‘રાડો’ શું કામ જોવી જોઈએ?

24 July, 2022 06:59 PM IST  |  Mumbai | JD Majethia

નવો વિષય, નવી વાત અને નવી ભાત સાથે આવેલી ગુજરાતી ફિલ્મ ‘રાડો’ અત્યાર સુધીની સૌથી કૉસ્ટ્લી ફિલ્મ છે જે જોયા પછી તમે સાઉથ અને હિન્દી ફિલ્મો સામે ગર્વથી ઊભા રહી શકશો એનો પણ વિશ્વાસ રાખજો

રાડો પોસ્ટર

રાડો.

આ શબ્દનો અર્થ ગુજરાતીમાં કેટલો સરસ થાય છે. તમે કોઈની સાથેના ઝઘડાને, લડાઈને મોટું સ્વરૂપ આપો અને તમને લાગે કે હવે બરાબરની તિરાડ પડી છે એને ‘રાડો’ કહેવાય. અમદાવાદમાં આ શબ્દ વારંવાર બોલાતો હોય છે. આ જ નામની ફિલ્મ આવી છે જેની તમને સૌને ખબર જ છે. મારા સદ્ભાગ્યે અને સદ્નસીબે આ ફિલ્મનો મેં મુંબઈમાં પ્રીમિયર શો જોયો. ફિલ્મના જે દિગ્દર્શક છે એ કૃષ્ણદેવ યાજ્ઞિક આમ પણ મને ગમે છે. તેમણે બનાવેલી ‘છેલ્લો દિવસ’થી લઈને ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’ જેવી ફિલ્મોમાં મને મજા આવી છે. અલગ-અલગ વિષયો પર તે કામ કરે છે એટલે જ્યારે ઇન્વિટેશન આવ્યું ત્યારે મને થયું કે ચાલો આ પણ જોવા જવી જોઈએ.

એક તો મને પ્રીમિયર જોવાની જુદી મજા આવે. ખૂબબધા કલાકારો જેમને આમ ન મળી શકતા હોઈએ એ બધા મિત્રોને મળવાનું થાય. ખાસ કરીને અમદાવાદ અને ગુજરાતથી આવતા કલાકાર મિત્રો મળે. ‘રાડો’ના પ્રીમિયરમાં પણ એવું જ થયું. ઘણા વખતે હું હિતુ કનોડિયાને મળ્યો. ફિલ્મમાં તેનો બહુ સરસ રોલ છે. તર્જની પણ આ ફિલ્મમાં છે. તેને પણ મળાયું. ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેનકુમારને પણ ઘણા વખતે મળ્યો. હિતેનની વાઇફ સોનલ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તે પણ મળી અને બીજા પણ ઘણા મિત્રો મળ્યા.

ગમતા આ માહોલ વચ્ચે ફિલ્મ શરૂ થઈ અને અમે કંઈક ખાવાનું મગાવ્યું. ખાવાનું હજી આવ્યું નહોતું અને ત્યાં જ ફિલ્મ શરૂ થઈ ગઈ. ફિલ્મ શરૂ થઈ ત્યારે હું પુલ-બૅક સીટમાં આરામથી પાછળ બૅકને ટેકો દઈને બેઠો હતો. ફિલ્મ શરૂ થઈ એને પાંચ મિનિટ પણ નહીં થઈ હોય અને હું થોડો આગળ થયો. બીજી પાંચ મિનિટ અને ફરી સીટની એજ પર આવ્યો અને ધ્યાન આપીને ફિલ્મ જોવામાં લાગી ગયો. મારું ખાવાનું આવ્યું, કોલ્ડ-ડ્રિન્ક આવ્યું; પરંતુ હું ખાવાનું પણ ભૂલી ગયો. સૉફ્ટ ડ્રિન્ક હાથમાં લઈને પણ મને એમ થતું હતું કે હમણાં સિપ લઉં કે નહીં અને બસ, હું એવી જ રીતે એજ ઑફ ધ સીટ કહેવાય એમ ફિલ્મ જોતો રહ્યો અને એ પણ છેક ઇન્ટરવલ સુધી. એ લેવલની થ્રિલર ફિલ્મ છે આ. તમને એમ થશે કે એવું તે શું હતું? તો પહેલાં તો હું કહું કે મારે કહેવાની જરૂર નથી. તમે જ જુઓ કે ગુજરાતી સિનેમામાં આવું એજ ઑફ ધ સીટ થ્રિલર તમને ક્યારે જોવા મળ્યું?

પહેલાં તો આપણે ત્યાં થ્રિલર ફિલ્મો બનતી જ નથી અને એકાદ છૂટક ફિલ્મ બની પણ જાય તો ઘણીબધી મર્યાદાને લીધે એ એવી બનતી નથી કે તમને બાંધી દે, કારણ કે ગુજરાતી ફિલ્મો પાસે રિસોર્સિસની કમી છે જેને લીધે થ્રિલર જે જોઈએ એ કક્ષાની ન બને અને આપણે પણ તરત જ કમ્પૅરિઝન પર લાગી જઈએ. જોકે ‘રાડો’એ હિન્દી કે અંગ્રેજી ફિલ્મ સુધી સીમિત રહેલાં તમામ બૅરિયર્સ તોડ્યાં છે. અરે, હું તો કહીશ કે તમે આને સાઉથ કે કોઈ પણ ઇન્ટરનૅશનલ ફિલ્મ સાથે પણ કમ્પૅર કરી શકો અને માણી શકો. ‘રાડો’ એ કક્ષાની ફિલ્મ છે. બને કે કદાચ ફિલ્મ જોઈને તમારો ઓપિનિયન મારાથી જુદો હોય અને એવું પણ બને કે તમને આ પ્રકારનું જોનર પસંદ ન આવે, પણ જોનરની પસંદગી અલગ હોવાનો અર્થ એવો નથી કે ફિલ્મ સારી નથી. ‘રાડો’ બહુ સારી ફિલ્મ છે અને એ સૌકોઈએ જોવી જ જોઈએ. જોવા માટેનું સૌથી અગત્યનું જો કોઈ કારણ હોય તો એ કે ગુજરાતી ફિલ્મોને હવે આપણે ફૅમિલી કૉમેડી સાથે બાંધી દીધી છે. 
હસાહસી હોય, ગોટાળા થતા હોય તો મજા આવે; પણ મારે પૂછવું છે કે આપણે ક્યારે એમાંથી બહાર આવીશું?

એક સમય હતો કે ગુજરાતી રંગભૂમિ પાસે પ્રવીણ જોષી, કાન્તિભાઈ મડિયા, અરવિંદ ઠક્કર, શૈલેશ દવે જેવા બહુ સરસ મેકર્સ હતા જેમણે બહુ સરસ અને કલ્પના પણ ન કરી હોય એવા વિષયો પર નાટકો બનાવ્યાં. અમે પણ અમારા પ્રોડક્શન હૅટ્સ ઑફમાં નવીનતાસભર નાટકો બનાવવાના પ્રયાસ કર્યા એ પછી પરિસ્થિતિ કથળતી ગઈ. સંસ્થાએ ખરાબ ન લગાવવું. મારો વિરોધ સંસ્થા સામે નથી પણ અમુક મેકરો સામે છે જેઓ સંસ્થાઓને ધ્યાનમાં રાખીને સિક્યૉર હોય એવાં જ નાટકો બનાવતા થયા અને આવો એક દોર શરૂ થયો, એ પ્રકારની કૉમેડી ચાલુ થઈ ગઈ અને એને લીધે નાટકોનું સ્તર થોડું નીચે જતું રહ્યું. યાદ રાખજો, સ્તરને ઉપર લાવવા બહુ પ્રયત્ન કરવા પડે છે.

ગુજરાતી ફિલ્મોને પણ આ જ વાત લાગુ પડે છે.

ગુજરાતી ફિલ્મોનો ખરાબ દોર ચાલતો હતો. એ પછી પરિસ્થિતિ સાવ કથળી, પણ પછી એમાં સુધારો થયો અને નવેસરથી બધું સરખું થવા માંડ્યું. એ પછી કોરોનાએ કમર તોડી. મેકર્સની હિંમત તૂટી અને બધા ફરી પાછા ફૅમિલી કૉમેડી તરફ જવા માંડ્યા અને પછી એ જ દોર શરૂ થઈ ગયો. આ જે વિષચક્ર છે એ આપણે જ તોડવાનું છે, કારણ કે એ તોડવું આપણા જ હિતમાં છે. જો એ તોડીશું તો જ આપણે નવા ટ્રૅક પર આવીશું. પ્રશ્ન એ છે કે આ સર્કલ તૂટશે ક્યારે? ત્યારે જ્યારે આપણે વિવિધ પ્રકારના વિષયોને ઍક્સેપ્ટ કરીશું, એને પ્રોત્સાહન આપીશું. હું ફરી એક વાર કહીશ કે જરૂરી નથી કે બધાં પિક્ચરો તમને ગમે. તમને ગમે એ મને ન ગમે અને મને-તમને ગમે એ ત્રીજાને ન ગમે. આ ચાલતું જ રહે. એનો અર્થ એવો જરાપણ નથી કે ‘રાડો’ તમને નહીં ગમે. તમને ગમશે જ, કારણ કે પિક્ચર બહુ સરસ છે.

એનો પ્રકાર જુદો છે. જો તમારે જુદા પ્રકારનું પિક્ચર જોવું હોય, ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ તમે જોવા માગતા હો, ગુજરાતીમાં જુદા પ્રકારની અને અલગ-અલગ વિષયોની ફિલ્મો બને એવું ઇચ્છતા હો તો તમારે આ ફિલ્મ જોવી જ રહી. ક્યાં સુધી આપણે ‘આરઆરઆર’ સાઉથમાં જ બને કે પછી ‘સિંઘમ’ જેવી ઍક્શન ફિલ્મો હિન્દીમાં જ બને એના પર આધારિત રહીશું? ક્યારે આપણે ગુજરાતીના સ્ટારને મોટા સ્ટાર બનાવીશું?

હું ક્યારેય રિવ્યુ નથી કરતો. આપણી આ પાંચેક વર્ષની સફરમાં મેં ‘ચલ મન જીતવા જઈએ’, ‘હેલ્લારો’ અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ ‘ધ સ્કૅમ’ એમ ત્રણ જ રિવ્યુ કર્યા છે. આજે આ ‘રાડો’થી ચોથી વાર એવું બનશે કે હું ફિલ્મ કે વેબસિરીઝ વિશે કહીશ. આમ તો હું આ પણ નહોતો કહેવાનો, પણ અહીં મારો જીવ બળે છે એટલે કહેવાય છે કે આપણે ગુજરાતીઓ જ કેમ ગુજરાતી મનોરંજનની વૅલ્યુ નથી કરતા? તમે જુઓ, આપણી પાસે ગુજરાતી મનોરંજનની ચૅનલ એક જ છે. એની સામે મરાઠીઓની છ-સાત ચૅનલ છે અને બંગાળીઓ પાસે સાત-આઠ ચૅનલ છે. પંજાબીમાં એન્ટરટેઇનમેન્ટ ચૅનલ અને મ્યુઝિક ચૅનલ જુઓ. ક્યાંની ક્યાં પહોંચી છે. આ બધાનું એક કારણ છે.

ગુજરાતી હિન્દીની નજીક છે. હિન્દી ચૅનલમાં ગુજરાતી પરિવારના જે શો આવે છે એ તમે માણો છો અને બને છે પણ સારા. ગુજરાતી ફૅમિલીને નૅશનલ ડેસ્ક પર લઈ જવામાં આપણી કંપની હૅટ્સ ઑફ પાયોનિયર રહી છે, જેમાં ‘ખિચડી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘બા, બહૂ ઔર બેબી’ આજે પણ લોકો બહુ યાદ કરે છે. કહેવાનો ભાવાર્થ એ કે પોતાની વાત જોવા આ રીતે પણ મળી જતી હોવાથી ગુજરાતીઓને કદાચ વાંધો ન આવ્યો, પણ સિનેમાનું એવું નથી. પ્રયોગાત્મક કે પછી જેને વિકાસશીલ કહેવાય એ દિશા ત્યારે જ મળશે જ્યારે આપણે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની હિંમત આપીશું અને એ ફિલ્મોને સફળ બનાવીશું. એ સફળ ત્યારે જ થશે જ્યારે એ જોવા જઈશું. જો જોવા જઇશું તો જ બિઝનેસ થશે અને જો બિઝનેસ થશે તો જ આ પ્રકારના મેકર્સ નવી હિંમત કરશે. ‘રાડો’ ગુજરાતી ફિલ્મોનું અત્યાર સુધીનું સૌથી કૉસ્ટ્લી પિક્ચર છે. તમે એમ કહી શકો કે જેમ સાઉથમાં ‘આરઆરઆર’ને બજેટ મળે છે એ જ બજેટ ગુજરાતી ફિલ્મોને મળે, ગુજરાતી ફિલ્મ પણ એ જ સ્કેલ પર બને અને એ સ્તર પર પહોંચવા માટે પણ આપણે ‘રાડો’ને વધાવી લેવી પડશે.

‘રાડો’ ખરેખર બહુ સરસ ફિલ્મ છે. જોતી વખતે તમને સતત એવો અનુભવ થશે કે તમે તમારી ફિલ્મ જુઓ છો અને એ પણ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ સાથે.

(લેખક હિન્દી સિરિયલ્સના ઍક્ટર, પ્રોડ્યુસર, ડિરેક્ટર છે અને IFTPCની ટીવી-વેબસિરીઝ વિન્ગના ચૅરમૅન છે.)

columnists JD Majethia