ક્લાઇમેટ અને ક્લાઇમૅક્સ:સમય આવી ગયો છે નેચરના રસ્તે ચાલવાનો,કુદરતનો સંગાથ લેવાનો

29 November, 2021 11:25 AM IST  |  Mumbai | Manoj Joshi

રિયલિટી એ છે કે આસામમાં આવું જ બન્યું હતું. હાથીની અવરજવરની જગ્યામાં જે ખેતર હતાં એ ખેતરના પાકને નુકસાન થતું હોવાથી લોકોએ હાથીની અવરજવર બંધ કરી દીધી, જેને લીધે બન્યું એવું કે હાથીઓનું ઝુંડ ગામમાં નુકસાન કરવા માંડ્યું.

પ્રતીકાત્મક તસવીર

પેન્ગ્વિન જ નહીં, ગઈ કાલે કહ્યું એમ, આપણે હાથી જેવા મહાકાય અને ચિત્તા જેવા ખૂનખાર પ્રાણીઓની લાઇફમાં પણ દખલ કરતા હતા. માનવામાં ન આવે એવી વાત ઍપલ ટીવીપ્લસની ડૉક્યુમેન્ટરી ‘ધી યર અર્થ ચેન્જ્ડ’માં પુરવાર થાય છે તો જો આ ડૉક્યુમેન્ટરી જોવાનો ટાઇમ ન હોય અને હિન્દી ફિલ્મ જોવાનો મૂડ હોય તો હમણાં રિલીઝ થઈને સુપરફ્લૉપ ગયેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ જોઈ લો. હાથીવાળી વાત તો તમને આ ફિલ્મમાં પણ સમજાઈ જશે.
‘હાથી મેરે સાથી’માં હાથીની અવરજવર કરવાની જગ્યા પચાવી પાડ્યાની વાત કરવામાં આવી છે. રિયલિટી એ છે કે આસામમાં આવું જ બન્યું હતું. હાથીની અવરજવરની જગ્યામાં જે ખેતર હતાં એ ખેતરના પાકને નુકસાન થતું હોવાથી લોકોએ હાથીની અવરજવર બંધ કરી દીધી, જેને લીધે બન્યું એવું કે હાથીઓનું ઝુંડ ગામમાં નુકસાન કરવા માંડ્યું. લોકોના એમાં જીવ પણ ગયા. લૉકડાઉનના પિરિયડમાં આ ઘટના વારંવાર બનવા માંડી અને એના પર ધ્યાન ૧૬ વર્ષની એક છોકરીનું ગયું. તેણે આખી વાતને પ્રૉપર્લી અૉબ્ઝર્વ કરી અને પછી એ જે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો એ રસ્તો ખોલ્યો.
રસ્તો ખૂલવાની સાથે હાથી સહજ અને સરળ રીતે એ માર્ગ પર ચાલવા માંડ્યા. મજાની વાત જુઓ તમે. એ છોકરી આટલું કરીને અટકી નહીં. તેણે સરકાર અને વનવિભાગને આ બાબતની જાણ કરી, લડત આપીને ખેડૂતોને બીજી જગ્યાએ જમીન અપાવી અને હાથી-ખેડૂત એમ બન્ને પક્ષનું હિત કર્યું. આ ઘટનાને ફિલ્મમાં જરા જુદી રીતે લેવામાં આવી છે, પણ એનો હાર્દ એ જ છે કે તમે એમના રસ્તામાં અડચણ ઊભી કરશો તો એ પણ અડચણ લઈને આવશે. આસામવાળી જે ઘટનાની તમને વાત કરી એ ઘટનાને પણ ઍપલ ટીવીપ્લસની ડૉક્યુમેન્ટરીમાં સમાવવામાં આવી છે. હાથી કેવું નુકસાન કરતા હતા અને એ નુકસાન કયા કારણસર થતું હતું એ વાત પણ એમાં સ્પષ્ટ કરવામાં આવી છે, તો સાથોસાથ એમાં ચંડીગઢથી દેખાયેલા હિમાલયને પણ દર્શાવવામાં આવ્યું છે. એ ફોટોગ્રાફ લેનારો જે યંગસ્ટર હતો તેનો ઇન્ટરવ્યુ પણ આ ડૉક્યુમેન્ટરીમાં છે. કહેવાનો ભાવાર્થ એ છે કે વન્ય પ્રાણીઓ જ્યારે પણ નડતર બન્યાં છે ત્યારે એ નડતરનો આરંભ માણસ દ્વારા થયો છે અને એમણે તો માત્ર જવાબ આપ્યો છે. જવાબ જ્યારે પણ આપવામાં આવ્યો છે ત્યારે બદનામી એ પ્રાણીઓની થઈ છે. કારણ, કારણ કે તેમની પાસે પ્રતિનિધિ નથી, તેમની પાસે કોઈ અખબાર નથી કે પછી તેમની પાસે રજૂઆત કરનારાઓ નથી. 
સ્વીકારવું જ પડે કે આપણે ઘૂસણખોર બન્યા છીએ અને આપણને જ આ ઘૂસણખોરી નડતર બની છે. જંગલ કાપીને આપણે ઘરમાં પ્લાસ્ટિકની લૉન પાથરીએ છીએ, જંગલો કાપીને આપણે ઘરની ગૅલરીમાં કુંડાં મૂકીએ છીએ, પણ એક વખત વિચાર કરજો કે જીવનશૈલી સુધારી લઈએ તો શું ફરક પડવાનો છે? સમય આવી ગયો છે જીવનને નવાં રંગરૂપ આપવાનો, સમય આવી ગયો છે જીવનને સાચી દિશા આપવાનો, સમય આવી ગયો છે જીવનને ફરીથી નેચર સાથે જોડવાનો.

columnists manoj joshi