‘વાગલે કી દુનિયા’ તમને સમજાવે છે અને તમને જીવન જીવતાં શીખવે પણ છે

24 November, 2022 03:54 PM IST  |  Mumbai | JD Majethia

આ શોને આગળ લઈ જવાનું કામ મિડલ ક્લાસ ફૅમિલીનું છે, કારણ કે આ તેમનો શો છે, તેમના પરથી પ્રેરિત છે અને તેમના જીવનની વાતો અહીં કરવામાં આવે છે

વાગલે કી દુનિયાની કાસ્ટ

 મારે ત્યાં સારો પ્રસંગ હોય તો તમને જરૂર કહું અને તમે પણ હોંશભેર એમાં સામેલ થાઓ. ‘વાગલે કી દુનિયા’નો એકેક એપિસોડ એક સારો પ્રસંગ છે અને એ દરેક પ્રસંગમાં જોડાવા માટે હું તમને આમંત્રું છું અને તમને સામેથી કહું છું કે એ સૌને પણ લઈ આવો, જે તમારા પોતાના હોય, જેના માટે તમને લાગણી હોય, પ્રેમ હોય.

આપણે વાત કરીએ છીએ ‘વાગલે કી દુનિયા’ની અને એના થયેલા ૫૦૦ એપિસોડની. વાત જરા લાંબી ચાલી છે, પણ એ અર્થસભર છે એટલે લાંબી ચલાવી છે. નંબર-વન બનેલા અને બીજી અનેક રીતે લોકોએ ખૂબ વધાવેલા શોની વાતો વાંચવી તમને પણ ગમે છે, જે તમારક્ષ ઈ-મેઇલ, તમારા મેસેજ પરથી સમજાઈ રહ્યું છે.

‘વાગલે કી દુનિયા’ જેવો નવા પ્રકારનો, તમે કહો કે એક્સપરિમેન્ટલ શો બૅકબોન વિના આટલો લાંબો ચાલી જ ન શકે. આ શોનું બૅકબોન તમે રહ્યા છો. હા, માત્ર અને માત્ર તમે. જો તમે આ શોને વધાવ્યો ન હોત તો ચોક્કસપણે એની જર્ની વચ્ચે ક્યાંક અટકી હોત, પણ તમે લોકોએ શોને પ્રેમથી વધાવ્યો અને એને અહીં સુધી પહોંચાડ્યો. 

આજે પણ મને એ દિવસ યાદ છે જ્યારે સોની અને સોની સબના બિઝનેસ-હેડ નીરજ વ્યાસે મને અંગુલિનિર્દેશ કરતાં પૂછ્યું હતું,

‘જેડી, ‘વાગલે કી દુનિયા’ કે લિએ તુમ્હારા ક્યા માનના હૈ?’

બસ, આમ જ તેમનું મને પૂછવું અને પછી વાગલે પરિવારની નવી જનરેશનનો જન્મ થવો. અંજન શ્રીવાસ્તવ અને ભારતી આચરેકર જે અગાઉની ‘વાગલે કી દુનિયા’ સાથે સંકળાયેલાં હતાં. નક્કી હતું કે આજે, આ નવી જનરેશનમાં પણ તેમની દુનિયાને આગળ લઈ જવી અને એ જ રીતે રજૂ કરવાં જેથી ઑડિયન્સ સહિત સૌને એ લીડ કલાકાર હોય એવી ફીલ આવે. અગાઉની સીઝનમાં તેઓ એકદમ લીડમાં હતાં અને આજે પણ તેઓ અમારે માટે સિનિયર અને રિસ્પેક્ટેડ કલાકાર છે. સ્વભાવે બહુ મજાનાં, બહુ મજા આવે તેમની સાથે કામ કરવાની. ત્યારની જે પેઢીની વાત હતી ત્યારે એ લોકો ફોરફ્રન્ટમાં હતાં અને હવેની પેઢીની વાત કરવામાં આખા શોને બહુ સરસ રીતે પોતાના ખભા પર લઈ આગળ વધવામાં સુમીત રાઘવનનો બહુ મોટો ફાળો છે. રાજેશ વાગલે આજે ઘર-ઘરમાં, કહો કે મિડલ ક્લાસ ફૅમિલીના, આપણા સૌના રિપ્રેઝન્ટેટિવ છે. 

અ કૉમનમૅન, જેની લાઇફ ફૅમિલીની આસપાસ અને તેમની ખુશી, તેમના પ્રશ્નો સાથે જોડાયેલી છે. કૉમનમૅનની વાત હોય ત્યારે તેમની પત્નીને કેમ ભૂલી શકાય?

રાજેશની વાઇફ વંદનાના પાત્રમાં પારિવા પ્રણતી છે જે રાજેશ અને બાળકો વચ્ચે બ્રિજ છે તો સાથોસાથ રાજેશની ગેરહાજરીમાં આખા ઘરની હેડ પણ છે. ફૅમિલીની વાત આવે ત્યારે સિનિયર વાગલે કપલ તો આવે જ છે, પણ સાથોસાથ રાજેશ અને વંદનાનાં બન્ને બાળકો પણ આવે છે. આ બન્ને બાળકોમાં મોટી દીકરી સખી છે. સખી જેવી દીકરી આજના સમયમાં ઘરેઘરે છે. અઢાર-ઓગણીસ વર્ષની ઉંમર અને તેની પોતાની દુનિયા, તેના પોતાના પ્રશ્નો અને પોતાની મોજમસ્તી. સખી માટે જેવી અમને જોઈતી હતી એવી જ ઍક્ટ્રેસ ચિન્મયી સાલ્વી મળી અને તેણે એ બધું આપ્યું જેની અમને અપેક્ષા હતી. આ જ વાગલે ફૅમિલીમાં નાનો અને ઘરનો સૌથી મસ્તીખોર એવો ઍમ્બિશિયસ દીકરો છે. આ દીકરાને મિડલ ક્લાસમાં બહુ પ્રૉબ્લેમ છે. મોટા માણસ બનવું છે, બહુ બધા પૈસા જોઈએ છે અને લાઇફમાં જે બધી સુખ-સુવિધા હોય એ બધેબધી જોઈએ છે, પણ માબાપ ન અપાવતાં હોય એ તેને ગમતું નથી અને એ જ કારણે તેને સતત મીઠું ઘર્ષણ ઘરમાં ચાલ્યા કરે છે તો સાથોસાથ તે પોતે પણ પોતાની રીતે તિકડમ ચલાવ્યા કરે છે. આ અમે સાવ જુદું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર એટલે અથર્વ વાગલે, જેના પાત્રમાં અમે સિંહાન કપાહીને લાવ્યા. બહુ સરસ રીતે સિંહાન પોતાનું કામ કરે છે અને એકદમ સરસ રીતે તે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી શક્યો છે.

આ સિવાય પણ એવાં પાત્રો છે જે પાત્રોએ વાગલે પરિવારને કૉમ્પ્લિમેન્ટ્સ કરવાનું કામ કર્યું છે. દીપક પરીખ, અમિત સોની, ભક્તિ રાઠોડ, માનસી, અંજુ જાદવ, નયન શુક્લ, સૂર્યકાન્ત ગોખલે, સત્યા, વિનાયક કેતકર તો અથર્વની સાથે વિદ્યુત તરીકે સતત જોવા મળે છે એ હિતાંશુ, કિટ્ટુના પાત્રમાં માહી સોની તો સખીની કૉલેજની જે ગૅન્ગ છે એમાં, વિવાન પાત્રમાં નમિત, અનવિતા, શિખર, સૌમિલ અને બીજાં અનેક પાત્રો અને સાથોસાથ વારતહેવારે અમારે ત્યાં બીજાં જે વૉકિંગ કૅરૅકટર્સ આવતાં રહેતાં હોય એ બધાં. આ બધાંનો બહુ જ મોટો સપોર્ટ રહ્યો છે ‘વાગલે કી દુનિયા’ના પાંચસો એપિસોડ માટે. 

આજે જ્યારે પાંચસો એપિસોડ પૂરા થયા છે ત્યારે શાંતચિત્તે બેસીને વિચારું છું તો મને એક વાત દેખાય છે કે ‘વાગલે કી દુનિયા’ના તો હજુ બીજા હજાર એપિસોડ આરામથી થઈ શકે. હા, ખરેખર. એટલી વાતો છે આપણી મિડલ ક્લાસ ફૅમિલીને કે જેની તમે કલ્પના સુધ્ધાં ન કરી હોય. મને આજે એક વાત તમને સૌને કહેવી છે અને નિખાલસતા સાથે કહેવી છે.

‘વાગલે કી દુનિયા’ને હું ચલાવી શકું કે ન ચલાવી શકું, પણ તમારે આ શો ચલાવવો જોઈએ. આ શોની વાત તમારે એ સૌ સુધી પહોંચાડવી જોઈએ જે આ શો સાથે હજુ જોડાયા નથી, કારણ કે આ તમારો શો છે. એની એકેક વાત તમારી લાઇફમાંથી લેવામાં આવી છે. એમાં તમારા જેવાં દાદીની વાત પણ છે અને તમારી દીકરી જેવી દીકરીની વાત પણ છે. સતત વધુ ને વધુ ડિમાન્ડ કરતા દીકરાની વાત પણ છે અને ફૅમિલીને સતત ખુશ રાખવા માગતી તમારી જેવી વ્યક્તિની વાત છે. ‘વાગલે કી દુનિયા’ એકમાત્ર શો છે જે તમે ફૅમિલી સાથે બેસીને જોઈ શકો છો અને તમારાથી માંડીને તમારી વાઇફ અને બચ્ચાંઓ સુધ્ધાં એમાંથી શીખ લઈ શકે છે. બીજા શોમાં હસબન્ડ-વાઇફ વચ્ચેના કાવાદાવા પણ આવતા હશે પણ ‘વાગલે કી દુનિયા’ હસબન્ડ-વાઇફના સંબંધ કેવા હોય અને કેવા હોઈ શકે એ સમજાવવાનું કામ પણ કરે છે તો દીકરા અને પુત્રવધૂના માબાપ સાથે કેવા સંબંધો હોય એ વાત પણ તે કહે છે.

હું કહીશ કે જીવન જીવવાની શૈલી છે આ શોમાં એટલે જો તમારી આસપાસ લોકોએ ન જોયો હોય તો પ્લીઝ તેમને અહીં લઈ આવો. હું તમને દાવા સાથે કહું છું કે હેટ્સ ઑફ પ્રોડક્શનના આજ સુધીના તમે જે ‘ખીચડી’, ‘બા બહુ ઔર બેબી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ કે પછી અન્ય જે કોઈ શો તમે માણ્યા એ જ શો જેટલી અને કદાચ એનાથી પણ એક સ્ટેપ આગળ કહી શકાય એવી વાતો જોવા અને જાણવા ‘વાગલે કી દુનિયા’માં મળશે. યાદ રાખજો, મારા શબ્દો જેને પણ તમે આ શો સજેસ્ટ કરશો એ તમને આશીર્વાદ આપશે. 

મારો તમારી સાથેનો સંબંધ જ એવો છે કે મારે ત્યાં સારો પ્રસંગ હોય તો તમને જરૂર કહું અને તમે પણ હોંશભેર એમાં સામેલ થાઓ. ‘વાગલે કી દુનિયા’નો એકેક એપિસોડ એક સારો પ્રસંગ છે અને એ દરેક પ્રસંગમાં જોડાવા માટે હું તમને આમંત્રું છું અને તમને સામેથી કહું છું કે એ સૌને પણ લઈ આવો, જે તમારા પોતાના હોય, જેના માટે તમને લાગણી હોય, પ્રેમ હોય.

મારી વાત પ્લીઝ માનજો, પ્રેમથી આવો અને જ્યાં પણ વાગલે ફૅમિલીને, તમારા આ શોને પહોંચાડી શકાય ત્યાં પહોંચાડો. 

એક સારી કૃતિ આપવી, સારું સર્જન આપવું એ અમારી ફરજ છે અને એવી જ રીતે સારી કૃતિને લોકો સુધી પહોંચાડવામાં તમે ભાગીદાર થાવ એવી અમારી અપેક્ષા પણ ખોટી કે વધારે નથી. મેં હંમેશાં કહ્યું છે કે અમારા બધા શો તમારા માટે છે અને તમારા થકી જ એ શો મોટા થયા છે. બસ, તમારે આ શોને પણ નવી ઊંચાઈઓ આપવાની છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia