સાધુચરિત પુણ્યાત્મા જોહરીમલજી પારખનું જીવન અનેકો માટે પ્રેરણાદાયક છે!

18 August, 2019 11:25 AM IST  |  મુંબઈ ડેસ્ક | ચીમનલાલ કલાધર - જૈન દર્શન

સાધુચરિત પુણ્યાત્મા જોહરીમલજી પારખનું જીવન અનેકો માટે પ્રેરણાદાયક છે!

જૈન દર્શન

જોહરીમલજી પારખનું જીવન સાચા અર્થમાં ત્યાગમય જીવન હતું. તેઓ ક્યારેય પોતાની પાસે પૈસા રાખતા નહીં. જ્યારે કંઈ જરૂર પડે ત્યારે જોધપુરના તેમના ભક્તજનો તેમને સહાયરૂપ થતાં. બહારગામ જવું હોય ત્યારે પણ તેઓના ભક્તજનો અનરિઝર્વ ટિકિટ કઢાવી આપતા. તેઓ કોઈની પાસે બીજી કોઈ અપેક્ષા ક્યારેય રાખતા નહીં. આ સંસારમાં રહીને તદન નિર્લેપ અને ત્યાગી જીવન ગાળવું ઘણું કઠિન હતું, પરંતુ જોહરીમલજીએ તે સાધ્ય કરી લીધું હતું.

જોહરીમલજી જૈન સાહિત્યના અધ્યયન સાથે અપેક્ષારહિત જીવન જીવતા. તેઓ શરીરે સાવ સુકલડી લાગતા, પરંતુ તેમના ચહેરા પર તેજની જે અદ્ભુત આભા રહેતી તે અવર્ણનીય હતી. એક પોતડી પહેરીને તેઓ ભ્રમણ કરતા. તેમનો આવો સામાન્ય દેખાવ જોઈને જે સ્થળે તેઓ જતાં ત્યાં લોકો તેમને અટકાવતા, પૂછપરછ કરતા. તેમને તેમના શારીરિક દેખાવથી ઘણી મુશ્કેલી સહેવાની આવતી. તેઓથી પરિચિત કેટલાક લોકો તેમને એવી સલાહ આપતા કે તમે આ પોતડીને બદલે એક ધોતી જેવું સફેદ અને સ્વચ્છ વસ્ત્ર પહેરવાનું રાખો, એથી તમને કશી જ અડચણ કે મુશ્કેલી આવશે નહીં. જોહરીમલજીનો જવાબ હતો કે મેં જે આચાર નક્કી કર્યો છે તેમાં હું કશો જ ફેરફાર કરવા ઇચ્છતો નથી. મારું અપમાન થાય કે સન્માન તેમાં મારી મમતા અને પ્રસન્નતા એક જ સરખી રહેવાની છે.

જોહરીમલજી જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન હતા. તેમનું ધર્મ અને તત્ત્વજ્ઞાન પરનું જ્ઞાન અદ્ભુત હતું. તેઓ મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા યોજાતી જૈન સાહિત્ય પરિષદોમાં અચૂક હાજર રહેતા. તેઓ આ જૈન સાહિત્ય પરિષદમાં આવે ત્યારે સભાના છેડે ચૂપચાપ બેસી જતા, અને વિદ્વાનોને સાંભળતા. તેઓ સાથે મારે ઘનિષ્ઠ આત્મીયતા બંધાઈ ગઈ હોય તેઓ આવ્યા હોય તો હું તેમની સાથે જ રહેતો. જોહરીમલજી પરમત્યાગી હતા. તેઓ દરરોજની આવશ્યક ધર્મક્રિયા સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન-સાધના વગેરે નિયમિત કરી લેતા. તેઓ નિત્ય આચારાંગ સૂત્રનું પઠન પણ કરતા. તેઓ આગમોના અભ્યાસી હતા. હસ્તપ્રતોની લિપિ વાચવામાં તેઓએ સારું પ્રભુત્વ કેળવ્યું હતું. આગમ પ્રભાકર, જૈન સાહિત્યના સાગરસમા વિદ્વર્ય મુનિશ્રી જંબુવિજયજી મહારાજ પાસે તેઓ અવારનવાર જતા. પૂજ્યશ્રીના કાર્યમાં તેઓ સહાયક બનતા. આટલું બધું જ્ઞાન હોવા છતાં, આટલી બધી વિચક્ષણ શક્તિ હોવા છતાં તેઓ હંમેશાં પોતાની જાતને નામના-કામનાથી અળગી જ રાખતા.

જોહરીમલજી સિત્તેર વર્ષની વયે પહોંચ્યા હતા. પાંચ-પંદર માઇલ ચાલવું તે તેમને મન રમત વાત હતી. તેમના શરીર માટે તે સહજ વાત હતી. તેઓ રેલવે કે બસમાં પ્રવાસ કરતા પરંતુ તેનું રિઝર્વેશન ક્યારેય કરાવતા નહીં. તેઓ કહેતા કે ટ્રેનની બોગીમાં જ્યાં જગ્યા મળે ત્યાં હું બેસી જાઉં છું. ઘણીવાર સીટ પર જગ્યા ન મળે તો નીચે બેસી જાઉં છું. કેટલીકવાર ટ્રેનના પેસેન્જરો તોછડી ભાષામાં વાત કરે, મને આઘા બેસવાનું કહે તો પણ હું જરા પણ ગુસ્સે થયા વિના તે કહે તે પ્રમાણે કરવાનું રાખું છું.

ઘણા ગામમાં કૂતરાઓનો ત્રાસ હોય છે. જોહરીમલજીને પણ પોતાના વેશને કારણે કૂતરાનો ત્રાસ સહેવો પડતો. દિવસે તો તેમને ખાસ વાંધો આવતો નહીં, પરંતુ સાંજે કે રાત્રે તેઓ એકલા ચાલ્યા જતા હોય ત્યારે કૂતરા ભસવા લાગતા, ક્યારેક કરડી પણ લેતા. જ્યારથી તેમણે ત્યાગીનો વેશ ધારણ કર્યો હતો ત્યારથી તેમને વર્ષમાં પાંચથી છ વખત કૂતરું કરડ્યું જ હોય. કૂતરું કરડે તો પણ તેઓ દવા કે ઇન્જેકશન લેતા નહીં, પણ ઘા પર મરચું ભભરાવી દેતા. એ સમયે પીડા તો થતી જ. તે પીડા દેહની છે, આત્માની નહીં અને તે અશુભ કર્મના ઉદયથી જ ઉદ્ભવે છે તેમ તેઓ માનતા. જોહરીમલજીની દેહાતીત દશા કેવી હતી એ આ વાત પરથી ખ્યાલ આવે છે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

અમદાવાદમાં તેઓ એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલૉજીમાં કેટલાક સાહિત્યકાર્ય માટે આવ્યા હતા. તે પૂર્ણ કરીને તેઓ ટ્રેન દ્વારા પરત જોધપુર જવા નીકળ્યા હતા. શિયાળાની ભયંકર ઠંડીનો સમય હતો. પોતાને ક્યારેય ઓઢવા-પાથરવાની કડાકૂટ ન હોવાથી શિયાળાની ભયંકર ઠંડી તેમના શરીરને લાગી ગઈ હતી. તેઓ જોધપુર પાછા તો આવ્યા પરંતુ તેમના શરીરમાં સખત તાવ ચઢી આવ્યો હતો. તેમને ન્યુમોનિયા થઈ ગયો હતો. તેમણે ડૉક્ટરની દવા લેવાની કે હૉસ્પિટલમાં દાખલ થવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેઓ માનતા હતા કે દેહ ભલે છોડવો પડે પણ કોઈ પ્રકારની સારવાર મારે લેવાની જ નથી. અને આમ ન્યુમોનિયાનું દરદ વધી જતા તેઓએ ૭૭ વર્ષની વયે જોધપુરમાં સ્વસ્થ ચિત્તે, સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો હતો. સ્વર્ગસ્થ જોહરીમલજી પારખ એક સાધુચરિત જીવન જીવી ગયા. તેમની નિર્લેપતા, તેમનો ત્યાગ, તેમની ધર્મભાવના અપ્રતિમ હતી. જીવનની છેલ્લી ઘડી સુધી તેઓ અકિંચન રહ્યા. આવા મહાન જ્ઞાનીનો, મહાન ત્યાગીનો યોગ પ્રાપ્ત થવો ખરેખર દુર્લભ ગણાય. પરમાત્માની અસીમ કૃપાથી જોહરીમલજીનો અમને પરિચય થયો અને જૈન સાહિત્ય પરિષદના દિવસોમાં કેટલાંક વર્ષ તેમના અમૂલ્ય સત્સંગમાં વિતાવવાની અમને તક મળી તે અમારું મોટું સદ્ભાગ્ય ગણી શકાય. જોહરીમલજીના વિશુદ્ધ આત્માને અમારા નતમસ્તકે વંદન હોજો? છેલ્લે શ્રીમદ રાજચંદ્રના એક માર્મિક પદથી આ લેખનું સમાપન કરું છું.

‘દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં, વંદન હો અગણિત !’

columnists weekend guide