સંતાન ઉછેરમાં ખુદના ઉછેરની કેટલી છાપ પડે?

17 February, 2023 04:30 PM IST  |  Mumbai | Jigisha Jain

આજે જાણીએ માતા-પિતા પાસેથી જ કે ઉછેરની સરખામણીમાં તેમણે કેટલું તેમનાં માતા-પિતા પાસેથી બેઠું લીધું છે અને શું એવું છે જે તેમણે બદલાવ્યું છે

ડૉ. કિંજલ અને ડૉ. વિશાલ જાધવ દીકરાઓ સાથે.

દરેક પેરન્ટ્સ સંતાનનો ઉછેર ઉત્તમ રીતે કરે છે છતાં દર પેઢીએ અમુક બાબતો છે, જે થોડી બદલાતી રહે છે. બદલાવ તો નિશ્ચિત જ હોય છે પરંતુ અમુક બાબતો એવી જ રહે એવી ઇચ્છા પણ ઘણા લોકોમાં દૃઢ રીતે જોવા મળે છે. આજે જાણીએ માતા-પિતા પાસેથી જ કે ઉછેરની સરખામણીમાં તેમણે કેટલું તેમનાં માતા-પિતા પાસેથી બેઠું લીધું છે અને શું એવું છે જે તેમણે બદલાવ્યું છે

અમેરિકામાં હાલમાં થયેલા એક સર્વેમાં ત્યાંના પેરન્ટ્સને પૂછવામાં આવ્યું હતું કે તમે જે રીતે મોટા થયા એ મુજબ જ તમે તમારાં બાળકોને મોટાં કરો છો કે તમે ઉછેરની રીત બદલી છે, જેનાં કુલ તારણોમાં જણાયું કે ૪૩ ટકા માતા-પિતા એવાં છે જે પોતાનાં બાળકોને એ જ રીતે ઉછેરી રહ્યાં છે જેવો તેમનાં માતાપિતાએ તેમને ઉછેર આપ્યો છે અને ૪૪ ટકા એવા છે જેમણે પોતાના ઉછેરની રીત બદલી છે. જ્યારે ૧૨ ટકા લોકો એ બંને કૅટેગરીની વચ્ચેની કૅટેગરીના હતા. એટલે કે તેમણે થોડું બદલ્યું છે અને થોડું એવું જ સરખું રાખેલું છે. બદલાવ છે એ પૂરેપૂરો ભાગ્યે જ આવતો હોય છે. વળી બદલાવનો સ્વભાવ એવો છે કે એ ધીમે-ધીમે આવે તો જ કાયમી રહે. બાકી પેરન્ટિંગનું એવું છે કે એ ૧૦૦ ટકા ક્યારેય સાચું નથી હોતું. એમાં કોઈને કોઈ ભૂલો રહી જતી હોય છે જેને આગલી પેઢી બદલાવે કે સુધારે. ક્યારેક એ સુધારો વસ્તુઓને વધુ બગાડે તો ક્યારેક વધુ સુધારે છે પણ બદલાવ તો નિશ્ચિત જ હોય છે. દરેક બાળકને પોતાના ઉછેર માટે અમુક ટકા કૃતજ્ઞતા હોય છે અને અમુક ટકા ફરિયાદો પણ હોય છે. પોતાની આગલી પેઢીને તો દરેક માતા-પિતા પોતાનાથી બેસ્ટ આપવા ઇચ્છે એ સહજ જ છે. આજે જાણીએ માતા-પિતા પાસેથી જ કે ઉછેરની સરખામણીમાં તેમણે કેટલું તેમનાં માતા-પિતા પાસેથી બેઠું લીધું છે અને કઈ વસ્તુઓ એવી છે જે તેમણે બદલાવી છે.

દીકરીઓનો ઉછેર બદલાવ્યો 

નરેશ અને આસ્થા બુહા દીકરીઓ સાથે

વસઈમાં રહેતાં નરેશ અને આસ્થા બુહાને બે દીકરીઓ છે. ૧૫ વર્ષની પર્લ અને ૧૦ વર્ષની મિષ્ટીને તેમણે આજના સમયને ધ્યાનમાં રાખીને ઉછેર આપ્યો છે. એ વિશે વાત કરતાં આસ્થા કહે છે, ‘મારા ઘરમાં અમને ઘણાં રિસ્ટ્રિક્શન હતાં. ૬ વાગ્યા પછી બહાર નહીં જવાનું, છોકરાઓ સાથે વાત જ નહીં કરવાની, વેસ્ટર્ન કપડાં બિલકુલ જ નહીં પહેરવાનાં વગેરે. હું સમજું છું કે એ સમયે જે પ્રકારના સમાજમાં અમે જીવતા હતા એટલે મારાં માતા-પિતાએ અમને આ રીતે ઉછેર્યાં, પણ અમે અમારી દીકરીઓને આજના સમય પ્રમાણે બનાવી છે.’

સમય પ્રમાણે બદલાવ 

એવું કરવાનું કારણ સમજાવતાં નરેશભાઈ કહે છે, ‘આજના સમયમાં દીકરીઓનો ઉછેર જુદો કરવો જરૂરી છે. સમાજમાં કોઈ પણ તેને ભોળવી ન જાય એ માટે તેને તૈયાર કરવી જરૂરી છે. એના માટે છોકરાઓથી તદ્દન વાત જ નહીં કરવાની જેવા નિયમો ન ચાલે. છોકરાઓ તમારા દુશ્મન નથી. તેમનાથી દૂર ભાગવાની જરૂર નથી. ઊલટું જો તમે તેમને ઓળખશો તો તમે વધુ શીખશો. સંસ્કાર ઉચ્ચ હોવા જોઈએ પણ એટલે વેસ્ટર્ન કપડાં નહીં પહેરીને મણીબેનની જેમ ફરવાની પણ જરૂર નથી. આમ આ ઉછેર અમે થોડો બદલ્યો છે.’ 

આ પણ વાંચો: જ્યારે પ્રેમ નામનો પારસમણિ સ્પર્શી જાય...

પગભર રહેવું જરૂરી 

બાકી જે ઉછેર બેઠો લીધો છે એ વિશે વાત કરતાં આસ્થાબહેન કહે છે, ‘મને મારાં માતા-પિતાએ કહેલું કે જીવનમાં એવું બનવાનું છે કે કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. લગ્ન પહેલાં હું મેંદી આર્ટિસ્ટ હતી. લગ્ન પછી ઘરમાં જ્યારે ખૂબ જરૂર હતી ત્યારે ૪ વર્ષ મેં ઘણું કામ કર્યું. એ પછી બાળકોને સંભાળતાં-સંભાળતાં પણ પાર્ટટાઇમ કામ ચાલુ જ રાખતી. આજે હું એક મેકઅપ આર્ટિસ્ટ પણ છું. મેં મારી દીકરીઓને એ જ શીખ આપી છે જે મારાં માતા-પિતાએ મને આપેલી કે પગભર થવું ખૂબ જ જરૂરી છે.’

જયેશ અને રીમા મહેતા દીકરી સાથે.

વડીલોનું માન 

કાંદિવલીમાં રહેતા ફિઝિયોથેરપિસ્ટ દંપતી ડૉ. કિંજલ અને ડૉ. વિશાલ જાધવને બે દીકરાઓ છે. ૧૧ વર્ષના પ્રથમેશ અને અઢી વર્ષનો શ્રેયસ બંનેને પોતાના જેવો જ ઘરનો પ્રેમ અને સપોર્ટ મળે એનું પૂરતું ધ્યાન તેમણે આપ્યું છે. એ વિશે વાત કરતાં કિંજલ કહે છે, ‘મેં જોયું છે કે મારાં દાદા-દાદીને મારાં મમ્મી-પપ્પાએ ખૂબ પ્રેમથી રાખ્યાં છે, તેમનું ખૂબ ધ્યાન રાખ્યું; જેને કારણે અમને દાદા-દાદીનો ભરપૂર પ્રેમ મળ્યો છે. મેં મારા ઘરમાં એ વાતનું કાળજી સાથે ધ્યાન રાખ્યું છે કે હું મારાં સાસુ-સસરાનું એટલું જ ધ્યાન રાખું. એને કારણે મારાં બાળકોને પણ એટલો જ દાદા-દાદીનો પ્રેમ મળ્યો છે. ઘરનું અને ઘરના વડીલોનું મહત્ત્વ તેમના જીવનમાં પણ એટલું જ રહેવું જોઈએ એ બાબતે મેં કાળજી રાખી છે.’

ફાઇટર બનાવવા જરૂરી 

કિંજલનાં માતા-પિતાએ તેમને હંમેશાં ઝઘડા કરતા રોક્યા છે અને દરેક સાથે સારું જ વર્તન કરવું એવી ફરજ પાડી છે, જેને લીધે ઘણા લોકોએ તેમને હેરાન કર્યા અને ફાયદો ઉઠાવ્યો પરંતુ પોતે તેમને એમ કરતા રોકી ન શકવાનો તેને અફસોસ છે. પોતાનાં બાળકો એવો અફસોસ ન કરે એ માટે તેમને ફાઇટર બનાવવાં જરૂરી છે એવું માનતા ડૉ. વિશાલ જાધવ કહે છે, ‘આપણે કોઈને નુકસાન ન કરીએ પણ જો કોઈ આપણને હેરાન કરે તો સ્વરક્ષણ માટે પણ ફાઇટર બનવું જરૂરી છે. બધા જોડે સંબંધો સારા રાખવા માટે આપણે બલિદાનો આપ્યા કરીએ એવું મારાં બાળકો શીખે એવી મારી ઇચ્છા નથી. એટલે અમે તેમને ખૂબ રફ ઍન્ડ ટફ બનાવ્યાં છે.’ 

ભગવાન પર વિશ્વાસ 

વસઈમાં રહેતાં રીમા અને જયેશ મહેતાને ૧૫ વર્ષની દીકરી નિધિ છે. નિધિના જન્મ વખતે તેને હીઅરિંગની તકલીફ હતી એટલે કૉક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું. શરૂઆતનાં વર્ષો ખૂબ સ્ટ્રગલ રહી પરંતુ જયેશભાઈ અને રીમાબહેન અડગ રહ્યાં. એ વિશે વાત કરતાં જયેશભાઈ કહે છે, ‘મારા પિતાજીને ભગવાન પર અતૂટ શ્રદ્ધા હતી. એવી જ શ્રદ્ધા મને છે, જે મારી દીકરીમાં રેડી છે. ભગવાન છે અને તે આપણું ધ્યાન રાખે છે એ વિશ્વાસ મેં સંસ્કાર તરીકે મારી દીકરીમાં પણ રેડ્યો છે. ગમે તેવી કપરી પરિસ્થિતિ હશે પણ એમાંથી બહાર આવવાની તાકાત આ રીતે અમે અમારી દીકરીને આપી છે.’ 

આત્મવિશ્વાસ રેડ્યો 

રીમાબહેન પોતાના નાનપણના દિવસો વિશે વાત કરતાં કહે છે, ‘મારી મમ્મી થોડી એવી હતી કે બધું બધાને કહેવાય નહીં અને કોણ શું વિચારે છે કે કહે છે એનાથી તેને ફરક પડતો. એટલે અમને પણ તેમણે ઘણી બાબતોમાં રોક્યાં. પરંતુ મેં ઊલટું કર્યું. ઘણા લોકો પોતાના બાળકને જે પણ તકલીફ હોય એ બીજાથી છુપાવતા હોય છે. તેના કાનમાં હીઅરિંગ એઇડ જોઈને લોકલ ટ્રેનમાં કોઈ અજાણી વ્યક્તિ પણ પૂછતી કે આને શું થયું તો હું વગર છોછે તેમને કહેતી કે તેને આવું થયું છે. એ જોઈને મારી દીકરીને પણ એ સમજાયું કે આમાં શરમાવાની કોઈ જરૂર નથી. એટલે તેને કોઈ કહે કે વાળ ખુલ્લા રાખીને જા તો હીઅરિંગ એઇડ દેખાશે નહીં તો તે કહે છે, એવું શું કામ? હું તો વાળ બાંધીને જ જઈશ. મને સાંભળવામાં કોઈ જ તકલીફ નથી. હું એકદમ નૉર્મલ છું તો મારે શરમાવાની શું જરૂર? આ આત્મવિશ્વાસથી તે જીવી શકે એ માટે અમે અમારો ઉછેર બદલ્યો, જેનો અમને ગર્વ છે.’ 

 મને મારાં માતા-પિતાએ કહેલું કે જીવનમાં એવું બનવાનું છે કે કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. મેં મારી દીકરીઓને પણ શીખ આપી છે કે પગભર થવું ખૂબ જ જરૂરી છે. - આસ્થા બુહા

columnists Jigisha Jain