ક્રિસમસનું વેકેશન મારી લાઇફમાં બહુ જ મહત્ત્વ ધરાવે છે

22 December, 2022 06:17 PM IST  |  Mumbai | JD Majethia

એક સમયે તો આ દિવસોમાં આવતી રજાનું મહત્ત્વ એટલું જ કે સ્કૂલ નહીં જવાનું અને ફ્રેન્ડ્સ સાથે પેટ ભરીને રમવાનું, પણ સમય જતાં ક્રિસમસની અલગ-અલગ મજા જીવનમાં ઉમેરાવી શરૂ થઈ

પ્રતીકાત્મક તસવીર

 અમારા મિત્ર આતિશ કાપડિયાની વાઇફ એલિસન કૅથ્લિક એટલે એ બહાને ક્રિસમસની પાર્ટી થતી રહે. બહુ મજા આવે એ પાર્ટીમાં. બધા ભેગા મળે. આતિશને ત્યાં એલિસનનું આખું ફૅમિલી આવે. બપોરથી પાર્ટી શરૂ થઈ જાય. સંગીતની મજા, બધા પિયાનો વગાડે અને મોડી રાત સુધી એ પાર્ટી ચાલુ રહે.

વર્ષનો આ સમય આવે એટલે મને તરત જ મારી સ્કૂલ યાદ આવે. ત્યારે તો નહોતું સમજાતું પણ આ સમયમાં મને બહુ મજા આવે. જોકે એ સમયે જે સમજાતું નહોતું એ વાતનો પ્રશ્ન હવે મારા મનમાં થાય છે. આપણને સ્કૂલમાં આ નાતાલની રજા શું કામ આપવામાં આવતી હશે? એક તો ગુજરાતી સ્કૂલ અને એમાં પાછો આપણો હિન્દુઓનો દેશ અને તો પણ ક્રિસમસની રજા શું કામ આપવામાં આવે? ખબર નહીં પણ અનુમાન બાંધવું હોય તો કહી શકાય કે કદાચ એવું હશે કે દિવાળી જે ઑક્ટોબર-નવેમ્બરમાં જ ગઈ હોય, એના બે મહિના પછી ફરી પાછું નાનું વેકેશન આવે. મને તો આવાં નાનાં-નાનાં વેકેશન બહુ ગમતાં. ડિસેમ્બર પછી તમે એક્ઝામની તૈયારીમાં લાગો ત્યાં એપ્રિલ અને મે આવે, એક્ઝામ પૂરી કરો કે તરત પાછું વેકેશન. પછી છેક જૂનમાં સ્કૂલો શરૂ થાય અને ત્યાં તો પાછાં નાનાં-નાનાં વેકેશનનો માહોલ શરૂ. ઑગસ્ટમાં તો ઘણાબધા તહેવારો આવે અને એ પછી ઑક્ટોબરની આસપાસ ફરી વેકેશન મળે. પછી ફરી પાછો ડિસેમ્બર અને ડિસેમ્બરમાં આઠ દિવસ નાતાલની રજા. 

નાના હતા ત્યારે (અને અત્યારે પણ) રજા મને બહુ ગમે. એ સમયે પરિસ્થિતિ તો એવી હતી જ નહીં કે ક્યારેય હૉલિડે કે લૉન્ગ ટ્રિપ વિશે વિચારી શકાય. બસ, ભાઈબંધ-દોસ્તારો સાથે રહેવાનું, રમવાનું અને મામા-માસીને ત્યાં જઈને મજા માણવાની. પણ પછી થોડા મોટા થયા એટલે વેકેશનની નાની ટ્રિપની મજા લેવાનું શરૂ થયું.

કૉલેજમાં મિત્રો સાથે ઑલરેડી જવા માંડ્યા હતા એટલે ક્રિસમસ હૉલિડેમાં મજા આવતી. મનમાં થાય કે ચાલો, ફરવાની મજા આવશે અને વિન્ટર હોય એટલે આમ પણ ફરવાની મજા જ આવે. ભારતમાં આ માહોલમાં તમે ક્યાંય પણ ફરવા જાઓ તો તમારી આ રજાને આ મોસમ નવો રંગ આપી દે અને તમને મજા જ આવે. 

અબ્રૉડ જાઓ અને અબ્રૉડમાં પણ ભૂલેચૂકે તમે જો યુરોપ કે અમેરિકા બાજુએ ગયા તો સાહેબ, ત્યાંની ક્રિસમસ જોવાનો લહાવો જ અદ્ભુત હોય છે અને એમાં પણ જો ત્યાં સ્નો શરૂ થઈ ગયો હોય એટલે એ ક્રિસમસમાં નવી જ રંગત ઉમેરાઈ જાય.

યુરોપ-અમેરિકામાં તો આ ઠંડીની પીક સીઝન કહેવાય. તમે જોશો કે જે ભારતીયો અમેરિકા અને યુરોપમાં વસે છે એમાંથી ઘણા લોકો નાતાલના વેકેશનમાં કે પછી આ દિવસોમાં હિન્દુસ્તાન આવતા બહુ જોવા મળશે. એનાં કારણો પણ છે. એક તો મોટી રજા મળે. સ્કૂલ અને કૉલેજો બંધ હોય અને મોટાં વેકેશન શરૂ થાય એટલે એ નિરાંત હોય તો બીજું કે આ દિવસોમાં ત્યાં ઠંડી પણ બહુ પડે એટલે એમાં પણ રાહત મળી જાય.

ઍનીવેઝ, ફરી આપણે આપણી વાત પર આવી જઈએ. 

ક્રિસમસ મને સ્કૂલના દિવસોમાં બહુ ગમતી અને એ પછી કૉલેજ આવી તો કૉલેજમાં મિત્રો સાથે ક્યાંક ને ક્યાંક વેકેશન થઈ જતું અને ૩૧ ડિસેમ્બરે... 
ઓહોહોહો...

જાણે આખા વર્ષનો મોટામાં મોટો તહેવાર હોય એવી રીતે નવા વર્ષની રાહ જોવાતી. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ગાંડાની જેમ ઊજવતા. એવી રીતે એની ઉજાણી થાય કે કલ્પના પણ કોઈ ન કરી શકે.
પછી ફરી થોડા વધારે મોટા થયા અને ફૅમિલી સાથે જીવન શરૂ થયું, બાળકો આવ્યાં અને એમ જીવનનું ચક્ર આગળ વધ્યું. મારું કુટુંબ, મારાં ભાઈઓ-બહેનો કે અમારા પરિવાર માટે ક્રિસમસનું બહુ મહત્ત્વ રહ્યું નથી. વૈષ્ણવો માટે તો આમ પણ માગશરમાં આવતા મહાઉત્સવથી મોટો કોઈ તહેવાર હોય જ નહીં એટલે નવેમ્બર-ડિસેમ્બરમાં મથુરામાં અમારો હૉલિડે થઈ જ ગયો હોય, પણ જીવનચક્ર આગળ વધતાં ધીમે-ધીમે મિત્રો અને તેમના પરિવાર સાથે તો એ પછી બાળકો સાથે વેકેશનની શરૂઆત થઈ.

છોકરાઓની રજા અને એમાં પણ છોકરાઓ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણે એટલે ત્યાં તો લાંબું વેકેશન મળે તો એમ પણ વેકેશનનો લાભ લેવાનું શરૂ થયું અને મેં કહ્યું એમ, છેલ્લાં કેટલાંય વર્ષોથી અમે પાંચેય મિત્રો અમારા પરિવાર અને બાળકો જોડે જ વેકેશન પર જતા. આ નિયમને પંદરેક વર્ષ થઈ ગયાં છે. અમારા પાંચ મિત્રોમાં કુલ ૧૯ જણ થઈએ. બધે જોડે જ હોઈએ. પણ મજાની વાત કહું, આ વખતે વર્ષો પછી પહેલી વાર હજી આજની તારીખ સુધી વેકેશનનો કોઈ પ્લાન બન્યો નથી અને એનાં બે કારણો છે, એક તો બધાના મનમાં અલગ-અલગ જગ્યાઓ ચાલે છે એટલે એક મત પર આવી શકાયું નથી તો બીજી મોટી વાત ફૅમિલીમાં લગ્ન છે. હા, અમારા ફ્રેન્ડ ફૅમિલીમાં.

આ પણ વાંચો : મથુરા એટલે મથુરા, એના જેવું બીજું કંઈ નહીં

અમારો મિત્ર પરેશ ગણાત્રા, અમારા મિત્રોમાં સૌથી પહેલાં લગ્ન પણ તેનાં થયાં અને સૌથી પહેલું સંતાન પણ તેને ત્યાં આવ્યું. મારા દિલેરનાં લગ્ન છે ૨૬ ડિસેમ્બરે એટલે કે આ સોમવારે છે. જ્યાં સુધી એ પ્રસંગ પૂરો નહીં થાય ત્યાં સુધી કોઈ પ્લાન જ નહીં. બધી વાત એ મૅરેજ પછી.

અરે હા, ક્રિસમસની વાત ચાલે છે ત્યારે બીજી મહત્ત્વની પણ એક વાત કહું.

અમારા ગ્રુપમાં આતિશ કાપડિયાની વાઇફ એલિસન કૅથ્લિક એટલે એ બહાને ક્રિસમસની પાર્ટી થતી રહે. બહુ મજા આવે એ પાર્ટીમાં, બધા ભેગા મળે. આખો પરિવાર આતિશને બોલાવે, આતિશને ત્યાં એલિસનનું આખું ફૅમિલી આવે. બપોરથી પાર્ટી શરૂ થઈ જાય. સંગીતની મજા, બધા પિયાનો વગાડે, વેસ્ટર્ન સૉન્ગ્સ અને એની મજા અને મોડી રાત સુધી એ પાર્ટી ચાલુ રહે. અમે બધા એનો આનંદ લઈએ. ખબર ન પડે ત્યાં એલિસન અમને સમજાવી દે કે હવે શું કરવાનું અને કેવી રીતે કરવાનું. એલિસનના આવ્યા પછી અમને ક્રિસમસની થોડી ધાર્મિક રૂઢિઓની પણ ખબર પડી. પણ એ તો માત્ર કારણ હતું, મજા તો અમને સાથે મળીને આનંદ કરવામાં જ આવતી.

પહેલાં તો કેવું હતું કે દિવાળીના દિવસોમાં જ મોટી ફિલ્મો રિલીઝ થતી, પણ હવે એવું નથી રહ્યું. હવે તો ક્રિસમસ પર પણ મોટી ફિલ્મો આવી છે. વેકેશનના દિવસોની ગણતરી હવે લોકો કરવા માંડ્યા છે. આમ તો આ છેલ્લા થોડા સમયથી શરૂ થઈ ગયું છે પણ આપણે આ ફિલ્મોની વાતો અત્યારે નથી કરવી. અત્યારે તો આપણે વાત કરવી છે ક્રિસમસ અને ક્રિસમસ પછી તરત જ શરૂ થતા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસોની.

આ પણ વાંચો : ખુશ રહેશો તો સુખ આપોઆપ આવશે

ક્રિસમસ પૂરી થાય કે ઑટોમૅટિકલી જ એવું બનવા માંડે કે આપણે સરવૈયું કાઢવા માંડીએ કે મારું આ વર્ષ કેવું રહ્યું અને આવતા વર્ષને ધ્યાનમાં રાખીને મારે શું કરવાનું છે. સરવૈયાનો તાળો જે આવે એ, પણ આવનારા વર્ષ માટે બધા પૉઝિટિવ હોય. આ જે પૉઝિટિવિટી છે એ જ જીવનનો સંદેશ છે. આપણું આવતું વર્ષ કેવું હોવું જોઈએ એ વિશે પણ વાત કરવાની છે, પણ એની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું. આજે, અત્યારે બસ આટલું જ. ત્યાં સુધી ક્રિસમસ માણી લો. ફરી મળીએ ક્રિસમસ પછી, આ જ વિષય સાથે આવતા ગુરુવારે. સ્ટે ટ્યુન્ડ વિથ જેડી કૉલિંગ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia christmas