પાનો ચડાવવામાં આગળ રહે એનું નામ ગુજરાતી

01 March, 2019 07:01 PM IST  |  | જમનાદાસ મજીઠિયા

પાનો ચડાવવામાં આગળ રહે એનું નામ ગુજરાતી

પ્રતીકાત્મક તસવીર

જેડી કૉલિંગ

શહીદ. બહુ જાજરમાન શબ્દ છે, ઉપમા છે. સન્માન પણ એમાં ભારોભાર છે અને ગૌરવ સાથે અપાયેલું આ બિરુદ છે. જોકે એક વાત અજાણતાં જ ધ્યાન પર નથી આવી અને એ વાત એટલે એ કે આ બિરુદ મેળવવા માટે કેટલા લોકોનું આક્રંદ લેવું પડતું હોય છે. આ બિરુદ મોટા ભાગે સૈન્યના જવાનોને જ મળે અને કાં તો દેશ માટે પોતાનો જીવ આપનારાઓને જ મળી શકે. એ સિવાય કોઈને મળે નહીં. તમે ગમે એટલી મહાન હસ્તી હો તો પણ તમને આ સન્માન મળે નહીં. તમે આ સન્માન કમાઈ પણ શકતા નથી. મારા-તમારા જેવા સામાન્ય નાગરિકો ઘરેથી કામ માટે નીકળે ત્યારે માબાપ, વાઇફ અને બાળકોને ખાતરી હોય જ કે આપણે પાછા મળીશું; પણ દેશની ફોજમાં જોડાયેલી વ્યક્તિ રજા પૂરી કરીને ફરીથી દેશની સેવા માટે જતી હોય ત્યારે તેના પરિવારની આંખમાં આછોસરખો પ્રશ્ન પણ હોય કે ફરી મળીશું કે નહીં? આ બહુ મોટી વાત છે અને આને સહજ રીતે પચાવવા માટે છાતી જોઈએ. એ છાતી જે મેડલોથી શોભતી હોય અને મેડલોથી શોભાવવાની તાકાત રાખતી હોય. આવી એકેએક વ્યક્તિ અને તેના પરિવારને પુલવામામાં બનેલી ઘટનાનો સૌથી મોટો અફસોસ અને ગુસ્સો એ વાતનો હશે કે પાકિસ્તાની આતંકવાદીઓ સામી છાતીએ કેમ લડ્યા નહીં? મૃત્યુનો ડર કે પછી જીવ છોડવો પડશે એવો અફસોસ લશ્કરમાં જોડાયા હોય તેમને ક્યારેય હોય જ નહીં. તે તો જાણે જ છે કે મૃત્યુ આવવાનું જ છે અને એ કોઈ પણ ઘડીએ આવવાનું છે. એમાં પણ કાશ્મીરમાં ડ્યુટી બજાવતા જવાનોને તો ખબર છે જ કે તેમની સાથે જીવનમાં કંઈ પણ બની શકે છે અને એટલે જ નીડરતા સાથે જીવતા આવા વીરલાઓનો કાયરતા સાથે વધ કરવામાં આવ્યો એ પીડા કોઈને જંપવા દેતી નથી અને દેશે પણ નહીં.

શહીદ થતા મોટા ભાગના સૈનિકો યુવાનો હોય છે. તેમના પર તેમનો આખો પરિવાર નિર્ભર હોય છે. આ બધું એટલું પીડાદાયક હોય છે કે એ જ્યારે આંખ સામે આવે ત્યારે તેમના માટે કંઈક કરવાનું મન થાય. અત્યારે એવો જ માહોલ્લ છે. શહીદો અને તેમના પરિવારો માટે ચારે બાજુથી સહાયના સંદેશ આવ્યા કરે છે અને બધા પોતપોતાની શક્તિ પ્રમાણે જે શક્ય હોય એ મદદ કરે છે. જોકે હું કહીશ કે એટલું પૂરતું નથી. આ હુમલામાં જેઓ ઘાયલ થયા છે તેમનું શું?

દસેક દિવસ પહેલાં ‘મિડ-ડે’ની ક્રિકેટ-ઇવેન્ટ સમયે મેં એક વાત કહી હતી કે આપણા ગુજરાતીઓ લશ્કરમાં બહુ જોવા મળતા નથી. જે દેશને બાપુએ, એક ગુજરાતીએ આઝાદ કરાવ્યો એ દેશ માટે લડવાનું શ્રેય ગુજરાતીઓને બહુ મળતું નથી. આપણે વેપારી બુદ્ધિથી ધંધો કરીએ અને આવનારી પેઢીને આપીએ, જે એ ધંધાને આગળ વધારે અને આપણે દેશના આર્થિક વિકાસમાં ભાગ ભજવીએ. જોકે એટલે સુધી સીમિત ન રહેતાં આપણને જે આવડે છે એ પૈસાનો ઉપયોગ આપણે આપણી રક્ષા કરતા લોકો માટે કેવી રીતે કરવો જોઈએ એનો રસ્તો કાઢવો જોઈએ. હું કહીશ કે એવો નિયમ બનાવો કે જે ધંધો કરો એના નફામાંથી એક ભંડોળ ઊભું કરો અને એનો ઉપયોગ દેશ માટે શહીદ થનારા, દેશ માટે ઘાયલ થનારા અને દેશ માટે લડતા જવાનોના પરિવાર માટે કરો.

મારી ગુજરાતીઓને પહેલ છે કે ભારતીય સેનાની કોઈ પણ વ્યક્તિ તમારી સેવા લે તો એ મફતમાં આપવી. તમે કોઈ પણ ક્ષેત્રમાં ભલે રહ્યા. ડૉક્ટર હો, વકીલ હો કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હો - કંઈ પણ એટલે કંઈ પણ કરતા હો, પણ જો સૈનિક તમારી સેવા લે તો એ તેને વિનામૂલ્ય આપો. વેપાર કરતા હોય તેણે પોતાને ત્યાં મળતી ચીજવસ્તુઓ મૂળ ભાવે આપવી, નફો લેવો નહીં. આવી એક શરૂઆત કરો. આ શરૂઆત આજે તમે કરશો તો દેશના અન્ય લોકો પણ ધીમે-ધીમે એમાં જોડાશે અને એનો લાભ દેશના જવાનોના પરિવારોને મળશે. તેમને ગર્વ થશે પોતાના ભાઈ કે બાપ પર કે તેઓ જે સરહદ પર ઊભા રહીને દેશની રક્ષા કરે છે એ દેશના લોકો પણ અમારું ધ્યાન રાખે છે.

આતંકવાદ સામે લડવા માટે આપણી સેના જ કામે લાગવાની છે. સેના સાથે આતંકવાદીઓને કોઈ દુશ્મની નથી. એ તો આવું કરીને માત્ર ડરાવવા માગે છે જેથી તેમની વાત આપણે માની લઈએ અને આપણે આપણું કાશ્મીર તેમને આપી દઈએ. મૂળ વાત આ જ છે અને તેમના આ હેતુને આપણી સેના પૂરો નથી થવા દેતી એનું ખુન્નસ છે તેમને. જગતઆખું જાણે છે કે પાકિસ્તાનની ISI સંસ્થા આતંકવાદીઓને પોષે છે. ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ મળ્યો હતોને. આનાથી મોટું પ્રૂફ બીજું કયું હોઈ શકે. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે એવું પણ હજાર વખત આવી ગયું. આના પછી હવે બીજો કયો પુરાવો તમને જોઈએ. હું કહીશ કે આ વખતે આપણે જડબાતોડ જવાબ આપવો પડશે અને આ જવાબમાં આપણે તાકાતથી નહીં તો બુદ્ધિથી, આપણી લગનથી અને આર્થિક રીતે સાથ આપીને સાથે ઊભા રહેવાનું છે. બધાને એક સંદેશ આપવાનો છે કે અમે ગુજરાતીઓ ભલે સેનામાં ન હોઈએ, પણ સેનાની સાથે અમે બધા એકસાથે ઊભા છીએ અને કાયમ ઊભા રહીશું.

હા, આ લખું છું ત્યારે ભારત-પાકિસ્તાનના ક્રિકેટનો વિવાદ પણ શરૂ થયો છે. કહે છે કે આપણે પાકિસ્તાન રમતું હોય એ જગ્યાએ, એ ટુનાર્મેન્ટમાં ક્રિકેટ પણ ન રમવું જોઈએ. ઘણા લોકો એવું માને છે કે આવી બાબતોમાં ક્રિકેટને કે બીજી કોઈ સ્પોર્ટ્સને ઇન્વૉલ્વ ન કરવી જોઈએ. આપણે ઑલરેડી પાકિસ્તાની કલાકારો પર બૅન મૂકી દીધો છે. હું એટલું કહીશ કે કશું ખોટું નથી એમાં. મને બળાપો હોવો જ જોઈએ. ક્રિકેટ ગઈ તેલ પીવા અને સ્પોર્ટ્સ ગયું ચૂલામાં. મને મારા જવાનોના જીવની સામે આવાં કોઈ મનોરંજનો જોઈતાં નથી. ૧૩૫ કરોડનો આ દેશ છે. એની રક્ષા કરવા માટે જે કોઈ પગલાં લેવાં પડે એ લેવાં જ પડે અને એ લેવાનું ટાળી દો તો હેરાન થવાનો વારો આવે. આપણે આપણું ઘર અને આપણો ગઢ સાચવવાનો છે અને એ જ આપણી જવાબદારી છે. અત્યારે આપણી સુરક્ષા પર જ ધ્યાન રાખવાનું છે. ક્રિકેટ અને આર્ટ ત્યારે જ કામનાં છે જ્યારે લોકો હયાત હશે, લોકો ખુશ રહેતા હશે અને લોકોમાં શાંતિ હશે.

મારે એક વાત કહેવી છે જે કદાચ અમુક લોકોને ન ગમે એવું બની શકે, પણ એ કહેવું જરૂરી છે. વૉર જેવી બાબતોમાં આપણે રમૂજ ન કરવી જોઈએ, જોક્સ ન બનાવવા જોઈએ. ફની વિડિયો પણ ન બનાવવા જોઈએ. ઘટનાને ગંભીરતા સાથે જોવી પડે અને એને સમજવી જોઈએ. અહીં વાત દેશની સુરક્ષાની, જવાનોની રક્ષાની છે. જો આ વાત તમને સમજાતી હોય તો આ વિષય પર મજાકમસ્તી બંધ કરી દેજો.

આ પણ વાંચો : ભગવાન જેને ભાઈ બનાવવાનું ભૂલી ગયા તેનું નામ ભાઈબંધ

આપણી ગણના હવે સર્વશક્તિશાળી દેશોમાં થવા માંડી છે. દુનિયાના દરેક દેશને આપણી જરૂર પડવાની અને પડશે જ. આજે કદાચ થોડું નુકસાન થશે અને બને કે શૅરબજાર તૂટે, પણ આ વખતે એવું કરીને બતાવીએ કે યુદ્ધ વખતે પણ પાકિસ્તાનને એવું લાગે કે ભારતને કોઈ ફરક નથી પડ્યો. એને પણ એવો વિચાર આવી જવો જોઈએ કે યુદ્ધ જેવી બાબતો પણ ભારતને કોઈ જાતની નકારાત્મક અસર આપે એમ નથી. પાકિસ્તાનને પોતાના અસ્તિત્વની ચિંતા થવી જોઈએ. એને લાગવું જોઈએ કે એ નકશા પરથી ખોવાઈ જશે. સાહેબ, ભય મારી નાખે અને આપણે હવે એ જ કરવાનું છે. એટલા નિષ્ફિકર થઈને રહેવાનું છે કે પાકિસ્તાનને પણ વિચાર આવવા માંડે કે આ શું થઈ રહ્યું છે? મારું કહેવું માત્ર એટલું જ છે કે ધંધાવેપારની ચિંતા કર્યા વિના હવે જો યુદ્ધ થાય તો એની તૈયારીમાં લાગી જાઓ. જે રીતે, જે પ્રકારે તમે આ સંદેશ તમારા દેશના વડા પ્રધાનને પહોંચાડી શકતા હો એ રીતે તેમને પહોંચાડી દો કે અમે તમારી સાથે છીએ અને સાથે જ રહેવાના છીએ. બીજા કોઈ કરે એના કરતાં આ વખતે આપણે પહેલ કરીએ અને આપણે આગેવાની લઈએ. ગુજરાતીઓ આમ પણ મોખરે રહેવામાં માને છે. આ વખતે આરંભ પણ આપણે જ કરીએ. ભલે વડા પ્રધાન પણ ગુજરાતી હોવાનું પ્રાઉડ ફીલ કરે અને તેમને પણ એમ થાય કે ગુજરાતીઓ ભલે સેનામાં ન હોય, પણ સેનાને પાનો ચડાવવામાં તો આગળ જ હોય.

JD Majethia columnists