કોવિડ પછી અમારે એવો શો કરવો હતો, જેમાં આશા હોય

03 November, 2022 04:28 PM IST  |  Mumbai | JD Majethia

પાંચસો એપિસોડમાં અમે અત્યાર સુધીમાં મિનિમમ ૩પ૦ વાર્તાઓ વાપરી છે. શરૂઆતમાં તો એક એપિસોડમાં અમે એક જ સ્ટોરી લેતા, જે કરવામાં આર્થિક નુકસાની પણ બહુ ભોગવી પણ આનંદ કામનો હતો, ખુશી એ વાતની હતી કે શો લોકોને પોતાની વાત કરતો લાગતો હતો

વાગલે કી દુનિયા

કોવિડે આપણને જે શીખવ્યું હતું, જે પીડા આપી હતી, તકલીફો આપી હતી એમાંથી શીખીને એ વાતોને આપણી જિંદગી જોડે જોડીને અમે એક શો બનાવવા માગતા હતા જે શો આપણી જિંદગીમાં રહેલી દરેક સારી વાતને દેખાડતો રહે અને હજી સારું શું થઈ શકે છે એ કહેતો પણ રહે.

જોતજોતામાં ‘વાગલે કી દુનિયા’ના પાંચસો એપિસોડ્સ પૂરા થઈ ગયા. હા, પાંચસો એપિસોડ. આ આંકડો નાનો નથી. તમે આ વાંચશો એ પછીના શનિવાર કે સોમવારે પાંચસોમો એપિસોડ ટેલિકાસ્ટ થશે. તમે પૂછો કે આંકડા માટે આમ કેમ કન્ફ્યુઝન છે તો પહેલાં તમને એ સમજાવું.

અમે વચ્ચે મહાસંગમ એપિસોડ કર્યા હતા, જેમાં અમારી બન્ને સિરિયલ ‘વાગલે કી દુનિયા’ અને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’નાં પાત્રોને એક કરીને વાર્તા કહી હતી, જેને લીધે ગણતરીમાં આ નાનકડો ડિફરન્સ આવે છે. પણ મૂળ વાત એ કે સિરિયલના પાંચસો એપિસોડ પૂરા થયા છે અને જો એપિસોડ બૅન્કની વાત કહું તો બૅન્કમાં તો હજી બીજા પંદર એપિસોડ છે. ‘વાગલે કી દુનિયા’ માટે હું કહીશ કે આ મારી આખી, અત્યાર સુધીની કરીઅરની સૌથી અઘરી જર્ની હતી તો જરા પણ ઓછું નહીં કહેવાય. બહુ બધાં કારણોસર આ જર્ની અઘરી રહી, પણ એમાં સૌથી પહેલું કારણ કહેવાનું હોય તો એ છે ‘વાગલે કી દુનિયા’નું સ્ટોરી ફૉર્મેટ. આ એક એવો શો છે જેમાં દર એક-બે કે ત્રણ એપિસોડ પછી વાર્તા પૂરી થઈ જાય છે. 

શરૂઆતમાં એક એપિસોડમાં એક જ વાર્તા લેતા, પણ પછી વાર્તા એક એપિસોડમાં પૂરી ન થતી હોય તો અમારે બહુ બધી બાંધછોડ કરવી પડતી અને એ બાંધછોડમાં આર્થિક નુકસાન પણ સહન કરવું પડતું એટલે અમે થોડી છૂટ લેવાનું શરૂ કર્યું. પણ એ છૂટમાં ક્યાંય મનોરંજનને અમે અવગણ્યું નથી એ હું અત્યારે પણ કહીશ અને એ પણ કહીશ કે ‘વાગલે કી દુનિયા’ અત્યારના સમયનો વર્લ્ડમાં એકમાત્ર એવો શો છે જે ટૂંકી વાર્તાના ફૉર્મેટ પર બને છે. મેં પોતે પહેલાં સોની સબ પર ખૂબ બધા શો બનાવ્યા છે. 

‘બડી દૂર સે આએ હૈં’, ‘ભાખરવડી’, ‘મિસિસ તેંડુલકર’, ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’, ‘ખિડકી’ અને એ સિવાયના પણ ઘણા પણ એ બધામાં શું હતું કે મિનિમમમાં એક સ્ટોરી એકથી ચાર વીક સુધી ચાલતી, જે બધા જ કરતા હોય છે પણ ‘વાગલે કી દુનિયા’માં તો અમારે એપિસોડ મુજબ સ્ટોરી કહેવાની હતી. તમે માનશો નહીં, પણ અત્યાર સુધીના પાંચસો એપિસોડમાં અમે મિનિમમ સાડાત્રણસો વાર્તાઓ વાપરી છે અને આ કામ બહુ અઘરું છે. સ્ટોરી શોધવાનું નહીં પણ વાગલે ફૅમિલીના ફૉર્મેટમાં રહીને સ્ટોરી શોધવાનું.

‘વાગલે કી દુનિયા’ શો એવા સમયે આવ્યો જ્યારે કોવિડમાંથી લોકોની હજી કળ નહોતી વળી એ બધા જાણે છે અને આ ટૉપિક પર થોડી વાત પણ કરવી છે, પણ પહેલાં તમને એ કહું, ‘વાગલે કી દુનિયા’માં એક વાર કોવિડનો અમને પણ બહુ મોટો ફટકો પડ્યો. બન્યું એવું કે અમારા ચારપાંચ આર્ટિસ્ટને કોવિડ થયો અને અમારે શૂટ બંધ કરવું પડ્યું. કોઈ રસ્તો જ નહોતો બીજો કે જેમાં અમે કશું કરી શકીએ. શૂટ બંધ થતાં અમુક એપિસોડ રિપીટ થયા અને એ પછી આવું ફરી વાર બને નહીં એટલે અમે ગયા સેલવાસા, ધ ટ્રીટ રિસૉર્ટમાં. સેલવાસાથી પાછો વાગ્લે શૉ બદલાયો અને ખરી રીતે કહું તો શૉ રીતસર ઉપડ્યો. લોકોને ‘વાગ્લે કી દુનિયા’ના એપિસોડ્સમાં વધારે ને વધારે મજા આવવા માંડી. આ શોમાં એવી તે શું વાત હતી કે જેને લીધે લોકોને વાગલે પરિવાર આટલોબધો પસંદ આવ્યો અને શોને ઑડિયન્સે અહીં સુધી પહોંચાડ્યો એની વાત કહું એ પહેલાં શોની વાત કહું કે આ શો કેવા સંજોગોમાં ડિઝાઇન થયો.

જ્યારે બધા વિચારતા હતા કે કોવિડ પછી શું કરીએ ત્યારે અમે એવો વિષય કરવા માગતા હતા જેમાં હોપ હોય, જેમાં આપણી જ વાત હોય અને છતાં એમ હોય કે જીવન સારું છે અને છે એનાથી વધારે સારું થવાનું છે. લોકોને સમજાય કે આજ કરતાં આવતી કાલ વધારે સારી છે અને એક આશા સાથે આપણે જીવી શકીએ, સારી વાતો સાથે, સારા વિચારો સાથે અને હકારાત્મક વિચારધારા સાથે રહી શકીએ. એવો શો કરીએ જેમાં એક સારા પરિવારની વાત કરી શકીએ અને આખા પરિવારની વાત કરી શકીએ. એવો શો કરીએ જેમાં ફૅમિલીના દરેક મેમ્બરને પોતાની વાત લાગે અને અમે કર્યું પણ એવું જ.

‘વાગલે કી દુનિયા’ના પહેલા જ એપિસોડની વાત કરું તો દાદા જે દૂર રહેતા હતા એને પાસે લઈ આવ્યા. દરેક ફૅમિલીની એ જ માનસિક અવસ્થા હતી અને એ અવસ્થાને અમે વાચા આપી. દાદા પાસે આવી ગયા પણ તેમને પોતાનો ફ્લૅટ છે એટલે જુદાના જુદા છે અને એમ છતાં પણ તે દીકરો-વહુ અને પૌત્ર-પૌત્રીની બાજુમાં છે. ઍનીવેઝ, વાત આગળ વધારીએ. 
કોવિડ આપણને જે શીખવ્યું હતું, જે પીડા આપી હતી, તકલીફો આપી હતી એમાંથી શીખીને એ વાતોને આપણી જિંદગી જોડે જોડીને અમે એક શો બનાવવા માગતા હતા જે શો આપણી જિંદગીમાં રહેલી દરેક સારી વાતને દેખાડતી રહે અને હજી સારું શું થઈ શકે છે એ કહેતો પણ રહે. એ જે સમય હતો એ આશાનો સમય હતો, લોકોએ ટ્રૅજેડી ઇનફ જોઈ લીધી હતી. પર્સનલી પણ અને આસપાસ પણ. 

આ પ્રકારનો શો વિચારતાં-વિચારતાં અમારી સામે ‘વાગલે કી દુનિયા’ આવ્યું. અગાઉ સોની ટીવી પર આવી ગયેલી એ જૂની સિરીઝની વાત કરીએ તો એમાં અઢાર જ એપિસોડ બનાવ્યા હતા એ લોકોએ પણ એ અઢાર એપિસોડ એવા હતા કે તમે વિચારતા થઈ જાઓ. જબરદસ્ત એપિસોડ. મને ખુશી એ વાતની છે કે એ અઢારની સામે અમે અત્યારે પાંચસો એપિસોડ બનાવી લીધા છે અને મને દૃઢપણે લાગે છે કે હજી બીજા પાંચસો એપિસોડ બને એટલું પોટે‌ન્શિયલ શોમાં છે. એનું કારણ છે કે આ જે વાર્તાઓ આવે છે એ આપણા જીવનમાંથી જ આવે છે અને આપણું જીવન તમે જુઓ તો એમાં રોજ-રોજ કંઈ ને કંઈ બહુ જ રસદાયી બનતું હોય છે. 

કંઈક સમજવાનું છે, શીખવાનું છે. કોઈ આપણી સાથે અંચાઈ કરી જાય છે તો કોઈ આપસાસ મિત્રોમાં ડ્રામેટિક સિચુએશન આવી જાય છે. પતિ-પત્નીના ઝઘડા, પેરન્ટિંગ ઇશ્યુઝ, માબાપની વાતો, બાળકોએ ઊભા કરેલા પ્રશ્નો અને આવું કેટકેટલું આપણી આસપાસ બનતું હોય છે; જે આપણને અપસેટ કરે છે, તકલીફ આપે છે, દુખી કરે છે અને છતાંય દરરોજ આપણે જાગીએ છીએ એક આશા સાથે કે નવી સવાર સારી છે. મારું અને મારી સાથે જોડાયેલા સૌનું જીવન સારું છે તો આ જે એક પ્રિમાઇસ છે એના પર ‘વાગલે કી દુનિયા’ શો ઊભો છે, જે બધાને બહુ ગમ્યો છે. હું કહીશ કે આ એક સાચકલો શો છે, જેની સાથે તમે રિલેટ કરી શકો અને તમને મજા આવે. જે લોકોએ ખૂબ વધાવ્યો અને વધાવીને અહીં સુધી પહોંચાડ્યો. ‘વાગલે કી દુનિયા’ની બીજી ઘણી વાતો એવી છે જે તમારા સૌ માટે નવી છે એટલે પાંચસો એપિસોડના આ અવસરે મારે એ બધી વાત તમને કહેવી છે તો સાથોસાથ એ પણ કહેવું છે કે કઈ રીતે દુનિયાનો એકમાત્ર શો ‘વાગલે કી દુનિયા’ છે પણ એની વાત કરીશું હવે આપણે આવતા ગુરુવારે.
મિલતે હૈં એક છોટે સે બ્રેક કે બાદ...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia