કોરોના અને કાચિંડો : માત્ર વાઇરસ નહીં આ તો બુદ્ધિશાળી વાઇરસ હોય એવું વર્તે છે

10 April, 2021 10:56 AM IST  |  Mumbai | Manoj Joshi

જરા પણ શરમ કે સંકોચ રાખ્યા વિના જો કહેવાનું હોય તો કહી શકાય કે કોરોના કાળ પૂરો થયા પછી પણ આપણે કોરોનાના ઓછાયામાંથી બહાર નથી આવવાના. ના, નહીં આવીએ આપણે એ કાળમાંથી તરત જ બહાર.

GMD Logo

લોકો મનથી અપસેટ થઈ રહ્યા છે. હા અપસેટનેસ વધી રહી છે અને વધતી જતી આ અપસેટનેસ વચ્ચે એક જ વાત સમજવાની છે કે જે સૌનું થવાનું છે એ જ તમારું થવાનું છે. અત્યારે સપનાઓને લિમિટ આપવાની છે, અત્યારે વિચારોને મર્યાદા આપવાની છે અને અત્યારે વ્યવહારમાં પણ મર્યાદાઓ બાંધવાની છે. લિમિટલેસ બહુ જીવ્યા હવે, લિમિટ સાથે જીવવાનું છે. થોડો સમય, પણ જીવવાનું છે એ નક્કી છે અને જો એ જીવતાં શીખી જશો તો કોઈ અપસેટનેસ તમને હેરાન નહીં કરે. જરા પણ શરમ કે સંકોચ રાખ્યા વિના જો કહેવાનું હોય તો કહી શકાય કે કોરોના કાળ પૂરો થયા પછી પણ આપણે કોરોનાના ઓછાયામાંથી બહાર નથી આવવાના. ના, નહીં આવીએ આપણે એ કાળમાંથી તરત જ બહાર.
પેલી કહેવત છે ને, સાપ ગયા પણ લીસોટા રહી ગયા. કોરોનાને પણ એ લાગુ પડે છે. એ જશે પછી પણ એની કથની એ પાછળ છોડીને જશે અને એ કથની ક્યાંક અને ક્યાંક માણસને તકલીફ આપવાનું કામ કરશે, પણ હવે એટલું સમજવું પડશે કે વ્યવહારુ થવું પડશે અને પ્રેક્ટિકલ બનીને રસ્તાઓને સ્વીકારવા પણ પડશે. જો એ સ્વીકારવામાં તકલીફ પડી તો ચોક્કસપણે તકલીફ વધશે. સમય મુજબ ચાલવું પડશે અને સમય મુજબ ચાલીને પરિસ્થિતિને સહજ રીતે સ્વીકારવી પડશે. હવે પહેલાં જેવો સમય આવતાં સહેજે એકથી દોઢ વર્ષ નીકળી જાય એવું બની શકે છે, પણ એવું બનવાનું છે એવી માનસિકતા અત્યારથી જ મનમાં ભરી લેવામાં આવશે તો આ જે વચ્ચેનો સમય છે એ સરળતાથી પસાર થશે.
કોવિડના કારણે શું-શું ગુમાવ્યું એ જોવાને બદલે વિચારો કે કોવિડના કારણે શું-શું સમજણ આવી. કોવિડ વચ્ચે જો એવું ધારીને બેસી રહેશો કે ઘણુંબધું ગુમાવ્યું, તો અફસોસ પારાવાર થશે અને એ અફસોસ અપસેટનેસ વધારશે, પણ ધારો કે વિચારોની દિશા હકારાત્મક રાખીને આગળ વધ્યા અને ઈશ્વરની મહેરબાનીને જોવાની દિશા પકડી તો ચોક્કસ ખુશી થશે. ભલભલાના પ્લાનિંગ આ સમયમાં બગડી ગયા છે. અબજોપતિઓએ પણ બધું પડતું મૂકી દેવું પડ્યું એ પણ આંખ સામે છે અને માલેતુજારોએ પણ બધું ભૂલવું પડ્યું એ પણ સૌ કોઈને દેખાય છે. એવા સમયે સૅલરી ઓછી લાગવાની ફરિયાદ કરવા કરતાં વિચારવું કે સેંકડો લોકોની સૅલરી બંધ થઈ ગઈ છે. આ એ સમય છે જે સમયમાં કામ કરવા મળે એ જ મોટી વાત કહેવાય. એવા સમયે આમદનીનું મૂલ્યાંકન કરવાને બદલે શ્રેષ્ઠ રીતે કામ થતું રહે અને ઉત્તમ રીતે એ કામની ડિલિવરી થતી રહે એ જરૂરી છે. જો કામ બેસ્ટ રીતે કરશો તો સારા સમયમાં ચોક્કસપણે વધુ સારું વળતર મળશે એવું ધારી શકાય, પણ ફરિયાદ કરવાની માનસિકતા છોડવી અનિવાર્ય છે. કોવિડ વચ્ચે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ સ્વજન ગુમાવવાનો વારો આપણો ન આવ્યો હોય તો એનાથી ઉત્તમ બીજું શું હોય. ભગવાનનો પાડ માનો અને એ પાડ માનતી વખતે એ પણ વિચારો કે બહેતર છે કે સપનાંઓ જ તૂટ્યાં, સ્વજનોનો સાથ નહીં.

columnists manoj joshi