ગૌરવ તરફ એક ડગ: તમે પહેલાં આવો છો કે પછી તમારું પેટ પહેલાં પધારે છે?

Published: Jul 05, 2019, 12:31 IST | મેરે દિલ મેં આજ ક્યા હૈ?- મનોજ નવનીત જોષી | મુંબઈ

આ બન્ને વાત આમ તો એકબીજા સાથે મેળ ખાય એવી નથી.

આ બન્ને વાત આમ તો એકબીજા સાથે મેળ ખાય એવી નથી. ગૌરવ તરફ ડગ માંડવાનું હોય ત્યારે કોઈ આવીને એવું પૂછે કે તમે પહેલાં આવો છો કે તમારું પેટ પહેલાં પધારે છે તો એ ગેરવાજબી છે, પણ આ જે ગેરવાજબી વાત છે એ જ તમને ગૌરવ તરફ લઈ જતી અટકાવે છે. આ બાબત ખાસ તો આપણને ગુજરાતીઓને લાગુ પડે છે. એક સમય હતો જ્યારે એવું લાગતું કે પંજાબીઓ ખાવા માટે જીવતા હોય, પણ એ પછી આ માન્યતામાં, આ ધારણામાં સુધારો આવવાનું શરૂ થયું અને દેખાવા માંડ્યું કે પંજાબીઓ નહીં, પણ ગુજરાતીઓ ખાવા માટે જીવી રહ્યા હોય એવું લાગે છે. સાચે, ગુજરાતીઓ ખાવા માટે જ જીવતા હોય એવું ધારી પણ શકાય અને માની પણ શકાય. સરેરાશ ગુજરાતીઓનો ડાયટ-પ્લાન યોગ્ય નથી. ન ખાવાનું કે પછી ખાવાનું અવૉઇડ કરવું જોઈએ એવું બધું એની પ્લેટમાં સૌથી પહેલાં ગોઠવાઈ જાય છે. સવારનો બ્રેકફાસ્ટ રાજા જેવો જ હોય છે, પણ એ બ્રેકફાસ્ટમાં ફાફડા-જલેબી હોય છે.

વાંધો કોઈ નથી એ નાસ્તા માટે, પણ એ વાંધો ત્યારે જન્મે છે જ્યારે પેટમાં ઓરેલી એ ફૅટને ઓગાળવાની કોઈ પ્રક્રિયા નથી થતી. ગમશે નહીં, પણ સરેરાશ ગુજરાતી ચાલવાના આળસુ છે. તેને ચાલવું નથી, કસરત કરવી નથી અને યોગ કે ધ્યાન સાથે તેને સીધો કોઈ સંબંધ નથી. ધ્યાન કરવાથી શરીર ઊતરતું નથી, પણ એનાથી મનની એક્સરસાઇઝ તો થાય જ છે અને એ કરવા પણ આપણે રાજી નથી હોતા. જીવવા આવ્યા છીએ તો પેટ ભરીને જીવવાની દાનત આપણા ગુજરાતીમાંથી સતત ઝર્યા કરે છે. ખોટું છે સાહેબ આ, આજે કરેલી આળસ ભવિષ્યને બગાડવાનું કામ કરે છે. આજે કરેલી આળસ શરીરને બીમારીનું ઘર બનાવે છે અને આ બીમારી, આજે કરેલી તમામ આળસના વળતરના ભાગરૂપે મબલક તકલીફ આપી જાય છે.

શરીર છે એનું મૂલ્ય સમજો. ગાડી દર બે મહિને સર્વિસમાં આપવાનું ભુલાતું નથી. મોબાઇલ પાણીમાં પલળે એનું ધ્યાન રાખીએ છીએ. વૉલ્ટેજ ફ્લક્ચ્યુએટ થાય ત્યારે ઇલેક્ટ્ર‌િક ગૅજેટ્સ વાપરવાં નહીં એવી સમજણ પણ આપોઆપ આવી જાય છે અને કપડાંને કેવી રીતે સાચવવાં એની પણ સમજદારી છે, પણ શરીરની બાબતમાં આપણે ભારોભાર બેદરકાર છીએ. આ બેદરકારીને હવે કાઢવાની છે. નક્કી કરવાનું છે કે અમૂલ્ય શરીરને સાચવવાનું છે અને એને કષ્ટ આપ્યા વિના જ અહીંથી વિદાય લેવાની છે. પીડા સાથે જીવવા કરતાં તો બહેતર છે કે પીડારહિત અને રાતોરાત આવતા મોતને આવકાર્ય બનાવીએ. સંપ‌િત્ત હોય એ જ ગર્વની વાત નથી, શારીરિક સંપ‌િત્ત હોય એ ગર્વની વાત છે.

આ પણ વાંચો : મુંબઈનો વરસાદ અને વરસાદ વચ્ચે મુંબઈ : વણથંભી યાત્રા જ મુંબઈનો આત્મા

ગાડી હશે પણ એ ગાડીના દરવાજામાંથી અંદર જવામાં પેટને કારણે સંકડામણ થતી હશે તો હાંસીપાત્ર ઠરશો. હાંસીપાત્ર ન બનવું હોય તો પહેલાં સ્વાસ્થ્યની સંપદા એકત્ર‌િત કરો. આજથી જ ગર્વ આપતા સ્વાસ્થ્યની દિશામાં ડગલું ભરો અને કોઈ એક નિર્ણય લો, જે તમારી તંદુરસ્તી માટે અનિવાર્ય હોય, જરૂરી હોય. રખે એવું ધારતા કે એકાદ નિર્ણયથી કોઈ ફરક નથી પડવાનો. પડશે, અઢળક ફરક પડશે અને એ પાડવા માટે જ નિર્ણય લેવાનો છે.

આજનો દિવસ તમારો, આજે તમે નિર્ણય લો, આવતી કાલે આ જ વિષય પર જરૂરી સૂચન સાથે આગળ વધીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK