સમય શુભારંભનો

30 September, 2021 07:50 AM IST  |  Mumbai | JD Majethia

સમય છે એકબીજાને સાથ આપવાનો અને એ એકબીજાનો સાથ લેવાનો. જો ઑનલાઇન શૉપિંગ કરીને આઇટમ ઘરે મગાવી શકાતી હોય તો પછી તમારા મનોરંજન માટે મહેનત કરતા કલાકારોને પણ સોસાયટીના કે પર્સનલ પ્રસંગમાં બોલાવી શકાય છે

સમય શુભારંભનો

આપણે વાત કરતા હતા કપરા કાળની અને એ કપરા કાળમાં કલાકારોએ વધારે આકરા દિવસો જોવાનો વારો આવ્યો. ગયા ગુરુવારે કહ્યું એમ કલાકારો, ટેક્નિશ્યનોથી માંડીને મોટા ભાગનાઓ કોઈ ને કોઈ અલગ-અલગ પ્રવૃત્તિના પ્રયત્ન કરે છે. કોઈ ઘરે ટિફિન બનાવવા માંડ્યું છે તો કોઈકે ચૉકલેટ અને બીજી વરાઇટી બનાવવાનું શરૂ કરી દીધું છે. કોઈ આ કામ કરે છે તો કોઈ પેલું કામ કરે છે. બધાના પ્રયત્ન ચાલુ છે અને એ પ્રયત્નો વચ્ચે સૌકોઈ સર્વાઇવ થવાની દિશામાં મથે છે. હમણાં કોઈકે સૅન્ડવિચનો ધંધો શરૂ કર્યો છે અને એનું નામ રાખ્યું છે જેડી. આપણા થિયેટરવાળા જ છે. 
જે હિંમત સૌ દેખાડે છે, જે મહેનત દરેક જણ કરે છે એ ખરેખર કાબિલે તારીફ છે. બધા લોકોએ માનસિક તાણમાંથી બહાર આવીને હિંમત કરીને કંઈક જુદું કર્યું છે એટલે તેમને વધાવવા જ રહ્યા, આ વધામણીનો સમય છે. નવી શરૂઆત કરવા માટે પણ બહુ બધી નવી હિંમત જોઈએ અને આ હિંમતને કારણે જ આજનું આ અસ્તિત્વ અકબંધ રહ્યું છે, પણ સાથોસાથ એ પણ હકીકત છે કે આ રીતે નવી શરૂઆત ઘણા લોકો કરી પણ નથી શક્યા. વર્ષોથી કલાકાર કલાને વરેલા છે એટલે કરે પણ શું અને ધારો કે કરવાનો પ્રયાસ કરે અને એમાં તેઓ નિષ્ફળ જાય તો ઊલટાની નુકસાની થાય અને એ નુકસાનીની જવાબદારી પણ પાછી પોતાના શિરે, તો એવા પણ અનેક છે જેમણે પ્રયાસ કર્યા અને એવા પણ અનેક કે જેમણે પ્રયાસ કરવાનું ટાળ્યું અને બસ, એમ જ ઘરમાં રહ્યા. એ કલાકારોને જોઈને જ મનમાં એક આઇડિયા આવ્યો. 
આપણા બિલ્ડિંગમાં કે સોસાયટીમાં નાના-નાના તહેવારો કે પ્રસંગો આવે એમાં તેમને આપણે બોલાવીએ. જો આપણે તહેવારો ઊજવતા હોઈએ તો ભલે તેઓ આપણી સાથે સામેલ થાય અને આપણા મનોરંજનમાં વધારો કરે. અફકોર્સ સોશ્યલ ડિસ્ટન્સ તો પાળવાનું જ છે અને એમાં કોઈ બેદરકારી દાખવવાની નથી, પણ એનું ધ્યાન રાખીને જો આપણે મનોરંજન માણવાનું શરૂ કરીએ તો તેમને પણ સપોર્ટ મળી જશે અને આપણને તો લાભ થવાનો જ. ઘરઆંગણે મનોરંજન મળશે. ઘરઆંગણે પરથી યાદ આવ્યું કે આજે આપણે બધું ઑનલાઇન મગાવતા થઈ ગયા છીએ, જ્યાં નથી જઈ શકતા એ બધું આપણે ઘરે મગાવી લઈએ છીએ તો આ રીતે લાઇવ મનોરંજન પણ ઘરે આવી શકે અને એનો આનંદ પણ સાવ જુદો જ છે. એનાથી બન્ને પક્ષને ફાયદો થશે.
આપણને એ લાઇવ મનોરંજનનો આનંદ મળશે અને આ જે કલા છે એ પણ સતત ચાલતી રહેશે. યાદ રાખજો કે કલા છે તો આપણા જીવનમાં આ બધો આનંદ છે અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે આપવાનો આનંદ લેવાનો છે. તમને સમજાવું. 
આપણે કોઈ પાસેથી કપડાં કે ઘરેણાં કે પછી એવી કોઈ આઇટમ નિયમિત લેતા હોઈએ કે પછી આપણે ત્યાં આવીને નિયમિત રીતે કોઈ ખાખરા ને ચેવડો ને એવી નાની-નાની આઇટમ આપી જતો હોય તેને જ્યારે જરૂર પડે ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? થોડી વાર માટે આપણે આપણી જરૂરિયાતને ભૂલીને સામેવાળાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને લઈ લઈએ અને પછી આપણે એ કોઈકને ગિફ્ટ આપી દઈએ. અરે હા, આ ગિફ્ટ તરીકે આપવામાં હું ઘરેણાંની વાત નથી કરતો, ઘરેણાં કોઈને ગિફ્ટ આપવાં હોય તો ‘મિડ-ડે’માંથી મારું ઍડ્રેસ લઈને મોકલાવી શકો છો, મારી પત્નીને બહુ શોખ છે ઘરેણાંનો. 
મૂળ વાત પર આવીએ, સમય છે એકબીજાને સાચવવા જોઈએ. કલાકાર તરીકે સતત મારા મનમાં આ વાત ચાલતી રહેતી હોય છે કે કલાકારને કેવી રીતે સાચવી લેવા અને કલાકારને સાચવવાનો સીધો અર્થ એ કે કલાને સાચવવી. હું પોતે કલાકાર છું, ગુજરાતી થિયેટર સાથે જોડાયેલો છું. મારું ઋણાનુબંધ જોડાયેલું છે એ બધા સાથે તો મને થયું કે કંઈક એવું કરું જેને લીધે આ લાઇવ પર્ફોર્મિંગ આર્ટ્સને સાથ અને હાથ બન્ને મળી જાય. આપણે લાઇવ પર્ફોર્મિંગ આર્ટ્સની વાત કરીએ છીએ ત્યારે મારે તમને કહેવું છે કે માત્ર ગુજરાતી નાટકના કલાકારો જ નહીં; જે સિંગર હોય, મ્યુઝિશ્યન હોય, બૅકસ્ટેજ, સેટ લગાડતા હોય, ઇસ્ત્રીવાળો અને એવા દરેક પ્રકારના લોકોને જો તમે કોઈ ને કોઈ રીતે તમારી સોસાયટીમાં લાવી શકતા હો, કોઈ કામ આપી શકતા હો અને સારી રીતે તેઓ સચવાઈ જતા હોય તો ખરેખર સૌકોઈ પર ઉપકાર થશે અને બન્નેનું અરસપરસ સચવાઈ પણ જશે. મજા આવશે, તમને મનથી આનંદ થશે એની ખાતરી હું તમને આપું છું. એક વાર કરી જોજો.
વિચારોના આ વહેણમાં હવે વાત કરવાની મનમાં ચાલતા અંતિમ વિચારની, અફઘાનિસ્તાનની. 
અચાનક કેવું વાતાવરણ બદલાઈ ગયું એ દેશમાં, પણ સાચું કહું, અત્યારે મને એમ લાગે છે કે આપણે હમણાં એટલે દૂર સુધી જવાની જરૂર નથી. આપણી આસપાસ જ એવું ટેરર જેવું વાતાવરણ ઊભું છે જે આપણને શાંતિથી જીવવા નથી દેતું. બહેતર છે કે બીજા દેશની ચિંતા કરવાને બદલે અત્યારે આપણે પોતે સક્ષમ થઈએ અને દરેક પરિસ્થિતિમાં હસતાં-હસતાં, સ્વસ્થતા સાથે મુશ્કેલીઓને હૅન્ડલ કરતાં શીખી જઈએ અને એ પછી દુનિયાઆખીની ફિકર કરીશું. કહે છેને કે કાજી ક્યોં દૂબલે?
આપણે દૂબળા થવાનું આવતું નથી એટલે અત્યારે પાસેનું-નજીકનું વિચારીએ અને સમય તો છે જ આપણી પાસે એટલે ભવિષ્યમાં આપણે લાંબું અને દૂરનું વિચારીશું. હમણાં જે પ્રકારનો માહોલ છે એને જોતાં આપણે અત્યારે કે પછી કાલે અને પરમ દિવસે શું થશે એના પર ધ્યાન આપીએ, એને બરાબર સાવચેતીથી સંભાળી લઈએ. વારંવાર કહીશ, ફરી ફરીને કહીશ કે સ્વસ્થ રહેજો અને એને માટે જે પણ કરવાનું હોય એ કરતા રહેજો. સૌથી પહેલું કામ સ્વસ્થતા જાળવવાનું કરજો, તંદુરસ્તી સાચવી રાખજો. તમે તંદુરસ્ત હશો તો કોઈ પણ પ્રકારની મુસીબતને હૅન્ડલ કરી શકશો અને મુસીબતને હૅન્ડલ કરવાની હાથવગી ચાવી છે મનને આનંદિત અને પ્રફુલ્લિત રાખવાની. 
થર્ડ વેવ આવશે નહીં એવું કહે છે, પણ એનો કોઈ ભરોસો નહીં, એટલે બેદરકારી રાખવાની નથી. કોરોના પછીના દિવસો બહુ સારા હશે એવું નહીં કહું, પણ એવું તો ચોક્કસ કહીશ કે એ દિવસો પહેલાં કરતાં વધારે શાંતિપ્રિય હશે. ઘરમાં, સોસાયટીમાં, શહેરમાં કે પછી સ્ટેટમાં ક્યાંય પરિસ્થિતિ બગડે નહીં એનું ધ્યાન રાખીને આગળ વધજો. હવે હું રજા લઉં, પણ રજા લેતાં પહેલાં કહેવાનું કે વૅક્સિનનો ડોઝ ભુલાય નહીં. બહુ જરૂરી છે. આઇપીએલ જોતા હો તો પણ વૅક્સિન ભુલાઈ ન જાય અને ‘વાગલે કી દુનિયા’ જોતા હો તો પણ વૅક્સિન જેવી અગત્યતા વીસરી ન જવાય એનું ધ્યાન રાખજો.
એક વાત યાદ રાખજો કે તમે છો તો હું છું, અમે છીએ.

આભાર.

આજે આપણે બધું ઑનલાઇન મગાવતા થઈ ગયા છીએ, જ્યાં નથી જઈ શકતા એ બધું આપણે ઘરે મગાવી લઈએ છીએ તો આ રીતે લાઇવ મનોરંજન પણ ઘરે આવી શકે અને એનો આનંદ પણ સાવ જુદો જ છે. એનાથી બન્ને પક્ષને ફાયદો થશે. કલાકારોને ગમતું કામ મળશે અને તમને ઘેરબેઠાં મનોરંજન મળશે.

columnists JD Majethia