ટીવીની ઑડિયન્સમાં ફરક નથી પડ્યો ત્યારે એની કન્ટેન્ટમાં બદલાવની અપેક્ષા ખોટી છે

14 January, 2023 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે પણ લોકો ટીવી પર સાસુ-વહુ અને પારિવારિક વિષયો સાથે થતા કાવાદાવા અને ઉત્સવોને જોવાનું પસંદ કરે છે અને ધારો કે કોઈ વિપરીત વિષયો લઈને આવે છે તો એ સબ્જેક્ટ ટીઆરપીમાંથી ફેંકાઈ જાય છે. 

ટીવીની ઑડિયન્સમાં ફરક નથી પડ્યો ત્યારે એની કન્ટેન્ટમાં બદલાવની અપેક્ષા ખોટી છે

લગભગ ૨પ વર્ષની કારકિર્દી દરમ્યાન મેં સતત બધું બદલાતું જોયું છે, પણ મેજર બદલાવ ન દેખાયો હોય એવું કંઈ જોયું હોય તો એ છે ટેલિવિઝન. આજથી ૧૫-૨૦ વર્ષ પહેલાં પણ ટીવીમાં જે પ્રકારના કન્ટેન્ટની ડિમાન્ડ હતી એ જ પ્રકારના સબ્જેક્ટ આજે પણ હિટ છે. આજે પણ લોકો ટીવી પર સાસુ-વહુ અને પારિવારિક વિષયો સાથે થતા કાવાદાવા અને ઉત્સવોને જોવાનું પસંદ કરે છે અને ધારો કે કોઈ વિપરીત વિષયો લઈને આવે છે તો એ સબ્જેક્ટ ટીઆરપીમાંથી ફેંકાઈ જાય છે. 

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ દ્વારા ક્યાંક ને ક્યાંક અમારા થકી જ ડેઇલી સોપનો જે ટ્રેન્ડ ઊભો થયો છે એમાં બહુ લાંબો ફરક નથી આવ્યો. એનું કારણ તમને સૌથી પહેલાં સમજાવું. પહેલાં તો એ સમજવું જોઈએ કે ટીવીમાં બદલાવ બહુ ધીમી ગતિએ અને તબક્કાવાર આવતો હોય છે. જેમ કે અત્યારે ખૂબ પૉપ્યુલર થયેલી ‘અનુપમા’ સિરિયલ જ તમે લઈ લો. એ જ પ્રકારના સબ્જેક્ટ પર એક સિરિયલ આજથી પંદર વર્ષ પહેલાં બાલાજીના બૅનર હેઠળ અમે બનાવી હતી, જેનું નામ હતું ‘કહના હૈ કુછ મુઝ કો.’ એ સિરિયલમાં પણ એક મિડલ એજ મહિલા છે, જેનાં બે બાળકો છે. પતિનું ક્યાંક અફેર ચાલે છે અને પછી તે નવેસરથી જીવનનો દોર પોતાના હાથમાં લે છે. ત્યારે એ સબ્જેક્ટ નહોતો ચાલ્યો, પણ આજે એ સબ્જેક્ટ સુપરહિટ થયો છે. ત્યારે ન ચાલ્યો એનાં ઘણાં કારણ હતાં, પણ જો મેઇન વાત કહેવી હોય તો કહી શકાય કે એ સમયે અમે આ પ્રકારના સબ્જેક્ટ માટે સમયથી વહેલાં હતાં અને એ જ કારણ હતું કે એ સબ્જેક્ટ ત્યારે નહોતો ચાલ્યો. તમે વિચારો કે આ સબ્જેક્ટને પંદર વર્ષ પછીની ઑડિયન્સે સ્વીકાર્યો. આ જ ટીવીની પેસ છે. 

ટેલિવિઝનની ઑડિયન્સને ઓળખીને જો કામ કરશો તો સફળતા મળશે, કારણ કે ટેલિવિઝન બહુ સ્લોલી પ્રોગ્રેસ તરફ આગળ વધતું માધ્યમ છે. આ જ કારણ છે જ્યારે મને કોઈ પૂછે કે ઓટીટીના જમાનામાં ટીવીને અસર થશે ત્યારે મારો જવાબ તદ્દન અને સ્પષ્ટ ના હોય છે, કારણ કે ઓટીટી-ઑડિયન્સ અને ટીવી-ઑડિયન્સ તદ્દન જુદું અને એકબીજાથી અલગ દિશામાં જીવનારું હોય છે. ધારો કે ટીવીની ઑડિયન્સ ઓટીટી પર જાય છે તો એ ત્યાં જઈને કશું નવું નથી જોતી, પણ પોતાના મિસ થયેલા સિરિયલના એપિસોડ જ જુએ છે અને એ માટે જ જાય છે. 
મેલ ઑડિયન્સ ક્યારેય ટીવીની હતી જ નહીં. પહેલાં પણ અને આજે પણ ટીવી જોવામાં હાઉસવાઇફ જ સૌથી અગ્રેસર રહી છે. આપણી દાદી-નાની, મમ્મી જ છે જે આજે પણ રિલિજિયસલી સિરિયલો જુએ છે અને એમાં તે કોઈ કૉમ્પ્રોમાઇઝ કરવા પણ તૈયાર નથી થતી. હું તમને મારો જ દાખલો આપું. 

હમણાં હું નોએડા મારી મમ્મીને મળવા ગયેલી. મારી મમ્મી બહુ વેલ એજ્યુકેટેડ છે અને પોતાની રીતે ખાસ્સી ઍક્ટિવ છે, પણ એ પછીયે સાંજે ૭થી ૧૦નો ટાઇમ એ તેનો ટીવી જોવાનો ટાઇમ છે. એટલે સુધી કે હું ત્યાં હતી એ દરમ્યાન સાંજના સમયે ધારો કે મને કૉલ આવ્યો હોય અને હું ટીવીનો અવાજ ધીમો કરવા કહું તો એમાં પણ તે મને સ્પષ્ટતા સાથે કહી દે કે તું બીજી રૂમમાં જઈને વાત કર, આ ટાઇમે મને ડિસ્ટર્બન્સ ન જોઈએ. આ કહેતી વખતે તેને કોઈ સંકોચ પણ ન થતો હોય. આ ટીવીની અસલી ઑડિયન્સ છે, જેમાં તે પોતાના ટીવી-ટાઇમમાં જે પણ સિરિયલ જોવાની છે એની રાહ જોતી હોય છે અને આ આજે પણ એ જ સ્તરે ચાલે છે જેટલું વર્ષો પહેલાં ચાલતું હતું.

તમે ઑડિયન્સને જુદું આપશો જ નહીં તો કેવી રીતે તે નવા કન્ટેન્ટનો સ્વીકાર કરશે એવી દલીલ કેટલાક લોકો સતત કરે છે, પરંતુ એવું નથી કે પ્રયોગ થતા નથી, પણ એક હકીકત એ પણ છે કે નવા પ્રયોગોમાં ભાગ્યે જ કોઈ પ્રયોગ સફળ થતો હોય છે. જેમ કે અમે જ કલર્સ પર ‘ટ્વેન્ટીફોર’ નામની સિરિયલ બનાવી, જેમાં અનિલ કપૂર સહિત અનેક દિગ્ગજ ઍક્ટરો હતા, પણ એ રૅન્કિંગ્સમાં ન ચાલી. આ પ્રકારે ઘણા લોકોએ અઢળક પ્રયોગ કર્યા અને પછી એ પ્રોજેક્ટ અધવચ્ચે જ વાઇન્ડઅપ કરવા પડ્યા. આ બિઝનેસ છે અને કોઈ ચૅનલ ખોટ ખાઈને તો નવા સબ્જેક્ટ માટેના અખતરાને ખુલ્લો દોર નહીં જ આપે. ઊલટાનું ઓટીટી આવ્યા પછી ઑડિયન્સમાં માટે બહુ ક્લૅરિટી આવી ગઈ છે. 

ઓટીટી પરનો વર્ગ પોતાની ચૉઇસ મુજબનું કન્ટેન્ટ પોતાના હાથમાં રાખે છે. તમારે ક્રાઇમ-ફિક્શન, સાયન્સ-ફિક્શન, ડ્રામા, લવસ્ટોરી જેવું જે પણ જોવું હોય એ તમે આંગળીના વેઢે જોઈ લો. ટીવી જોનારાઓને ફિક્શનમાં સાથે પણ એક્ઝાગ્રેશન સાથેનો ડ્રામા વધુ ગમતો હોય છે અને એટલે જ આપણે ત્યાં ‘નાગિન’ ચાલી જાય છે. એ ગ્લૅમર નાનાં સિટી અને ગામડાંઓની ઑડિયન્સને આજે પણ આકર્ષે છે. આજે પણ હેવી સાડી સાથે બહુ બધી જ્વેલરી પહેરેલી ઍક્ટ્રેસ અને એમાં ચાલતા જાતજાતના ફૅમિલી ડ્રામામાં લોકો ઇન્વૉલ્વ થાય છે. એમાંથી તે પોતાની લાઇફમાં અમુક ઇન્સ્પિરેશન પણ લે છે. જેમ કે ફલાણી સિરિયલની હલદીની રસમમાં પેલી ઍક્ટ્રેસે જે પહેર્યું હતું એવું જ હું પણ કરાવીશ અથવા તો ‘બડે અચ્છે લગતે હૈં’માં પેલી ઍક્ટ્રેસે સાસરામાં પડતી તકલીફોને જે પૉઝિટિવિટી સાથે ટેકલ કરી હતી એવું હું કરીશ એવું ધારી લેનારા પણ સેંકડો લોકો છે. 

પહેલાં પણ પુરુષો સિરિયલો માટે ટાર્ગેટ ઑડિયન્સ નહોતા અને આજે પણ નથી. હા, એટલું ચોક્કસ છે કે પુરુષોની ફીડબૅક આપવાની રીત હવે બદલાઈ છે. પહેલાં હું અને એકતા કપૂર ચાલીને સિદ્ધિવિનાયક દર્શન માટે જતાં ત્યારે ઘણા પુરુષો રસ્તામાં મળે અને અમને કહે કે પેલી સિરિયલમાં તમે આવું દેખાડો છો એ બરાબર નથી અને પેલું દેખાડ્યું એ વધારે સારું હતું. આજે એ ફીડબૅક સોશ્યલ મીડિયા પર મળે છે. બાકી કન્ટેન્ટમાં આપણે સૌએ એ સ્વીકારવું પડશે કે આજે પણ, છેલ્લાં પંદર વર્ષમાં ઑડિયન્સની પસંદમાં બહુ મેજર બદલાવ નથી આવ્યો એટલે કન્ટેન્ટમાં પણ તમને લાંબો ફરક નહીં દેખાય. આજે પણ જો તમે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ અથવા તો ‘કસૌટી ઝિંદગી કી’ની જ સ્ટોરીને સહેજ જુદી રીતે ફરીથી રિવાઇવ કરીને મૂકો તો લોકો પસંદ કરશે જ. અત્યારે તમે ડ્રાસ્ટિક ચેન્જ સાથેની સ્ટોરી કે કન્ટેન્ટ મૂકશો તો એ સ્વીકાર્ય નહીં બને અને ચૅનલ પણ જે પ્રોજેક્ટને રિસ્પૉન્સ નથી મળતો એવા આઉટ ઑફ ધ બૉક્સ વિષયોનું જલદી પૅકઅપ કરાવી દે છે. આ વાતને તમે તો જ ઇઝીલી એક્સેપ્ટ કરી શકશો, જો તમને સમજાશે કે ટીવી એ આપણા ઘરમાં દાદા-નાની અને મા માટે બન્યાં છે. બીજી મહત્ત્વની વાત, જે પ્રમાણમાં આપણા દેશની વસ્તી છે એની તુલનાએ આજે પણ બહુ મોટો વર્ગ એવો છે જેમના ઘરે ટીવી નથી અને આવતાં ૨૦ વર્ષ સુધી ઘણાં ઘરોમાં ટીવી લક્ઝરી જ રહેશે અને ટીવી જ્યાં સુધી લક્ઝરી છે ત્યાં સુધી એની અલાયદી ઑડિયન્સમાં પણ કોઈ ફરક પડવાનો નથી.

નવું શીખવાની ઇચ્છા કામ આવશે
ટીવી અને એન્ટરટેઇનમેન્ટ મીડિયા સાથે હું જ્યારે જોડાઈ ત્યારે અમારામાં ટૉલરન્સ અને જોડાયેલા રહીને એક જ જગ્યાએ કામ કરવાની તૈયારી હતી. એ જ કારણ હતું કે હું પંદર વર્ષ એકધારી બાલાજી ટેલિફિલ્મ્સમાં એકતા કપૂર સાથે કામ કરી શકી. આજની પેઢી શૉર્ટ ટર્મ ગોલ સાથે આગળ વધે છે. તેમને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોઈએ છે અને એટલે જ એ એક જગ્યાએ નહીં ફાવ્યું તો તરત જ બીજી જગ્યાએ અને બીજી જગ્યાએ ન ફાવ્યું તો ત્રીજી જગ્યાએ જવામાં સંકોચ નથી અનુભવતી. એ પણ સાચું કે અમારી પાસે એ સમયે આજ જેટલા ઑપ્શન નહોતા, પણ એ જ રીતે અમારા સમયમાં આટલા છૂટથી કામના લોકો પણ નહોતા મળતા. આજની પેઢીએ એક જગ્યાએ થોડો લાંબો સમય ટકીને કામ શીખવાની આવડત કેળવવાની બહુ જરૂર છે, કારણ કે તમારા બાયોડેટામાં આવનારા સમયમાં તમે કેટલી જગ્યાએ કામ કર્યું એના કરતાં પણ એક જ જગ્યાએ કેટલું કામ કર્યું છે એ મહત્ત્વની બાબત બનશે, કારણ કે એક જગ્યાએ લાંબો સમય કામ કરવું એ તમારું ટૉલરન્સ, ટકી રહેવાની તમારી જીદ, નવું શીખવાની તમારી દાનત અને કંપનીના એમ્પ્લૉઈની વિશ્વસનીયતા જીત્યાનું પ્રમાણપત્ર પણ બને છે એ ખાસ યાદ રાખવું જોઈએ.

columnists saturday special television news indian television