સમસ્યા ભલે એની એ જ હોય, એના ઉપાય સમય સાથે બદલવા પડે

20 June, 2019 02:48 PM IST  |  | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

સમસ્યા ભલે એની એ જ હોય, એના ઉપાય સમય સાથે બદલવા પડે

પ્રતીકાત્મક તસવીર

 આજે આપણે નાનપણની બે વાર્તાની વાતથી શરૂઆત કરીએ. સ્કૂલના સમયમાં આપણે આ વાર્તા ભણતા હતા. એક વૃક્ષ પર ઘણી દ્રાક્ષ આવી હતી, એક દિવસ એક શિયાળ દ્રાક્ષ ખાવા માટે પોતાનું મોઢું ખોલી કૂદકા મારતું રહ્યું, પણ બહુ કોશિશ બાદ પણ તેની ઊંચાઈ સુધી પહોંચી શક્યું નહીં, તેથી છેવટે કંટાળીને ત્યાંથી નીકળી ગયું. જતી વખતે તેને દ્રાક્ષ ખાવા ન મળી તેનો અફસોસ હતો, પણ દ્રાક્ષ મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ શિયાળે વાત એવી ફેલાવી કે દ્રાક્ષ ખાટી છે. આપણી વાર્તામાં આટલું આવતું હતું, બોધ એ હતો કે દ્રાક્ષ મળી નહીં તેથી મિયાં ગિરે પર ટંગડી ઊંચી જેવો વટ રાખી શિયાળે કહ્યું કે દ્રાક્ષ ખાટી છે.

દ્રાક્ષ ખાધા પછી ખાટી

હવે આ જ વાર્તાને નવા સ્વરૂપે જાણીએ, વાંચીએ. એક નવું શિયાળ આવ્યું , એ જ રીતે દ્રાક્ષ ખાવા, પણ કોઈ રીતે સતત કોશિશ કરીને તે દ્રાક્ષ સુધી પહોંચી ગયું. થોડી દ્રાક્ષ ખાધી પણ ખરી. થોડી સાથે લઈ લીધી, પણ ખાધી નહીં. રસ્તામાં મિત્રોએ પૂછયું કેમ શિયાળભાઈ દ્રાક્ષ ખાતા નથી, શિયાળે કહ્યું, દ્રાક્ષ ખાટી છે. આ બંને વાર્તા થોડી એકસરખી લાગી શકે, પરંતુ બંનેમાં જબરદસ્ત ફરક છે. એકમાં દ્રાક્ષ મળી શકી નથી, પામી શકાઈ નથી, એટલે તેને ખાટી કહી દેવામાં આવી અને બીજી વાર્તામાં દ્રાક્ષ મળી છે અને ખાધા બાદ ખબર પડી કે ખાટી છે તેથી તેને ખાટી કહેવામાં આવી છે. હવે આ દ્રાક્ષ ખરેખર ખાટી છે, કેમ કે હવે અનુભવ બોલે છે, અગાઉ નિરાશા અને નિષ્ફળતા બોલતી હતી.

ટોપીવાળો અને વાંદરા

બીજી વાર્તા વાંદરા અને ટોપીવાળાની છે. આ પણ આપણે સ્કૂલના સમયમાં ભણી હતી. ટોપી વેચવાવાળો એક વેપારી જંગલમાંથી પસાર થતો હતો. માર્ગમાં તેણે એક ઝાડ જોઈ જમવાનું ભાથું કાઢયું અને જમવા બેસી ગયો, જમ્યા બાદ તેને ઊંઘ આવી એટલે સૂઈ ગયો. ઊઠીને તેણે જોયું તો તેના ટોપલામાંથી બધી ટોપી ઝાડ પર બેઠેલા વાંદરા લઈને ઝાડ પર બેસી ગયા હતા. હવે કરવું શું? ચાલાક વેપારીએ વાંદરાઓની નકલની આદત યાદ કરીને પોતાના માથા પર પહેરેલી ટોપી કાઢીને જમીન પર ફેંકી, આ જોઈ નકલખોર વાંદરાઓએ પણ પોત-પોતાની ટોપી જમીન પર ફેંકી દીધી. બસ, વેપારી ભાઈ તો બધી જ ટોપી ઉપાડીને નીકળી ગયા. વાંદરા તો તેને જોતા જ રહી ગયા.

વાંદરા હોશિયાર થઈ ગયા

આ જ વાર્તા નવા સ્વરૂપે બની ત્યારે ટોપીવાળાનો દીકરો આ જ રીતે જંગલમાંથી પસાર થયો. એ જ જમવાનું થયું, સૂઈ ગયો અને ઝાડ પરથી વાંદરા ટોપી લઈ ગયા. ઊઠીને દીકરાએ જોયું. એટલે પિતાજીની સલાહ યાદ આવી કે વાંદરા નકલખોર હોય છે, તારી સાથે મારા જેવું થાય તો મેં કર્યું હતું એમ કરજે. દીકરાએ પિતાની વાતનું અનુકરણ કર્યું, પરંતુ આ વખતે નવી જ ઘટના બની, કોઈ વાંદરાએ પોતાની ટોપી જમીન પર ફેંકી નહીં, અને ઉપરથી એક વાંદરો જે ટોપી વિનાનો હતો, તેણે નીચે આવી દીકરાએ ફેકેંલી ટોપી પણ લઈ લીધી. ઇન શૉર્ટ, હવે વાંદરા વધુ હોશિયાર થઈ ગયા, માણસ ત્યાં ને ત્યાં રહી ગયા.

માણસ સમય સાથે શીખે 

હવે આ બંને વાર્તા પરથી મેસેજ મેળવવાનો પ્રયાસ કરીએ તો એ રસપ્રદ અને વિચારપ્રેરક બને છે. જીવનમાં કોઈ લક્ષ્ય હાંસલ કરવા આપણે કોશિશ કરીએ, પણ તેમાં નિષ્ફળ જઈએ તો એ લક્ષ્ય સારું કે બરાબર નહોતું એમ કહી શકાય નહીં. આપણે કોઈ વસ્તુને પામવામાં નિષ્ફળ રહ્યા એથી એ ખરાબ થઈ ગઈ એ અભિગમ ક્યારેય સાચો હોઈ શકે નહીં. જ્યારે કે એ વસ્તુ પ્રાપ્ત કર્યા બાદ ખરેખર એ વસ્તુ કામની ન લાગે અને આપણે તેની ટીકા કરીએ તો વાજબી છે. ખિસ્સામાં પૈસા જ ન હોય અને માણસ કહે કે પૈસા તો હાથની ધૂળ છે કે કચરો છે, પરંતુ શું આપણે એ હાથમાં હોય ત્યારે તેને ધૂળ કે કચરો માની ફેંકી દેવા તૈયાર હોઈએ છીએ?

અનુભવ બાદ  જજમેન્ટ

આ મેસેજમાં પણ વૅલ્યુ એડિશન કરવું હોય તો દ્રાક્ષની વાર્તામાં ત્રીજું વિધાન એ કહેવાય છે કે મેં ખાધી એ દ્રાક્ષ ખાટી હતી, હજી બાકી બચેલી દ્રાક્ષ ખાટી છે કે મીઠી એની મને ખબર નથી. ખાધા પછી જ કહી શકાય. જીવનમાં અમુક અનુભવને આધારે આખા જીવનને મૂલવી શકાય નહીં, એક-બે માણસ સાથે ખરાબ અનુભવ થઈ જવાથી બધાં જ માણસ કે માણસજાત જ ખરાબ છે એવું નિવેદન થઈ શકે નહીં અથવા એવી માન્યતા બાંધી લેવી જોઈએ નહીં. તેમ દ્રાક્ષ ન મળી તો ખાટી થઈ જાય નહીં અને દ્રાક્ષ ખાધા બાદ ખાટી નીકળી તોય બધી જ દ્રાક્ષ ખાટી છે એવા નિષ્કર્ષ પર આવી જવાય નહીં. અનુભવ બાદ જ આપણા કથનની સાર્થકતા રહે છે અને હા, એ અનુભવ પણ આપણો જ છે, બીજાને નવા અથવા જુદા અનુભવ પણ થઈ શકે છે. કોઈ પણ બાબત બધાને યા દરેકને એકસરખી લાગુ પડી શકે નહીં. આ સત્ય યાદ રાખવું જરૂરી છે. આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ શકે છે.

નવા સવાલ - નવા ઉપાય

હવે વાંદરાની વાર્તાના મેસેજ પર આવીએ તો સમય બદલાતાં માણસો કરતાં વાંદરા હોશિયાર થઈ ગયા એવું આપણને વાર્તામાં જોવામાં આવ્યું. અર્થાત્ માણસે એકસમાન સમસ્યાના એકસમાન ઉપાય જ કરવા જરૂરી નથી. સમસ્યાના ઉપાય પણ સમય સાથે પરિવર્તન માગતા હોય છે. આજે પણ આપણી કેટલીયે જૂની–નવી સમસ્યાના ઉપાય વરસોથી કરતાં આવ્યા છીએ એ જ કરવાની કોશિશ કરીએ છીએ અને પછી નિષ્ફળ જઈએ ત્યારે નસીબને માથે યા બીજાને માથે દોષ મૂકીએ છીએ. જીવનમાં દરેક સવાલના સમાન ઉત્તર હોતા નથી. સમય સાથે સવાલ એ જ રહે તો પણ ઉત્તર બદલાઈ શકે છે. સમયની સાથે સંજોગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે.