યાદગાર પ્રવાસ

15 March, 2019 10:13 AM IST  |  | જમનાદાસ મજીઠિયા

યાદગાર પ્રવાસ

કાલાં ચશ્માં જચદા હૈ : કેસરના આ સનગ્લાસિસ માટે અમારે ઇસ્તંબુલના પોલીસ-સ્ટેશન સુધી દોડવું પડ્યું હતું.

જેડી કૉલિંગ

આ વર્ષના વેકેશનનું પ્લાનિંગ કરવા બેઠાં અને ફૅમિલીમાં એક મહત્વનો મુદ્દો ચર્ચવામાં આવ્યો. સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે તમારા હૉલિડેઝ યાદગાર બને, સારી રીતે યાદગાર બને એનું ધ્યાન રાખવું. પરદેશમાં જતાં હોઈએ ત્યારે લગભગ સારી રીતે પ્લાન કરીને અને જરૂરિયાતની દરેક ચીજ લઈને જ નીકળ્યા હો અને ન નીકળ્યા હોય તો પણ હવે ફૉરેનમાં બધું મળી જ રહે છે. હા, ક્યારેક એવું બને ખરું કે વેજિટેરિયનને સમજફેરને લીધે થોડી તકલીફ પડે, પણ આમ જોઈએ તો હવે વેજિટેરિયન પણ બધે પહોંચી વળે છે. યાદગાર ત્યારે બને જ્યારે બધું આપણા પ્લાન પ્રમાણે જ જતું હોય, પણ બીજી રીતે એટલે કે બહુ સારી રીતે યાદગાર ત્યારે ન બને જ્યારે મોસમની ખરાબી ડખો ઊભો કરે કે ઠંડીના કારણે તબિયત બગડી જાય કે ક્યારેક સામાન્ય કહેવાય એવી નાની-મોટી ઈજા થાય કે પછી આપણો સામાન ખોવાઈ કે ચોરાઈ જાય ત્યારે બહુ તકલીફ પડે. આવું બને તો પણ એ યાદગાર રહે, પણ બીજી રીતે. આ સામાન ખોવાઈ જવાની ઘટનાએ અમારી આ ચર્ચામાં જરા મહત્વનો ભાગ ભજવ્યો. કારણ, અમારા ગયા વર્ષના હૉલિડેની ઝલક તાજી થઈ ગઈ.

આ ખાસ એટલા માટે લખું છું કે હમણાં વેકેશન આવશે અને એ વેકેશન માટે અત્યારે તમે પ્લાનિંગ કરી રહ્યા હો તો તમે તકેદારી રાખી શકો અને કોઈ ગડબડ થઈ જાય તો એનો રસ્તો કાઢીને તમારા મૂડને હેમખેમ રાખી અને તમારી રજાઓને માણીને એને યાદગાર બનાવી શકો. હવે આપણે આવીએ અમારી વાત પર.

પ્રસંગ એક: કેસરના સનગ્લાસિસ

અમે ગયા વર્ષો ટર્કી અને ગ્રીસ ગયાં હતાં, જેના વિશે પાછાં આવીને મેં લખ્યું હતું, પણ અમુક ચીજો એમાંથી રહી ગઈ હતી. એ સમયે મેં મેન્શન કર્યું હતું કે હું રહી ગયેલી વાતો ફરી ક્યારેક લખીશ. અમે ટર્કીના ઇસ્તંબુલમાં ફરતાં હતાં ત્યારે અમારા બેત્રણ દિવસના પ્રોગ્રામમાં પહેલો દિવસ સરસ રીતે ગાળ્યો. અમે ત્યાંનાં જોવાલાયક સ્થળો જે છે એ જોયાં, સરસ જમ્યાં. બહુ જ ફેમસ હમામ બાથ લીધો. આખો દિવસ બહુ સરસ ગયો. વેધર સરસ હતું, પણ જુલાઈના અંતમાં ગરમી વધી જતી હોય છે એટલે પાણીની બૉટલ, સનગ્લાસિસ જેવી એક્સ્ટ્રા ત્રણચાર ચીજવસ્તુઓ હાથમાં પકડવા માટે આવી જ જતી હોય છે. આમ તો અમે ગાડી લઈને જ નીકળીએ. અમારા અહીંયાં એક મિત્ર છે મિતેશભાઈ, એમણે જ અમને આ ટર્કીનું વેકેશન પ્લાન કરી આપ્યું હતું. મિતેશભાઈએ ત્યાંના એક મિત્ર હકામસાહેબને અમારી સાથે ગાડી લઈને મોકલ્યા હતા, જે અમને ફેરવતા હતા. આ હકામસાહેબે એક જગ્યાએ ગાડી પાર્ક કરી અને ત્યાંથી અમે બધી જગ્યાએ ફરતાં-ફરતાં સાંજે તેમને ફોન કર્યો કે ચાલો, હવે હોટેલ ભેગા થઈએ.

હકામસાહેબે ગાડી જ્યાં પાર્ક કરી હતી એ આમ તો સાવ નજીક જ હતું, પણ એ અમે જ્યાં હતા ત્યાં અમને લેવા આવે તો હોટેલ પહોંચતાં સુધીમાં એકાદ કલાક થઈ જાય એવું એમને લાગ્યું એટલે અમારી વચ્ચે ચર્ચા થઈને અને એ ચર્ચા પછી અમે એક ટૅક્સી કરી. કારણ કે ટૅક્સી અમને અમારી જગ્યાએથી હોટેલ પિસ્તાલીસ મિનિટમાં પહોંચાડી દે. અમને થયું કે ચાલો, સમય બચાવીએ. હકામસાહેબ ડાયરેક્ટ હોટેલ પહોંચે અને અમે પણ ડાયરેક્ટ પહોંચીએ એમ નક્કી કરીને અમે ટૅક્સીમાં બેઠાં. હોટેલ પર પણ પહોંચી ગયા અને રૂમમાં આરામ કરતાં હતાં. ડિનર લેવા જવાની તૈયારીઓ શરૂ થઈ અને મારી ડૉટર કેસરને રીઅલાઇઝ થયું કે એના સનગ્લાસિસ મળી નથી રહ્યા. રૂમમાં શોધાશોધી કરી, હોટેલના રિસેપ્શન કાઉન્ટર પર પૂછ્યું, પણ પછી બરાબર ધ્યાન રાખીને કેસરે યાદ કર્યું તો એને યાદ આવ્યું કે છેલ્લે તેણે ટૅક્સીમાં સીટની બાજુમાં એ સનગ્લાસિસ મૂક્યા હતા. સમજાઈ ગયું કે સનગ્લાસિસ ટૅક્સીમાં રહી ગયા છે. ટૅક્સીવાળાનો નંબર નહોતો. અહીંયાં આવે છે ટિપ નંબર બે. હંમેશાં ટેક્સી ડ્રાઇવરના નંબર લેવા જ લેવા. ઊતરતી વખતે બધો સામાન બધાએ લીધો છે કે નહીં એ ચેક કરીને જ ઊતરવું. કેસરની બુદ્ધિ સરસ ચાલી. તેણે હોટેલના સીસીટીવી ફુટેજમાંથી ટેક્સીની નંબરપ્લેટ મેળવી લીધી. હોટેલવાળાએ કહ્યું કે પોલીસમાં જશો તો મળી જશે. બહારગામના દિવસો આપણા એટલા ભરચક હોય કે આવી એકાદ ઘટના આખો કાર્યક્રમ બદલી નાખે.

અમારી પાસે બે ચૉઇસ હતી. અમારા બીજા દિવસનું ફરવાનું થોડું મોડું શરૂ કરીએ અને એકાદબે જોવાલાયક સ્થળ ભૂલી જઈ સનગ્લાસિસ શોધવાની આ બધી જફાઓ કરીએ. બીજી ચૉઇસ તો ખબર જ છે. સનગ્લાસિસ ભૂલી જવા. એક સનગ્લાસિસ માટે વિદેશના પોલીસ-સ્ટેશનમાં જવું કે નહીં એના પર ચર્ચા ચાલી અને પછી નક્કી કર્યું કે જવું જ છે, કારણ કે એ સનગ્લાસિસની વૅલ્યુ કરતાં એ સનગ્લાસિસ કેસરના ફેવરિટ સનગ્લાસિસ હતા અને એ કેસર પર ખૂબ શોભતા. આ ઉપરાંત ફૉરેનના પોલીસ-સ્ટેશનમાં વગર ગુનાએ જવાની મારી ઉત્કંઠા પણ હતી, જરા મજા આવે. ખબર નહીં, પણ એક થ્રિલિંગ અનુભવ થતો હતો.

બીજી જગ્યાઓ માટે સમય ન પણ ન બગડે એટલે વહેલી સવારે નીકળી જવું, કારણ પોલીસ-સ્ટેશન તો ચોવીસ કલાક ખુલ્લું હોય. સવારે કમ્પલેન લખાવી પોલીસ-સ્ટેશનમાં જઈને એટલે પોલીસે ટૅક્સી યુનિયનમાં વાત કરી. ડ્રાઇવરનો મોબાઇલ બંધ હતો. અમે ફરવા નીકળ્યા અને થોડી વારમાં પોલીસનો ફોન આવ્યો. આપણા ફોન પર પોલીસનો ફોન આવે એ પણ મજાની વાત છેને. (મદદ કરવા આવે ત્યારે). ડ્રાઇવરનો ફોન ગયો હતો પોલીસને, સનગ્લાસિસ એની પાસે જ હતા. સારી વાત હતી. કારણ આ તો ટૅક્સી હતી. અમારા પછી બીજા કોઈ ટુરિસ્ટ બેઠા હોય અને એના હાથમાં આ સનગ્લાસિસ આવે અને એને ગમી જાય તો?

ટિપ નંબર ત્રણ, વિદેશમાં પણ ક્યાંય પણ લાલચને દબાવીને પણ ગમે એવી ગમે એટલી ગમતી ચીજ મળે તો પણ એ પાછી કરી દેવી. પર્યટકોના મૂડ પર બહુ મોટો ફરક પડે. જે દેશમાં ચીજો મળી જાય એ દેશની ઈમાનદારીની છાપ પર્યટકના દેશ સુધી પહોંચે.

આ પણ વાંચો : અભિનંદન, તારો ખૂબ-ખૂબ આભાર

હવે આ ટૅક્સી-ડ્રાઇવર સાથે વાત કરી ત્યારે ખબર પડી કે એ ઈસ્ટમાં અને અમે વેસ્ટમાં. હવે આ લોકોનું ઈસ્ટ-વેસ્ટ આપણા મુંબઈ જેવું નહીં. સાદી ભાષામાં સમજાવું તમને. આ લોકોનું ઈસ્ટ નરીમાન પૉઇન્ટ તો અમારું વેસ્ટ એટલે જાણે કે વિરાર. એ કહે કે લેવા આવો તો અમારા જવા-આવવામાં બે ને બે ચાર કલાક જાય અને તેને સમજાવીએ કે આપવા આવો તો તેના પણ ચાર કલાક થાય અને એનો ખર્ચો પણ થાય. ઘણી બધી ચર્ચાઓ પછી સાંજ પડ્યે એ ભાઈ આપવા આવ્યા અને અમે એનો ખર્ચો આપી દીધો, જે બહુ સારો એવો હતો, પણ મારે એ સનગ્લાસિસ પાછા જોઈતા હતા, કારણ કે જેમ કહ્યું એમ, કેસરના મનપસંદ હતા અને તને બહુ શોભતા હતા. ટિપ નંબર ચાર, પોતાની કે પોતાનાં વહાલાંઓની મનપસંદ ચીજોને આસાનથી જવા ન દેવી. અથાગ પ્રયાસો કરવા, મનમાં વિfવાસ હોય તો એ મળે જ છે, એનાં મૂલ્યો પર ન જવું, એ અમૂલ્ય જ હોય છે. આ ટૂર પર ચીજો ભુલાઈ જવાની સીઝન હતી. એક હૅન્ડબૅગ ઍરર્પોટ પર શૉપિંગ કરતાં-કરતાં ક્યાંક ભુલાઈ ગઈ તો મિશ્રીનો મોબાઇલ ક્યાંક રહી ગયો તો નાની-મોટી ચીજો અહીંયાં ત્યાં રહી ગઈ, પણ રેકૉર્ડ હતો, રેકૉર્ડ હતો કે દરેક ખોવાયેલી ચીજ પાછી મળી જતી હતી અને અમે ખુશ થતાં, હસતાં, ગુસ્સે થતાં, ચર્ચા કરતાં અને પાછાં નક્કી કરતાં કે કોણે કેવી રીતે ધ્યાન આપવું અને મોજમજામાં બધું ભૂલી જતાં. મજા કરતાં-કરતાં પ્રવાસ પૂરો થવાનો સમય આવ્યો. ઇસ્તંબુલથી ગ્રીસ ગયા અને ત્યાં પણ નવેસરથી ગોટાળે ચડ્યાં.

(શું બન્યું, કેમ બન્યું અને હવે નવો ગોટાળો શું થયો એની વાત આપણે કરીશું પણ એ આવતા વીકમાં...)

JD Majethia columnists