વીંટીપુરાણ : ‘આવતી કાલે તારી સગાઈ થવાની છે’

23 December, 2021 02:32 PM IST  |  Mumbai | JD Majethia

નાટકના શોખીન એવા ભાવનગરના એ જ્યોતિષીએ મિ‌લિંદને આવું કહ્યું અને મિલિંદ સાથે એવું બન્યું પણ ખરું, એટલે જેકોઈએ એ વાત સાંભળી એ બધાનો વિશ્વાસ અને ઉત્કંઠા વધી ગયાં. બધાના મનમાં એક જ વાત હતી કે શો તો થશે, પણ એ જ્યોતિષી જલદી આવે અને આપણે હાથ દેખાડીએ

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ વીંટીની, રિંગની, જેમાં મેં ગયા ગુરુવારે તમને કહ્યું કે વીંટી એકમાત્ર એવું ઑર્નામેન્ટ છે જેનાં માપ-સાઇઝ હોય તો જ તમે એ ખરીદી શકો. બીજું કંઈ પણ અને કોઈ પણ ઑર્નામેન્ટ તમે ખરીદીને સીધા ઘરે જાઓ તો ચાલે. એમાં રસ્તો નીકળી જાય, પણ વીંટીમાં રસ્તો ન નીકળે. પહેલાંના સમયમાં એવું હતું કે લોકો વીંટીની પાછળ દોરો બાંધીને ૧૯-૨૦ જેટલો ફરક સાચવી લેતા, વીંટીમાં દેખાવાનો તો ઉપરનો ભાગ જ હોય એટલે નીચેના પોર્શનમાં દોરો બાંધ્યો હોય તો ચાલે એવું ધારીને. મને આ પ્રકારના લોકો બહુ ગમે. જેઓ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો રસ્તો કાઢી લેતા હોય છે.
વીંટી સાથે મારી પોતાની એક વાત જોડાયેલી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ કહેવાય એવી. જ્યારે પણ વીંટીની વાત નીકળે ત્યારે મને એ ઘટના યાદ આવે જ આવે.
હું નાનો હતો ત્યારથી મને એક ચીજનો બહુ શોખ, વીંટી અને ચેઇન, પણ નાના હોઈએ એટલે નૅચરલી આપણી પાસે એ હોય નહીં. આર્થિક પરિસ્થિતિ પણ એવી નહીં કે નાનપણથી આપણે આવી મોંઘી ચીજો પહેરી શકીએ કે પછી આસાનીથી આવી મોંઘી ચીજો મળી જાય એટલે એ મારો શોખ ધીમે-ધીમે મારી અતૃપ્ત ઇચ્છા બની ગયો અને પછી તો કિશોરાવસ્થા અને યુવાવસ્થા આવી. એમાં મેં મનોમન નક્કી કર્યું કે હું મોટો થઈશ ત્યારે એક ચેઇન અને વીંટી લઈશ, મારા પોતાના માટે અને મારી પોતાની ઇન્કમમાંથી.
કામ શરૂ થયું અને નાની-મોટી ઇન્કમ ચાલુ થઈ એટલે મેં એક ચેઇન તો લઈ લીધી, પણ મારી પાસે હજી વીંટી નહોતી આવી. વીંટી લેવાનું બહુ મન થયા કરે અને એ ઇચ્છા વચ્ચે હું મારી બચત પણ સતત જોયા કરું. મનમાં થાય કે હવે વીંટી લેવાઈ જશે, હવે વીંટી ખરીદી શકાશે, પણ એવો કોઈ મોકો મળે નહીં. 
એ સમયે મારું નાટક ચાલે ‘ચક્રવર્તી’. નાટકના અમદાવાદ અને ભાવનગરમાં શો એટલે અમારી ટૂર શરૂ થઈ. પહેલાં અમદાવાદમાં શો થયા અને પછી અમારે ભાવનગર જવાનું આવ્યું. મારે વીંટી લેવી જ હતી. નક્કી કર્યું કે સરસ હીરાવાળી નાનકડી વીંટી લેવી છે. બહુ શોખ, કહો કે ગાંડો શોખ વીંટીનો મને. મેં તો અમારી સાથે ટૂરમાં જે લોકો હતા તેમને વાત કરી. આમ જ નૉર્મલી મારી વાત થઈ. હવે આ બધા કલાકારોમાં એક કલાકાર હતો મિલિંદ. આ મિલિંદ અમારી આ ટૂરમાં રિપ્લેસમેન્ટમાં આવ્યો હતો. કોઈ કલાકાર આવી શકે એમ નહોતું એટલે તેને સાથે લીધો હતો. મિલિંદ સાથે વાત કરતાં-કરતાં મને ખબર પડી કે ભાવનગરમાં એક જ્યોતિષ છે, જે નાટકોના મોટા શોખીન. તેમનો નિયમ હતો કે તેઓ નાટક જોવા આવે અને નાટક જોયા પછી કલાકારોને મળે અને તેમને મળીને તેમણે શું કરવું જોઈએ કે તેમના જીવનમાં શું બનશે એની વાતો કરે, આગાહી કરે. 
આપણી વાત આગળ વધે એ પહેલાં હું તમને અહીં જણાવી દઉં કે મને જ્યોતિષશાસ્ત્ર કે વાસ્તુશાસ્ત્ર કે પછી એવી જેકોઈ બીજી બધી વિદ્યા છે એને માટે માન છે, પણ મારા અંગત કારણસર હું કશું ફૉલો નથી કરતો. હું માનું છું કે ઠાકોરજીએ જે નક્કી કર્યું છે એ જ મારું થવાનું છે અને એમાં જ મારી ભલાઈ છે, એ જ મારા માટે બેસ્ટ હશે એવું પણ હું દૃઢપણે માનું. મારી આ માન્યતા અને ઠાકોરજી પ્રત્યેની શ્રદ્ધાને લીધે હું ભવિષ્ય વિશે કશું જાણવાની કે શું થશે અને શું નહીં એ બધામાં બહુ પડતો નથી. અમારા માટે એ અન્યાય કહેવાય. 
આ સ્પષ્ટતા સાથે હવે આપણે આગળ વધીએ અને ફરી ફ્લૅશબૅકમાં જઈએ...
અમે બધા કલાકારો વાત કરતા હતા, જેમાં આ મિલિંદે અચાનક જ એ ભાવનગરવાળા જ્યોતિષની વાત કાઢી અને તેણે પોતાની જ લાઇફમાં બનેલો એક પ્રસંગ મને કહ્યો. બન્યું હતું એવું કે મિલિંદની સગાઈ નહોતી થતી. છોકરીઓ જુએ, તેને છોકરી ગમે તો પેલીને કોઈ ઇશ્યુ હોય અને પેલીને મિલિંદ ગમે તો મિલિંદની સાઇડથી કોઈ પ્રૉબ્લેમ નીકળે. વાત આગળ વધે નહીં. એ સમયે મિલિંદ આઇએનટીના કોઈ નાટકમાં હતો અને એ નાટકની ટૂર ભાવનગર આવી. રાબેતા મુજબ જ પેલા જ્યોતિષભાઈ પણ નાટક જોવા આવ્યા અને નાટક પૂરું થયું એટલે બધા કલાકારોને મળીને તેમના ભવિષ્યની વાતો કરી. વારો આવ્યો મિલિંદનો.
મિલિંદનો હાથ જોઈને તેમણે મિલિંદને ઝાટકો લાગે એવી વાત કરી.
‘કાલે તારી સગાઈ છે...’
મિલિંદને વાત માનવામાં જ ન આવે અને એવું કશું ચાલતું પણ નહોતું જેમાં તે પોતે પણ એવું અનુમાન લગાવી શકે. આ એ દિવસોની વાત છે જ્યારે મોબાઇલ તો શું, એસટીડી-પીસીઓ પણ માંડ જોવા મળતાં. ભાવનગરનો શો પૂરો કરીને બધા અમદાવાદ આવ્યા અને અમદાવાદથી મુંબઈની ટ્રેન પકડીને મિલિંદ બીજા દિવસે બપોરે એકાદ-બે વાગ્યે ઘરે પહોંચ્યો. તે ઘરે ગયો ત્યાં તેના પેરન્ટ્સે કહ્યું, ‘આજે તને છોકરીવાળા જોવા આવવાના છે.’ મિલિંદે તો રાતવાળી વાતને ગંભીરતાથી લીધા વિના કહી દીધું કે સારું.
ચાર વાગ્યા અને છોકરી જોવા આવી. મિલિંદને છોકરી ગમી, છોકરીને મિલિંદ ગમી ગયો. બધી વાતો થઈ અને મિલિંદનું ગોઠવાઈ ગયું. મજા તો જુઓ, એ જ ઘડીએ સવા રૂપિયાની આપ-લે થઈ અને મીઠી જીભ આપી દીધી. એ સમયે સગાઈ આ રીતે જ થતી. મીઠી જીભ આપે, ગોળધાણા ખાય અને સવા રૂપિયો એક્સચેન્જ થાય. પેલા જ્યોતિષ સાચા પડ્યા અને ૨૪ કલાકમાં, બીજા જ દિવસે મિલિંદની સગાઈ થઈ ગઈ.
મિલિંદે બધાને કિસ્સો કહ્યો અને એ પણ તેની જ લાઇફમાં બનેલો એટલે નૅચરલી બધાનો વિશ્વાસ અને ઉત્કંઠા વધી ગયાં. શો તો થતો રહેશે, જલદી આ જ્યોતિષ આવે અને જલદી આપણે આપણું ભવિષ્ય જાણીએ. સાચું કહું તો મને એવી કોઈ બહુ ઉત્કંઠા નહોતી, બે કારણસર; એક તો મેં તમને પહેલાં જ કહી દીધું કે હું મારા ઠાકોરજીમાં બહુ શ્રદ્ધા ધરાવું કે તેઓ જે કરે એ મારા હિતમાં જ હોય, મારા ભલા માટે જ હોય અને બીજું કારણ, ‘ચક્રવર્તી’નું મારું પાત્ર. નાટકમાં હું મુંજાલનું પાત્ર કરતો હતો, જેને માટે મારે બહુ ઓતપ્રોત થવું પડતું, એ પાત્ર તો જ ઑડિયન્સ સુધી પહોંચે એવું હતું એટલે થિયેટર પર જઈએ ત્યારથી મારે મારી જાતને બધી જગ્યાએથી કટ કરીને મારા કૅરૅક્ટર પર પૂરું ફોકસ કરવું પડતું.
નાટક શરૂ થયું, બધા પોતપોતાના કામે લાગ્યા અને ઇન્ટરવલ પડ્યો.
પહેલો અંક પૂરો થયો અને એ મહાશય આવ્યા. બહુ ખ્યાતનામ અને રિસ્પેક્ટેડ જ્યોતિષી. અત્યારે મને તેમનું નામ યાદ નથી આવતું, પણ મારું માનવું છે કે આ આર્ટિકલ આવશે ત્યારે ક્યાંકથી કોઈક મને એ નામ યાદ કરાવશે. મારા એ નાટક સાથે જોડાયેલા મિત્રોમાંથી જો કોઈને એ નામ યાદ આવે તો કહે અને કાં તો જે પણ એ ભાવનગરવાળા જ્યોતિષીને ઓળખતા હોય, મળ્યા હોય અને નામ યાદ હોય તો તે મને કહે.
ઇન્ટરવલ પડ્યો અને એ ગુણીજન બૅક-સ્ટેજમાં આવ્યા. આવ્યા પછી શું થયું એની વાતો હું તમને આવતા ગુરુવારે કહીશ, પણ ત્યાં સુધી તમારી જાતનું ધ્યાન રાખજો અને ફૅમિલી-મેમ્બરનું પણ ધ્યાન રાખજો.

હું માનું છું કે ઠાકોરજીએ જે નક્કી કર્યું છે એ જ મારું થવાનું છે અને એમાં જ મારી ભલાઈ છે, એ જ મારા માટે બેસ્ટ હશે એવું પણ હું દૃઢપણે માનું. મારી આ માન્યતા અને ઠાકોરજી પ્રત્યેની શ્રદ્ધાને લીધે હું ભવિષ્ય વિશે કશું જાણવાની કે શું થશે અને શું નહીં એ બધામાં બહુ પડતો નથી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia