Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : યાદગાર વેકેશનનો અંતિમ એપિસોડ

કૉલમ : યાદગાર વેકેશનનો અંતિમ એપિસોડ

12 April, 2019 10:02 AM IST |
જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ

કૉલમ : યાદગાર વેકેશનનો અંતિમ એપિસોડ

જેડીને પાછી મળી ખોવાયેલી બૅગ

જેડીને પાછી મળી ખોવાયેલી બૅગ


જેડી કૉલિંગ

(ગયા વીકમાં તમે વાંચ્યું, ઇસ્તંબુલથી અમે ફ્લાઇટમાં બેઠા અને મુંબઈ આવવાની દિશામાં પ્રયાણ કર્યું. અમારી બૅગના કોઈ સમાચાર નહોતા, એ ક્યાં છે અને શું કરે છે એની માત્ર કલ્પના થઈ શકતી હતી અને એ સિવાય અમે કશું પણ કરી શકીએ એમ નહોતા. એક વાત યાદ રાખજો, જ્યારે કંઈ ન કરી શકીએ ત્યારે ચિંતા છોડી દેવી. આવી ચિંતાનો બોજ ઈશ્વરને પણ આપવો નહીં. આવું હું માનું છું. મારી આ અને આવી બીજી માન્યતાઓ વચ્ચે હવે જોઈએ આગળ...)



વેકેશન પૂરું કરતાં પહેલાંની અમારી આ છેલ્લી જર્ની હતી. મને તો આ પણ ફ્લાઇટમાં બહુ મજા આવે અને હું બધું ભૂલી જાઉં. આકાશમાં ઊડતાં હો ત્યારે આમ પણ જમીનની કોઈ વાત યાદ રાખવાની જરૂર હોતી નથી, તમે કશું કરી પણ શકતા નથી એટલે હું હંમેશાં મારી ફ્લાઇટ એન્જૉય કરતો હોઉં છું. એ દિવસે પણ બધાની સાથે હું પણ વેકેશનની છેલ્લી સફરને માણવા માંડ્યો. બધા પોતપોતાનામાં વ્યસ્ત થયા અને સ્ક્રીન તરફ વળ્યા. ખાઈપીને સરસ મજાના પ્રોગ્રામો જોવાના શરૂ કરી દીધા અને પછી થાક્યા એટલે મસ્ત ઊંઘ ખેંચી લીધી. સવાર સુધીમાં અમે મુંબઈ લૅન્ડ થયા અને મોબાઇલ ઑન થયા. નેટવર્ક મળતાંની સાથે જ મેસેજનો ઢગલો આવ્યો. બહુ બધા મેસેજમાં એક મેસેજ તરફ મારું ખાસ ધ્યાન ગયું. એ મેસેજ હતો અમારા એન્જલ જેવા પાઇલોટ ડેવિડનો. અમે જ્યારે આકાશમાં ઊડતા હતા, ખાઈપીને મોજ કરતા હતા, ત્યારે એ ભાઈ અમારી બૅગ શોધી રહ્યા હતા. ડેવિડભાઈનો મેસેજ હતો કે અમારી બૅગ મળી ગઈ છે. અમારા એ મિત્ર પાઇલટે ઍથેન્સના લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં એ બૅગ જમા કરાવી દીધી હતી.


જેવો આ મેસેજ વાંચ્યો કે અમારી બૅગ મળી ગઈ છે અને હવે એ ઍથેન્સના લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં જમા છે એટલે અમે બધાએ નિરાંતનો શ્વાસ લીધો, જોકે બીજી બે જ મિનિટમાં અમે ફરી વખત મૂંઝાયા, કારણ કે બૅગ તો છેક ઍથન્સ પડી હતી. હવે એને પાછી કેવી રીતે લાવવી અને એ લાવવાની કઈ પ્રોસેસ કરવી. અમે આપણા મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં રૂબરૂ પહોંચ્યા અને તેમને એના વિશે પૂછયું ત્યારે અમને કહેવામાં આવ્યું કે વહેલી તકે અમને જણાવવામાં આવશે કે બૅગ કેવી રીતે અને ક્યારે પાછી આવશે. ભારતની બહાર ભુલાઈ ગયેલી ચીજ ઍરલાઇન્સ દ્વારા લાવવાનું કામ આટલું અઘરું હોય તો જરા વિચારો કે પાકિસ્તાન કે વિદેશમાં આપણી ખોવાયેલી કે ફસાયેલી વ્યક્તિને પાછી લાવવામાં કેવી તકલીફ પડતી હશે. અમે પેલા એન્જલ પાઇલટને થૅન્ક યુનો મેસેજ કર્યો. આમ જોઈએ તો એનું કામ પૂરું થયું હતું, પણ એમ છતાં તેમણે સતત અમારી સાથે વૉટ્સઍપ પર સંપર્ક રાખ્યો અને અમને ઍથેન્સના લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટનો નંબર પણ શૅર કર્યો.

અમે એ નંબર પર ફોન કરતા જ રહ્યા... કરતા જ રહ્યા... કરતા જ રહ્યા...


એ પાઇલોટ એન્જલે પણ બિચારાએ ચારપાંચ વાર ટ્રાય કરી પણ આપણી ગવર્નમેન્ટ કે પછી આપણને જ્યારે જરૂર હોય ત્યારે બૅન્ક કે ક્રેડિટ કાર્ડના કસ્ટમર કૅરમાં ફોન લાગે જ નહીં કે ફોન પર કોઈ આવે નહીં એવું જ ઍથેન્સમાં બન્યું. હું તો કહીશ કે આપણને સારા કહેવડાવે એવું તંત્ર આ ઍથેન્સમાં હતું. ત્રણ-ત્રણ દિવસ સુધી એકધારા ફોન કરીએ, રિંગ વાગે અને એ પછી પણ વાત થાય નહીં. અરે, કેટલીક વાર તો અમને એ ફોન બિઝી મળે તો અમે રાજી થઈ જઈએ કે હવે તો કોઈક ફોન ઉપાડશે એટલે એકધારા અમે ફોન કરતાં રહીએ, પણ પછી ફોન ઊંચકાય જ નહીં. સાવ વ્યર્થ સમય જતો હતો અને કોઈ જાતનો રિપ્લાય પણ મળતો નહોતો એટલે આપણી ચિંતા ફરી શરૂ થઈ. ઍથેન્સ જવાની જે સીઝન હોય છે એ પૂરી થઈ ગઈ હતી એટલે કોઈ ઓળખીતા આવવાના કે જવાના હોય એવું પણ બનતું નહોતું. અમે ફરી એક વખત લાચાર થઈ ગયા.

અમે ટર્કીશ ઍરલાઇન્સના સ્ટાફ સાથે પણ વાત કરી, પણ ઍરલાઇન્સનો નિયમ છે કે એ લોકો કોઈ બીજાની બૅગ લઈ આવવાની પરવાનગી આપતા નથી એટલે એ વાત પણ પડી ભાંગી. મુંબઈ ઍરપોર્ટ પર અમને જવાબ મળતો, પણ એનાથી વિશેષ કશું નહીં. આમ ને આમ પાંચ-છ દિવસ નીકળી ગયા અને એવામાં એક દિવસ ફોન લાગી ગયો. આપણે તો ખુશ-ખુશ. સામેથી ફોન ઊંચકાયો અને આપણે વાત શરૂ કરી એટલે તરત જ પહેલાં તો ખુલાસો થયો કે આ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટના હાથમાં હોય છે એટલે તમારે એમને જવાબ આપવા પડશે. હું કંઈ કહું કે સમજું એ પહેલાં તો ફોન પકડાવી દેવામાં આવ્યો પોલીસને. તેમણે સવાલો કરવાના શરૂ કરી દીધા અને આપણે પણ આપણી રીતે જવાબો આપ્યા. પણ, પણ, પણ... જવાબો આપવા સિવાય વિશેષ કશું થયું નહીં અને બધી વિગતો લખીને અમને ફરી પાછો ફોન કરવાનું કહ્યું.

બાપ રે બાપ. આ સાંભળીને તો અમારા શરીરનું એકેક રુવાંડુ ઊભું થઈ ગયું. હવે ફરી ફોન કરવાના, વાત કરવાનો પ્રયાસ કરવાનો અને એ પણ પછી પણ સફળતા ન મળે તો ધીરજ ગુમાવ્યા વિના અમારે આ કામમાં લાગેલા રહેવાનું. કર્યું, આ બધું કામ કર્યું, પણ અમને સફળતા ન મળી અને એવામાં અમને યાદ આવ્યા ‘ટ્રાવેલ ૩૬૦’વાળા ચેતન ગાંધી. આ ચેતનભાઈએ જ અમારી ગ્રીસની ટૂર પ્લાન કરી હતી. અમે તેમને વિનંતી કરી કે તે તેમની ગ્રીસની ઑફિસમાં કહે. તેમણે તેમની ત્યાંની ઑફિસમાં ઓલ્ગા નામની છોકરીને વાત કરી અને અમને હેલ્પ કરવા માટે કહ્યું. ઓલ્ગા તૈયાર થઈ ગઈ. આપણને મુંબઈમાં આવી કોઈ જરૂર પડે તો માણસ દોડીને પોતાના ખર્ચે પણ ઍરપોર્ટ પર જઈને કામ કરી આવે, પણ વિદેશમાં એટલું સહેલું નથી હોતું. ઓલ્ગા પાસે પોતાની કાર નહોતી એટલે જે દિવસે તેમના ભાઈની કાર ફ્રી હોય ત્યારે એ કાર લઈને બૅગ લાવી શકે. આ એક સિમ્પલ પ્રૉબ્લેમ છે અને આવા તો અનેક પ્રૉબ્લેમ્સ ઓલ્ગાને પણ હતા એટલે એ બધા હવે અત્યારે અહીંયાં નથી લખતો, પણ અમુક દિવસો પછી ઓલ્ગાએ એ બધા પ્રૉબ્લેમની સામે લડીને ઍરપોર્ટ જવાનું ગોઠવ્યું અને ત્યાં જઈને અમારી બૅગ કલેક્ટ કરી. બૅગ ઓલ્ગાના હાથમાં આવી ગઈ એવી ખબર પડી ત્યારે મનમાંથી સૌથી પહેલો કયો શબ્દ નીકળ્યો હશે એની કલ્પના છે.

હાશ...

મળી ગઈ, મળી ગઈ, મળી ગઈ...

બૅગ મળી ગઈ ત્યારે નાનાં બાળકો કરે એવો દેકારો કરવાનું મન થયું હતું, પણ અમારો આ ઉત્સાહ ક્ષણિક હતો. કુરિયરવાળાએ બૅગના વજન (અને કિંમત કરતાં) બમણા પૈસા માગ્યા. અહીંયાં આપણો ધંધાદારી જીવ આડો ફંટાયો. આટલી જફા પછી સીધી રીતે ઇઝીલી પાછી મળતી બૅગને થોડા રૂપિયા માટે એ બૅગને ફરી પાછી ફંટાવી. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં, થોડા રૂપિયા એટલે લગભગ અડતાલીસ હજાર રૂપિયા, બસ. તમે જ નક્કી કરો કે ગુજરાતી માણસે કુરિયરમાં આટલા રૂપિયા જવા દેવા જોઈએ કે નહીં. અમે ઓલ્ગાને કીધું કે તું બૅગ તમારી ઑફિસે પાછી લઈ જા, અમે કોઈક રસ્તો વિચારીએ છીએ. કાઢ્યો આપણે એક રસ્તો. બૅગ અમે ૨૦ યુરોમાં કુરિયર કરાવી થેલોસનકી, જ્યાં અમારા મિત્ર મિતેશભાઈના એક મિત્ર ફૅક્ટરી વિઝિટ કરવાના હતા. એ ફૅક્ટરીમાં અમને કોઈ ઓળખતું નહોતું. એ ફૅક્ટરીમાં અમારી બૅગ એક વીક સુધી રહી. ત્યાંથી બૅગ ઇસ્તંબુલ પહોંચી અને ત્યાંથી બૅગ વહાબ અને ચેટીન નામના અન્ય બે મિત્રોને આપવામાં આવી અને લોકો બૅગ લઈને મુંબઈ આવ્યા. મુંબઈ લાવીને પણ મને તેમણે જણાવ્યું નહોતું કે બૅગ પરત આવી ગઈ છે.

પાંચમી ફેબ્રુઆરીએ મારો જન્મદિવસ અને એ દિવસે હું અમારી સિરિયલ ‘ભાખરવડી’ના સેટ પર આવ્યો. સેટ પર પહોંચ્યો ત્યારે મારા ખુશીનો પાર ન રહ્યો. મિતેશભાઈની સાથે અમારા ઇસ્તંબુલના બે મિત્રો હાજર હતા અને તેમની સાથે ખોવાયેલી અમારી પેલી બૅગ પણ હતી. મારી લાઇફની આ બેસ્ટ બર્થડે સરપ્રાઇઝ હતી. અમે બધા ખૂબ હસ્યા અને આ બૅગ ક્યાં ક્યાં ફરી એની વાતો કરી. અમે અમારા વેકેશનમાં જેટલું ફર્યા નહોતાં એટલું આ બૅગ ફરી હતી.

આ પણ વાંચો : કૉલમ : યાદગાર વેકેશન ને ઇસ્તંબુલ ઍરપોર્ટ પરની રઝળપાટ

આખી વાતનો સાર એ કે વિદેશમાં વસ્તુ, બાળકો અને તબિયતનો ખૂબ ખ્યાલ રાખવો. જો આમાંથી કોઈને પણ અસર થાય તો આપણી કલ્પના અને ધારણા કરતાં પડનારી તકલીફ થોડી વધારે મોટી હોય છે. દરેક વખતે આપણે નસીબદાર નથી હોતા કે મને મળ્યા એવા મિત્રો મળે અને આટલા હેરાન થાય. ટૂંકમાં કહું તો, વેકેશન જાળવીને ઊજવવા અને એમાં ધ્યાન પણ પૂરતું રાખવું.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2019 10:02 AM IST | | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK