નવકારમંત્રના પરમ ઉપાસક, સેવાપરાયણ પુણ્યાત્મા જયંતભાઈ ‘રાહી’

31 March, 2019 01:38 PM IST  |  | ચીમનલાલ કલાધર

નવકારમંત્રના પરમ ઉપાસક, સેવાપરાયણ પુણ્યાત્મા જયંતભાઈ ‘રાહી’

જૈન દર્શન

જૈન શાસ્ત્રકારોએ સ્મરણને જીવન અને વિસ્મરણને મૃત્યુ કહ્યું છે એ યથાર્થ છે. આ સંસારનો માનવી સ્મરણની પાંખે ઊડીને જીવનની યાદગાર અને મધુરી સ્મૃતિ વાગોળે છે. પ્રેરક જીવન જીવી જનારા આપણા યશોજ્જવલ સંસ્કારવારસાની સ્મરણયાત્રા આપણા જીવનનો એક અમૂલ્ય ખજાનો ગણી શકાય. આવી યાદગાર સ્મરણયાત્રાના કેટકેટલાય મહાનુભાવો હૈયાની ભીતરમાં સચવાયેલા છે. આજે અહીં એવા મહાનાયકની વાત કરવી છે. એ છે સ્વનામધન્ય, જૈન સંગીતકાર અને નવકારના પરમોપાસક સ્વ. જયંતભાઈ ‘રાહી’. જૈન સમાજમાં જેમનું નામ આજે ખૂબ માન અને આદરથી લેવાય છે એવા જયંતભાઈ ‘રાહી’નું ૭૭ વર્ષની વયે બુધવાર, ૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના દિવસે ચેમ્બુરમાં અણધાર્યું અવસાન થયું છે. તેમની આ વિદાયથી જૈન સમાજમાં દુ:ખ અને આઘાતની લાગણી ફરી વળી છે. છેલ્લા પાંચ દાયકાથી તેમણે જૈન સંગીતક્ષેત્રે વિરલ સેવા બજાવી છે. નવકારમંત્રના પરમોપાસક તરીકે તેમણે મુંબઈ અને ભારતનાં અનેક ગામો અને શહેરોમાં નવકારભાષ્ય જાપ કરાવી હજારો લોકોને નવકારાભિમુખ બનાવ્યા છે.

જયંતભાઈ ‘રાહી’ ગુજરાતના સિદ્ધપુર પાટણના વતની હતા. તેમનો જન્મ ૨૮ જુલાઈ, ૧૯૪૨ના દિવસે પાટણમાં થયો હતો. તેમનાં માતા વિમળાબહેન અને પિતા ડાહ્યાલાલ ડોસાલાલ શેઠનો ધર્મસંસ્કારનો અને સંગીતક્ષેત્રનો વારસો તેમણે શોભાવ્યો હતો. અત્યંત સાધારણ કુટુંબમાં જન્મેલા જયંતભાઈ બાલ્યવયથી જ અનેક સંઘર્ષોનો સામનો કરીને આગળ આવ્યા હતા. તેઓ માત્ર ૧૯ વર્ષની વયે મુંબઈ આવ્યા હતા અને ઝવેરીબજારના અમીચંદ ગોવનજી મીઠાઈવાળાના સહયોગથી તેમણે અહીં પોતાના જીવનની કારકિર્દી શરૂ કરી હતી. જૈન સંગીતક્ષેત્રમાં તેમને અત્યંત રસ-રુચિ હોવાથી આ ક્ષેત્રમાં તેમણે ઝંપલાવ્યું હતું. ધીમે-ધીમે તેમને જૈન મંદિરોમાં પૂજા-ભાવનાનાં કામો મળવા લાગ્યાં હતાં. કેટલોક સમય જતાં તેઓ આ ક્ષેત્રમાં જૈન સંગીતકાર અને વિધિકાર તરીકે સુપ્રસિદ્ધ થયા હતા. તેમની અટક તો ‘શેઠ’ હતી, પરંતુ જૈનાચાર્ય ધર્મધુરંધરસૂરીશ્વરજીએ તેમની સુંદર સંગીતકળા જોઈને ‘રાહી’ તરીકે તેમને સંબોધન કર્યું હતું અને એ પછી તેઓ ‘રાહી’ના નામથી જ જગવિખ્યાત બન્યા હતા.

જૈન સંગીતકાર તરીકેની સેવા સાથે તેમણે શતાવધાની જૈનાચાર્ય જયાનંદસૂરીશ્વરજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે તેમના શિષ્ય આચાર્ય જયશેખરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી ચેમ્બુરના શ્રી આદીશ્વર જિનાલયમાં દર બેસતા મહિને નવકાર ભાષ્ય જાપ અનુષ્ઠાન શરૂ કરાવ્યાં હતાં. એને આજે પચીસ વર્ષ પૂર્ણ થવામાં છે. એ પછી તેમણે ઘાટકોપર, મુલુંડ, પાયધુની અને ભાંડુપમાં પણ નવકારજાપનાં કેન્દ્રો શરૂ કરાવ્યાં હતાં. તેમને અમેરિકા અને યુરોપનાં શહેરોમાં વસતા જૈન લોકો અહીં નવકારનો જાપ કરાવવા પધારવા સતત માગણી કરતા રહ્યા હતા, પરંતુ તેમની વિદેશ જવાની અનિચ્છા હોવાથી એ વાત શક્ય બની નહોતી. જયંતભાઈ અનેક સંઘર્ષોનો સામનો કરીને પોતાની જીવનનૈયા સ્થિર કરવામાં સફળ નીવડ્યા હતા. તેમને ગરીબાઈ શું છે, સાધર્મિકોની શી દુર્દશા છે એની પૂરી સમજ અને અનુભવ હતાં. તેમનાં બે અતિપ્રિય કાર્ય હતાં : (૧) નવકાર આરાધના અને (૨) સાધર્મિક ભક્તિ. તેઓ રોજના સાતથી આઠ કલાક સતત નવકાર ધ્યાન-સાધનામાં ગાળતા હતા. તેમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી દોઢ કરોડથી અધિક જાપ કરવાનો વિક્રમ નોંધાવ્યો હતો. સાધર્મિકોની સહાય માટે તેમણે ‘સાધર્મિક ઉત્કર્ષ અભિયાન’ ચાલુ કર્યું હતું. પોતાના સ્વદ્રવ્યથી અને અન્ય દાતાઓના સહયોગથી તેમણે આ પ્રવૃત્તિને વેગ આપ્યો હતો.

આ પણ વાંચો : વીતેલા સૈકાનો જૈનોનો અપૂર્વ ગ્રંથ શિકાગો પ્રશ્નોત્તર

જયંતભાઈએ પોતાના જીવનમાં ૧૨૫થી અધિક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં જૈન સંગીતકાર તરીકે અજોડ સેવા આપી હતી. તેમણે વર્ધમાન-તપોનિધિ જૈનાચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પાસે માત્ર ૩૫ વર્ષની વયે ચોથાવ્રત (બ્રહ્મચર્ય વ્રત)ની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે નવકારમંત્રનું સાહિત્ય ઘરે-ઘરે પહોંચે એ માટે જાણીતા લેખક અને પત્રકાર ચીમનલાલ કલાધરના તંત્રીપદ હેઠળ ‘નવકારનો રણકાર’ સામયિકનો શુભારંભ કરાવ્યો હતો, જે છેલ્લાં ૧૫ વર્ષથી નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. જયંતભાઈએ વિશ્વભરમાં નવકારનો મહિમા પ્રસારિત કરવા માટે વેબસાઇટ શરૂ કરાવી હતી. નવકાર જાપ અભિયાન અને એની સુવ્યવસ્થા માટે તેમણે બૃહદ મુંબઈમાં પંચપરમેષ્ઠી પરિવાર નામની સંસ્થાની સ્થાપના કરી હતી. નવકારમંત્રને લોકોના હૃદયમાં સ્થિર કરવા માટે તેમણે ૬૦ જેટલાં પંચપરમેષ્ઠી મહિલામંડળો સ્થાપ્યાં હતાં. તેમણે પોતાનાં સ્વરચિત ૬૦ જેટલાં ભક્તિગીતોનાં પુસ્તકો પ્રગટ કરીને નવકાર આરાધકોની ભક્તિભાવનાને સવિશેષ પુષ્ટિ આપી હતી. આવા નવકારમંત્રના અનેરા ઉપાસક અને સાધર્મિકોના મસીહા એવા આપણા મહાનાયક જયંતભાઈ ‘રાહી’ને અગણિત વંદના!

columnists weekend guide