કૉલમ : માબાપની કાળજી

19 April, 2019 09:57 AM IST  |  | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ

કૉલમ : માબાપની કાળજી

હું, બા અને બાના બે હાથ : હૉસ્પિટલથી ઘરે આવ્યા પછી બાના બન્ને હાથમાં અત્યારે પાટા છે. - જમનાદાસ મજીઠિયા

જેડી કૉલિંગ

થોડા દિવસ પહેલાં એક ખૂબ જ દુખદ અને તકલીફ આપનારી ઘટના બની.

મારાં બા શાંતિબહેન મજીઠિયા કાંદિવલીના પોઇસર જિમખાનામાં સવારના સમયે વૉક લેવા ગયાં. આ તેમનું રોજનું શેડ્યુલ છે. બાની ઉંમર ૮૨ વર્ષ છે, પણ આ ઉંમરે પણ બા બહુ હિંમતવાળાં છે. તેમની ની-રિપ્લેસમેન્ટની સર્જરી થઈ છે, પણ ઈશ્વરકૃપાથી અને હિંમતથી તેઓ થોડુંઘણું વ્યાયામ કરી લે છે અને કોઈને પણ સાથે લીધા વિના સાવ એકલાં જઈને વૉક પણ લે છે. રોજના તેમના ક્રમ પ્રમાણે પોઇસર જિમખાનામાં વૉક લીધા પછી તેઓ એક ઝૂલા પર બેઠાં હતાં અને કમનસીબે તેમના બેસવાના થોડા સમય પછી એ ઝૂલો તૂટ્યો અને મારાં બા પણ પડ્યાં. થોડી વાર સુધી તેઓ ઊભાં પણ નહોતાં થઈ શક્યાં. ત્યાં વૉક કરતા બીજા લોકોનું ધ્યાન ગયું એટલે તેઓ દોડી આવ્યા. અમારા જ વૈષ્ણવબંધુ એવા ગિરીશભાઈ અને તેમનાં વાઇફ બાને ઓળખી ગયાં એટલે તેમણે તરત જ ઘરે ફોન કરીને જાણ કરી. એ સમય દરમ્યાન બા એમ જ પડ્યાં રહ્યાં અને પછી તેમણે જ હિંમત કરીને એકઠા થયેલા લોકોની મદદથી ઊભાં થવાની કોશિશ કરી અને ઊભાં પણ થઈ ગયાં. ઘરે ફોન કર્યો હતો એટલે મારાં પન્નાભાભી પહોંચી પણ ગયાં અને બાને હિતવર્ધક મંડળમાં લઈ ગયાં. આ હિતવર્ધક મંડળમાં એક્સપર્ટ કહેવાય અને પોતાના કામમાં એકદમ પારંગત એવા ડૉક્ટરોની પૅનલ છે, જે બહુ ઓછી ફી લઈને ખૂબ સારી સેવાનું કામ કરે છે. બાને જોઈને જ ડૉક્ટરે કહ્યું, ‘બન્ને હાથમાં ફ્રૅક્ચર છે.’ એક્સ-રે લીધા પછી એમાં પણ એમ જ આવ્યું. દાદ આપવી પડે બાને, આટલી તકલીફમાં હોવા છતાં જ્યાં સુધી બધી પ્રોસીજર પૂરી ન થઈ ત્યાં સુધી કંઈ પણ ખાધાપીધા વગર ચૂપચાપ અને એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યા વિના બેઠાં રહ્યાં, નહીં ચહેરા પર કોઈ પીડાનાં નિશાન કે ભાવ કે ન કોઈ ઊંહકારો. બધું પતી ગયા પછી પન્નાભાભીએ અમને જાણ કરી અને કહ્યું કે બીજા દિવસે એક હાથમાં આંગળી વચ્ચે તાર નાખવાની સર્જરી થશે અને બીજા હાથમાં કોણીમાં ક્રૅક છે એટલે ત્યાં પ્લાસ્ટર કરવું પડશે.

(હું મારી બા સાથે છું. આ ફોટોગ્રાફ બા સાથે બનેલી દુખદ ઘટનાના થોડા દિવસ પહેલાંનો છે- જમનાદાસ મજીઠિયા)

બાની ની-રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી હતી એ બોરીવલીના ડૉક્ટર મકવાણાને ત્યાં બા બહુ કમ્ફર્ટેબલ હતાં એટલે અમે નક્કી કર્યું કે ત્યાં જ જઈએ અને ડૉક્ટર મકવાણાએ બખૂબી બન્ને કામ પતાવ્યાં અને એ જ દિવસે સાંજે ઘરે રવાના પણ કરી દીધાં. હસતાં ને હસતાં રહેતાં મારાં બાને જોઈને હું રડી પડ્યો. એક વાત મને કહેવી છે, ગજબની હિંમત હોય છે આપણાં માબાપમાં. આપણને તેઓ જ સલાહ આપે છે કે ગમે એવી તકલીફો આવે, ભલે કાળમીંઢ દુ:ખ આવે, પણ એ બધાનો હસતા મોઢે સામનો કરવાનો, એને સહન કરી લેવાનું અને યાદ રાખવાનું કે કોઈ પણ તકલીફો કે દુ:ખ કાયમી નથી હોતાં. માબાપની આ જ વાત માનીને આપણે આપણા વ્યસ્ત જીવનમાં આગળ વધી જઈએ છીએ, પણ મને કહેવું છે કે આ બધી વાતો એના સમયાનુસાર રંગ બદલે છે.

જેમ-જેમ ઉંમર બદલાય એમ હિંમત પણ એનું રૂપ બદલે. ઉંમર સાથે બધાની શારીરિક અને માનસિક પરિસ્થિતિ સરખી નથી હોતી અને આ જ કારણ છે જેને લીધે મને આ વિષય પર લખવાનું મન થયું. લખવાનું મન થયું અને કહેવાનું પણ મન થયું કે અમુક ઉંમર પછી સંતાનોએ માબાપનું વિશેષ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હું એમ નથી કહેવા માગતો કે બધાં કામ પડતાં મૂકીને આ વાત પર ધ્યાન આપો, કાળજી લો, પણ વ્યસ્તતા વચ્ચે પણ યાદ કરીને, અચૂક ભૂલ્યા વિના માબાપને એકાદ ફોન કરીને તેમના સંપર્કમાં રહીને તેમની કાળજી લેવાનું યાદ દેવડાવતાં રહેવું બહુ જરૂરી છે. યાદ રાખજો કે માણસ શરીરથી મોટો થાય છે, મનથી નથી થતો.

તમારામાંના ઘણા લોકોએ અનુભવ કર્યો હશે કે આપણા ઘરના સિનિયર સિટિઝન સતત ઍક્ટિવ રહેવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે અને આમ જોઈએ તો એક રીતે એ સારું જ છે. અંગ્રેજીમાં એક વાક્ય છે, આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશૉપ. નવરાશ સાથે બેસી રહેશો તો ઘરમાં પંચાત અને ઝઘડા શરૂ થઈ શકે અને જો એવું ઇચ્છતા ન હો તો વડીલોને ક્યારેય અટકાવવા નહીં, ઊલટું તેમને પ્રોત્સાહન આપવું.

તે જે કોઈ પ્રવૃત્તિ કરે એમાં તેમની શારીરિક સેફ્ટી જળવાયેલી રહે એ વાતનું ધ્યાન રાખવું. તમે યાદ કરો, આપણે જ્યારે નાના હતા, ચાલવાનું શીખતા ત્યારે કોઈ વાર બૅલૅન્સ ખોઈને લાડવો ખાતા, આવું જ વડીલો સાથે થઈ શકે છે, પણ બાળઉંમરે એમ કહેવાય કે આમ જ મોટા થવાય, પણ વડીલોને એ લાગુ નથી પડતું. તેમના માટે આ રીતે પડવાનું ઘાતક સાબિત થઈ શકે છે, માબાપ આપણા બાળપણમાં જેટલી કાળજી લેતાં એવી જ નહીં, પણ એના કરતાં વધારે કાળજી આપણે લેવાની છે જેથી તેમને ઓછામાં ઓછી તકલીફ પડે. જો ચાલવામાં તેમને તકલીફ પડતી હોય, ઉંમરને કારણે બૅલૅન્સ ન રહેતું હોય તો ઘરની દીવાલો પર હૅન્ડલ રાખી શકો જેને પકડીને તે રૂમના કે બાથરૂમના દરવાજા સુધી જઈ શકે. તેમણે વધારે હલનચલન ન કરવું પડે એ માટે તેમના પલંગની બાજુમાં જ ટેબલ રાખો; જેના પર દવા, તેમને ગમે એવાં વાંચવાનાં પુસ્તકો, પાણીની બૉટલ અને બીજી તેમની રોજબરોજની ચીજવસ્તુઓ રાખી મૂકો. હવે રિમોટ ઑપરેટેડ બેલ આવી ગઈ છે. ઘર મોટું હોય તો તેમના બેડ પાસે આવી બેલ રાખવી જેથી જરૂર પડે ત્યારે તમને બોલાવવા ઇચ્છતાં હોય ત્યારે એ વગાડી શકે. હું કહીશ કે બાથરૂમ-ટૉઇલેટમાં તેમને માટે ખાસ વ્યવસ્થા કરાવવી. એક તો બાથરૂમ ભીનું ન રહે એ જોવું, જેથી તે સ્લીપ ન થાય. બાથરૂમમાં ટેબલ રાખો, જેના પર બેસીને તે નાહી શકે. જમીન પર બેસશે તો તેમને ઊભાં થવામાં પ્રૉબ્લેમ થઈ શકે છે. કમોડ પાસે કે પછી તેમને જરૂર હોય ત્યાં હૅન્ડલ રાખો જ રાખો અને સૌથી અગત્યની વાત, તેમને કહેવાનું કે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ નહીં જ કરવાનો. તેમના બાથરૂમનું ગિઝર તેમણે નાહી લીધા પછી બંધ કર્યું છે કે નહીં એ આપણે ચેક કરવાનું. આવી વાતો બીજાને બાલિશ લાગે, પણ અમુક ઉંમર પછી માબાપ બાળક જ હોય છે, શરીરથી અને ક્યારેક મનથી પણ. તેમની વાતો મિક્સ હોય છે, ક્યારેક સાવ બાળક જેવી વાતો કરશે તો ક્યારેક દુનિયા જોઈ ચૂકેલા અનુભવની વાતો તેમના મોઢેથી સાંભળવા મળશે. તેમની વાતોને ઉડાવી ન દેવી. આપણે બાળક તરીકે એવી વાતો પૂછીને તેનું મગજ કેટલું ખાધું હશે એનું આપણને ભાન નહીં હોય. તેમની વાતોનો ખૂબ જ માનપૂર્વક જવાબ આપવાનો આગ્રહ રાખવો.

ઘણી વાર હું ઉતાવળમાં હોઉં ત્યારે મારી બાની વાતોને લીધે મારી ધીરજ ખોવાઈ જાય, પણ પછી મને બહુ ગિલ્ટ ફીલ થાય. માબાપ સામે ક્યારેય ઉગ્ર ન થવું. થઈ જતા હો તો વિચારવું કે શું તમારું ખરાબ વર્તન તમારાં માબાપ ડિઝર્વ કરે છે? તમારા સારા વર્તનથી તેમનો આત્મવિશ્વાસ ઘણો વધશે. મોટી ઉંમરને લીધે, શરીરના થાકને લીધે અને નબળાઈને લીધે આત્મવિશ્વાસ ઓછો થતો હોય, ખાસ કરીને જ્યારે શરીર સાથ ન આપતું હોય ત્યારે, સ્વાવલંબન જતું હોય ત્યારે પણ એવા સમયે આત્મવિશ્વાસ આપવાનું કામ આપણે કરવાનું છે. આ એવી ઉંમર છે જે ઉંમરે પોતાની ઉંમરના લોકોને દુનિયાથી વિદાય લેતાં જોતાં તેઓ જોતાં હોય. એવા સમયે તેમના મનમાં થતું જ હોય કે હવે આપણો પણ બુલાવો ગમે ત્યારે આવી શકે છે. આવી માનસિક અવસ્થા વચ્ચે બને તો દિવસમાં એક વાર માબાપને પ્રેમથી ભેટવું, તેમના માથે હાથ ફેરવવો અને ગાલ પર પપ્પી આપવામાં ક્યારેય ન સંકોચાવું. એકલા પડી ગયેલાં માબાપ સાથે તો આ બધું ખાસ કરવું, તેમને બહુ વહાલું લાગશે.

માબાપે પણ અમુક બાબતો સમજવાની જરૂર હોય છે. બીમારીના ઘરગથ્થુ ઇલાજ અમુક લેવલ સુધી ઠીક છે, પણ પછી ડોક્ટરના પૈસા સામે જોયા વગર તેની પાસે દવા લેવા જવું જોઈએ. છોકરાઓને ખર્ચો થશે, એ લોકો હેરાન થશે એવો વિચાર સારો છે, પણ દવા વખતે નહીં, કારણ કે સંતાન નાનપણમાં બીમાર પડ્યાં હશે ત્યારે તમે પણ આવું નહીં કર્યું હોય, નૅચરલી તમારું સંતાન પણ એવું ન જ ઇચ્છતું હોય. અમુક કામો ન કરવાં તે ન જ કરવાં. પ્રવૃત્ત રહેવું ખોટું નથી, પણ શરીરને સમજી એ પ્રવૃત્તિ કરવી. આ બહુ જરૂરી છે. આ બધું કહીને હું કંઈ શીખવાડવાનો પ્રયાસ નથી કરતો, પણ આજની ભાગદોડ અને સ્ટ્રેસફુલ લાઇફમાં કંઈ ભુલાઈ ગયું હોય તો એ વાત યાદ દેવડાવવાનો પ્રયાસ માત્ર છે. તમને પણ અને મારી પોતાની જાતને પણ.

આ પણ વાંચો : કૉલમ : યાદગાર વેકેશનનો અંતિમ એપિસોડ

અગાઉ ઘણા આર્ટિકલમાં માબાપ વિશે મેં લખ્યું છે, પણ બા સાથે થયેલી દુર્ઘટના અમે ટાળી ન શક્યા, જેને લીધે થયું કે આ બધી વાતો તમારી સાથે શૅર કરું. કાશ કોઈનાં માબાપને કાળજીમાં કામ આવે અને આ મહેનત લેખે લાગે. મારાં બા-બાપુજીનું જીવન હંમેશાં એવું રહ્યું છે જેનાથી બીજાને કોઈક પ્રકારનો ફાયદો જ થયો છે એટલે આ વખતે પણ મને લાગ્યું કે આ વાતથી બીજાને લાભ થઈ શકે છે. તમે માનશો, આ લેખ લખતાં પહેલાં એમાં મારાં બાની અંગત વાતો આવવાની હતી એટલે મેં તેમની પરમિશન લીધી અને પછી આ લેખ લખ્યો છે. ઘણી વાર આપણે આપણાં માબાપને બહુ મહત્વની વાત વિશે પૂછતાં નથી. મહત્વનું છે કે તેમની મરજી, તેમની ઇચ્છાથી લઈને બીજી બધી વાતો જે તેમના જીવનની છે એ બાબતમાં તેમને પૂછવું જ જોઈએ. આ તેમના સન્માનનો વિષય છે અને ક્યારેય ગ્રાન્ટેડ લેવું નહીં. તેમની વાત જ નહીં, માબાપને પણ ક્યારેય જીવનમાં ગ્રાન્ટેડ લેવા નહીં.

JD Majethia columnists