Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભગવાન જેને ભાઈ બનાવવાનું ભૂલી ગયા તેનું નામ ભાઈબંધ

ભગવાન જેને ભાઈ બનાવવાનું ભૂલી ગયા તેનું નામ ભાઈબંધ

22 February, 2019 12:11 PM IST |
જમનાદાસ મજીઠિયા

ભગવાન જેને ભાઈ બનાવવાનું ભૂલી ગયા તેનું નામ ભાઈબંધ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જેડી કૉલિંગ

યારી, દોસ્તી, ભાઈબંધી, ફ્રેન્ડશિપ.



આ શબ્દો મારા માટે અત્યંત મહત્વના છે. બધાને ખબર છે કે હું આ સંબંધોમાં ખૂબ નસીબદાર છું. મારા અને મારા ફ્રેન્ડસ્ની રિલશેનશિપ ઉપર તો અઢળક આર્ટિકલ પણ લખાઈ ગયા છે અને એ લખાતા પણ રહ્યા છે.


હું ક્યાંય ગયો હોઉં ત્યારે મને જો મીડિયાવાળા મળી જાય તો એ લોકો એકાદી વાત તો ફ્રેન્ડશિપ પર પૂછે જ પૂછે. હમણાં હું ‘મિડ-ડે’ની એક ઇવેન્ટમાં ગયો હતો.

ત્યાં પણ મને કેટલાક મિત્રોએ ફ્રેન્ડ્સશિપ વિશે પૂછ્યું. મને કહેવાનું મન થયું કે આ એક એવો સંબંધ છે જેને તમે વર્ણવી ન શકો, પણ તમે માત્ર એ અનુભવી શકો. જોકે મારે એક વાત તો કહેવી જ છે કે ભાઈબંધીમાં ક્યારેય કોઈ પ્રકારનો ઈગો, અહમ ન આવવા જોઈએ અને ધારો કે એ જન્મે પણ ખરા તો એને તરત જ ડામી દેવા જોઈએ નહીં તો એ ઈગો તમારી ભાઈબંધીને કૅન્સર બનીને ફોલી ખાશે અને તમારી દોસ્તી તરત જ તૂટશે.


બધા મિત્રો વચ્ચે સફળતા-નિષ્ફળતાની અસમાનતા રહેવાની છે અને આર્થિક અસમાનતા પણ રહેવાની છે. સફળતા અને ધનાઢ્યપણું ઈગોને જન્મ આપી શકે અને એ જ તમને તમારા મિત્રથી દૂર કરી શકે એટલે મૈત્રીના કે પછી લાગણીના પણ બીજા કોઈ સંબંધોના પણ દુશ્મન કહેવાય એવા ઈગોને પોતાનાથી દૂર રાખવામાં જે કોઈ સફળ થઈ શકે છે તે સંબંધોને લાંબા સમય સુધી સાચવી શકે છે અને સચવાયેલા એ સંબંધોમાં પણ ક્યાંય કોહવાઈ ગયેલાં ફૂલોની બદબૂ નથી હોતી. હું નાનો હતો ત્યારે મારી બા એક સરસ વાત કહેતાં. કહોને એક શીખ આપતાં. ડાળી પર ફળ આવે એમ એણે ઝૂકવાનું, નહીંતર ફળ સમય કરતાં પહેલાં જ ખરી જાય. આ વાત બધાએ સમજવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. જો મિત્રને ખરવા ન દેવા હોય તો સમય સાચવી લેવો બહુ જરૂરી છે અને સમય આવ્યે ઝૂકતા પણ જવાનું. જો તમે ઝૂકવામાં કચાશ રાખી ગયા કે કરકસર કરી ગયા તો તમને કોઈ નુકસાન કદાચ નહીં થાય, પણ ફળ ખરી જશે અને ખરેલા ફળનો અફસોસ તમને સમય જતાં થશે.

મેં કહ્યું એમ, હું દોસ્તોની બાબતમાં ખૂબ નસીબદાર રહ્યો છું. નાનો હતો ત્યારથી છેક આજ સુધી મને બહુ સારા મિત્રો મળ્યા છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે.

A man is known by his friends.

એક વ્યક્તિની ઓળખ તેના મિત્રો પરથી મળતી હોય છે. તમારે કેવા ફ્રેન્ડ્સ છે, કેટલા ફ્રેન્ડ્સ છે એ જ મહત્વનું નથી; પણ તમારી ફ્રેન્ડશિપ કેટલી જૂની છે એ પણ બહુ મહત્વનું છે; કારણ કે આ એક એવો સંબંધ છે જે લોહીના સંબંધોમાં ક્યાંય આવતો નથી અને એમ છતાં પણ બિલકુલ નિ:સ્વાર્થભાવ એમાં જોડાયેલો હોય છે. મિત્ર માટે હું હંમેશાં એવું કહેતો હોઉં છું કે કંઈ પણ કહ્યા વિના પણ સરળતાથી તમારી વાત સાંભળી લે તેનું નામ સાચો ભાઈબંધ. રડ્યા વિના પણ જેને મળીને હળવા થઈ જવાય તેનું નામ ફ્રેન્ડ. જીવનમાં મિત્રો અનેક મળે, પણ બહુ ઓછા મિત્રો કાયમ માટે સાથે રહેતા હોય છે. સમય જતાં પ્રોફેશનલ લાઇફમાં અટવાયા પછી બને એવું કે તમે દરરોજ એકબીજાને ન મળી શકો, પણ મળ્યા પછી તમારી વચ્ચે પસાર થયેલા સંબંધોનો ભાર ન રહે એનું નામ ભાઈબંધી. જે ખરા ભાઈબંધો છે તેમને ક્યારેય ફ્રેન્ડશિપ ડેની રાહ નથી જોવી પડતી. એ તો એકબીજાન મળે એટલે ફ્રેન્ડશિપ ડે શરૂ થઈ જાય. આવું થઈ શકે એનું પણ એક કારણ છે.

મૈત્રી એક જ એવો સંબંધ છે કે જ્યાં બે જણની મનોદશા ખરાબ હોય તો પણ એ બધું ભૂલી શકે અને ભૂલીને એકબીજા સાથે પૂરી આત્મીયતા સાથે રહી શકે. એવું પણ બની શકે કે એક જ પરિસ્થિતિનો બન્ને વિરોધ કરતા હોય અને એ પછી પણ બન્ને એકબીજા સાથે ખુલ્લા મને હસી શકે. સમજણ, દોસ્તીમાં એ પણ બહુ જરૂરી છે. મેં તો જોયું છે કે આખી દુનિયા તમારી વિરુદ્ધમાં ઊભી હોય એ પછી પણ જે તમારી બાજુમાં અડીખમ ઊભો રહે તેનું નામ ભાઈબંધ. સમય જતાં આવી ભાઈબંધીઓ ઓછી બનતી થઈ જાય એવું બને. હું હંમેશાં કહેતો હોઉં છું કે નાનપણમાં કે કૉલેજ સમય સુધીમાં થાય તે ભાઈબંધ. ત્યાર પછી જે કોઈ સંબંધો બને એને ભલે આપણે ભાઈબંધીનું નામ આપીએ, પણ એ વ્યવહારથી વધારે કશું નથી હોતું. મેં હમણાં એક બહુ સરસ વાક્ય વાંચ્યું હતું.

આપણે સંબંધો તોડવાનું ટાળીએ છીએ, કારણ કે આપણે એવું ધારીએ છીએ કે પડ્યા હશે તો કામ લાગશે. આ જે સંઘરી રાખીએ છીએ એ સંબંધોમાં ભાઈબંધ નથી હોતો, એમાં વ્યવહારનો જ ભાવ હોય છે.

બે ભાઈઓ કે બહેનોમાં એક ઘરમાં રહેતાં હોય એટલે કપડાંની આપલે કે પૈસાની આપલે કોઈ પણ જાતના હિસાબ વિના ચાલ્યા રાખે. એનું કારણ છે લાગણી. એકબીજા માટેની આ જે લાગણી છે એ લાગણીઓ જ આ સંબંધોની ઉષ્મા અકબંધ રાખે છે. ભાઈબંધીમાં પણ એવું જ હોય છે, પણ એવું ધારી લેવાની પણ જરૂર નથી કે જે મિત્રો વચ્ચે હિસાબ થતો રહે છે એ મિત્રો વચ્ચે લાગણી નથી. આજકાલની પેઢીમાં ઘણા મિત્રો સાથે આવેલા બિલની પાઈ-પાઈનો હિસાબ કરે અને જે કંઈ ચૂકવવાનું હોય એને ચૂકવી પણ દે. જો પૈસો સંબંધ તોડવાનું કે બગાડવાનું કામ કરતો હોય તો તમારે એ વાતને જ વચ્ચેથી કાઢી નાખવી જોઈએ. આ સમજણની વાત છે.

જો સમજણ વાપરવાથી સંબંધોની હૂંફ અકબંધ રહેતી હોય તો એ હૂંફને અકબંધ રાખવી જોઈએ. જો સમજણ વાપરવાથી એકબીજા વચ્ચે ગેરસમજણને અવકાશ ન મળતો હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ. આ સમજદારી દોસ્તીને લાઇફટાઇમ રાખવાનું કામ કરશે અને લાઇફટાઇમની દોસ્તીને હું જિંદગીનું શ્રેષ્ઠ વેન્ટિલેટર કહું છું. વેન્ટિલેટર શું કામ કરે છે એની તમને ખબર જ છે. એ તમને લાઇફ સપોર્ટ આપે છે અને લાઇફ સપોર્ટ આપવાનું કામ જે કરે તેને કાયમ માટે સાચવી રાખવાની જવાબદારી છે.

મિત્રને હું શરીરના એક મહત્વના ઑર્ગન સાથે સરખાવીશ. શરીરનું ઑર્ગન ક્યારેય કોઈ જાતનો સ્વાર્થ નથી રાખતું હોતું. એ પોતાનું કામ કરે અને પૂરી નિષ્ઠા સાથે એ પોતાની જવાબદારી નિભાવે. મિત્ર તેને કહેવાય કે જે કોઈ પણ જાતના સ્વાર્થ વગર તમને મળવા આવે. કામનું કારણ તેને ન જોઈએ, તેને આવવાનું કારણ જોઈએ. મિત્ર એટલે જેની સાથે બેઠા પછી સમયનું ભાન ન રહે તે અને મિત્ર એટલે જેણે તમને ફોન કરવા માટે સમયની સામે પણ જોવું ન પડે તે.

આ પણ વાંચો : મેરા ભારત મહાન

ઘણા એવું કહે છે કે ગાઢ મિત્રતા જૂજ સાથે જ હોય, પણ એવું જરૂરી નથી. મારી ગાઢ ભાઈબંધી એક કરતાં વધારે લોકો સાથે છે અને બધા સાથેના સંબંધોની નિષ્ઠા એકસમાન છે. સંબંધોમાં રાજકારણ ન હોવું જોઈએ. રાજકારણ રમવું પડે એ ભાઈબંધી જ ન કહેવાય. બધા સંબંધોમાં એકમાત્ર ભાઈબંધીનો સંબંધ જ એવો છે જે તમારે જોડવાનો હોય છે. લોહીના સંબંધોમાં એ નથી આવતો અને એટલે જ મેં એક વાર સાંભળેલી વાત હું ટાંકવા માગું છું, ભગવાન જેને ભાઈ બનાવવાનું ભૂલી ગયા તેનું નામ ભાઈબંધ.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 12:11 PM IST | | જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK