એ પોસ્ટકાર્ડ અને આજના ફિંગર-લૉકવાળા મોબાઇલ

12 July, 2019 09:00 AM IST  |  મુંબઈ ડેસ્ક | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ

એ પોસ્ટકાર્ડ અને આજના ફિંગર-લૉકવાળા મોબાઇલ

પોસ્ટકાર્ડ

જેડી કૉલિંગ

(આપણી વાત ચાલી રહી છે પત્રોની. પત્ર, લેટર. કાગળ. આ બધાને કારણે ખૂબબધા સંબંધો બન્યા અને પોસ્ટ-ઑફિસે આ બધા સંબંધોને સાચવ્યા પણ ખરા અને આગળ પણ વધાર્યા. પહેલાં જ્યારે લાલ-કાળા રંગના પોસ્ટના ડબા જોતા ત્યારે અનેક એવા સંબંધ યાદ આવી જતા જેના પત્રની આપણે રાહ જોતા હોઈએ, પોસ્ટ-બૉક્સ અને એને ખાલી કરતા પોસ્ટમૅન. ઉનાળો હોય કે ચોમાસું, ધોમધખતો તડકો હોય કે મુશળધાર વરસાદ, પોસ્ટમૅને તો પત્રો લોકો સુધી પહોંચાડવાના જ. વીસરાઈ ગયેલા પત્રની વધુ વાતો હવે આ વીકમાં...)

લિફ્ટવાળાં બિલ્ડિંગના કન્સેપ્ટ તો હવે આવ્યા. પહેલાં તો કાં તો બંગલા હતા, કાં ચાલ હોય અને કાં તો ચાર માળનાં બિલ્ડિંગ, જેમાં તમારે દાદરા ચડીને પોતાનું કામ કરવા જવાનું અને એ પૂરું થઈ જાય એટલે નવેસરથી ૭૫થી ૧૦૦ જેટલા દાદરા ઊતરવાના અને પોસ્ટમૅને તો આવાં તો ૫૦થી ૧૦૦ બિલ્ડિંગમાં જવું પડે. જરા વિચાર કરો કે દરરોજ આટલું ચડ-ઊતર કરવાનું અને એ પછી પણ એનર્જી એવી જ રાખવાની. જો તમને મનમાં કોઈ જાતની શંકા હોય તો એક વખત ચાર માળવાળાં બિલ્ડિંગમાં ચડવાનું ચાલુ કરજો, ગૅરન્ટી, ત્રીજા માળે પહોંચતાં તો ચક્કર આવી જશે, પણ પોસ્ટમૅનને આવાં કોઈ ચક્કર આવતાં નહોતાં. તે તો એટલી સિફતથી પોતાનું કામ કરે કે ન પૂછો વાત. જોકે આ આખી વાતનો ટર્ન તો ત્યાં છે જ્યારે કોઈ ભૂલ થઈ જાય અને એક જણનો લેટર કે પાર્સલ કોઈ બીજાના ઘરે પહોંચી જાય. દાખલા તરીકે બીજા માળે રહેતા દેસાઈસાહેબનો લેટર ચોથે માળે રહેતા દેસાઈ કે ‘એ’ વિન્ગમાં રહેતા દેસાઈને આપી દેવામાં આવે કે પછી ‘બી’ વિન્ગના શાહના નામમાં ભૂલ કરી હોય લખનારાએ અને એ ભૂલને કારણે એ લેટર ‘સી’ વિન્ગના શાહને પહોંચી ગયો હોય. આવી બન્યું સાહેબ તો તો. પોસ્ટમૅનની પણ હાલત ખરાબ થાય અને જો ભૂલથી બંધ કવર વાંચી લેવામાં આવ્યું હોય તો એ બન્ને વચ્ચે પણ બરાબરનો કજિયો થાય. બીજા દિવસે પોસ્ટમૅન આવે એની રીતસર રાહ જોવાતી હોય. જેવો પોસ્ટમૅન આવે કે તરત જ બન્ને ઘરના તેને તતડાવી નાખે. આવું બને ત્યારે પોસ્ટમૅનની હાલત જોવા જેવી થઈ ગઈ હોય. કોઈ વખત તો એવું પણ બને કે પોસ્ટમૅનથી કોઈ કવર કે પાર્સલ ગોટાળે ચડી ગયું હોય અને એ રીતે દયામણી રીતે તમારી સામે જોતો હોય.

એક પોસ્ટમૅનથી મારી દીકરી મિશ્રીનો પાસપોર્ટ પડી ગયો હતો. તેની હાલત જોઈને, તેના ચહેરાના હાવભાવ જોઈને પાસપોર્ટ અમારો ખોવાઈ હતો છતાં અમે તેને સાંત્વના આપી રહ્યા હતા કે એ બિચારી પડી ન ભાંગે. ખૂબ જ જવાબદારીવાળું આ કામ છે અને એની સભાનતા પોસ્ટમૅનને પણ છે જ. આજની તારીખે પણ એ લોકો એટલા જ જવાબદાર છે. તમે જુઓ, આટલું કામ એ લોકો દરરોજ કરે છે અને એ પછી પણ ભાગ્યે જ તેમનાથી ભૂલ થાય છે. આવી એકલદોકલ ભૂલને બાદ કરતાં બધું કામ બહુ પર્ફેક્ટ રીતે એ લોકો કરે છે એ આપણે કબૂલ કરવું જ રહ્યું અને વાત રહી એકલદોકલ ભૂલની, તો આવું તો થયા કરે, પણ એનો અર્થ એ નથી કે તેમના કામની કદર કરવામાં ન આવે. આજે આ સ્તરે પ્રાઇવેટાઝેશન થઈ ગયું છે અને એ પછી પણ ગવર્નમેન્ટે આ ડિપાર્ટમેન્ટને ક્યાંય સ્પર્શ નથી કર્યો, આજે પણ પાસપોર્ટ કે બૅન્કની ચેકબુક, ઇન્કમ-ટૅક્સની નોટિસ જેવા મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ હજી પણ આપણે ત્યાં (રજિસ્ટર્ડ) પોસ્ટથી જ આવે છે.

ટેક્નૉલૉજીની થોડીઘણી જે અસર થઈ છે એ છે મનીઑર્ડરમાં. પહેલાંના સમયમાં પૈસા પોસ્ટ-ઑફિસમાં ભરો એટલે તમારા ગામ કે શહેરમાં જ્યાં મોકલવાના હોય ત્યાં બે-ચાર દિવસમાં એ પૈસા ઘેરબેઠાં મળી જતા. કેટકેટલા છોકરાઓએ પોતાનાં માબાપને ગામડે આ રીતે પોતાની કમાણી મોકલી છે અને કેટકેટલાં માબાપે શહેરમાં ભણતાં પોતાનાં સંતાનોને તેમની ફીથી માંડીને રોજિંદા ખર્ચના પૈસા મોકલાવ્યા છે. કેટલું સુંદર ઇમોશન જોડાયેલું છે આ બધી વાતો સાથે. હવે આસાનીથી બૅન્કમાં ટ્રાન્સફર થઈ જાય છે અને પેટીએમ, ગૂગલ મની જેવા બીજા રસ્તાઓ પણ ખૂલી ગયા છે. સારું છે, સેફ્ટી પણ છે અને તરત જ પૈસા કામ પણ લાગી જાય છે એટલે એ રીતે સુવિધા વધારે આપવાનું કામ પણ કરે છે.

પોસ્ટ-ઑફિસની સર્વિસ આપણે ત્યાં અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી છે એની સૌકોઈને ખબર છે. સર્વિસ પહોંચેલી પણ છે અને એ ભરોસાપાત્ર પણ એવી છે કે જ્યાં તેમનાથી પહોંચાતું નથી ત્યાં ઑનલાઇન બિઝનેસ-પૉર્ટલ પણ પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરે છે. ઍમેઝૉન અને ફ્લિપકાર્ટ પણ જ્યાં ન પહોંચે ત્યાં આપણી ઇન્ડિયન પોસ્ટ પહોંચે.

મને હજી પણ યાદ છે કે નાનપણમાં અમે સ્ટૅમ્પ ભેગી કરતા. જ્યાં કવર મોકલવાનું હોય ત્યાંના ડિસ્ટન્સ મુજબ એના પર કેટલા રૂપિયાની ટિકિટ લગાડવાની હોય એ કિંમત નક્કી થતી. એ કવર ડિલિવર થાય ત્યારે એ પોસ્ટ-ઑફિસ દર્શાવતી સ્ટૅમ્પનો થપ્પો એના પર લાગે, જેથી એ સ્ટૅમ્પ ફરીથી યુઝ ન થાય. જોકે એ પછી પણ કેટલાક ચતુરો પાણી લગાડીને ગૂંદરથી ચીટકાવેલી સ્ટૅમ્પ કાઢી લેતા અને ધ્યાન ન રહ્યું તો સહેજ કૉર્નર પર લાગ્યો હોય એવી રબરસ્ટૅમ્પવાળી ટિકિટ પણ વાપરી લેતા.

પોસ્ટલ સ્ટૅમ્પ ભેગી કરવી એ સમયે બહુ મોટો શોખ ગણાતો અને બિઝનેસ પણ. ઘણા સ્ટૅમ્પ-કલેક્ટરો પાસે વપરાયેલી હોય અને છતાં એ સ્ટૅમ્પની ખૂબ મોટી રકમ મળે એવી જૂની અને રેર કહેવાય એવી એડિશનની સ્ટૅમ્પ રહેતી. આજે પણ એ સ્ટૅમ્પની જોરદાર કિંમત આવે છે. આજે પણ એની બહુ મોટી માર્કેટ છે અને બહુ લોકો આવી સ્ટૅમ્પથી લખપતિ પણ બન્યા છે. આ સ્ટૅમ્પ પરથી મને એક વાત યાદ આવી, જે મારે તમારી સાથે અત્યારે શૅર કરવી છે.

પોસ્ટ-ઑફિસે જાઓ અને તમારા પોતાના ફોટોવાળી સ્ટૅમ્પ બનાવી એનો ઉપયોગ કરો. હા, સાચું છે આ. હવે તમે પૈસા ભરીને તમારા ફોટોવાળી સ્ટૅમ્પ બનાવીને એને કવર પર લગાડી એનો ઑફિશ્યલ ઉપયોગ કરી શકો છો. આમ જોઈએ તો મૉર્ડન પણ છે અને આમ જોઈએ તો ટ્રેડિશનલ પણ છે. આ બહાને આપણી ટ્રેડિશન પણ સચવાયેલી રહેશે અને તમારો માભો પણ પડશે. સાચું કહું, પત્રો લખવાની આપણી જે જૂની રીત હતી, જૂની સ્ટાઇલ હતી એ ટ્રેડિશન હું બહુ મિસ કરું છું, જ્યાં ગામોગામ કાગળ લઈને સાઇકલ પર ફરતો ટપાલી દેખાતો, જેનાં કાગળોમાં સારા અને માઠા સમાચાર રહેતા, કાગડોળે પિયરથી ચિઠ્ઠી આવે એવી આતુરતાથી રાહ જોતી સાસરે રહેતી દીકરીને પણ હું મિસ કરું છું અને પત્રના અક્ષરોમાં છુપાયેલી એ સંવેદના પણ હું બહુ મિસ કરું છું. ઘણા પિયરવાળા તો નિયમ જ રાખતા કે પત્ર હંમેશાં પોસ્ટકાર્ડમાં જ લખવાનો, જેથી દીકરીના સાસરાવાળાને એવું ન લાગે કે દીકરી સાથે કોઈ ખાનગી વાતો ચાલે છે. આજના સમયમાં મોબાઇલ પણ જ્યાં પાસવર્ડથી કેદ છે અને ફિંગર-લૉકની ટેક્નૉલૉજી સાથે મોબાઇલ આવવા માંડ્યા છે ત્યારે તો આની કલ્પના પણ અઘરી લાગે.

લખો એક વાર પત્ર અને ફરી આ પરંપરાને જીવતી કરો. હું તમને પણ અને મારી જાતને પ્રેરું છું કે મહિને, છ મહિને, બાર મહિને દૂર રહેતા પ્રિય સગાને પત્ર લખીએ અને તેમની પાસેથી પણ એ જવાબ પત્રમાં જ મગાવીએ. વર્ષો સુધી એ પત્ર તમારી યાદોમાં સમાયેલો રહેશે. હિન્દી ફિલ્મની જેમ તમને એ કાગળમાં ફોટો નહીં દેખાય તો પણ એ અક્ષરના મરોડમાં તમારી સામે કોઈ ઊપસી આવ્યું હશે એવો અનુભવ તો ચોક્કસ થશે. આંખ સામે એ સ્વજન આવશે અને એ સ્વજન તમારી આંખોમાં હર્ષનું એક નાનકડું આંસુ લાવશે. સાચે જ.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

વધુ નથી લખતો, મારી આંખો ભીની થવા માંડી છે. દર વખતે કહું છું એ જ વાત અત્યારે ફરી એક વાર કહીશ.

એ જ લિખિતંગ તમારા જેડીના વિનયપૂર્વકના જેજેશ્રી વાંચશો.

columnists JD Majethia