો પાસે

21 February, 2023 04:54 PM IST  |  Mumbai | Jigisha Jain

મોબાઇલના ઑડિયો માધ્યમથી ઠેર-ઠેર પ્રસરતી આ વાર્તાઓ બાળકોમાં સંસ્કારનું સિંચન તો કરી જ રહી છે પરંતુ માતૃભાષામાં હોવાને કારણે એ સંસ્કારોનો પાયો પણ મજબૂત કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પોતાની વાર્તાઓ થકી નવી પેઢીને માતૃભાષાથી નજીક લાવવાનું કામ કરી રહેલા કેટલાક વાર્તાકારોના પ્રયાસોને કારણે હજારો નાનાં ભૂલકાંઓ ગુજરાતી ભાષા સાથે સહજ રીતે જોડાઈ રહ્યાં છે. મોબાઇલના ઑડિયો માધ્યમથી ઠેર-ઠેર પ્રસરતી આ વાર્તાઓ બાળકોમાં સંસ્કારનું સિંચન તો કરી જ રહી છે પરંતુ માતૃભાષામાં હોવાને કારણે એ સંસ્કારોનો પાયો પણ મજબૂત કરી રહી છે. મળીએ આ ધરખમ કામ કરી રહેલા વાર્તાકારોને

જે સ્થાન પરિવારમાં માનું છે એ જ સ્થાન જીવનમાં માતૃભાષાનું છે. માથી બાળક ગર્ભનાળ સાથે મજબૂતીથી જોડાયેલું રહે છે. એ ૯ મહિના એ નાળ થકી બંનેનું જોડાણ મજબૂત રહે છે. જન્મ વખતે એ નાળ કાપી નાખવામાં આવે છે અને બંનેને એકબીજાથી અલગ પાડવામાં આવે છે. છતાં એ બંધન એટલું મજબૂત હોય છે કે બાળક અને માનો સંબંધ જીવનભર અતૂટ રહે છે. આવું જ કંઈક માતૃભાષા સાથે છે. નાનપણમાં અમુક વર્ષો જો આપણે એનો સંબંધ માતૃભાષા સાથે મજબૂત કરીએ તો જીવનભર એ એનાથી અતૂટ રીતે જોડાયેલું રહેશે જ એમાં શંકાને સ્થાન નથી. બાળકને કરવામાં આવતું પહેલું સંબોધન માતૃભાષામાં હોય છે. બાળકના સતત કાને પડતા સંવાદો માતૃભાષામાં હોય છે. તેનો પોતે મહાપ્રયત્ને બોલેલો પહેલો શબ્દ પણ માતૃભાષાનો જ હોય છે. છતાં આજકાલની પ્લે-સ્કૂલમાં એ ફૉર ઍપલ ભણતી, યુટ્યુબ પર અંગ્રેજી રાઇમ્સ જોતી અને ટીવી પર કાર્ટૂન્સ જોયા કરતી પ્રજાને માતૃભાષા સાથે કઈ રીતે જોડીએ? આ પ્રશ્નનો રામબાણ ઇલાજ છે વાર્તાઓ. બાળકોને વર્ષોથી સંસ્કાર, ભાષા અને અભિવ્યક્તિ સાથે જોડનાર સેતુ હોય છે વાર્તાઓ. તમારા બાળકને ગુજરાતીમાં વાર્તાઓ કરો. એનાથી તે આપણી સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાશે અને ત્યાંથી રચાશે તેમનું ગાઢ જોડાણ આપણી માતૃભાષા સાથે. પણ અમને કંઈ ખાસ ગુજરાતી વાર્તાઓ આવડતી નથી અને આવડે છે તો એટલો સમય ક્યાં છે? આ સમસ્યાનો ઉપાય વિચારીને કેટલાક લોકોએ યુટ્યુબ, વૉટ્સઍપ અને બીજાં કેટલાંક માધ્યમો પર શરૂ કર્યું છે ગુજરાતી વાર્તાઓ કહેવાનું. મોટા ભાગે શ્રાવ્ય એટલે કે ઑડિયો માધ્યમ થકી આ વાર્તાકારો નાની-નાની ફક્ત ત્રણથી પાંચ મિનિટની ગુજરાતી વાર્તાઓને દુનિયાના ખૂણે-ખૂણે બેઠેલા લાખો ગુજરાતીઓ સુધી પહોંચી રહ્યા છે અને આ રીતે ગુજરાતી ભાષાનું એની નવી પેઢી સાથેનું જોડાણ વધુ પાક્કું કરી રહ્યા છે. આજે મળીએ આ વાર્તાકારોને અને જાણીએ તેમના પ્રયાસો વિશે. 

ખુદનું જીવન પ્રેરણાત્મક વાર્તા 

‘આજની વાર્તા’ આ શીર્ષક હેઠળ તમારા વૉટ્સઍપ પર ફરતી-ફરતી ફૉર્વર્ડ થઈને આવેલી એકાદ ઑડિયો વાર્તા તમે સાંભળી હશે. એના પ્રણેતા છે શૈલેશભાઈ સગપરિયા. બાળકોને જ નહીં, મોટેરાઓને પણ મજા પડે અને ઘણું શીખવા મળે એવી વાર્તાઓ એ છેલ્લાં ૮-૯ વર્ષથી કરે છે. અત્યાર સુધીમાં તેમણે કુલ ૧૫૦૦ વાર્તાઓ વૉટ્સઍપ પર વહેતી મૂકી છે જેમાંથી અડધાથી વધુ સત્ય ઘટનાઓ પર આધારિત છે. આમાંથી મોટા ભાગની વાર્તાઓ તેમણે જ લખી છે. બાકી લેખકોની પરવાનગી સાથે તેઓ એ વાંચે છે. શૈલેશભાઈની વાર્તાઓની જેમ તેમનું ખુદનું જીવન પણ અત્યંત પ્રેરણા આપનારું છે. એ વિશે શૈલેશભાઈ કહે છે, ‘હું ગોંડલની બાજુના મોવિયા ગામમાં જન્મેલો. બાળમજૂરી કરીને ભણ્યો. એક સમયે મારી પાસે સાયન્સમાં આગળ ભણવા પૈસા નહોતા એટલે હીરા ઘસવાનું કામ શીખ્યો. પણ ભણવું તો હતું જ. એટલે ફરીથી કૉમર્સમાં ઍડ્મિશન લીધું. સ્નાતક અને અનુસ્નાતક થયો ત્યારે ભણવાની સાથે-સાથે ઑફિસ બૉય તરીકે કામ પણ કરતો. એની સાથે મેં UPSCની પરીક્ષા આપી. ગૅજેટેડ ઑફિસર-2 તરીકે કામ શરૂ કર્યું. આગળ વધવામાં વાટ નહોતી જોવી એટલે પરીક્ષા આપી અને આખા ગુજરાતમાં ગૅજેટેડ ઑફિસર-1ની એક્ઝામમાં તેઓ ત્રીજા નંબરે આવ્યા. એક બાળમજૂરથી ક્લાસ-1 ઑફિસર સુધીની તેમની સફરમાં તેમણે જીવનના અનુભવનો મોટો ખજાનો મેળવ્યો, જેનું વિતરણ તેમણે તેમની વાર્તાઓ થકી કર્યું.’

શૈલેશ સગપરિયા

દુનિયાના ખૂણે-ખૂણે 

શૈલેશભાઈની વાર્તાઓ આજે ઘણી સ્કૂલોની સવારની પ્રાર્થનાસભામાં લાઉડસ્પીકર પર સંભળાવવામાં આવે છે. ગુજરાતમાં કે ભારતમાં જ નહીં, તેમની વાર્તાઓ સાંભળનારો વર્ગ આખી દુનિયામાં છે. એ વિશે શૈલેશભાઈ કહે છે, ‘હું તો મારા વૉટ્સઍપમાંથી લગભગ ૩૫૦૦ લોકોને ડાયરેક્ટ મોકલું છું. પછી એ એની મેળે હજારો- લાખોની સંખ્યામાં ફૉર્વર્ડ થતી રહે છે. મને એક વાર ફિજીથી ફોન આવેલો. ત્યાં ગુજરાતીઓની વસ્તી ઘણી ઓછી. ત્યાં સુધી વાર્તા પહોંચશે એવું તો આપણે ધારીએ પણ નહીં. લંડનના એક કુટુંબનો વિડિયો મને આવેલો. તેમણે ઘરે ઠાકોરજી પધરાવેલા છે. તેમને રાત્રે તેઓ મારી વાર્તા સંભળાવીને પોઢાડે છે. તેઓ કહે છે કે અમારાં બાળકોને જ નહીં, ઠાકોરજીને પણ તમારી વાર્તાની આદત પડી ગઈ છે. ત્રણ મહિના પહેલાં મેં મારી નોકરી છોડી દીધી, કારણ કે આ કામ મને અઢળક સંતોષ આપે છે. ગુજરાતી સમાજ અને ગુજરાતી ભાષા માટે જ હું આ કામ કરી રહ્યો છું. વાર્તાથી વધુ સારું જોડાણ બાળકો માટે શક્ય જ નથી.’

મોબાઇલનો સદુપયોગ 

આ પણ વાંચો: માતૃભાષામાં જીતે તે શૂર : ગુજરાતી સ્કૂલોને બેઠી જ નહીં, દોડતી કરવી છે જરૂરી

સાવરકુંડલામાં રહેતા કનાલા ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ તાંતણિયા ગામની હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ છે. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ પોતાના યુટ્યુબ અને વૉટ્સઍપ દ્વારા બાળવાર્તાઓને ઑડિયો અને ઘણી વાર વિડિયો માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડે છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે સંકળાયેલા ધર્મેન્દ્રભાઈ મોટા ભાગની વાર્તાઓ તેઓ જાતે જ લખે છે. વાર્તા બાળકો માટે ખૂબ તાકતવર માધ્યમ છે એવું માનતાં તેઓ કહે છે, ‘ગુજરાતી અને ઇંગ્લિશ વચ્ચે પિસાતાં બાળકો ગુંગ્લિશ બોલીને ગૂંગળાય એ આપણને નો પોસાય. આજનાં બધાં બાળકો મોબાઇલ તો વાપરે જ છે. એને મોબાઇલથી દૂર આપણે ન કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ મોબાઇલ પર પણ આપણે તેમણે શું જોવું જોઈએ એ તો સમજાવી શકીએ. શું તેમના કામનું છે એવું ભાથું ભેગું કરીને તેમને પીરસીએ તો તેમના જીવનનો સ્વાદ વધશે. આજનું બાળક માતા-પિતાનું નથી માનતું પણ મોબાઇલનું માનશે. તો આપણી ફરજ એ છે કે એ મોબાઇલ પર એવું કશું નાખવું જે તેને તેનાં મૂળિયાં સાથે જોડે.’ 

ઑડિયો માધ્યમ શ્રેષ્ઠ 

ધર્મેન્દ્ર કનાલા

ધર્મેન્દ્રભાઈની વાર્તાઓ યુટ્યુબ અને તેમના વૉટ્સઍપ સિવાય ‘લિમિટેડ-૧૦’ જેવા વૉટ્સઍપ ગ્રુપ થકી હજારો લોકો સુધી પહોંચે છે. વાર્તા માટે ઑડિયો માધ્યમ ખૂબ સારું છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘જ્યારે હું કોઈ બાળકને કહું કે એક પરી હતી, એની સફેદ પાંખો હતી એ આ રીતે ઊડતી હતી. તો એ પોતાના મનમાં એક પરી બનાવે છે. એની કલ્પનાની પરી. આ જ વસ્તુ જ્યારે તમે એને ઍનિમેશન દ્વારા દેખાડો ત્યારે એ એક પરિભાષામાં બાંધો છો, એ યોગ્ય નથી. ભાષા શીખવાનું પણ ખૂબ સારું માધ્યમ છે ઑડિયો. નવા શબ્દો કે નવા પ્રકારની વાક્યરચના વાંચો એના કરતાં સાંભળો તો વધુ જલદી મગજમાં ઊતરે અને એ રીતે તમારું ભાષાભંડોળ વધે.’ 

નિ:સ્વાર્થ સેવા 

ભાવનગરમાં રહેતા દિક્પાલસિંહજી જાડેજા ‘હું છું વાર્તા કહેનારો’ના શીર્ષક હેઠળ વૉટ્સઍપ અને ટેલિગ્રામ જેવા માધ્યમથી દરરોજ ૧૨,૦૦૦ લોકોને પોતાની વાર્તા પહોંચાડે છે. અત્યાર સુધીમાં તેઓ ૩૫૦૦ વાર્તા લખી ચૂક્યા છે જેમાંથી ૮૫૦ જેટલી વાર્તાઓનો તેમણે બ્લૉગ તૈયાર કર્યો છે. આ ઑડિયો બ્લૉગ પર પણ તેમની વાર્તાઓ સાંભળી શકાય છે. પંચતંત્ર, ઇસપ, ગિજુભાઈ બધેકા કે હિતોપદેશની મોટા ભાગની વાર્તાઓ તેઓ કરે છે. દિક્પાલસિંહજી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છે. આ કામ તે પૈસા અને નામ બંને માટે નથી કરતા, ફક્ત ગુજરાતી ભાષા અને ગુજરાતની નવી પેઢી માટે કરે છે એવું સ્પષ્ટ કરતાં તેઓ કહે છે, ‘આ કામ લોકોને પસંદ પડ્યું એ પછી મને એક ઍપ બનાવવાની ઑફર મળી હતી. ત્યારે મારી પત્નીએ મને કહ્યું કે તમે તમારાં સંતાનોને વાર્તા સંભળાવવાના પૈસા લો છો? તો પછી ગુજરાતનાં બાળકો પણ તમારાં સંતાનો જ છે. ‘હું છું વાર્તા કહેનારો’ પ્રચલિત છે પણ કોઈને ખબર નથી કે આ વાર્તા દિક્પાલસિંહજી જાડેજા કરે છે, કારણ કે મને એમાં નામ પણ નથી જોઈતું. મારા માટે ફક્ત બાળકો આ વાર્તાઓ સાંભળે અને એમાંથી શીખે એટલું પૂરતું છે.’ 

ભાષાનું મહત્ત્વ 

દિક્પાલસિંહજી જાડેજાને તેમની વાર્તા સાંભળનારા વર્ગ પાસેથી જે પ્રત્યુત્તર મળે છે એ અનુસાર કૅન્સરના બાળદરદીઓ આ વાર્તાઓ સાંભળીને દવા લે છે, ઑટિઝમ ધરાવતાં બાળકો; જે બોલતાં નથી એ આ વાર્તા સાંભળીને બોલવા લાગ્યાં છે. અનાથાશ્રમોનાં બાળકોને એ સાંભળીને જીવનનું ઘડતર મળે છે એટલું જ નહીં, તેમના કેટલાક નૉન-ગુજરાતી શ્રોતાઓ પોતાનાં બાળકોને આ વાર્તાઓ એટલે સંભળાવે છે કે તેમનાં બાળકો ગુજરાતી ભાષા શીખી શકે. ભાષા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું સભાનપણે મારી વાર્તાઓમાં શુદ્ધ ગુજરાતી શબ્દો જ વાપરું છું. એનું કારણ એ નથી કે અંગ્રેજી પ્રત્યે કોઈ અણગમો છે પરંતુ જ્યારે બાળક એક ભાષા સાંભળે છે ત્યારે એ શુદ્ધ હોય તો એ મૂંઝાતું નથી. અંગ્રેજીમાં કશું સાંભળે તો એ ફક્ત અંગ્રેજી જ સાંભળે. એમ તેને અલગ-અલગ ભાષાનું જ્ઞાન મળે. મારા મતે ગુજરાતી ભાષાને રસપ્રદ રીતે નવી પેઢીને શીખવવા માટે વાર્તાથી શ્રેષ્ઠ કશું નથી.’

 હું સભાનપણે મારી વાર્તાઓમાં શુદ્ધ ગુજરાતી શબ્દો જ વાપરું છું. એનું કારણ એ નથી કે અંગ્રેજી પ્રત્યે કોઈ અણગમો છે પરંતુ જ્યારે બાળક એક ભાષા સાંભળે છે ત્યારે એ શુદ્ધ હોય તો એ મૂંઝાતું નથી.  - દિક્પાલસિંહજી જાડેજા

columnists Jigisha Jain