રશિયાનો યુદ્ધભૂમિનો ઇતિહાસ ગૌરવદાયી અને પ્રભાવશાળી રહ્યો છે

30 August, 2019 03:19 PM IST  |  મુંબઈ ડેસ્ક | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ

રશિયાનો યુદ્ધભૂમિનો ઇતિહાસ ગૌરવદાયી અને પ્રભાવશાળી રહ્યો છે

રેડ સ્ક્વેર અને રેડ હાઉ પૅન્ટ: આ આખો વિસ્તાર જોયા પછી પણ તમારી આંખો થાકે નહીં અને એ ધરાય પણ નહીં.

જેડી કૉલિંગ

(મૉરિશિયસ ગયેલી એક ફૅમિલીએ હોટેલમાંથી લીધેલી આઇટમો તેમના સામાનમાંથી નીકળી અને એ ફૅમિલી રંગેહાથ પકડાઈ ગયું. આ વિડિયો અત્યારે બહુ વાઇરલ થયો એટલે આવું કરવામાં કોઈને પણ ડર લાગે એ સ્વાભાવિક છે. મારી વાત તમને કહું. હું હોટેલમાંથી બીજું કંઈ ન લઉં, પણ હું બ્રેકફાસ્ટ પત્યા પછી એક ફ્રૂટ લઈને બૅગમાં રાખી દઉં. આપણે ત્યાં રસ્તા પર લારીમાં ફ્રૂટ્સ વેચાતાં હોય છે, પણ મોટા ભાગની ડેવલપ કન્ટ્રીમાં ફ્રૂટ્સ ખરીદવાં હોય તો તમારે મૉલમાં જવું પડે. આ ફ્રૂટ્સ એ આપણા જેવા વેજિટેરિયન માટે સંકટ સમયની સાંકળ જેવું હોય છે એટલે ગિલ્ટી ફીલ નહીં કરવાનું, લઈ લેવાનું. ફ્રૂટ લઈને અમે ફરવા નીકળ્યા. અમારે મેટ્રોમાં ‘બન્કર ૪૨’ નામનું મ્યુઝિયમ જોવા જવાનું હતું)

અમારી ટૂર ગાઇડ જેવી કેસરે બધું બરોબર ગોઠવી રાખ્યું હતું. કેસરની આ ક્વૉલિટી સરસ છે. એ જ્યાં પણ જવાની હોય ત્યાંની બધી માહિતી પહેલાં એકઠી કરી લે અને એ પછી એ બધું પ્લાનિંગ કરે. મેટ્રોમાં બેસીને અમારે આ ‘બન્કર ૪૨’ મ્યુઝિયમ જવાનું હતું અને એ જગ્યાએ પહોંચતાં પહેલાં રસ્તામાં એક ટ્રેન ચેન્જ કરવાની હતી. અજાણ્યા દેશમાં આવું બધું કરવામાં ડર લાગે, પણ કેસરને એવી બીક લાગે નહીં અને આમ પણ અમે આ પ્રકારે એટલો પ્રવાસ કરી લીધો છે કે હવે અમારામાંથી કોઈને એવો ડર લાગતો નથી.

અમે એક ટ્રેન બદલીને ‘બન્કર ૪૨’ નામના એ મ્યુઝિયમ પર આવ્યા.

૧૭થી ૧૯ માળ જમીનની અંદર ઊભું કરેલું આ મ્યુઝિયમ વર્લ્ડ વૉર વખતનું છે. એ સમયે આ એક લશ્કરી છાવણી હતી, એની ડિઝાઇન એ પ્રકારની બનાવવામાં આવી હતી કે એ છાવણી પર ન્યુક્લિયર બૉમ્બ નાખવામાં આવે તો પણ અંદર રહેલા રશિયાના ઑફિસરોને કોઈ અસર થાય નહીં, કોઈ હાર્મ પહોંચે નહીં. રશિયા લશ્કરી અને જાસૂસીના ક્ષેત્રમાં અવ્વ્લ છે એવું પહેલેથી કહેવાતું આવ્યું છે, પણ ‘બન્કર ૪૨’ જોયા પછી તો તમારે પણ સ્વીકારવું જ પડે કે રશિયા આ ફીલ્ડમાં બહુ આગળ છે અને એણે અદ્ભુત કામગીરી કરી છે.

‘બન્કર ૪૨’માંથી નીકળીને અમે રશિયાના સ્પેસ સેન્ટર ગયા.
આ સ્પેસ સ્ટેશન અમેરિકાના નાસા જેવું જ છે. અહીંનું કામકાજ બહુ મજાનું છે. આ સ્પેસ સ્ટેશનમાં પહેલાના સમયના ઍસ્ટ્રોનૉટના ફોટોગ્રાફ્સથી માંડીને અવકાશમાં જતી વખતે ઍસ્ટ્રોનૉટ પોતાની સાથે ખાવાપીવામાં શું-શું લઈ જાય એની બધી માહિતી અને પિક્ચર્સ રાખવામાં આવ્યાં છે. આ સ્પેસ સેન્ટર જોયા પછી મને પહેલી વાર ખબર પડી કે અવકાશયાત્રીઓનું ખાવાનું ટૂથપેસ્ટ જેવી પેસ્ટમાં હોય છે. અવકાશયાત્રીએ ટ્યુબ મોઢામાં લઈને ખાઈ લેવાની એટલે લંચ કે તેનું ડિનર થઈ જાય. ટ્યુબ જેવા સરળ રસ્તા સાથે કાચા સૅલડથી લઈને ઘણીબધી બીજી આઇટમ પણ હતી. રૉકેટના સૅમ્પલથી લઈને આપણે નેટ કે ટીવી કઈ રીતે જોઈ શકીએ છીએ અને નેટથી મિત્રોના સંપર્કમાં કેમ રહી શકીએ છીએ એની પણ બધી માહિતી રાખવામાં આવી હતી. બે-ત્રણ કૂતરાઓને સ્ટફ્ડ કરીને રાખ્યા હતા. એ નસીબદાર કૂતરા પોતાની જાણ બહાર સ્પેસમાં ફરી પણ આવ્યા હતા.

આ સ્પેસ સેન્ટરમાંથી નીકળીને અમે ગયા એક વૉર મ્યુઝિયમ પર, જ્યાં દરેક વૉર વખતની રશિયાની ભૂમિકાની ગાથા વર્ણવવામાં આવી હતી, તો સાથોસાથ એ વૉરમાં વપરાયેલાં યુદ્ધનાં સાધનો હતાં. ટૂંકમાં, તેમની મિલિટરી શિક્તનું ખૂબ સરસ પ્રદર્શન હતું એ. મને એક વાત ખાસ કહેવી છે કે રશિયાનો યુદ્ધભૂમિનો ઇતિહાસ અત્યંત સરસ અને પ્રભાવશાળી રહ્યો છે.
આ ત્રણ વિઝિટ સાથે અમારો એ દિવસ પૂરો થઈ રહ્યો હતો અને અમારા પેટમાં ઉંદરડાઓએ પણ દોડાદોડ શરૂ કરી દીધી હતી. અમે વેજિટેરિયન ફૂડની શોધ શરૂ કરી જે એક રેસ્ટોરાંમાં પૂરી થઈ અને અમે ત્યાં ડિનર લીધું. ડિનર ખરેખર અદ્ભુત હતું. આજકાલ દુનિયાભરમાં વીગન ફૂડની બહુ બોલબાલા છે. આપણે ત્યાં મુંબઈમાં પણ બેચાર એવી રેસ્ટોરાં થઈ છે. આ વીગન ફૂડ વિશે હવે તો મોટા ભાગનાઓને ખબર છે છતાં જાણ ખાતર કહી દઉં કે વીગન આહારી એટલે કે આપણા વેજિટેરિયનના પણ વેજિટેરિયન! વેજિટેબલ ફૂડ્સ જ લે અને એમાં પણ પાછા ડેરી પ્રોડક્ટ્સને હાથ પણ ન અડાડે. તમે જો થેપલાં અને ચકરી કરતાં અલગ સ્વાદના શોખીન હો તો આવી રેસ્ટોરાં વિદેશમાં ઠેર-ઠેર છે. અમે ‘એવોકાડો’ નામની રેસ્ટોરાંમાં સૂપ પીધાં, મેઇન કોર્સ લીધું અને છેલ્લે એવી અદ્ભુત પેસ્ટ્રી ખાધી જેનો ટેસ્ટ અત્યારે પણ હું ભૂલ્યો નથી અને એ વર્ણવી પણ શકું એમ નથી. સાચે, એવી પેસ્ટ્રી મેં ક્યાંય ખાધી નથી. ભારતમાં આવી આઇટમ જવલ્લે જ મળે.
રશિયાની કરન્સી રૂબલ છે. આપણને બહુ મોંઘી ન પડે. એ લોકોનો રૂપિયો એટલે આપણા એક રૂપિયો ને વીસ પૈસા. આમ દૃષ્‍ટિએ જુઓ તો રશિયા તમને સસ્તું લાગશે. આ થઈ સહેજ આડવાત.

હવે આવીએ ફરી આપણા પ્રવાસ પર. રેસ્ટોરાંમાં જમીને અમે સીધા હોટેલ પહોંચ્યા અને આમ દિવસ પૂરો કર્યો.
નવી સવાર.

એ જ ટેબલ અને એ જ નાસ્તો.

નાસ્તામાંથી પરવારીને અમે નીકળ્યા મૉસ્કોના સૌથી પ્રચલિત રેડ સ્ક્વેર અને ક્રેમલિન સેન્ટર જોવા. અમારા મૂળભૂત પ્લાન મુજબ અમે અમારા આ પ્રવાસમાં ગાડી અને ગાઇડ સાથે રાખવાના હતા, પણ અમારા ઑલમોસ્ટ ૧૬ કલાક મુંબઈમાં અને એક દિવસ દુબઈમાં ગયો એટલે અમે બધું મેટ્રોમાં કવર કરવાનું નક્કી કર્યું હતું અને અમારો એ નિર્ણય ૮૦થી ૯૦ ટકા વાજબી પુરવાર થયો. હા, ક્યાંક અને કોઈક જગ્યાએ અમને ગાઇડની ખોટ સાલી એની ના નહીં, પણ સમય પુષ્‍કળ બચ્યો એ પણ એટલું જ સાચું છે.

ક્રેમલિન સેન્ટરની ટિકિટ માટેની લાઇન બહુ લાંબી હોય છે, લેનિન સેન્ટર ક્યારેક જ ખુલ્લું રહે છે. આર્મરી ચેમ્બરની રોજ લિમિટેડ ટિકિટ જ ઇશ્યુ થાય એટલે તમે જો સમયસર બુક ન કરાવો તો તમારે એ મિસ કરવી પડે. મૉસ્કોનું આર્મરી ચેમ્બર મ્યુઝિયમ છોડવા જેવું નથી જ નથી, બેસ્ટ છે. ભૂલથી પણ એ મિસ ન કરવું એવી મારી સૌકોઈને સલાહ છે. રજવાડાનાં ઘરેણાંથી લઈને એ જમાનાનાં જમવાનાં વાસણો, સિંહાસન, બગ્ગી, બખ્તર અને અનેક એવી વસ્તુઓ. તમે ગમેએટલો સમય લઈને જાઓ પણ તમને સમય ખૂટે જ ખૂટે. ત્યાં રહેલાં હથિયારો, તલવારો અને બંદૂક જોઈને તમને જીવ આપવાનું મન થઈ જાય, ઘરેણાં જોઈને થાય કે આવાં ભારેભરખમ ઘરેણાં કેમ પહેરતા હશે. ખૂબ જ ઝીણવટ અને બારીકાઈથી બનાવેલાં એ ઘરેણાં. 

એક શબ્દમાં કહું તો અદ્ભુત હતું આખું મ્યુઝિયમ.

ત્યાંથી નીકળીને અમે સાંજે રેડ સ્ક્વેર ગયા. રેડ સ્ક્વેર એટલે એવું ચોગાન જ્યાંથી બધું જ કનેક્ટેડ છે. વિશાળ શૉપિંગ મૉલથી લઈને, પાંચેક ગોળાકાર ઘુમ્મટવાળા ચર્ચથી લઈને લેનિનના મ્યુઝિયમથી લઈને શૉપિંગ લેન. ટૂરિસ્ટથી ભરપૂર, દુનિયાભરની પ્રજા તમને અહીં જોવા મળે. દુનિયાભરની પ્રજા, સાથે થોડો વરસાદ વરસ્યો અને વોડકા પણ.

હા, હા, હા...

રશિયા જાઓ એટલે ત્યાં વોડકા કમ્પલ્સરી છે એવું માની જ લેજો. ઠંડીનું વર્ણન તો મેં આ સિરીઝના આગળના એપિસોડમાં કરી જ દીધું છે.

આ પણ વાંચો : 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

રશિયાનાં મેટ્રો સ્ટેશન પણ જોવા જેવાં છે એટલે અમે રેડ સ્ક્વેરથી નીકળીને મેટ્રો સ્ટેશન જોવા ગયા અને બેથી ત્રણ સ્ટેશન જોઈને પાછા હોટેલ આવી ગયા. બે દિવસના આ પ્રવાસ પછી ફૅમિલી થાકેલું અને હૅપી હતું. જોકે એ પછી પણ અમે પહેલાં પૅકિંગ કર્યું અને પછી નિરાંતે સૂતા.

બીજા દિવસે સવારે અમારે ટ્રેન પકડીને સેન્ટ પિટર્સબર્ગ જવાનું હતું. સુંદર અને અદ્ભુત છે આ સેન્ટ પિટર્સબર્ગ, જેની વાતો કરીશું આવતા અંકમાં.

JD Majethia columnists