કૉલમ: પેન-ફ્રેન્ડ્સની એ દુનિયા અને ફૉરેનથી આવતા પત્રો

05 July, 2019 12:36 PM IST  |  | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

કૉલમ: પેન-ફ્રેન્ડ્સની એ દુનિયા અને ફૉરેનથી આવતા પત્રો

પત્રો

(આપણે વાત કરતા હતા કાગળ, પત્ર અને પોસ્ટમૅનની. આજના આ ઈ-મેઇલ અને વૉટ્સઍપના જમાનામાં પોસ્ટમૅન સાવ વીસરાઈ ગયો છે, પણ એમ છતાં એટલું તો કહેવું જ પડે કે એ જે સમય હતો, એ જે જમાનો હતો એ ગોલ્ડન પિરિયડ હતો. કાગળમાં દેખાતા અક્ષરોમાં જીવ હતો, સંવેદના હતી. લાગણીઓ એમાંથી ભારોભાર ટપકતી, નીતરતી. આજે ટાઇપ કરેલા અક્ષરોમાં એ સંવેદના અને અપનાપન રહ્યું નથી. વાત હવે આગળ વધારીએ...)

આજે પોસ્ટકાર્ડ ૫૦ પૈસામાં મળે છે, પણ ૨૦ વર્ષ પહેલાં પોસ્ટકાર્ડની કિંમત ૧૫ પૈસા હતી. પોસ્ટકાર્ડ સૌથી સસ્તાં હતાં અને પાછી એમાં કોઈ સેન્સરશિપ પણ આવતી નહીં. જો હું ભૂલતો ન હોઉં તો જેલમાં કેદીની વર્તણૂકના આધારે જેલર નક્કી કરતા કે તેને ઘરે લખવા માટે પોસ્ટકાર્ડ આપવું કે પછી ઇનલૅન્ડ લેટર આપવો. ઇનલૅન્ડ લેટર ચોંટાડી દો એટલે એ કોઈ વાંચી ન શકે, પણ પોસ્ટકાર્ડ તો બન્ને બાજુએ ખુલ્લું જ હોય. ખરેખર કમાલ છે આ પોસ્ટકાર્ડ. તમે જે લખો એ કોઈ પણ બિન્દાસ્ત વાંચી શકે. આ પોસ્ટકાર્ડની વાત પરથી સાંભળેલી એક વાત અત્યારે મને યાદ આવી ગઈ. એ વાત સાચી કે ખોટી એ તો ભગવાન અને જેની વાત છે એ માનનીય અંબાણીપરિવાર જાણે, પણ એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બીજી ખાસ વાત, એ મારા આદર્શ એવા ધીરુભાઈ અંબાણીને સાંકળી લેતી વાત છે એટલે મારે એ કહેવાની તક ચૂકવી નથી.

વાત છે મારી કરીઅરની શરૂઆતની.

મેં એમબીએ પૂરું કરી લીધું એ પછી મેં રિલાયન્સની મુદ્રા કમ્યુનિકેશનમાં જૉબ લીધી. મુદ્રા ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી આજે પણ છે. મુદ્રા પાસે અનેક ક્લાયન્ટ્સ હતા અને દરેક ક્લાયન્ટના એક ગ્રુપ પર અલગ-અલગ બૉસ હતા. મારા બૉસ અશોક મર્ચન્ટ રિલાયન્સનું મુદ્રા ખાતેનું જે કામ હતું એ સંભાળતા. જૉબનાં અમુક વર્ષો પછી તેમણે મને વાત કરેલી. દેશમાં જ્યારે નવા-નવા મોબાઇલ આવ્યા ત્યારે ધીરુભાઈના નાના દીકરા અનિલ અંબાણીએ ધીરુભાઈને મળીને કહેલું કે આપણે આ મોબાઇલના ક્ષેત્રમાં ઝંપલાવવું જોઈએ. મોબાઇલ સાવ નવાસવા હતા. ફોન કરો તો પણ પ્રતિમિનિટ ચાર્જ લેવામાં આવે અને કોઈ તમને ફોન કરે અને એ ફોન તમે રિસીવ કરો તો પણ એનો ચાર્જ લેવામાં આવે. મને યાદ છે કે સાવ શરૂઆતના તબક્કે આઉટગોઈંગ અને ઇનક‌મિંગ બન્નેનો ચાર્જ સરખો હતો. ૧૬ રૂપિયા પ્રતિમિનિટ. આજના સમયે આ વાત નવી પેઢીને માનવામાં નહીં આવે પણ આ સાવ સાચી વાત છે અને વાત કરવાના અને વાત સાંભળવાના આટલા રૂપિયા ચૂકવ્યા પણ છે. અનિલભાઈની વાત સાંભળીને ધીરુભાઈએ જવાબ આપ્યો હતો કે મોબાઇલ કમ્યુનિકેશનનું ક્ષેત્ર ખરેખર સારું છે અને ધ્યાન રાખવા જેવું છે, પણ અત્યારે એમાં દાખલ થવાને બદલે એ દિવસે આ ક્ષેત્રમાં એન્ટર થવું જોઈએ જ્યારે કૉલનો ભાવ પોસ્ટકાર્ડ કરતાં સસ્તો હોય અને કાં તો તમે આ કૉલના ભાવ પોસ્ટકાર્ડ કરતાં પણ વધારે સસ્તો કરી શકતા હો. ભારતમાં સારું અને સસ્તું આપીશું તો જ સફળતા મળશે એટલે અત્યારે બાકીના લોકોને મોબાઇલનું ખેતર ખેડવા દો, આપણે યોગ્ય સમયે વાવણી કરીશું.

આવું બન્યું હતું કે નહીં એની મને ખબર નથી અને ધારો કે ધીરુભાઈ અને અનિલભાઈ વચ્ચે આવી વાત થઈ એ સમયે હું ત્યાં હાજર નહોતો એટલે આ ઘટનામાં કેટલું સાચું અને કેટલા ગપગોળા એની મને ખબર નથી, પણ જે વિઝન અને વિચારમાં જે વજન છે એ જોતાં મને લાગે છે કે આ સાચું હશે, આવું તો ધીરુભાઈ જ કહી શકે અને ધીરુભાઈ જ આવું વિચારી શકે. ધીરુભાઈના એ સમયના શબ્દો સાચા પાડતા હોય એમ આજે જુઓ, જિયો આખી દુનિયાને આ ક્ષેત્રમાં કેવું હંફાવે છે.

પોસ્ટકાર્ડ કરતાં પણ મોબાઇલને મુકેશભાઈએ સસ્તો કરી નાખ્યો છે આજે. આ કમ્યુનિકેશનની ક્રાન્તિ ક્યાં જઈને અટકશે એની ખબર નથી, પણ આપણે ફરી પાછા આવી જઈએ આપણા ટૉપિક પર... ટેલિકમ્યુનિકેશનની ક્રાન્તિને લીધે પત્ર લખવાની મજા ક્યાંક ને ક્યાંક અટકી ગઈ છે. ખાસ કરીને પર્સનલ લેટર લખવાની. હા, કબૂલ કે વૉટ્સઍપ અને ઈ-મેઇલ કે પછી બીજા સોશ્યલ મીડિયાથી કનેક્ટ રહી શકાય છે, પણ એમ છતાં સંવેદનાની બાબતમાં પત્રને કોઈ ન પહોંચી શકે.

પત્રોમાં કેવાં-કેવાં સંબોધનો કરવામાં આવતાં હતાં. મારી બા, બાપુજી, બહેન બધાં મને પત્ર લખે ત્યારે એમાં મારે માટે ‘પ્રિય બાબુલ’ લખતાં. હા, મારુ લાડકું નામ બાબુલ છે, જેના વિશે મેં તમને અગાઉ થોડી વાત કરી છે. મારા ભાગે જો પત્ર લખવાનું આવે તો હું હંમેશાં લખતો, ‘મારા વહાલા બા અને બાપુજી’, મુંબઈથી લિખિતંગ તમારા બાબુલના સવિનય જેજેશ્રી વાંચશો. પત્ર પૂરો થાય એટલે લખવાનું, એ જ તમારો આજ્ઞાંકિત પુત્ર બાબુલ.

અંગ્રેજી ભણતર પછી ગુજરાતીમાં લખવા માટે માત્ર પત્રો જ બચ્યા હતા જે તક પણ આ ટેલિકમ્યુનિકેશનની ક્રાન્તિએ છીનવી લીધી. લખવાની સતત આદતને કારણે અક્ષરો પણ ખૂબ સરસ થતા. એવું નહોતું કે માત્ર પત્ર લખાતા. એ સમયે તો જન્મદિવસ માટે બર્થ-ડે ગ્રીટિંગ્સ પણ મોકલાય અને દિવાળી જેવા તહેવારોમાં ગ્રીટિંગ્સ પણ એકબીજાને ઘરે પોસ્ટ થતાં. કોઈ ગુજરી ગયું હોય તો એની જાણ પણ પોસ્ટકાર્ડમાં કરવામાં આવતી. આવાં પોસ્ટકાર્ડના મથાળે જ અશુભ લખી નખાયું હોય. મને યાદ છે કે મરણના સમાચાર વખતે ખાસ બ્લૅક પેન વાપરવામાં આવતી. સમય જતાં પ્રિન્ટિંગ સરળ બન્યું એટલે પૈસેટકે પહોંચી શકનારાઓ આવા અશુભ પત્રોને છપાવીને એ જ સીધા પોસ્ટ કરી દેતા.

આજે આપણે સોશ્યલ મીડિયા પર અજાણ્યા સાથે ફ્રેન્ડ્સ બનીએ છીએ, પણ પત્રવ્યવહારના સમયમાં લોકો એકબીજાને પેન-ફ્રેન્ડ્સ બનાવતા. પેન-ફ્રેન્ડ્સ એટલે તમે ન ઓળખતા હો તો પણ એકબીજાને પત્રો લખીને એકબીજા સાથે દોસ્તી કરી શકો. આવા પેન-ફ્રેન્ડ્સ ખાસ કરીને હિન્દુસ્તાનની બહાર બહુ બનાવવામાં આવતા. ફૉરેનથી કાગળ આવે ત્યારે એવો હરખ થાય કે ન પૂછો વાત. એક તો પેલી ફૉરેનની સ્ટૅમ્પ હોય એટલે એ મળ્યાનો આનંદ હોય અને ઉપરથી કોઈએ તમારી ફ્રેન્ડશિપ સ્વીકારી એની પણ ખુશી હોય. જો હું ભૂલતો ન હોઉં તો એ સમયે અમુક પેપરમાં પેન-ફ્રેન્ડ્સ બનાવવા માટે નાના ફોટો સાથે લોકોનાં ઍડ્રેસ પણ છાપવામાં આવતાં. આજે તો ફિલ્મસ્ટાર્સને કૉન્ટૅક્ટ કરવો સરળ બની ગયું છે. ટ્‍વિટરથી માંડીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નૅપચૅટ જેવી ઘણી ઍપ્લિકેશન પર સેલિબ્ર‌િટી છે, પણ એ દિવસોમાં તેમને કૉન્ટૅક્ટ કરવાનું પણ એક જ માધ્યમ હતું, પત્રો. તમે તેમને પત્ર લખો એટલે એનો જવાબ તમને મળે. અમુક ફિલ્મસ્ટાર તો વળતા જવાબમાં પોતાના ફોટોગ્રાફ પર ઑટોગ્રાફ કરીને એ મોકલતા. જેને એવો ફોટો અને ઑટોગ્રાફ મળે એ ખુશ-ખુશ થઈ જાય. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચને આવા હજારો-લાખો ફોટોગ્રાફ્સ મોકલાવ્યા હશે. સ્વાભાવિક છે કે તેમની પાસે બધા ચાહકોને જવાબ આપવાનો સમય ન હોય એટલે પત્રોના જવાબ આપવા માટે તેઓ સ્ટાફ રાખતા હશે.

પત્રોએ ખૂબ સંબંધો બનાવ્યા છે અને પોસ્ટ-ઑફિસે ખૂબ બધા સંબંધો સાચવ્યા છે અને આગળ વધાર્યા છે. આ બધું વાંચતી વખતે જો તમને એવું થાય કે હવે પત્રો નથી તો પોસ્ટ-ઑફિસ બરાબર નહીં ચાલતી હોય, પણ ના, એવું નથી. આજે પણ પોસ્ટ-ઑફિસની હાલત ખૂબ સારી છે અને એનું કામ પણ ખૂબ સારી રીતે ચાલે છે. એના કામ કરવાના દિવસના ૮ કલાક હોય છે, પણ એ પણ એટલું જ અઘરું છે. ઉનાળો હોય કે ચોમાસું, ધોમધખતો તડકો હોય કે મુશળધાર વરસાદ, પોસ્ટમૅને તો પત્રો લોકો સુધી પહોંચાડવાના એટલે પહોંચાડવાના જ.

આ પણ વાંચો : ગૌરવ તરફ એક ડગ: તમે પહેલાં આવો છો કે પછી તમારું પેટ પહેલાં પધારે છે?

પત્રપુરાણનો અંતિમ તબક્કો આવશે આવતા વીકમાં.

ત્યાં સુધી રજા આપશો.

મોટાને વંદન અને નાનાને વહાલ.

તમારા જેડીના વિનયપૂર્વક જેજેશ્રી વાંચશો.

JD Majethia columnists