Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વીતેલા સૈકાનો જૈનોનો અપૂર્વ ગ્રંથ શિકાગો પ્રશ્નોત્તર

વીતેલા સૈકાનો જૈનોનો અપૂર્વ ગ્રંથ શિકાગો પ્રશ્નોત્તર

24 March, 2019 03:05 PM IST |
ચીમનલાલ કલાધર

વીતેલા સૈકાનો જૈનોનો અપૂર્વ ગ્રંથ શિકાગો પ્રશ્નોત્તર

વીતેલા સૈકાનો જૈનોનો અપૂર્વ ગ્રંથ શિકાગો પ્રશ્નોત્તર


જૈન દર્શન

વીસમી સદીના મહાનાયક, મહાપ્રતાપી, મહાપ્રભાવક એવા સમર્થ જૈનાચાર્ય આત્મારામજી મહારાજ (વિજયાનંદસૂરિ) થઈ ગયા. વિજય સિંહસૂરિ પછી સંવેગી પક્ષમાં દોઢસો વર્ષથી વધુ સમય વીત્યા પછી પ્રથમ આચાર્ય બનવાનું સૌભાગ્ય આત્મારામજી મહારાજને મળ્યું હતું. આત્મારામજી મહારાજના જૈન સમાજ પર અનંતાનંત ઉપકારો છે. તેમણે બૅરિસ્ટર વીરચંદ રાઘવજી ગાંધીને અમેરિકાના શિકાગો શહેરમાં ૧૮૯૩ની ૧૧ સપ્ટેમ્બરે યોજાયેલી વિïશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલવાનું નક્કી કર્યું હતું. વીરચંદ ગાંધીને જૈન ધર્મનો વિશેષ અભ્યાસ થાય એ હેતુથી પૂજ્યશ્રીએ ‘શિકાગો પ્રશ્નોત્તર’ નામનું પુસ્તક અત્યંત પરિશ્રમ લઈને તૈયાર કર્યું હતું. વીતેલા સૈકાના આ ગ્રંથમાં ઈશ્વર કઈ વસ્તુ છે? કર્મ શું છે? એના મૂળ ભેદ કેટલા? ઉત્તર ભેદ કેટલા? એક મતિથી ગત્યંતરમાં કોણ લઈ જાય છે? જીવને કર્મનો શું સંબંધ છે? કર્મનો કર્તા જીવ પોતે છે કે કોઈ એને કર્મ કરાવે છે? પોતાનાં કયાં કર્મથી જીવ ભોકતા છે? સર્વ મતોમાં કયા-કયા વિષયોમાં પરસ્પર એકતા છે? આત્મામાં ઈશ્વર હોવાની શક્તિ છે કે નહીં? મનુષ્ય અને ઈશ્વરનો શું સંબંધ છે? સાધુઓના અને સંસારીના ધર્મો શું છે? દૂષણરહિત પીછાન, ધર્મભ્રષ્ટ થનારની ફરી શુદ્ધિ, જિંદગીનો ભય નિવારવાનો કાયદો, ધર્મનાં અંગો, એનાં લક્ષણો વગેરે અનેક તત્વોની વાતોનો આ ગ્રંથમાં સમાવેશ થાય છે. જૈનો માટે અત્યંત ઉપકારી એવા આ ગ્રંથના કેટલાક અંશો સુજ્ઞ વાચકો માટે પ્રસ્તુત છે.



પ્રશ્ન : પ્રાચીન શાસ્ત્રોમાં ઈશ્વરના સ્વરૂપ અંગે શું-શું નિરૂપણ છે?


ઉત્તર : જૈન શાસ્ત્રોમાં ‘અરિહંત પદ’ અને ‘સિદ્ધ પદ’ આ બે પદોને ઈશ્વર માનવામાં આવે છે. સૃષ્ટિની રચના કરવી, અવતાર ધારણ કરવો, પોતાની ઇચ્છા મુજબ જગતના જીવોને સ્વર્ગ કે નરકમાં મોકલવા, જગતની હકૂમત કરવાનું અભિમાન રાખવું વગેરે કર્તવ્યો ઈશ્વરનાં હોય એવું જૈનમત માનતો નથી. નૈયાયિક, વૈશેષિક મતવાïળા મુખ્યત્વે શિવને ઈશ્વર માને છે તો જગતસૃષ્ટિ, પ્રલયકર્તા, સર્વવ્યાપી, દુષ્ટોનો નિગ્રહ અને સજ્જનો પર અનુગ્રહ કરનાર છે. બૌદ્ધમતમાં ઈશ્વરની કલ્પના જૈન ધર્મ જેવી જ છે. માત્ર બુદ્ધ ફરી અવતાર લે છે. જૈન મતમાં અવતારવાદ નથી. વેદ મત મુજબ જગતમાં જે કંઈ છે એ બધું જ ઈશ્વર છે. જગત ઈશ્વરનો જ એક અંશ છે. સાંખ્યો અને મિમાંસકો ઈશ્વરને માનતા જ નથી.

પ્રશ્ન : મનુષ્યે ઈશ્વર માટે શું-શું કરવું જોઈએ?


ઉત્તર : ઈશ્વરને કોઈ વસ્તુની ઇચ્છા નથી છતાં મનુષ્યે પોતાનાં પાપ દૂર કરવા ભગવાનની મૂર્તિ સ્થાપીને એના દ્વારા પરમેશ્વરને ભાવનાથી પ્રત્યક્ષ કરીને, મૂર્તિમાં પરમેશ્વરનું આરોપણ કરીને એની ભક્તિમાં લીન બનવું જોઈએ. જોકે મૂર્તિ પથ્થરની બનેલી છે. પથ્થર પરમેશ્વર નથી. એમ છતાં મૂર્તિ દ્વારા પરમેશ્વરનું સ્મરણ થઈ શકે છે. આમ મૂર્તિ પરમેશ્વરનું સ્વરૂપ ઉપસ્થિત કરવામાં કારણરૂપ બને છે. જેમ કે ખ્રિસ્તીઓ જેમ બાઇબલને પવિત્ર માને છે, મુસ્લિમો કુરાનને પવિત્ર ગણે છે, હિન્દુઓ ગીતાને પવિત્ર માને છે. તેઓ એ ગ્રંથો પર હાથ મૂકીને શપથ લે છે. વાસ્તવમાં આ બધાં પુસ્તકો તો કાગળ અને શાહીરૂપે જ છે. એમ છતાં એનામાં જેમ પવિત્રતાનો આરોપ થાય છે એ જ રીતે મૂર્તિમાં પરમાત્માનો આરોપ થાય છે. ભૂગોળના શિક્ષક નકશા પર આંગળી મૂકીને રશિયા, અમેરિકા વગેરે દેશો બતાવે છે. હકીકતમાં એ રશિયા કે અમેરિકા નથી, પરંતુ સદૃશતાને કારણે આકારની અનુભૂતિ થાય છે. એ જ રીતે આવી સદૃશતાને કારણે જ પરમાત્માની મૂર્તિનો આવિર્ભાવ થાય છે અને એથી જ પરમાત્માની મૂર્તિમાં સાક્ષાત્ પરમેશ્વર બિરાજમાન છે એમ માનીને પરમાત્માના સત્યધર્મના ઉપદેશક તરીકે તેમનું ભાવપૂર્વક સ્મરણ કરીને એની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. દ્રવ્ય અને ભાવથી પૂજાનું વિસ્તૃત વર્ણન અને એનો મહિમા જૈન શાસ્ત્રકારોએ વર્ણવ્યો છે જ એ જાણી લેવો જોઈએ.

આ પણ વાંચો : નવકારમંત્ર ગ્રહણવિધિ નવકારને આત્મસાત્ કરવાની એક પ્રક્રિયા

સ્થળસંકોચને કારણે ‘શિકાગો પ્રશ્નોત્તર’ મહાગ્રંથમાંથી માત્ર બે પ્રશ્નોના ઉત્તરો જ અહીં આપી શકાયા છે. ‘શિકાગો પ્રશ્નોત્તર’ ગ્રંથ જિજ્ઞાસુઓના હાથમાં પહોંચે એ માટે આ ગ્રંથને પુન: પ્રકાશિત કરવાની ખાસ આવશ્યકતા છે. આત્મારામજી મહારાજના અન્ય ગ્રંથો પણ ફરી પ્રિન્ટ થાય તો આ યુગનું એક શકવર્તી કાર્ય થયેલું ગણાશે. જૈન સમાજના આવા અનેક જ્યોતિર્ધરોના ગ્રંથો એક વખત છપાયા પછી એને ફરીથી મુદ્રિત કરવામાં આવ્યા જ નથી. આવા-આવા ગ્રંથો જૈન ધર્મની અમૂલ્ય મૂડી છે, જ્ઞાનનો ખજાનો છે. આપણા મહાન પૂર્વાચાર્યો દ્વારા આ અમૂલ્ય ગ્રંથો સમગ્ર જૈન સમાજ માટે પરમ ઉપકારી છે. આવા આપણા અપ્રતિમ, પ્રાચીન ગ્રંથોનું પુન: પ્રકાશન કરવાનું કાર્ય કરવાનો જૈન સમાજ દ્વારા નિર્ણય લેવાય એ વાત સર્વથા યોગ્ય અને ઉચિત ગણાશે.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 03:05 PM IST | | ચીમનલાલ કલાધર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK